[1] પરબની પ્રેરણા – અમૃત મોરારજી

મુંબઈમાં ઠંડા પીણાં અને મિનરલ વૉટરની કંપનીઓના માલિક વસંતલાલ શેઠ પોતાની વાનમાં નાના ગામડામાં આવી રહ્યા છે. એમના વતનના ફાર્મ હાઉસ ‘વસંત વિહાર’માં આજે એક રાત રોકાવાના છે. શેઠ વર્ષમાં એકાદ વાર ગામમાં આવે. રાત્રીરોકાણ કરી સવારે ચાલ્યા જાય.

આજે ઉનાળાની કાળઝાળ ગરમી છે. વાનમાં બેઠેલા સૌને તરસ લાગી છે. ‘વસંત વિહાર’ હજુ લગભગ સાતેક કિલોમીટર દૂર છે. વાનમાં લાવવામાં આવેલ તમામ ઠંડાં પીણાં અને મિનરલ વૉટરની બાટલીઓ પીવાઈને પૂરી થઈ ગયેલ છે. પાણી વિના મિનિટ પણ રહી શકાય એમ નથી, પણ પાણી મળી શકે એમ નથી. માર્ગની બંને બાજુ બસ વગડો જ છે. ચારેક કિલોમીટર વાન આગળ વધી પછી અચાનક એક નાના સરખા પરબનાં દર્શન થતાં વાન ત્યાં ઊભી રાખી સૌએ પરબના મટકાનું ઠંડું પાણી પી તરસ ભાંગી. શેઠે રૂપિયા પાંચસોની નોટ પરબનું પાણી પાનાર વૃદ્ધા સામે ધરી.

‘ના, પૈસા ના જોઈએ. મૃત્યુ પામેલા મારા યુવાન પુત્રના આત્માની શાંતિ માટે ઉનાળામાં પરબ માંડી મફત પાણી પીવડાવું છું. ગરીબ વિધવા છું. ગામમાં પાણીની બહુ જ તંગી છે, પણ આ સિવાય હું કંઈ કરી શકું એમ નથી.’ વૃદ્ધાએ પૈસા લેવાની ના પાડતાં કહ્યું.

શેઠ વાન આગળ હંકારી ગયા, પણ આ ઘટનાની એમના મન પર ઘણી જ અસર થઈ. એક વૃદ્ધ ગરીબ વિધવા લોકોને પરબ માંડી મફત પાણી પીવડાવે અને હું ઠંડાં પીણાં અને મિનરલ વૉટરની કંપનીઓનો કરોડપતિ શેઠ પોતાના ગામ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી કરી શકતો ? આ વિચારથી શેઠ વસંતલાલ દુઃખી થઈ ગયા. વસંતલાલે ગામમાં પાણીની યોજના કરવા મનમાં પાકો નિર્ણય કરી લીધો.


આજે મોડી રાત્રે બાર વાગ્યા પછી ‘વસંત વિહાર’ ફાર્મ હાઉસમાં ગામના સરપંચ રમણલાલ, યુવાન સામાજિક કાર્યકર અને શિક્ષક ભાવેશ સાથે શેઠ વસંતલાલની વાતચીત શરૂ થઈ.
‘આ ભાવેશ મુંબઈમાં ચાળીસ હજારની નોકરી છોડી ગામમાં જનસેવા અને ગામકલ્યાણનાં કામ કરવા આવ્યો છે. અહીં છ હજારની શિક્ષકની નોકરી કરે છે અને ગામમાં સામાજિક તેમ જ જનકલ્યાણનાં કામો કરે છે.’ એમ સરપંચ રમણલાલે કહ્યું.

‘ધન્યવાદ ભાવેશને. ગામને અને દેશને આજે આવા જ યુવાનોની જરૂર છે.’ શેઠ વસંતલાલે કહ્યું.
‘શેઠ, આ ગામને સૌથી મોટી તકલીફ પાણીની છે. ચાર કિલોમીટર દૂર આવેલી નદી સુધી ગામલોકોએ પાણી ભરવા જવું પડે છે. અમારી ઈચ્છા એ નદીમાંથી પાણી ગામમાં લાવવાની છે. તે માટે ચાર કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખી મોટું જળાશય બનાવવું પડે. એક કરોડ દસ લાખનો ખર્ચ થવા સંભવ છે. સરકાર આગળ રજૂઆત કરી છે, પણ વાત આગળ વધતી નથી.’ ભાવેશે ગામમાં પાણીની તકલીફની વાત કરતાં કહ્યું.

‘એમાં હવે સરકારી મદદની શી જરૂર, ભાવેશ ?’ વસંતલાલે પ્રશ્ન કરતાં કહ્યું.

‘પણ શેઠ, આટલી મોટી રકમ લાવવી ક્યાંથી ?’ ભાવેશે પ્રશ્ન કર્યો.

‘જો ગામની એક વૃદ્ધ ગરીબ વિધવા ઉનાળામાં પરબ માંડી ગામલોકોને મફત પાણી પીવડાવતી હોય તો હું ઠંડા પીણાં અને મિનરલ વૉટરની કંપનીનો માલિક કરોડપતિ શેઠ મારા વતન-ગામમાં એક જળાશય ન બનાવી શકું ?’ શેઠે વધુ એક પ્રશ્ન પૂછતાં કહ્યું.

‘તો શેઠ તમો અમારા ભગવાન.’ સરપંચ રમણલાલે કહ્યું.

‘દાન જરૂરતમંદો પ્રત્યે દાનવીરનું એક સામાન્ય અને સામાજિક કર્તવ્ય છે. દાન કરવાથી માનવ ભગવાન સમાન ન ગણાય. ચાલો તમે શરૂ કરો જળાશય બનાવવાનું કામ. તમામ ખર્ચ અને બીજી મદદ મારા તરફથી મળશે. આ લો દસ કોરા ચેક. ભાવેશ અને રમણલાલ, મને તમારા પર પૂરો વિશ્વાસ છે.’ શેઠે પોતાની સહીવાળા કોરા ચેકો આપતાં કહ્યું. અને માત્ર એક જ વર્ષમાં સૌના સહકારથી ગામમાં પાણીથી ભરપૂર જળાશય બની ગયું. ગરીબ-વૃદ્ધ વિધવાના પરબની પ્રેરણાથી બનેલા આ જળાશયનું નામ શેઠના કહેવાથી વૃદ્ધાના નામ પરથી ‘ગંગા-જળાશય’ રાખવામાં આવ્યું. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

[2] હજારો મુખ – મૃગેશ શાહ

હમણાં થોડા દિવસ અગાઉ બહારગામથી પરત ફરતાં હું વડોદરા બસ-સ્ટેશને ઊતર્યો અને રિક્ષા લીધી. રિક્ષાવાળો ભારે બોલકણો નીકળ્યો. સ્ટેશનથી ઘર સુધીના આશરે પંદર મિનિટના અંતરમાં તો એણે જાણે દેશભરની તમામ સમસ્યાઓ વિશે એક નાનકડું વક્તવ્ય આપી દીધું ! એમાં મારે તો ફરજિયાત શ્રોતા બનીને સાંભળવાનું જ હતું. સૌથી પહેલાં તો એણે મીટર ના પાડ્યું.

મેં પૂછ્યું : ‘આમ કેમ, ભાઈ ?’

તો કહે : ‘આ તો મેં ઝાડ નીચે ખાલી રિક્ષા ઊભી રાખી હતી. હવે આ ડિવાઈડર ગોળ ફરીને અહીં સામે છેડે આવીશું ત્યારથી જ તમારું મીટર શરૂ થયું કહેવાય, એટલે એ વખતે હું મીટર પાડીશ.’ હું મનોમન બોલ્યો કે ‘ગજબ છે ભાઈ ! વાહ.’

એ પછી તો એણે નાની-મોટી ગલીઓમાંથી રિક્ષા સડસડાટ લેવા માંડી. એટલું જ અસ્ખલિત એનું બોલવાનું પણ ચાલુ રહ્યું. મને કહે : ‘હવે આ જુઓ. ઘોંઘાટિયા તહેવારો આવ્યા. ચારે બાજુ ઘોંઘાટ થશે. આ બધી શેરીઓમાં ગણપતિ બેસાડ્યા છે, એ શેની માટે ખબર છે ?’

‘ના…’ મેં કહ્યું… કારણ કે મારે તો બોલવાનું હતું જ નહિ !

‘એ બહાને નાચ-ગાન અને પાર્ટી. ગણપતિ બેસાડીને લોકો ડાન્સ કરશે. મોટે મોટેથી ગીતો વગાડશે. હજી નવરાત્રિ તો ઊભી જ છે. ફરવાનું લાયસન્સ ! મને શું લાગે છે… તમને કહું, સા’બ ?’

‘શું ?’

‘જગતના બધા ધર્મો બાજુએ મૂકીને માનવધર્મની વાત કરવી જોઈએ, ખરું કે નહીં ?’

‘હા એ તો છે….’

‘એ જ ને ! આટલા પૈસા ઊઘરાવીને પોતાની સોસાયટીનો રસ્તો કોઈ સરખો કરી શકતાં નથી. આ જુઓ કેટલા ખાડા છે ! પછી કંઈ પણ થાય કે વાંક સરકારનો કાઢી બેસી રહેવાનું…. શું થાય ? આ શિક્ષિતોમાં સંપ જ નથી. દરેકને પોતાની ડિગ્રીઓનો અહંકાર નડે છે…. ’

‘જી…..’ હું મનોમન ગણતો હતો કે આટલા વાર્તાલાપમાં સમાજદર્શન, ધર્મ, શિક્ષણ, રાજકારણ અને કેટકેટલા વિષયો આવી ગયા !

એટલામાં તો રિક્ષા મુખ્ય રસ્તા પર આવી ગઈ.

અચાનક એણે બહાર આંગળી ચીંધીને વિષય બદલ્યો, મને કહે : ‘આ જુઓ… આ જુઓ… આ છોકરીઓના કપડાં જુઓ ! છે કશી શરમ ? પછી કહે છે કે અમે હેરાન થઈએ છીએ… તે થાઓ જ ને ! એ જ લાગના છો ! માતાપિતા પાછો એનો ગર્વ લે છે, અને કહેવાય છે પાછા સંસ્કારી કુટુંબના ! આવા સંસ્કાર ? માતાપિતાય આખો દિવસ ટીવીમાં એ જ જુએ અને એમ માને કે પોતાના સંતાનો મોર્ડન થઈ ગયા છે !’ હું વિચારતો હતો કે આ માણસ લોકોના જીવનનો અભ્યાસી લાગે છે. કંઈક વાંચતો પણ હશે, પણ હજી કંઈ એ વિશે બોલ્યો નથી. ત્યાં તો એણે એ જ વાત કરી :

‘આ એમના કહેવાતા મોર્ડન સંતાનો કંઈક સારું વાંચતા હશે ખરા ?’

‘વાહ…વાહ.. વારી જાઉં…’ એમ હું એકદમ ધીમેથી બોલ્યો.

ત્યાં તો ઘર આવ્યું એટલે એમણે રેટકાર્ડ પ્રમાણે બરાબર યોગ્ય પૈસા લીધા. પછી ધીમેથી મને કહ્યું : ‘આવું છે બધું દુનિયામાં…. એની વચ્ચે આપણે તો ફરતા રહેવાનું છે… ખરું ને ?’

‘હા… એકદમ ખરું’ મેં બેગ હાથમાં લેતાં કહ્યું. એ ભાઈએ રિક્ષા વળાવી ત્યાં સુધી હું તેમને જોઈ વિચારતો રહ્યો કે પેલો સુપ્રસિદ્ધ મંત્ર એકદમ સાચો છે જે કહે છે કે ‘ઈશ્વરના હજારો મુખ છે….’ એ કોઈ પણ મુખથી બોલી શકે છે. જો કાન વ્યવસ્થિત હોય તો સાંભળી શકાય.

[3] જીવનલક્ષ્ય – ઈન્દુ પંડ્યા

પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ પહોંચ્યા, જ્યાં દૂર દૂર સુધી વસ્તી દેખાતી ન હતી. સાંજ પડી ગઈ. અંધકાર ફેલાઈ ગયો, ત્યારે થોડેક દૂર દીવાનો ઝાંખો પ્રકાશ દેખાયો. શિવાજી એ તરફ ગયા તો સામે એક ઝૂંપડી જોઈ. એક વૃદ્ધા ઝૂંપડીમાંથી બહાર આવી અને એ અતિથિને અંદર લઈ ગઈ. શિવાજી થાકેલા અને ભૂખ્યા હતા. વૃદ્ધા એમને વ્યાકુળ જોઈને સમજી ગઈ. તેણે પાણી ગરમ કરીને હાથ-પગ ધોવાનું કહ્યું. બેસવા માટે ચટ્ટાઈ પાથરી દીધી. શિવાજી હાથ-પગ મોં ધોઈને આરામથી બેઠા. થોડી વાર બાદ વૃદ્ધા ગરમાગરમ કોદરી થાળીમાં પીરસીને રાખી ગઈ.

શિવાજીને કકડીને ભૂખ લાગી હતી. તરત જ ખાવા માટે હાથ નાખ્યો કે દાઝીને હાથ પાછો ખેંચીને ઝાટકવા માંડ્યા. વૃદ્ધાએ એ જોયું અને બોલી ઊઠી : ‘તું તો શિવા જેવા સ્વભાવનો લાગે છે.’

શિવાજીએ પૂછ્યું : ‘માતા, તેં શિવા સાથે મારી સરખામણી કઈ રીતે કરી ?’

વૃદ્ધા બોલી : ‘જે રીતે શિવા આસપાસના નાના નાના કિલ્લા જીતવાને બદલે મોટા-મોટા કિલ્લાને જીતવાની ઉતાવળ કરે છે, એમ તું પણ કિનારી પર ઠંડી થયેલી વાની ખાવાને બદલે વચ્ચેથી મોટો કોળિયો ભરવા જતાં હાથ દઝાડ્યો. બેટા, ઉતાવળે કામ કરવાથી કામ બનતું નથી, બગડે છે. માણસે ઉન્નતી માટે નાનાં નાનાં ડગલાં ભરીને સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ. ઉતાવળથી મોટાં મોટાં ડગલાં ભરીને કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. જે દિવસે શિવા નાના નાના કિલ્લાથી પોતાનું વિજય અભિયાન શરૂ કરશે, ત્યારથી તેણે ક્યારેય પીછે હઠ કરવાની આવશ્યકતા નહીં રહે. અને એક દિવસ એવો આવશે જ્યારે તે એનું મનવાંછિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.’ શિવાજીએ પેલી વૃદ્ધાની શિખામણ ગાંઠે બાંધી લીધી, પરિણામે તેઓએ ઈતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓનું નામ ભારતના ઈતિહાસમાં મહાન શિવાજી તરીકે લેવાય છે.

લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય. એની સાધનામાં ઉતાવળ કરતાં જે ધીરજવાન બની, દઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણુંખરું પોતાની સાધનામાં અસફળ થાય છે, ઉપહાસને પાત્ર બની જાય છે. (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

Categories:

Leave a Reply