ફલાઇટ મોડી હતી એટલે એણે ઘરે ફોન ન કર્યો. એને થયું કે બંગલે ગાડી મૂકીને ડ્રાઇવર નીકળી ગયો હશે. એરપોર્ટ પર ડેડીએ જાતે મને લેવા આવવું પડે... એમને અત્યારે ક્યાં તકલીફ આપવી? એણે વડોદરા એરપોર્ટની બહાર નીકળીને રિક્ષા પકડી. વાસણા- ભાઇલી રોડ પર એક વિશાળ જગ્યામાં બંધાયેલા અત્યંત વૈભવશાળી બંગલાની દિશામાં રિક્ષા દોડવા માંડી.આમેય એ એની અનિચ્છાથી મુંબઇ ગઇ હતી. મુંબઈના આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ કુટુંબના યુવાન સાથે હજુ તો માંડ દોઢ મહિના પહેલાં એનાં એન્ગેજમેન્ટ થયાં હતાં. એ તો હજી વધુ ભણવા માંગતી હતી. પરંતુ પરિસ્થિતિ અને સંજોગોએ એવો પલટો લીધો કે એણે ના છૂટકે લગ્ન માટે હા પાડવી પડી.

લગભગ અડધો ડઝન જેટલા નાનાંમોટાં ઉદ્યોગગૃહ સમૂહના માલિક સુબોધકાંત (નામ બદલ્યું છે)ની એ એકની એક દીકરી. રોજે લગભગ અઢાર અઢાર કલાક સુધી ધંધામાં વ્યસ્ત રહેતા પિતા અને અત્યંત ધાર્મિક સ્વભાવની રૂઢિચુસ્ત માતા. વૈભવ, અને જાહોજલાલી જાણે એની માતાને સ્પશ્ર્યાં જ નહોતાં. વારંવાર વિદેશની મુસાફરીએ જતા પિતાની ગેરહાજરીમાં એના મુખ્ય બે કામ જ હતાં.

દીકરા- દીકરીને ઉછેરવાં અને પાઠપૂજા કરવાં. હા, એમને એક દીકરો હતો. પણ શ્રીમંતોના આછકલા દીકરા તરીકે શોભે એવો. તમામ પ્રકારની મોજમજા, પાર્ટીઓ, ક્યારેક ડ્રગ્સ , ઠેઠ મુંબઇ- બેંગ્લોર સુધી રોમાંચક અનુભવો લેવા ચાલ્યા જવાના ખર્ચાળ મોજશોખ એના પ્રિય વિષયો હતા. છેલ્લામાં છેલ્લી મોડેલની કાર ખરીદવી અને લોંગ ડ્રાઇવ પર સ્ત્રીમિત્રને લઇને નીકળી પડવું એના માટે સહજ હતું. શહેરની બહાર હાઇ-વેને અડીને આવેલા એક રળિયામણા ગામની સીમમાં બનેલું ફાર્મ હાઉસ એની મોજમસ્તીનું કેન્દ્ર હતું.

લગભગ ૬-૭ લાખની કિંમતની મોટરસાઇકલનું લેટેસ્ટ મોડેલ બજારમાં આવ્યું અને વડોદરામાં એ મોડેલ ખરીદનાર ‘‘ પ્રથમ ’’ બનવાની ઘેલછામાં એણે બાઇક ખરીદી. પણ આ બાઇક એમના કુટુંબ માટે કમનસીબ સાબિત થઇ. એક મોડી રાત્રે ચિક્કાર દારૂ પીને ઝડપભેર વાહન ચલાવવાનો રોમાંચ લેવા નીકળેલો આ યુવાન એક બમ્પ પરથી ઉછળી સમતુલન ગુમાવી બેઠો. ધડાકાભેર અથડાઇને ઉછળેલી બાઇક, જમીન પર ફસડાઇ પડેલા યુવકની છાતી પર જ પડી અને એ જ ક્ષણે એક હૃદયદ્રાવક મરણચીસે વાતાવરણને ભરી દીધું. મધરાત્રે સૂમસામ માર્ગ પર ગણતરીની મિનિટો લોહીના ખાબોચિયામાં તરફડીને એનો દેહ શાંત થઇ ગયો.

યુવાન દીકરાના અકાળ અવસાને માતાને વધુ ધાર્મિક વૃત્તિની કરી નાંખી. જેના માટે ઉદ્યોગશ્રુંખલા ઊભી કરી રહ્યાં હતાં, એ દીકરો જ ન રહ્યો એ વિચારથી પિતા પણ દિગ્મૂઢ હતાં. એકનો એક ભાઇ ગુમાવવાનું દુ:ખ બહેન માટે પણ અસહ્ય હતું. થોડો સમય આખું કુટુંબ સ્તબ્ધ રહ્યું પરંતુ પછી ફરી રોજિંદા જીવનમાં ગોઠવાયું. ચારે બાજુ પ્રસરેલો ધંધો સમેટી લેવો પણ શક્ય નહોતો. એટલે પિતા ફરી ધંધામાં જોતરાઇ ગયા.

દીકરાના અવસાન પછી લગભગ ભાંગી પડેલી માતાની તબિયત કથળવા માંડી. ધંધામાં વ્યસ્ત પિતા પાસે સમયનો અભાવ હોવાથી દીકરી માતાની પડખે રહી. એક દિવસ લકવાના ગંભીર હુમલાએ માતાને આજીવન પથારીવશ કરી નાંખી, અડધું અંગ નિશ્વેતન થઇ ગયું હતું. તમામ બાબતો માટે એણે બીજા પર આધાર રાખવો પડે એવી લાચાર થઇ ગઇ. અલબત આર્થિક રીતે સધ્ધર હોવાને કારણે એમને માટે સતત ૨૪ કલાક નર્સની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પરંતુ વ્યસ્ત પતિ અને યુવાન દીકરીની ચિંતા માને કોરી માતી હતી. એણે આગ્રહ રાખ્યો કે વહેલામાં વહેલી તકે પોતાની હયાતીમાં દીકરીને યોગ્ય સાસરે વળાવવામાં આવે.

માતાની લાગણીને માન આપી એ લગ્ન માટે તૈયાર થઇ હતી. અને મુંબઇમાં શ્રેણીબદ્ધ સુપર સ્ટોર્સ, મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહો, પેટ્રોલપંપો, કન્સ્ટ્રકશન જેવા ધંધામાં અગ્રણી કુટુંબના દીકરા સાથે એનાં લગ્ન નક્કી થયાં.બે દિવસ પહેલાં ભાવિ પતિનો જન્મદિવસ હોવાથી એના કુટુંબના આગ્રહને માન આપી એ મુંબઇ ગઇ હતી. પરંતુ એનો જીવ બીમાર અને લાચાર મામાં હતો. બે દિવસની દોડધામ, પાર્ટીઓ, ખરીદી, સગાસંબંધીઓ સાથેની મુલાકાતો જેવા સળંગ કાર્યક્રમોથી થાકેલી એ આખરે મુંબઇ એરપોર્ટ પર પહોંચી ત્યારે એને ખબર પડી કે ફ્લાઇટ મોડી છે. એણે આગ્રહપૂર્વક એના ભાવિ પતિને રવાના કર્યો. એ વડોદરા એરપોર્ટ પર ઊતરી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.

એણે રિક્ષા કરી ડ્રાઇવરને કહ્યું... વાસણા- ભાઇલી રોડ... એ બંગલે પહોંચી ત્યારે કમ્પાઉન્ડમાં સુનકાર વ્યાપેલો હતો. આઉટ હાઉસમાં રહેતું નોકર દંપતી પણ લાઇટો બંધ કરીને સૂઇ ગયું હતું. વોચમેને ગેઇટ ખોલ્યો અને એ અંદર પ્રવેશી. પોતાના પર્સમાંથી ચાવી કાઢી એણે બંગલાનું મેઇન લોક ખોલ્યું સૌ પ્રથમ માતા પાસે પહોંચી એની ખબર કાઢવાની અને પોતે પાછી ફરી છે એ જણાવવાની જરૂરિયાત જણાતાં એ બેડરૂમ તરફ ગઇ. ધીરેથી દરવાજો હડસેલીને એણે જોયું તો એ સ્તબ્ધ થઇ ગઇ... મા નીચે ફર્શ પર પડી હતી અને બાજુના ટેબલ પરનો પાણીનો કાચનો જગ નીચે પડીને ફૂટી ગયો હતો... એણે દોડીને માતાને ધીરેથી બેઠી કરી, એને ઉઠાડીને બેડ પર સુવડાવવાનો પ્રયત્ન કર્યો પણ એને એ શક્ય લાગ્યું નહિ.

એ માતાને ફર્શ પર મૂકીને દોડી બાજુના રૂમમાંથી ડેડીને બોલાવવા એ બહાર આવી તો એની નજર પડી રસોડામાં લાઇટ ચાલુ હતી... અને ડેડી ફ્રીજમાંથી બરફ કાઢી એમના વ્હિસ્કીના ગ્લાસમાં નાખી રહ્યા હતા... એણે ડેડીને બૂમ પાડી... એનો અવાજ સાંભળીને ચોંકેલા ડેડીએ એના તરફ જોયું અને સ્હેજ આશ્ચર્ય અને સ્હેજ ગભરાટ સાથે પૂછ્યું... તું..? તું ક્યારે આવી..? હજુ તો દીકરી જવાબ આપે તે પહેલાં તો બાજુના બેડરૂમમાંથી માતાની નર્સ તરીકે આવેલી યુવાન મહિલા લગભગ અર્ધનગ્ન અવસ્થામાં બહાર આવી અને એ પણ દારૂના નશામાં હતી..! એણે બરફ લાવતાં આટલી બધી વાર..? એમ લથડાતા પગે અને અવાજે પૂછ્યું એ સાંભળીને દીકરી સ્તબ્ધ થઇ ગઇ...બાજુની રૂમમાં જ તરસી મરી રહેલી માતાનું ધ્યાન રાખવાને બદલે પિતા સાથે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત નર્સ પર એને ગુસ્સો આવ્યો... પણ એ ચૂપચાપ મા પાસે ચાલી ગઇ...

આ બનાવ પછી ડેડી એમની એકની એક દીકરી સાથે નજર મેળવીને વાત નથી કરી શકતા. સમગ્ર બાબતથી સાવ અજાણ લાચાર માતા પથારીમાં પડ્યાં પડ્યાં... એના સુહાગની ચિંતા કર્યા કરે છે અને દીકરી હવે અવઢવમાં છે કે એ જો પરણીને મુંબઇ ચાલી જશે તો બીમાર મા કોના ભરોસે રહેશે ? એણે લગ્ન કરીને મુંબઇ જવું ? કે પતિને ઘરજમાઇ તરીકે રહેવા આગ્રહ કરવો ? કે લગ્ન જ ફોક કરવાં? અને મા જીવે ત્યાં સુધી અવિવાહિત રહી એની સેવા કરવી ?

http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-paralytic-mothers-se...

Categories:

Leave a Reply