‘કાં, તમારે તો જલસા ચાલે છે ને!’
‘લો! તમને શું જોઈને અહીં જલસા દેખાય છે ?’ મેં પૂછયું.
‘અલ્યા, દેખાય છે એટલે તો કહું છું.’ ગનિયો મને જરાય છોડે એવો નહતો.

‘તારે ચા પીવી હોય તો પીને જજે પણ ખોટી પ્રશંસા કરી મને વધારે દુ:ખીના કરીશ.’ એમ કહી મિત્રનો ભ્રમ ભાંગવા મેં મારા દુ:ખોનું એક લાબું લીસ્ટ ગણાવવા માંડ્યું, ‘પત્ની પિયર નથી ગઈ, મોંઘવારીનો આંક નીચે નથી ગયો, ગેસનો બાટલો અઠવાડિયાથી આવ્યો નથી, રામો ગામડેથી ક્યારે આવશે એનો કોઈ સંદેશો નથી અને તને આટલી બધી ઉપાધીઓ વચ્ચે હું જલસા કરતો દેખાઉં છું, ગનિયા ?’

‘કેમ લા, થોડા સમય પહેલા નવું બાઈક લીધું અને હવે આ ઘરનું કલરકામ શરું કર્યું – એ બધું શું છે?’

‘તે લ્યા, બાઈક કંઈ રસ્તામાંથી નથી જડ્યું. મહામહેનતે આમથી-તેમથી લોનો ભેગી કરી અને દિવાળીના બોનસો બચાવીને લીધું છે. અને આ કલરકામ તો….’ કંઈક વિચાર આવતા હું બોલતો અટકી ગયો.
‘કેમ અટકી ગયો? કલરના ડબ્બા રસ્તામાંથી જડેલાં?’ ગનિયો ગર્જ્યો.
‘બુધિયા જેવી વાતો ના કરીશ.’

ગનિયાએ કલરકામની વાત કાઢતાં અચાનક મને યાદ આવ્યું કે રંગકામ કરનાર ભાઈએ મને સવારથી એક ડબ્બો કલર લાવવાનું કીધું હતું પણ આ ગનિયો આવી ચઢ્યો એમાં બધું ભૂલાઈ ગયું. ફટાફટ ગનિયાને વિદાય કરીને હું જેવો કપડાં બદલીને બહાર નીકળતો હતો એટલામાં પાછળથી શ્રીમતીજીએ જેમ વાલી સુગ્રીવને લલકારે એવા ભયાનક અવાજમાં બૂમ મારી.

‘લગ્નમાં હેંડ્યા કે શું? આવા ઠાઠ-માઠથી જાઓ છો એટલે પૂછું છું.’

અનેક અર્થોથી ભરેલી એવી એની અકળવાણી ઘરમાં ફક્ત હું જ સમજી શકું – અને પાછો એનો મને ગર્વ છે, હોં ! વાત એમ હતી કે ઘરમાં કલરકામ ચાલે ત્યાં સુધી બધાએ ફાટેલાં, જુના અને હોળીમાં રંગાયેલા કપડાં જ પહેરવા. કબાટમાં મૂકેલા નવા કપડાં કોઈએ અડકવા નહીં – એવો વટહુકમ એણે બહાર પાડ્યો હતો જેનો અજાણતા ભંગ કરવા બદલ એ આંખોના ડોળા ફાડીને મને જોઈ રહી હતી.

‘ભૂલી ગયો, સોરી હોં. લાવ તો જુના કપડાં ક્યાં મુક્યા છે?’ મેં મારી ભૂલ સ્વીકારી લેતાં કહ્યું. થોડીવારે શ્રીમતીજી કોઈ જુના પોટલામાંથી કાઢીને એક ખમીસ-પાટલુન લઈ આવ્યા. એ ખમીસ અને પાટલુનની જોડીનો દેખાવ અવર્ણનીય હતો. મારાં જેવા બે જણ સમાઈ જાય એવડું મોટું બાવાઆદમના જમાનાનું કોથળા જેવું પાટલુન અને ખમીસ તો ઓહોહોહો…. ખમીસની લંબાઈ અને રંગ જોઈને મને એમ થયું કે આ ઘરને સત્તર પેઢીથી જે જે લોકો કલર કરાવતા હશે એ બધાએ આજ શર્ટ પહેર્યો હશે ! એશિયન પેઈન્ટના કલરકાર્ડમાં ન મળે એટલા કલરના શેડ એ ખમીસ પર લાગેલા હતા ! અંદરના રૂમમાં જઈને મેં એ અદ્ભુત વસ્ત્રોને ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. પાટલુનને પટ્ટો લગાવવાની કડીઓ તો કમ્મરથી છુટી પડીને કમળની પાંખડીઓની જેમ બહાર લટકતી હતી. બેલ્ટ પહેરવાનું શક્ય નહતું અને એના વગરનું પેન્ટ તો જાણે કોઈ માંકડું થાંભલો પકડીને સડસડાટ નીચે ઉતરી જાય એમ ઉતરી જતું હતું. હવે કરવું શું ? છેવટે પાટલુનને કમ્મરેથી થોડું ગોળ વાળી દઈને ટાઈટ કર્યું, પરંતુ એના પરિણામે એ નીચેથી તે જરા ઊંચું થઈ ગયું. ‘મેરા જુતા હૈ જાપાની’ ગીતમાં રાજકપૂરે પહેરેલું એવું. જેમ તેમ કરીને મેં ખમીસ ચઢાવ્યું. એ તો જાણે કે ઘૂંટણને ચરણસ્પર્શ કરવા નીચે નમતું હતું. કોઈ છોકરાને પહેરાવ્યું હોય તો એને પાટલુન પહેરવાની જરૂરત જ ન રહે ! અંતે જેમતેમ કરીને હું તૈયાર થયો. કલરની દૂકાન ઘરથી થોડેક જ દૂર હતી એટલે મેં માથું ઓળવાનો સમય બગાડવાનું ટાળ્યું. નવા ચંપલ ધારણ કર્યાં અને પછી મારું નવું-નકોર બાઈક કાઢીને કીક મારી.

જેમ વૈષ્ણવો દૂરથી લાલજી ભગવાનની ઝાંખી કરે તેમ જો દૂરથી કોઈ મારી ઝાંખી કરે તો એને મારાં ચપ્પ્લ અને મારું બાઈક એ બે જ વસ્તુ નવી દેખાય. બાકીનો તો મારો વેશ જોકરનેય શરમાવે એવો હતો. કોઈ ભિખારી મને આ રીતે બાઈક ચલાવતો જોઈ જાય તો એને એમ થાય કે દેશે કેટલી બધી પ્રગતિ કરી લીધી છે ! બાઈક પર ફરીને ભીખ માંગે છે !?!

બન્યું એવું કે જે નજીકની દૂકાન હતી ત્યાં મને જોઈતો કલરનો શૅડ મળ્યો નહિ એટલે થોડે દૂર શહેરમાં મોટી દૂકાને જવું પડે એવી સમસ્યા ઊભી થઈ. આવો વેશ કાઢીને શહેરમાં ? પણ હવે જો પાછો ઘરે જાઉં, કપડાં બદલું અને ફરી નીકળું તો એટલીવારમાં ઘણું મોડું થઈ જાય. કલરકામ કરનારા ઘરે કલર વગર નવરાધૂપ બેસી રહે. મનમાં પ્રશ્નોનાં વંટોળ ઉમટ્યાં કે હવે કરવું શું ? બુદ્ધિએ છેવટે ઊકેલ શોધ્યો કે… જે લોકો નથી ઓળખતા એમને તો હું ગમે તે કપડાં પહેરીને જાઉં શું ફર્ક પડવાનો છે ? જે લોકો ઓળખે છે એ લોકો તો આમેય મને ઓળખી જ લેવાના છે, એમને મારા કપડાંથી શું નિસ્બત ? એટલે કપડાં બદલવા માટે ઘરે જઈને સમય બગાડવાનું કોઈ પ્રયોજન નથી એમ દ્રઢ નિશ્ચય કરીને મેં બાઈકને શહેર તરફ ભગાવ્યું.
કલરની એક મોટી ભવ્ય દૂકાને બહાર બોર્ડ લગાડેલું કે ‘પગરખાં અહીં ઉતારો’. બરાબર એ બોર્ડની નીચે જ પગરખાં ઉતારીને મેં અંદર પ્રવેશ કર્યો. દુકાનની અંદર મેં જોયું કે મારી આજુબાજુ મારા જેવો વેશ ધરાવતા બે-ત્રણ જણ ઉભેલા. એમના લીધે મને થોડી હાશ થઈ. એમનેય મારી જેમ ઘરેથી જુના કપડાં પહેરીને નીકળવાનો ઑડર હશે કે શું ? દૂકાનવાળો મને નખશીખ ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું એને પણ એટલું જ ધ્યાનથી જોઈને નજર ફેરવી લેતો. અમારાં બંન્ને વચ્ચે બે-ત્રણ મિનિટ આવા ખેલ ચાલ્યા. છેવટે અમારા બે વચ્ચેનો આ મૌન વાર્તાલાપ પૂરો થયો એટલે એ બોલ્યો :

‘શું જોઈએ છે?’

‘1 લીટર એશિયન પેઈન્ટનો કાસ્કેડ શૅડ આપો ને.’ એમ કહી હું મનમાં બબડ્યો, ‘હે ભગવાન, જો આની પાસે પણ નહીં હોય તો આજે મારે આ વેશમાં આખા શહેરમાં રખડવું પડશે.’

‘છે. આપુ છું.’ એમ જ્યારે દુકાનવાળાએ ઉચ્ચાર્યું ત્યારે મને હાશ થઈ. હું આરામથી બાજુની શેટ્ટીપર બેસી ગયો. આ દરમ્યાન દુકાનવાળો પેલા ત્રણ જોડે કંઈક રંગકામની વાતો કરતો હતો. એ લોકોને સમય ન હોવાથી એ લોકો કામ લેવાની ના પાડતા હતા. અચાનક દુકાનવાળાનું ધ્યાન મારી તરફ ગયું. એણે મને પૂછ્યું :

‘હમણાં કામ ચાલે છે?’

‘હા ચાલે છેને!’ મેં ઠાવકાઈથી કહ્યું.

‘ક્યાં ચાલે છે?’

‘ઘરમાં’

‘અલ્યા, હું એમ પૂછુ છું કે કઈ સોસાયટીમાં ચાલે છે. નવું રંગકામ લેવાશે કે ?’

‘ઓ ભાઈ. મોં સંભાળીને વાત કરો. હું કંઈ રંગારો નથી. આ તો ઘરનું કામ ચાલે છે અને તીજોરી ખોલાય એવી નથી એટલે જુના કપડાં પહેરીને ફરું છું.’

મારી વાત સાંભળીને તે અવાક્ થઈ ગયો. તેને મારી વાત પર વિશ્વાસ જ ના બેઠો. છેવટે પોતાની વાત વાળી લેવા એ બોલ્યો, ‘ઓહ! સોરી સાહેબ. આ ભીડને લીધે મેં તમને ઓળખ્યા જ નહિ. વેરી સોરી…’

આવી બધી ગેરસમજો ઉકેલીને હું અડધો કલાકે દૂકાનમાંથી બહાર નીકળ્યો ત્યાં વળી એક નવી ઉપાધી સર્જાઈ. મેં બહાર આવીને જોયું તો ચંપલ ગાયબ ! હવે ??? ફરી અંદર જઈને દૂકાનવાળાને કહ્યું. એના માણસોએ ચારેબાજુ શોધખોળ કરી પણ બધા પ્રયત્નો વ્યર્થ. એટલામાં કોઈકે કહ્યું કે બાજુની ગલીમાં કુતરા ચંપલ લઈને જતા દેખાયેલાં એટલે ઊધાડા પગે હું બધી ગલીઓમાં આંટા મારી આવ્યો. એ તો સારું કે એ રહેઠાણનો વિસ્તાર નહતો બાકી મને ભિખારી સમજીને કોઈ બે-પાંચ રૂપિયા પકડાવી દેત ! ઘણી તપાસ કરી પરંતુ ચંપલનું કોઈ પગેરું ના મળ્યું. કંટાળીને મેં ઊઘાડા જ…. આઈમીન ઊઘાડા પગે જ ઘરે જવાનો નિર્ણય કર્યો. ચંપલ વગર માંડ-માંડ બાઈકને કીક મારી અને ઊઘાડા પગે વાહનયાત્રા શરૂ કરી. મારો વેશ હવે પૂરેપૂરો ભિખારી જેવો થઈ ગયો હતો. પગરખાં આમ તો દેખાડવાની વસ્તુ નથી. એના પર કોઈની નજર પણ નથી જતી પરંતુ એની ગેરહાજરીમાં આપણને કંઈક અધુરું અધુરું લાગ્યા કરે. મને તો એમ લાગતું હતું કે જાણે મેં કપડાં જ નથી પહેર્યાં ! મારી આજુબાજુથી પસાર થતા દરેક લોકોની નજર ‘મારા પગ’ પર તો નથી ને ? એ હું વારંવાર ચકાસી લેતો. ઘણું કર્યું તોય મારું આ ‘પગ સંતાડો’ અભિયાન બહુ લાંબુ ના ચાલ્યું. થોડે આગળ ગયો ત્યાં ટ્રાફિક જામ હતો. હવે ‘ઈસ મુલાયમ પાંવ કો જમીન પર રખ્ખે’ વગર છુટકો જ નહતો. પરણીને આવેલી નવોઢા જાણે બારણાનો ઉંબરો ઓળંગીને કંકુ પગલાં પાડે એમ મેં ધીરે રહીને પગ નીચે મુક્યો. ઉનાળાની બપોરની તપેલી ડામરની સડકો પર જ્યારે મારા પગે લેન્ડીંગ કર્યું ત્યારે મેં ડામરની જ્ગ્યાએ ધગધગતા તવા પર પગ મુક્યો હોય એમ લાગ્યું. આજુબાજુ ઊભેલા લોકોનું ધ્યાન ટ્રાફીક સીગ્નલના કાઉન્ટડાઉન ને છોડીને મારા ચરણ પર સ્થિર થયું. એમનું કૌતુક અને કુતુહલ વધી રહ્યા હતાં. ભગવાનની દયાથી ટ્રાફીક સીગ્નલે સમયસર ગ્રીન લાઈટ બતાવી એટલે… રખેને કોઈ પૂછે એ પહેલા મેં બાઈક મારી મુક્યું.

‘ન જાણ્યું જાનકી નાથે, ટ્રાફિક સીગ્નલ પછી શું થવાનું છે.’ મારાં પર દુ:ખનો એક ઓર વધારે ડુંગર ટુટી પડ્યો. ચાર રસ્તા પાર કરીને સામે પહોંચ્યો ત્યાં મેં દૂરથી જોયું કે ટ્રાફિક પોલીસ બધાને આજે પકડવાના મૂડમાં હતા. હું થોડો સાઈડ પરથી નીકળીને છટકવાની કોશીશ કરતો હતો એટલામાં તો ડાયરી, સીટી, ડંડા અને હેલ્મેટધારી એક ચતુર્ભુજ પોલીસે મને પોતાની દિવ્યદષ્ટિથી જોઈ લીધો અને એ સીધો મારી સામે હાથ-પગ પહોળા કરીને બાઈક રોકવા એકદમ નજીક આવી ચઢયો. એકદમ કોઈ આ રીતે બાઈક સામે આટલું નજીક આવી જાય એ મારે માટે જરા પહેલવહેલો પ્રસંગ હતો. નવું નવું બાઈક શીખેલો એમાં આવો કોઈ અનુભવ તો થયેલો જ નહીં. વળી, પહેલા હું લ્યુના ચલાવતો એટલે એની અસર હેઠળ હજી ઘણીવાર બાઈક ચલાવવામાં બ્રેકની જ્ગ્યાએ ક્લચ દબાઈ જતો. સદભાગ્યે તરત મને ‘બાઈકમાં બ્રેક નીચે હોય’ એવું યાદ આવ્યુંને મેં જોરથી બ્રેક મારી. જો એમ ના થયું હોત તો એ પોલીસ ચંદ ક્ષણો પછી મારી બાઈકના આગલા વ્હીલપર બેસીને હિંચકા ખાતો હોત !

‘ચલ એય… સાઈડ પર લે… સાઈડ પર લે….’ મારું લર્નીંગ લાઈસન્સ તો ઘર હતું એટલે હું જરા ગભરાયો. શું ગોટા વાળવા એ વિચારવા લાગ્યો. મેં બાઈક સાઈડપર લીધી એટલે પોલીસદાદા નજીક આવ્યા. એણે પણ મને નખશિખ જોયો, જોકે જોવા જેવું તો નીચે નખમાં જ હતું !! થોડા કડક શબ્દોમાં એ બોલ્યાં:

‘બોલ ક્યાંથી ઉઠાવી લાવ્યો આ બાઈક?’ એમના વિચિત્ર પ્રશ્નથી હું એકદમ અવાક્ બની ગયો. મને શું જવાબ આપવો તે સુઝ્યું નહીં.

‘બોલ. પોલીસસ્ટેશને ડંડા ખાધા વગર બોલીશ નહીં કે શું?’

પોલીસસ્ટેશનનું નામ સાંભળી મારા ધબકારા વધી ગયાં પણ જો હવે નહિ બોલું તો ડંડા ખાવા પડશે એટલે મેં તરત બધી ચોખવટ કરી.

‘સાહેબ, તમારી ગેરસમજ થાય છે. હું એક સજ્જન માણસ છું. ચોર નથી. હું તો એક લેખક છું.’

‘અલ્યા, દરેક ચોર પોતે ‘ચોર નથી’ એમ કહેતો હોય છે પણ ‘ચોર નથી, હું તો લેખક છું’ એમ કહેનારો તું પહેલો નીકળ્યો.
‘સાહેબ સાચું કહુ છું મારી વાત માનો.’

‘તારી પાસે કોઈ સાબિતી છે કે આ બાઈક તારી છે. ક્યાં છે એના પેપર્સ? લાઈસન્સ ક્યાં છે?’

‘અરે સાહેબ. હું તમને આખી વાત કહું છું’ કહીને મેં સાહેબને પલાળવાના ધંધા શરુ કર્યાં. ‘આખી વાત એમ છે કે અમારા ઘરે કલરકામ ચાલે છે. એના લીધે બધું અસ્તવ્યસત થઈ ગયું છે. લાઈસન્સ અને પેપર્સ બધા ઘરે સાચવીને મૂકેલા છે પરંતુ હમણાં એ બધું કઢાય એવું નથી. સાહેબ, સાચું કહું છું. તમારા સોગંદ.’

‘અલ્યા મારાં સોગંદ શેનાં ખાય છે. તારાં ખા ને !’

‘અધૂરામાં પૂરું હું કલર લેવા એક દુકાને ગયો ત્યાં મારા ચંપલ ચોરાઈ ગયા. એટલે દૂકાળમાં અધિકમાસ જેવું થયું. અને હવે તમે આવું કરશો તો હું ક્યાં જઈશ’ મેં કરગરતા અવાજે કહ્યું.

‘ઠીક છે.’ પોલીસદાદાના મગજમાં કંઈક ઉત્તર્યું હોય એવું લાગ્યું, ‘પણ, કોઈની ઓળખાણ આપો જે તમને ઓળખતો હોય. નજીકમાં કોઈ દૂકાનવાળો હોય તોય ચાલશે. અથવા પછી બાઈક અંહી મૂકીને ઘરે જાઓ અને કોઈને બોલાવી લાવો.’

હું બરાબર ફસાયો. નવું નકોર બાઈક મુકીને જતાં જીવ ચાલે નહીં. મને એ વિસ્તારમાં કયો દુકાનવાળો ઓળખે ? ઓળખાણ આપું નહીં તો મને જવા ન દે ! એટલામાં મને ગનિયો સ્કુટર પર જતો દેખાયો. જિંદગીમાં ક્યારેય બૂમ નહીં પાડી હોય એટલી મોટી બૂમ મેં એને પાડી. એવું કહેવાય છે કે કોઈ માણસ બે ફુટની દિવાલ પણ કદી કુદતો ના હોય, પરંતુ એ જ માણસ જ્યારે જીવ પર આવે ત્યારે છ ફુટ ઊંચી કંપાઉન્ડ વોલ પણ કુદી જાય – એવું આજે મારી સાથે થયું હતું. વનમાં સિંહ ત્રાડ નાખે એવી ગર્જના મેં ગનિયાને ઊભો રાખવા કરી. મારી બૂમ ગનિયાને તો શું છેક ગનિયાના ઘરવાળાને પણ સંભળાઈ હશે ! મને જોઈને ગનિયો તરત ઊભો રહ્યો. મેં એને આખી પરિસ્થિતિ કહી સંભળાવી અને પછી ઉમેર્યું, ‘પ્લીસ ગનિયા મને છોડાવ. હું બે ટાઈમ ચા ને પૂરી મારી ત્યાં જમી જજે.’ ચા-પૂરીની વાત આવે એટલે ગનિયો હિમાલય પણ ઉપાડી લાવે એવો હતો. અંતે ગનિયાએ ઓળખાણ આપી ને બધું હેમખેમ પાર ઊતર્યું.

બે મિનિટના કામે ગયેલો હું બે કલાકે ગનિયા જોડે ઘરે આવ્યો ત્યારે ગનિયા સાથે મને આવેલો જોઈને વગર પૂછે શ્રીમતીજીએ મારો ઊધડો લઈ લીધો. ‘બસ, ચોવીસેય કલાક રખડ્યાં જ કરો.’ પછી જ્યારે મેં શાંતિથી મારી આપવીતી કહી ત્યારે ચંપલ ખોયાં એ બદલામાં શ્રીમતીજીએ એમનાં અમૃતવચનો નો મહાપ્રસાદ આપ્યો. કંટાળીને મેં ગનિયાની તરફ જોઈને કહ્યું, ‘કેમ લા, ગનિયા… હવે દેખાય છે તને જલસા ?’ ગનિયો બિચારો શું બોલે !

www.readgujarati.com

Categories:

Leave a Reply