ફોનની લાંબી ઘંટડી વાગી ને ભૈરવીને થયું, ‘સૌમ્યા જ હશે !’ અને હતી પણ એ જ ! વીસ વરસની સૌમ્યા. તે ડ્રોઈંગરૂમ સોંસરી હાંફતી હાંફતી આવી ને રિસીવર કાને માંડ્યું તો ઉતાવળો સ્વર સંભળાયો :
‘મમ્મી….ઈ !’
પિસ્તાલીસ વરસની ભૈરવીને હવે થાક લાગતો હતો. કેવડો મોટો ફલેટ ? સંભાળવાનો તો ખરો ! પાછી મધુકરને ચીડ. ‘જો આ ધૂળ…. આ ફોટોફ્રેમના કાચ. સફાઈ થતી જ નથી કે શું ?’ અરે, શોરબકોર કરી મૂકે.
‘બેટા, ઠીક તો છે ને ? તારા ફોનની જ રાહ જોઉં છું. કાલ સાંજથી થયા કરે કે શું કરતી હશે મારી ઢીંગલી !’ ભૈરવીએ હૈયું ખાલી કર્યું.

આ જ સ્થિતિ હતી, છેલ્લાં સાત વર્ષથી. પ્રતીક્ષા અને બસ પ્રતીક્ષા. મધુકરની પ્રતીક્ષા, સૌમ્યાની પ્રતીક્ષા, ફોનની પ્રતીક્ષા. મધુકરનું કશું જ નક્કી ના હોય. આવે ગમે ત્યારે અને જાય પણ એમ જ. બિઝનેસ સરસ ચાલતો હતો અને એ ચલાવવા માટે દોડધામ પણ કરવી પડે ને ! ‘આ કોના માટે કમાઉ છું ?’ તે ચીડમાં કહેતો. ‘તમારા માટે જ ને ?’ તે પોતે જ ઉત્તર આપતો. સફળ કાંઈ એમ જ થવાતું નથી. પરસેવો વહાવવો પડે પરસેવો. મધુકર પૂરો ધૂની સ્વભાવનો. મનમાં કશું આવે તે કરે જ, કોઈ પણ ભોગે કરે. પત્ની, સંબંધો, સેન્ટિમેન્ટ્સ કશું વચ્ચે ના આવે. વિચાર આવ્યો કે આ શહેરમાં સૌમ્યાને ના ભણાવાય. આ તે કંઈ શહેર છે ? ગીચ, પસીનાથી લથબથ, દરિયાની વાસવાળું ! અહીં તો નહીં જ….! અને તરત જ તેણે માથેરાનની કૉન્વેટનું નક્કી કરી નાખ્યું. ભૈરવીને તો પૂછ્યું સુદ્ધાં નહીં. હેબતાઈ ગઈ ભૈરવી.


‘મધુકર, સૌમ્યા હજી તેર જ વરસની છે. કેમ રહી શકશે ઘરથી અલગ ?’ તે બોલી, પણ કશું ન વળ્યું.
‘મારે તેને અલગ માહોલમાં ઉછેરવી છે. અહીં કશું નહીં બની શકે. મેં નક્કી કરી જ નાખ્યું છે !’ બસ, પછી કશું જ ના કરી શકાય. સમજાવટ, પ્રતિકાર, આજીજી આંસુ કશું જ નહીં. મધુકરની આ જ રીત. સૌમ્યા તૈયાર થઈ પિતાના ડરથી. ભૈરવી લાચાર હતી. સૌમ્યા હતી તો તેને આ વિશાળ ફ્લૅટમાં ગમતું હતું. બે બેડરૂમ, મોટો ડ્રોઈંગ રૂમ, કિચન, સ્ટોર બાલ્કની. બાલ્કનીમાં સવારે સૂર્યદર્શન થાય અને ઘૂઘવતો અફાટ સાગર તો ચોવીસેય કલાક. મધુકર હોય તો પણ ભૈરવી તો એકાકી જ હોય. ડબલ બેડના એક કિનારે તે સૂતી હોય ને મધુકર સોફા પર પડ્યો પડ્યો ફાઈલો તપાસતો હોય, બિઝનેસ-ડાયરી જોતો હોય. ફોન-મોબાઈલ સતત ચાલતા હોય. સંવાદ પણ આવા જ : ‘જમવાનું ? અરે ટાઈમ જ નથી. એમ કર સ્નેક્સ આપી દે કૉફી સાથે.’

પ્રેમની અભિવ્યક્તિ પણ મધુકર પોતાની રીતે જ કરતો. સાવ અરસિક હતો. તેના ફલૅટમાં મૂલ્યવાન રાચ-રચીલું હતું, જેનો તેને ગર્વ હતો. આ ઝુમ્મર જોયું ? અસલ બેલ્જિયમના કાચનું. આ અરીસો પાંચ હજારનો. આ વૉલ ટુ વૉલ ગાલીચો, લાઈટિંગ, છત.. બસ…. એ જ કક્ષામાં આવતી હતી ભૈરવી.. એક મૂલ્યવાન રૂપાળી ચીજ. તે આ ચીજ એક સામાન્ય ઘરમાંથી લઈ આવ્યો હતો. ત્યારે ભૈરવી અવઢવમાં હતી – પરણવું કે ના પરણવું. મા-બાપ આગ્રહ કરતાં હતાં કે ભૈરવીએ પરણી જવું જ જોઈએ. એ લોકોનો ભાર ઊતરી જાય ! સુખમાં પડે ભૈરવી. દરેક મા-બાપનું એ જ સ્વપ્નું હોય ને ! પણ ભૈરવી ઈન્કાર કરતી હતી, દર વખતે. ખૂબ જ સુંદર હતી ભૈરવી. લગ્ન તો ચપટીમાં થઈ જાય. કોણ ના પાડે ભૈરવીને ? ભલે સાધારણ પરિવાર, પણ સ્વપ્નાં કાંઈ સાધારણ નહોતાં. બસ, સુખી કરવી હતી પુત્રીને.

અને અચાનક જ આભ ફાટ્યું હતું. ‘ઓહ ! આવું સરસ ઘર ! અરે ! સમૃદ્ધિનો પાર નથી. વૈભવી ફલેટ, ધમધમતો બિઝનેસ અને મધુકર. આપણી ભૈરવી નશીબવાળી તો ખરી ! એટલે જ ના પાડતી હશે અત્યાર સુધી ? બધું જ લખ્યું હોય લલાટે, ડાબી હથેળીમાં ! મુરખી છે તું તો ? આમાં મોં ધોવા ન જવાય, શું સમજી ? છોકરમત નહીં કરવાની. ના પાડીશ તો તો આ જીભ કચરીને જ…!’ ભૈરવીએ ચૂપચાપ પાનેતર પહેરીને મધુકર સાથે ચાર ફેરા ફરી લીધા. ગૌતમ દવે ખૂબ યાદ આવ્યો. ક્યાં હશે તે ? યુ.કે.ની યુનિવર્સિટીમાં પરીક્ષા આપતો હશે અત્યારે તો ! તે મંડપમાં ફેરા ફરતી હતી મધુકર સાથે, પણ મન ફરતું હતું ગૌતમ સાથે.

એ સમયે સોસાયટીના તેના મકાનથી બરાબર ચોથું જ મકાન સાવ ખાલી હતું. તે કૉલેજ જવા નીકળતી ને એ નિર્જન મકાન પર દષ્ટિ પડતી જ. નેમપ્લેટ પણ હતી, પણ અક્ષરો વંચાતા નહોતા. બાકીના બધા જ બ્લૉકમાં વસ્તી હતી. ભૈરવી લગભગ બધાંને ઓળખતી પણ હતી. બસ, આ એક જ બ્લૉક ખાલી કોનો હશે ? ક્યારેક કુતૂહલ પણ જાગતું માનવ સહજ. ક્યાં રહેતાં હશે એ લોકો ? કોણ કોણ હશે ? હશે કોઈ મારી ઉંમરની છોકરી ? એક સાંજે સોસાયટીનો ચોકીદાર કોઈને કહેતો હતો : ‘આ ચાર નંબરવાળા આવે છે. પોસ્ટકાર્ડ આવ્યું છે. ઘરની સફાઈ પણ કરવાની છે.’ અને ત્યારે જ તે ઝાંપામાં પ્રવેશતી હતી.
‘વાહ, સરસ. એ લોકો આવે પછી સોસાયટીના બધા જ બ્લૉક ભરાઈ જશે. બધા જ બ્લૉકમાં વસ્તી, બત્તી અને બોલાટ.’ પાછો પેલો પ્રશ્ન સપાટી પર આવ્યો, ‘હશે કોઈ મારા જેવડી અઢાર વરસની… ?’ ભૈરવીને મમ્મીએ સમાચાર આપ્યા, ‘દવેસાહેબ આવે છે, હવાફેર માટે. મોટા અમલદાર છે. એમનો પરિવાર પણ !’ ના, ભૈરવીએ પેલો પ્રશ્ન ના પૂછ્યો. મમ્મીને ખબર પડવાની જ હતીને. મમ્મી કદાચ પરિવાર વિશે જાણતી પણ ના હોય. કદાચ જાણી શકાય. પણ એમાં ધારણા ખોટી પડવાનો પણ ભય તો હતો જ. એ તો પડશે ખબર, અઢાર વરસની છોકરી કોઈ છૂપી રહેવાની હતી ? તે ય ક્યાં શાન્ત રહેતી હતી. આખો દિવસ ? દરેક માની માફક તેની મમ્મીયે કહેતી હતી, ‘શું થશે આનું ? હજી બાળપણ જતું જ નથી. આવડી થઈ તોય !’

અંતે એ લોકો આવ્યાં. ભૈરવી સવારે કાંઈક મોડી ઊઠી હતી. ખુલ્લી પરસાળમાં આવી ત્યારે તડકો છેક ઉંબર લગી પહોંચી ગયો હતો અને ચાર નંબરના બ્લોકમાં સામાન આવતો હતો, ગોઠવાતો હતો. સાથે હતાં એક આધેડ વયનાં પતિ-પત્ની અને એક તેની વયનો યુવક-રંગીન કુરતો, પાયજામો, ગૌર વાન, કપાળ પર ધસી આવતી ઝુલ્ફો… !
ના, એકેય છોકરી તો નહોતી જ.
બીજે દિવસે એ યુવક પરસાળમાં દેખાયો, ખુરશીમાં પાસે ટ્રિપૉય પર પુસ્તકો હતાં. ભૈરવી મુગ્ધ બનીને જોઈ રહી એને. ત્રીજે દિવસે એનું નામ જાણવા મળ્યું. તેની મમ્મીએ જ તેને ટોકી, ‘સવારે અભ્યાસ કરવો સારો. ગૌતમ વહેલી સવારે જ બેસી જાય છે, જોયું તેં ? એ માટે વહેલા ઊઠવું પડે. આમ પડ્યાં ના રહેવાય પથારીમાં. પછી તો ગૌતમનો પરિચય પણ થયો. તે સવારસાંજ પરસાળમાં જતી પણ થઈ, વાતો કરતી પણ થઈ. તે વાચાળ ને ભૈરવી અંતર્મુખી. ક્યારેક અનુબહેનેય હોય સાથે. ‘લાવો આન્ટી મદદ કરાવું.’ કહી ભૈરવી તેમને મદદ પણ કરતી. ભૈરવીને છેલ્લું વર્ષ હતું કૉલેજનું. ગૌતમ ગણિત વિષય સાથે એમ.એ.માં હતો. બે-ત્રણ દિવસ માટે બહારગામ જવું પડતું, દૂરના શહેરની કૉલેજમાં.

એ લોકો હવાફેર માટે આવ્યાં હતાં. સુરનગરનું હવામાન ગૌતમના પપ્પાને અનુકૂળ હતું. એ લગભગ સૂઈ રહેતા હતા. સાંજે ફરતા, પણ આસપાસમાં. અનુબહેન કહેતા, ‘શહેરનું પાણી ના ફાવ્યું, નહીં તો તારા અંકલ તો રાતી રાણ જેવા હતા. ડૉક્ટરે સલાહ આપી કે સુરનગર જાઓ ને અમે આવી ગયાં. આ મકાનમાં ખાસ રહ્યાં જ નથી. ગૌતમ તો પહેલી જ વાર આવ્યો !’ અને ગૌતમની વાતો કરે ત્યારે તો એ રંગમાં આવી જાય, ‘દીકરી શી વાત કરું ? એને એકે ચીજનો મોહ નહીં. કપડાંય સાદાં. ખાસ જરૂરિયાતો જ નહીં. બજારમાં જાય તો પુસ્તકો જ ખરીદી લાવે. આખું કબાટ ભર્યું છે ખીચોખીચ. વાંચે ય કેટલું ? પરીક્ષામાં કાયમ પહેલો, બીજો જ….!’ ભૈરવીને એનાં પ્રમાણ પણ મળવા લાગ્યાં. સરોજ પાઠકની વાર્તા ‘સારિકા પિંજરસ્થા’ રસથી સમજાવી ભૈરવીને છંદો અને અલંકારોય સમજાવ્યાં, આધુનિક ગુજરાતી સાહિત્યની વાતો કરી. દંગ થઈ ગઈ ભૈરવી.
‘તમારો વિષય તો મૅથ્સ અને આ ?’ તે બોલી હતી.
ગૌતમ મંદ મંદ હસ્યો હતો.
‘સારું છે ગૌતમ તને શીખવે છે. એ બહાને ભૈરવી પણ વાંચવા લાગી છે.’ વાતો થવા લાગી ભૈરવીની ગેરહાજરીમાં.

પણ મન ક્યાં ફંટાઈ શકે એની આગોતરી જાણ કોને હોય ? ખુદ ભૈરવી જ જાણતી નહોતી કે તે કેમ તણાતી હતી એ યુવક તરફ. ગમતો હતો પણ એ ગમવાપણું મનને ક્યાં લઈ જતું હતું ? રાતે ગૌતમ યાદ આવી જતો ને તે જાગતી રહેતી મધરાત લગી. સવારે આંખો ચોળતી તેને ભાળે ને મન તરબોળ થઈ જતું. ગૌતમ કાયમ માટે અહીં રહી જાય તો કેવું સારું ! વચ્ચેનો બે-ત્રણ દિવસનો અંતરાય પણ ખૂંચતો એને. અથવા હું જ તેની સાથે કાયમ માટે રહી જાઉં તો કેવું ? રહી શકાય કેમ નહીં ? મારા અને ગૌતમનાં લગ્ન થાય તો ? પછી તો રહેવું જ પડેને ગૌતમ સાથે, આન્ટી ને અંકલ સાથે. બસ, ચોવીસેય કલાક ગૌતમ, ગૌતમ ને ગૌતમ ! તે શરમાઈ જતી તેની કલ્પના બદલ. છ માસ તો જોતજોતામાં સરી ગયા. પાછો સામાન બંધાવા લાગ્યો. રડી પડી ભૈરવી. હવે ? હવે કેમ જીવાશે ? ગૌતમ તો તેની દષ્ટિ મર્યાદાની બહાર જઈ રહ્યો હતો. કશું નહીં થતું હોય ગૌતમને ? તેને આવતા હતા એ વિચારો ગૌતમને નહીં આવતા હોય ? તે ભાવમાં તણાતી હતી અને પેલે છેડે એવું કશું નહીં હોય ? એનુંય સમાધાન થઈ ગયું. એ સવારે જ ખુદ ગૌતમ જ આવ્યો હતો તેની પાસે. ગુલમહોરના વૃક્ષ નીચે તે થડને પકડીને ઊભી હતી. મનમાં પીડા હતી, અવઢવ હતી, ન સમજી શકાય એવી તરસ હતી.

ગૌતમે નિકટ આવીને કહ્યું હતું, ‘ભૈરવી, મને નથી ગમતું તને છોડીને જવું. એમ થાય છે કે તને સાથે લઈ જાઉં કાયમને માટે. તને સમજાય છે ને હું જે કહું છું ? પ્રતીક્ષા કરજે. તને લઈ જ જવી છે મારે !’ ભીની ભીની થઈ ગઈ ભૈરવી – શરમથી, આનંદથી. ઓહ ! ખુદ ગૌતમ જ કહી રહ્યો હતો તેના મનની જ વાત ! આગ બન્ને તરફથી લાગી હતી. તરત જ સાદ આવ્યો, ગૌતમ માટે, ‘આવી જા, ગૌતમ. મોડું થાય છે. જુઓ ભૂલતા નહીં જે કહ્યું એ.’ તે ઉતાવળે બોલી હતી. પછી અઢાર-ઓગણીસ-વીસની ભૈરવી ગૌતમના પત્રોની પ્રતીક્ષા કરતી હતી. પત્રો આવતા હતા અમીના સરનામે. ઉત્તરો પણ આપતી હતી ગૌતમને.

‘આ પણ ના ગમ્યો ? શું કહેવાપણું હતું સમીરમાં ? શું છે તારા મનમાં એ જ સમજાતું નથી !’ એ પણ સમાંતરે ચાલતું હતું. ભૈરવીના ભાગ્યમાં પ્રતીક્ષાઓ જ હતી. હવે પિસ્તાલીસની ભૈરવી પણ પ્રતીક્ષાઓ કરતી હતી. ગઈ સાંજથી દીકરી સૌમ્યાના ફોનની પ્રતીક્ષા ચાલુ હતી. રવિવારે સાંજે આવી જ જાય ! અચૂક આવી જાય. માંદી તો નહીં પડી હોય ને ? કશી મુશ્કેલી તો નહીં હોય ને ? તેર વર્ષની પુત્રીને અળગી કરી હતી, એની પીડા હજીયે ક્યાં શમી હતી ? ચિંતામાં રાત-દિવસ એક થતાં હતાં, પરંતુ એ ચિંતા છાની છાની કરવાની, મધુકર જાણે તો ઊકળી જ ઊઠે, ‘શા માટે ચિંતા કરવાની ? તું એને તારા જેવી પોચી બનાવી ના મૂકે એટલે જ…’ સૌમ્યા પહેલીવાર વૅકેશનમાં ઘરે આવી ત્યારે બન્ને રડી પડ્યાં હતાં. રાતે પડખામાં રાખીને પંપાળતી રહી હતી. ‘મમ્મી, મને ત્યાં ગમે છે….’ એવું તેણે કહ્યું એ પણ ના ગમ્યું. આ તો મને આશ્વાસન આપવા જ ! ભારે સમજવાળી છે દીકરી ! દર રજામાં તેને નવી જ સૌમ્યા મળતી. વિદાય વખતની સૌમ્યા તો ક્યારેક મળતી જ નહોતી. પુત્રી દૂર દૂર અજાણી જગ્યાએ તેની જાણબહાર વિકસતી હતી, જીવતી હતી, ગાતી હતી, દોડતી હતી, સૂતી હતી. તેને ખૂબ અભાવ લાગતો. દર વખતે નવી જ સૌમ્યા, નવી જ વાતો, નવી જ આદતો.
‘મમ્મી, તું ચિંતા ના કર. મૅડમે બધી જ સમજ પાડી છે. આ તો થાય એમાં ગભરાવાનું નહીં.’

ચકિત થઈ ગઈ ભૈરવી. કેવું કેવું કહેતી હતી પુત્રી ? શરમ-સંકોચ કશું જ નહીં ! તે તો આવા વખતે કેટલી ડરી ગઈ હતી ? તે તો તેના વિચારો પણ વ્યક્ત કરતી હતી, બેધડક. અભ્યાસની, માથેરાનની, સખીઓની, વરસાદની કેટલીયે વાતો કહ્યા કરતી અને જવાનો સમય આવે એ પહેલાં તો સ્ફૂર્તિથી તૈયાર પણ થઈ જતી હતી બૅગ સાથે.

ભૈરવી ફરી એકલતાના દ્વીયમાં ફેરવાઈ જતી. પતિ મહેમાન બની જતો. આવે અને જાય.. કશું નિશ્ચિત નહીં. કેવડો મોટો પથારો હતો બિઝનેસનો ? લગ્નતિથિ, જન્મતિથિઓ ક્યારેક યાદ આવી જતી, પણ સમય જ ક્યાં હતો ? ફોન તો આવે પણ એમાં પણ કામો જ હોય, ‘ભૈરવી, કદાચ કાલે આવીશ. તું ડિસોઝાને બોલાવી રાખજે. ચંદુભાઈ વૈષ્ણવને ફોન પર કહી દેજે કે…. અને હા, દફતરીની ફાઈલ તૈયાર રાખજે શોધીને. ડાયરીમાંથી આવતા વીકની એપૉઈન્ટ્મેન્ટો જોઈ લેજે. એમાં ક્યાંય મેસર્સ ગાંધી ઍન્ડ પટેલની છે…’ વિશાળ ફ્લૅટમાં તે અને તેનો પડછાયો ફર્યા કરતાં. સૌમ્યા હોય તો… ? કેટલી રાહત રહે ? અને એ સૌમ્યા ય વીસની થઈ હતી. હવે એ પણ કેટલો સમય ? એ ય જવાની જ ને, પાંખો ફફડાવતી ? અને તેને ગૌતમ યાદ આવી જતો, ન કરવા જેવા વિચારોય કરી બેસતી. ના, તે આટલી એકલી, અટૂલી ના હોત, એ ભર્યાભર્યા ગૌતમ પાસે ! ભલે ને આ વૈભવ ન હોત પણ તે કેટલી સુખી હોત !

‘મમ્મી કેમ છે તને ? નારાજ થઈ ગઈ હતી ને મારાથી ? સૉરી મમ્મી, કાલે ફોન ના કરી શકી. ખૂબ યાદ આવતી હતી તું. પપ્પા તો નથી ને, એઝ યૂઝઅલ ?’ સૌમ્યા ખાલી થતી હતી, ભૈરવી ભરાતી હતી.

‘બોલ બેટા, કેમ છે તને ? તબિયત તો…’ તે ભીના સ્વરે બોલી પણ ખરી. ખાતરી થઈ જ ગઈ હતી કે લાડલી સ્વસ્થ જ હતી. અને એનો આનંદ પણ ભળ્યો હતો અવાજમાં.

‘મમ્મી, તું ચિંતા ન રાખ. તારી દીકરી મજામાં છે, ખાય છે, પીએ, જીવે છે ! અને હા, મમ્મી, કાલ તો તને કાંઈ યાદ કરી છે ? પ્રસંગ જ એવો બન્યો કે…’

તેણે એક ઊંડો શ્વાસ લીધો, આગળની વાત કહેવા : ‘શું છે બેટા ?’ વળી ફરી ભૈરવી ઢીલી થઈ ગઈ. વળી શું હશે-ની ધારણાય વળગી તેને.

‘ખાસ કાંઈ નથી, મમ્મી, ચિંતા કરવા જેવું. તું તો પાછી…!’ દીકરી ટહુકી. હાશ અનુભવી ભૈરવીએ.

‘મમ્મી કહેને, તું ઓળખે છે કોઈ ગૌતમ દવેને ? અરે, ઓળખવાની વાત નથી. મમ્મી, તું જ્યારે મારા જેવડી હતી ત્યારે કોઈ ગૌતમ દવેના પ્રેમમાં હતી ?’

ઓહ ! શું કહેતી હતી, સૌમ્યા ? એ ક્યાંથી જાણે ગૌતમને ? અને તે એના પ્રેમમાં હતી એ વાત ? આભી બની ગઈ ભૈરવી. ‘મમ્મી… મને કહેને, હું તો તારી વીસ વર્ષની દીકરી છું. જસ્ટ યૉર ફ્રેન્ડ ! ગૌતમ દવે અમારા પ્રોફેસર છે મેથ્સના. તેમને અમે જ વળગ્યા હતા કે સર, કહો ને કહો જ… તમારો અનુભવ પ્રથમ પ્રણયનો.. અને એમણે કહ્યો પણ ખરો. મમ્મી, નાનાના ઘરે, સુરનગરમાં ગુલમહોર છે ને ? મેં જોયો છે બે વર્ષ પહેલાં. ખુલ્લી પરસાળ, હારબંધ મકાનો અને એ ગૌતમ દવેએ તને કહ્યું હતું મમ્મી કે….’ ઓહ ! આ તો પળેપળ ખોલી રહી હતી એ આખી વાત. સાંગોપાંગ ભૈરવી કંપી ગઈ. શું કહેવું પુત્રીને ? શું તે ત્યાં હશે ? હશે જ ને ? નહીં તો જાણે કોણ આ બધી રજેરજ વાત ?…. સામે છેડે પરખાણી આ બધી જ ગતિવિધિ, અકળામણ, અસ્તવ્યસ્તતા.

સૌમ્યાએ જાતને સંભાળી, ‘મમ્મી, આ બધી તો મજાક. તું સાચું માની ગઈ ? કોઈ ગૌતમ દવે છે જ નહીં. તારી જૂની ડાયરીમાં આ નામ વાંચેલું અને મમ્મી આ વાર્તા બનાવી કાઢી. તું ય કેવી છે ! આમ અકળાઈ જવાનું ? કોઈ ગૌતમ બૌતમ છે જ નહીં. મમ્મી, ખાલી મજાક ! કહે, કેવી વાર્તા બનાવી ?’

સૌમ્યા મલમપટ્ટા લગાડવા માંડી.

‘હા… મજાક જ બેટા, નિયતિએ (કુદરતે) તારી મા સાથે કરેલી…!’ તે રિસીવર પર હાથ મૂકીને બોલી હતી.

www.sandeh.com

Categories:

Leave a Reply