લાખોપતિ પિતાના બંગલામાં ભાડે રહેતો દીકરો અને પુત્રવધુ બે છેડા ભેગા કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે...

- માવતર જ્યારે ક-માવતર થાય ત્યારે?- હમણાં તો મેં ચૂકવી દીધા છે.. પણ તારે મને લગભગ ૩૨ હજાર રૂપિયા આપવાના છે.. બને એટલી વહેલી સગવડ કરે તો સારું...

કમ્પાઉન્ડમાં ખખડધજ બાઇકને કિક મારી રહેલા નાના ભાઇને જયારે મોટા ભાઇએ આવું કહ્યું ત્યારે એ ક્ષણેક સ્તબ્ધ થઇ ગયો. હજુ તો કંઇ કહે એ પહેલાં મોટાભાઇએ કહ્યું... પપ્પાની અંતિમવિધિ, બેસણાની જાહેરખબર વગેરે બધાનો હિ‌સાબ મેં રાખ્યો છે. એમાંથી અડધા તું ભોગવ, અડધા હું ભોગવું. મોટાભાઇના બાકીના શબ્દો ચાલુ થયેલી બાઇકના ઘોંઘાટમાં દબાઇ ગયા અને નાના ભાઇની ભીની થયેલી આંખ સાઇલેન્સરમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓમાં ઢંકાઇ ગઇ.

અત્યંત શ્રીમંત એવા ઉજળિયાત કુટુંબની આ સત્ય ઘટના છે. પિતાજી જ્ઞાતિના ચાર જણામાં પૂછાય એવા અગ્રણી અને પાછા ઉચ્ચ સરકારી અધિકારી તરીકેનો દબદબો પણ ખરો. બે દીકરાઓમાંથી મોટો દીકરો સોફટવેર એન્જિનિયર થઇને એક બહુરાષ્ટ્રિય કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર જોડાયો. પગાર લગભગ દોઢ લાખ રૂપિયા પ્રતિમાસ. નાનો દીકરો ભણવામાં મધ્યમ પરંતુ એમ.એ. કરી બી.એડ્ કરવા સાથે એણે એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પગાર માંડ ૭-૮ હજાર. માતા એકદમ ધર્મિ‌ષ્ઠ અને રૂઢિચુસ્ત.

શ્રીમંત વિસ્તારમાં બે માળના સંપૂર્ણ સુવિધાઓ સાથેના બંગલામાં આ પરિવાર રહે. મોટા ભાઇનાં લગ્ન લેવાયાં ત્યારે લગભગ આખી નાત એકઠી થઇ હતી. દિવસો સુધી જ્ઞાતિના ઘરેઘરે આ લગ્નની ચર્ચાઓ થઇ. કન્યાનું કુટુંબ પણ સ્વાભાવિક રીતે સમોવડિયું અને કન્યા પણ ઉચ્ચશિક્ષિત. અલબત્ત નાના દીકરા તરીકેએ મા-બાપનો વધુ લાડકો પરંતુ ઘરમાં ભાભી આવ્યા પછી વાતાવરણ બદલાવા માંડ્યું હતું.

અઘૂરામાં પૂરું નાનાએ બળવો કર્યો. એની સાથે બી.એડ્માં ભણતી અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા. સમાજમાં અત્યંત પ્રતિષ્ઠિ‌ત અને જ્ઞાતિમાં મોભાદાર સ્થાન ભોગવતા કુટુંબનો દીકરો જ ભલે ઉજળિયાત જ પણ અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરે એનાથી એમની પ્રતિષ્ઠ‌ા પર કલંક લાગ્યું છે એમ માનીને મા-બાપે ખૂબ વિરોધ કર્યો. રૂઢિચુસ્ત માતાએ તો યુવતીને ઘરમાં પ્રવેશતી અટકાવવા છેલ્લી કક્ષાનાં ત્રાગાં કર્યાં. કેટલાય ઝગડા-રડારોળ પછી આખરે નાના ભાઇને બંગલામાં એક રૂમ અને રસોડું અલગથી ફાળવી અપાયું. નાના ભાઇએ પોતાનો અલગ સંસાર માંડ્યો.

કારણ ગમે તે હોય પરંતુ નાના દીકરાના આંતરજ્ઞાતિય લગ્ન પછી માતાની તબિયત લથડવા માંડી. દીકરાના કારણે આઘાત લાગ્યો હોવાનું માનીને સારવાર તો કરાઇ પરંતુ માતાનું અવસાન થયું. હજુ તો પરણીને હમણાં જ આવેલી નાની વહુ સાસુને ભરખી ગઇ એવી વાતો શરૂ થઇ અને માતાનું મૃત્યુ માત્ર આઘાતને કારણે જ થયું હોવાની વાતો વહેતી થઇ.

માતાના અવસાન પછી પિતાનું વલણ પણ નાના દીકરા તરફ બદલાવા માંડ્યું. બંગલાના પાછલા હિ‌સ્સામાં એક રૂમ રસોડામાં અલગ રહેતો નાનો દીકરો જાણે ભાડુઆત હોય અને પોતે મકાન-માલિક હોય એમ પિતા નાની-નાની વાતમાં પણ એને અને એમની નાની પુત્રવધૂને ટોકતા.

નાના દીકરાએ જાણે કોઇ અક્ષમ્ય ગુનો કરી નાખ્યો હોય એમ મોટાભાઇ-ભાભી અને નજીકનાં અન્ય તમામ સગાં-સંબંધીઓ પણ એની સાથે અપમાનજનક વર્તન કરવા માંડ્યાં. સગા પિતાએ પહેલાં લાઇટબિલ અને ઘરવેરામાં એના ભાગનાં નાણાંની ઉઘરાણી કરી ત્યારે તો નાનો દીકરો ડઘાઇ જ ગયો.

ટૂંકી આવકમાં માંડ ઘર ચલાવી રહેલા દીકરાને આર્થિ‌ક રીતે વધુ મુશ્કેલીમાં મૂકવા જ એના પિતાએ એક દિવસ એને બેસાડીને કહ્યું કે જો તું અત્યારે આ વિસ્તારમાં એક રૂમ રસોડાનું મકાન ભાડે રાખે તો ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા ભાડું તારે ચૂકવવું પડે. પણ, હવે તારે અહીં રહેવું હોય તો આ મહિ‌નાથી તારે ઓછામાં ઓછું ચાર હજાર તો ભાડું આપવું પડશે. માંડ ૭-૮ હજાર કમાતા નાના દીકરાને આ આર્થિ‌ક ફટકો ખૂબ મોટો હતો. એની પત્નીએ નાની-નાની પાર્ટીઓ માટેના કેટરિંગનું કામ લઇ થોડી આવક ઊભી કરવા માંડી, પરંતુ એ બન્ને માટે આ કપરો કાળ હતો.

અઘૂંરામાં પૂરું પિતાનું પણ ઓચિંતું અવસાન થયું. મોભા અનુસાર એમની અંતિમ વિધિ કરાઇ. બેસણાનું આયોજન થયું અને બધું શાંતિથી પતી ગયું. પછીના દિવસે મોટાભાઇએ બાઇકને કિક મારી રહેલા નાનાભાઇને અટકાવીને કહ્યું... તારે મને.. ૩૨ હજાર રૂપિયા આપવાના થશે.

આ પ્રસંગ પછી પહેલી વાર નાનાભાઇએ મોટાભાઇને કહ્યું કે દીકરા તરીકે મારો પણ આ બંગલા પર એટલો જ હક્ક છે.. પિતાજીના પીએફ, ગ્રેજ્યુઇટીનાં નાણાં, માતાના લાખો રૂપિયાનાં ઘરેણાં અને પિતાની લાખો રૂપિયાની બચતોમાંથી એના ભાગે આવતી રકમમાંથી ૩૨ હજાર કાપી લેજો.

નાનાભાઇના આશ્ચર્ય વચ્ચે આર્થિ‌ક રીતે સદ્ધર એવા મોટાભાઇએ એની સામે કેટલાક કાગળોની થપ્પી ઘરી દીધી. એ પિતાજીએ કરેલું વીલ હતું મૃત્યુ અગાઉ પિતાએ બંગલા સહિ‌તની તમામ સ્થાવર-જંગમ મિલકત મોટા દીકરાના એકલાના નામે કરી દીધી હતી અને એમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારાં પત્નીના અકાળે મૃત્યુનું કારણ બનનાર નાના દીકરાને મારી તમામ પ્રકારની મિલકતમાંથી હું સંપૂર્ણપણે બાકાત રાખું છું.

પિતાનું વીલ વાંચીને નાનો દીકરો તો આભો જ બની ગયો. પરજ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાની એટલી મોટી સજા એને જીવતે જીવ આપનાર મા-બાપે મૃત્યુ બાદ પણ એને મિલકતમાંથી બાકાત રાખી આજીવન અન્યાયની સજા ફટકારી દીધી હતી. આ વાતને લગભગ એક-દોઢ વર્ષનો સમય થઇ ગયો છે. પ્રેમલગ્ન કરનાર યુગલ નોકરી ઉપરાંત કેટરિંગમાંથી આવક રળીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યું છે અને આજે પણ પોતાના જ પિતાના મકાનમાં ભાડે રહે છે

પણ હવે મોટાભાઇ અને ભાભીએ એમને એવું કહ્યું છે કે અમારાં સંતાનો મોટાં થઇ રહ્યાં છે એટલે એમની પ્રાઇવસી માટે અમારે એમને અલગ રૂમ આપવા જરૂરી છે. આથી તમે હવે બને તો તમારી બીજે રહેવાની વ્યવસ્થા કરી લો તો સારું.... હાલ તો પતિ-પત્ની બે છેડા ભેગા કરવાની દોડધામ વચ્ચે ઓળખીતાઓને કહી રહ્યાં છે કે એક- રૂમ-રસોડું ક્યાંક ભાડે આપવાનું હોય તો કહેજો ને...

Categories:

Leave a Reply