તમારે પોલીસ કેસ કરવાની કોઇ જરૂર નથી... તમને તમારા દીકરાનું વળતર મળી જશે...પ્રતિષ્ઠિત કંપનીના શૂટેડ-બૂટેડ અધિકારીએ કહ્યું ત્યારે એક ક્ષણ તો એ વૃદ્ધને થઇ ગયું કે એને એક તમાચો મારીને કહે કે... વળતર એટલે શું... રોકડા રૂપિયા ? પણ મારો એકનો એક જુવાનજોધ દીકરો નહીં રહ્યો હોય તો એ રૂપિયાનું હું કરું શું ?પણ, સંજોગો નાજુક હતા. એણે સંમતિસૂચક મૌન સેવ્યું. દીકરાને તત્કાળ મુંબઇ લઇ જવાની ગોઠવણ થઇ.

આ એક એવી કરુણ સત્યઘટના છે કે, જે કારમી મોંઘવારીમાં મહેનત કરીને પણ જીવી જવા ઝઝૂમતા કુટુંબને તબાહીના દ્વારે લાવીને મૂકી દેતાં સરકારી તંત્રોની પોલ ખુલ્લી પાડે છે. જુના વડોદરાના મધ્યમવર્ગીય વિસ્તારમાં એ યુવાન રહેતો હતો. એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કંપનીએ ફરજિયાત નિવૃત્તિ યોજના હેઠળ પિતાને નોકરીમાંથી છુટા કર્યા ત્યારે ઘરમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. વળતરનો પહેલો નાનકડો હપ્તો આવ્યો પણ એ તો ઘરખર્ચ અને થોડાક જુનાં દેવાંઓમાં પિસાઇ ગયો. બીજા હપ્તાની આશા ધૂંધળી હતી. નાછુટકે ઘરખર્ચનો બોજો ઉપાડવાની જવાબદારી આવી પડતાં કુટુંબના એકમાત્ર દીકરાએ પોતાના વિસ્તારમાં પાન-બીડીનો ગલ્લો શરૂ કર્યો.

પાંચ જણના કુટુંબને પોષવા ઝઝૂમી રહેલા આ યુવકે શરૂ કરેલો પાનનો ગલ્લો ધીરે-ધીરે જામવા માંડ્યો. લગભગ ભૂખે મરવાના કગાર પર આવીને ઊભેલું કુટુંબ તત્કાળ તો ઉગરી ગયું પરંતુ બદકિસ્મતી એમના ઉંબરે ટાંપીને બેઠી હતી. એ વિસ્તારમાં મુખ્યમંત્રીનો એક જાહેર કાર્યક્રમ ગોઠવાયો અને એ સાથે જ મહેનતકશ તમામ લોકો જાણે કીડી-મંકોડા હોય એમ એમનો સફાયો કરવા સેવાસદનનું તંત્ર તૂટી પડ્યું. હજુ તો મુખ્યમંત્રીના કાર્યક્રમને બે દિવસની વાર હોવા છતાં અનેક અન્ય લારી-ગલ્લાની સાથે આ યુવકનો ગલ્લો પણ ટ્રકમાં ચઢાવી દબાણશાખાના કર્મચારીઓ ઉપાડી ગયા.

રોજે-રોજનું કમાઇને ઘરનો ચૂલો જલાવનાર શ્રમજીવીઓ માટે મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ કેટલા દિવસ ભૂખમરામાં ધકેલે છે એની કદાચ કોઇ કલ્પના પણ નહીં કરતું હોય પરંતુ આ વાસ્તવિકતાએ યુવકને પણ આર્થિક સંકડામણમાં ધકેલી દીધો. દિવસોના ધક્કા બાદ જવાબદાર તંત્રને પેટ ભરીને રૂપિયા ‘ખવડાવ્યા’ પછી એને ગલ્લો પાછો તો મળ્યો પરંતુ એમનો હજારોનો તમામ સામાન ગાયબ હતો! આમતેમથી થોડા પૈસા એકઠા કરી ફરી ગલ્લો રાબેતા મુજબ શરૂ કર્યો.

માંડ એકાદ અઠવાડિયું થયું અને કરોડો રૂપિયાની લૂંટફાટના મૂક સાક્ષી બની રહેતા અથવા તો એમાં ભાગીદાર બનતા કહેવાતા પ્રજાસેવકોએ શહેરને સ્વચ્છ કરવાની આદરેલી ઝુંબેશના ભાગરૂપે ફરી ગેરકાયદે દબાણોના નામે લારી-ગલ્લાઓ ઉઠાવી લેવાયા! એણે ફરી ધંધો શરૂ કર્યો. ફરી એની લારી ઉઠાવી જવાઇ. આખરે કંટાળીને યુવકે માત્ર રાત્રિના સમયે જ ધંધો કરવાનું વિચાર્યું.પણ, કમનસીબીએ અન્ય લોકોની જેમ એનો પણ પીછો ન છોડ્યો.

રાત્રે પોલીસ ધસી આવતી અને કોઇપણ કારણ વગર દંડાબાજી કરીને લોકોને ભગાડતી. કાયદાએ આપેલી છુટનો સમય પૂરો થાય એ અગાઉ જ રીતસર વર્દીધારીઓનો આતંકવાદી હુમલો હોય એમ આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જતો. લારી-ગલ્લા ઊંધા વાળી દઇ પોલીસો તેમનો બધો માલ-સામાન રોડ પર વેર-વિખેર કરી તેના પર દંડા મારી તોડી નાંખતા. લારી-ગલ્લા, સ્ટવ, પેટ્રોમેકસ, તેલની કઢાઇઓ અને ખાણી-પીણીની તૈયાર થયેલી ચીજો પણ રીતસર ઉથલાવી નાંખી ખાખી વર્દીધારીઓ રીતસર યુનિફોર્મધારી ગુંડાઓની જેમ વર્તતા. નિર્દોષ ગ્રાહકોએ ખાવા-પીવાની ચીજો અધૂરી છોડીને ભાગી જવું પડતું અને જો લારી-ગલ્લાવાળો કોઇ ઝડપાઇ જાય તો તેને મારી મારીને અધમૂવો કરી નંખાતો.

આ યુવકને પણ આવી રીતે એકવાર સખત માર મારી પોલીસે એને ધમકી આપી કે,ખબરદાર હવે ફરી ધંધો શરૂ કર્યો તો...કાયદાનું કે પ્રજાનું રક્ષણ કરવાની જેમની ફરજ હોય એ લોકો જ સ્વયં છડેચોક કાયદો તોડે અને પ્રજાએ તેમની પાસેથી રક્ષણની અપેક્ષા તો દૂર તેમનાથી જ જીવ બચાવવા ભાગવું પડે એવા દ્રશ્યો રોજ રાત્રે એકશન રિપ્લેની જેમ ભજવાતાં. કાયદાના પાલનના નામે થતી આ ગુંડાગીરીનો કોઇ ઇલાજ નહોતો. ફરી બે ટંકનાં ફાંફાં થવા માંડ્યાં અને ઉપરાંત ક્યારેક તો બીમાર માતાની સારવાર માટેના પૈસાની પણ તંગી પડવા માંડી. આવકનો અન્ય સ્ત્રોત એ શોધી રહ્યો હતો. દરમિયાન એણે અખબારમાં એક જાહેરખબર વાંચી.

વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓની રિસર્ચ લેબમાં તૈયાર થતી દવાઓની કોઇ એક તબક્કે માનવીય શરીર પર થતી અસરનો અભ્યાસ કરવા માટે સ્વૈચ્છિક રીતે તૈયાર હોય એવા તંદુરસ્ત યુવાનોને સંતોષકારક આર્થિક વળતરની લાલચ અપાઇ હતી. આ જાહેરાતના આધારે એણે સંપર્ક કર્યો અને તેને તબક્કાવાર હોસ્પિટલમાં કેટલાક દિવસો માટે દાખલ થવાની અને તેની સામે વળતર આપવાની દરખાસ્ત મુકાઇ.

આવકનો આ સ્ત્રોત થોડા સમય માટે પણ પકડી લેવો એમ વિચારી એણે હા પાડી અને એના શરીર પર વિવિધ દવાઓની અસરનાં પરીક્ષણો શરૂ થયાં. અલબત્ત આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક ધોરણે થતી પરંતુ એમાં જોખમ પણ એટલું જ ભરપૂર હતું. યુવાને પોતાના કુટુંબીઓ ચિંતા ન કરે એ માટે આ આખી બાબત છુપાવી રાખી. એ બહારગામ નોકરી મળ્યાનું કહી ૮-૧૦ દિવસ માટે ચાલ્યો જતો અને નોકરીમાં નથી ફાવતું એટલે છોડી દીધી એમ કરી પાછો આવતો. પરંતુ એ દિવસો દરમિયાન તે શહેરની જ કોઇ હોસ્પિટલમાં પરીક્ષણના હેતુસર દાખલ રહેતો.

પ્રારંભમાં બધું ઠીક ચાલ્યું. પરંતુ એક વાર એ દવાખાનામાં દાખલ હતો ત્યારે એના શરીરમાંથી એની મરજીથી ૧૦૦ મિ.મી. જેટલું રક્ત કાઢી લેવાયું. અલબત્ત એના પેટે એને અલગથી રૂ.૨૦૦૦/- ચૂકવાયા પરંતુ ત્યારબાદ એને એકદમ અશક્તિ વર્તાવા માંડી. એના પર પ્રયોગ કરી રહેલા તબીબે એની સારવાર શરૂ કરી. પરંતુ થોડા સમયમાં અચાનક જ એ યુવાન બેહોશ થઇ ગયો. લાંબી મથામણ બાદ પણ એ હોશમાં ન આવતાં તબીબોએ સ્વીકારવું પડ્યું કે એ કોમામાં સરી પડ્યો છે ! યુવકે રિસર્ચ એજન્સીમાં લખાવેલા સરનામાના આધારે એનાં માતા-પિતાનો સંપર્ક કરાયો. એમને એમનો દીકરો કોમામાં સરી ગયાનો એક તત્કાળ એને વધુ સારવાર માટે મુંબઇ લઇ જવાઇ રહ્યો હોવાનું જણાવાયું.

ઘરનું ગુજરાત ચલાવવા લારીગલ્લો ખોલી પ્રામાણિકપણે જીવવામાં નિષ્ફળ ગયેલા દીકરાએ છેવટે આ રીતે પોતાનું શરીર પ્રયોગો માટે સોંપીને આવક રળવા માંડી હતી એ વાત જાણીને આઘાત પામેલા એ કુટુંબ પાસે પોક મૂકીને રડવા સિવાય કંઇ ન હતું.એકનો એક દીકરો મોતના મોં સુધી પહોંચી ગયાનું જાણી કંપની પર કેસ કરવાની ધમકી એક તબક્કે વ્યથિત પિતાએ આપી ત્યારે એમને કહેવામાં આવ્યું, તમે પોલીસ કેસ ન કરશો... તમને તમારા દીકરાનું વળતર મળી જશે...લગભગ ૬ મહિના પહેલાંની આ ઘટના છે અને સદ્નસીબે એ યુવક હવે સ્વસ્થ છે.
http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-true-story-a-young-f...

Categories:

Leave a Reply