દૈનિક ખર્ચના ૧૦થી ૨૨ ટકા તમાકુના બંધાણ પાછળ વેડફાઈ રહ્યાં છે: ધ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેનું તારણ

તમાકુના વ્યસનનો બંધાણી દરરોજ ૧૦થી ૨૨ ટકા રકમનો ખર્ચ પોતાની આ લત પાછળ કરે છે! ‘ધ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઓફ ઇન્ડિયા અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા ખેડા જિલ્લામાં હાથ ધરાયેલાં સર્વે દરમિયાન આ ચોંકાવનારાં આંકડાં બહાર આવ્યા છે. અંદાજિત ૨૦ વર્ષની ઉંમરમાં યુવાનો તમાકુના વ્યસનના રવાડે ચડી જતા હોય છે. ખેડા જિલ્લામાં હાથ ધરાયેલા સર્વે દરમિયાન ૩ હજારથી વધુ વ્યક્તિનો સંર્પક કરવામાં આવ્યો હતો. વિશ્વમાં ૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ચોંકાવનારાં આંકડાંઓ એક સામાજિક ચેતવણી સમાન છે.

આ અંગેની વધુ માહિતી આપતાં ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય કુટુંબ કલ્યાણ મંત્રાલયના સહયોગથી ગુજરાતના છ જિલ્લા આણંદ, ખેડા, રાજકોટ, બનાસકાંઠા, સુરત અને તાપીમાં તમાકુ નિયંત્રણના પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી ‘સ્ટેપ્સ’ હેઠળ કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ધ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

આ જિલ્લાઓમાં સર્વે દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવી છે. દૈનિક ખર્ચ કરતાં વ્યક્તિ તમાકુ પાછળ ૧૦થી ૨૨ ટકા રકમ વેડફી નાખે છે. તમાકુથી શારિરીકની સાથે વર્તમાન સમયમાં કુદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારીમાં મોટું આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. તમાકુ અને તેની વિવિધ બનાવટોના સેવનમાં સામાન્ય રીતે ૨૦થી ૨૧ વર્ષના યુવાન ઝડપથી સપડાઈ જતા હોય છે. તેઓ કાયમી બંધાણી પણ બની જાય છે.’

૧૧ ટકા સિગારેટ અને ૨૪ ટકા ગુટકાના બંધાણી

સિગારેટ અને બીડીનું સ્મોકિંગ ૧૧ ટકા વ્યક્તિ કરતી હોવાનું જણાયું છે. આમાં ૨૦ ટકા પુરુષ અને ૧ ટકા મહિલા છે. પાનમસાલા અને ગુટકાનું સેવન ૨૪ ટકા વ્યક્તિ કરે છે, જેમાં ૩૪ ટકા પુરુષ અને ૧૪ ટકા મહિલા સામેલ છે.

સવારે ઊઠીને પાંચમી મિનિટે જ વ્યસન

વ્યસનના બંધાણીઓના સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે, સવારે ઊઠીને માત્ર પાંચ મિનિટમાં વ્યસન કરનારાંઓનું પ્રમાણ ૩૫થી ૫૦ ટકા જેટલું છે. બીડી, સિગારેટ અને ચિલમનો ઉપયોગ કરનારાં ૫૦ ટકા વ્યક્તિ પાસે વ્યસન માટેના કારણો જેવા કે, મૂળ નથી આવતો, મગજ ફ્રેશ નથી થતું કે પછી ટોયલેટ જવામાં મુશ્કેલી થાય છે, હાજર જ હોય છે. પાન-મસાલા અને ગુટકાના ૩૫ ટકા બંધાણીઓ સવારે ઊઠીને પાંચમી મિનિટે જ તેનું સેવન કરે છે.

તમાકુ નિયંત્રણ ધારાનો છડેચોક ભંગ

સામાન્ય રીતે શાળા અને કોલેજોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજયામાં તમાકુ કે તેની બનાવટનું વિતરણ કરતાં પાન-ગલ્લાં કે સ્ટોર્સ હોવા જોઈએ નહીં. ખેડા જિલ્લામાં હાથ ધરવામાં આવેલાં સર્વેમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં એક કે બે સ્ટોલ જોવા મળ્યાં છે.

જિલ્લામાં ટાસ્ક ફોર્સ બનાવી

આ સંદર્ભે એપેડેમિક ઓફિસર અજીત ઠાકરે જણાવ્યું હતું કે ‘જિલ્લામાં શાળા-કોલેજો તથા જાહેર સ્થળોએ ધ્રુમપાન વિરુદ્ધ જુદી-જુદી ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. ૨૫ જેટલી વ્યક્તિને ઝડપી પાડી R૨૭૦૦ દંડ સ્થળ પર જ વસૂલાયો હતો. ઉપરાંત જિલ્લામાં આકસ્મિક રેડ પાડવા માટે જુદાં-જુદાં વિભાગોનું સંકલન કરવામાં આવ્યું છે. મહિનામાં કોઇપણ એક દિવસે ચેકિંગ કરવામાં આવશે. પાનના ગલ્લાં પર ચેતવણી સંદર્ભનું પોસ્ટર પણ વિતરણ કરી ફરજિયાત પણે લગાડવામાં આવી રહ્યા છે.’

આટલું જાણ્યાં બાદ તો અટકો...

૧૦થી ૨૨
આટલા ટકા રકમ દરરોજ વ્યસની વેડફી રહ્યો છે.

૨૦થી ૨૧
આ ઉંમરના યુવાનો ઝડપથી શિકાર થઈ રહ્યા છે.

૩૫થી ૫૦
આટલાં ટકા બંધાણી સવારે ઊઠીને માત્ર પાંચ મિનિટમાં વ્યસન કરે છે.

૧૦૦
શાળા-કોલેજની આટલાં મીટરની ત્રજિયામાં તમાકુ કે તેની બનાવટનું વિતરણ થવું જોઈએ નહીં.
 
Posted By MIRAL PATEL on Gujarati

Categories:

Leave a Reply