ઈતિહાસ પળે-પળેનો હિસાબ રાખે, જણે-જણનો નહીં...

નખશિખ મનમોહક સૌંદર્યની પાછળ કેવી કડવી અને કદરૂપી વાસ્તવિકતા છુપાઇ હોઇ શકે છે એ દર્શાવતી આ સત્યઘટના સંસ્કારનગર વડોદરાની ભૂમિ પર પાંગરીને લુપ્ત થઇ ગઇ છે. ઈતિહાસ કદાચ પળ-પળનો હિસાબ આપી શકે છે પરંતુ જણે-જણનો નહીં. ઈતિહાસની આ મર્યાદા છે .અને એટલે જ ઈતિહાસ આવી અનેક ઘટનાઓની નોંધ સુધ્ધાં લીધા વગર લખાતો હોય છે.એનું નામ માનસી (નામ બદલેલ છે). દિલ્હીની નજીકના એક નાનકડા શહેરમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરવા તે વડોદરા આવી હતી. ખાનગી કંપનીમાં સામાન્ય નોકરી કરતા પિતાની મોટી દીકરી. અભ્યાસમાં નિપુણ અને મહત્વાકાંક્ષી. એટલે જ એને જે વિષયમાં અનુસ્નાતક કરવું હતું તે માત્ર વડોદરામાં જ શક્ય હોવાથી તે અત્રે આવી હતી.

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એ રહેતી. પ્રારંભમાં તો આખો દિવસ કોલેજ-લાઈબ્રેરી, પ્રોજેક્ટ્સ-પ્રેઝન્ટેશન, એસાઇનમેન્ટ્સની દોડધામ અને રાત્રે મેસમાં મળતું માંડ ભાવે એવું ખાવાનું ખાઇ થાકીને લોથપોથ થઇ સૂઇ જવું એ એનો નિત્યક્રમ હતો.એનાથી સાવ વિપરીત એની રૂમ પાર્ટનર દલજીત કૌર (નામ બદલ્યું છે). કેન્દ્ર સરકારમાં સચિવ કક્ષાના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત પિતાની દીકરી. ગર્ભશ્રીમંત અને ઉપરથી બે નંબરની અઢળક આવક. હોસ્ટેલના કહેવાતા કડક નીતિ નિયમો, મેસનું બેસ્વાદ ખાવાનું અને પોતાનાં કામ પોતે જ કરવા પડે એવી ફરજિયાતપણે આવી પડેલી કંટાળાજનક સ્વનિર્ભરતા.

આ બધાથી દલજીત બીજા મહિને જ થાકી ગઇ. એક દિવસ બેગ-બિસ્તરા ભરી એ હોસ્ટેલ છોડી જઇ અલકાપુરી જેવા પોશ વિસ્તારમાં એક વિશાળ વૈભવી ફ્લેટ ભાડે રાખી એણે પોતાનું આર્થિક ગજું બતાવી આપ્યું. માનસી માટે આવું કરવું શક્ય નહોતું. બે સંતાનો અને એ બન્ને દિકરીઓ હોવાથી હૃદયના કોઇ એકાંત ખૂણે આશંકાથી ફફડતા મા-બાપને દીકરો બનીને તમામ સુખ-સગવડો આપવા માનસી હંમેશાં તત્પર રહેતી. પોતાના ઉચ્ચાભ્યાસને કારણે કુટુંબ પર આવી પડેલા વધારાના આર્થિક બોજા માટે એ ચિંતિત રહેતી. પરંતુ સ્વયં પિતાએ એને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી હતી.

પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી રહી હતી. પણ, પિતા તરફથી દર મહિને મળતાં ખર્ચનાં અપૂરતાં નાણાં અને હવે પરીક્ષા માટે એક ઓડિયો-વિઝ્યુઅલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો વધારાનો ખર્ચ આવી પડ્યો ! પરંતુ પિતાની ટૂંકી આવકની એને જાણ હતી. તેથી જ એ માંડ બે છેડા ભેગા કરી પોતાનો અભ્યાસ આગળ ધપાવી રહી હતી.

એક સાંજે પોતાની રૂમમાં અભ્યાસ કરી રહેલી માનસીના ફોન પર રિંગ વાગી નાની બહેને લગભગ રડતાં રડતાં કહ્યું દીદી... પાપા... બહુત બીમાર હૈ તુમ જલ્દી આ જાઓ’... સાંભળતાં જ એને ધ્રાસકો પડ્યો. એણે સવિસ્તાર જણાવ્યું કે, ડાયાબિટીસથી પીડાતા પિતાની કિડ્ની પર ગંભીર અસર થઇ છે અને વધુ ટેસ્ટ વધુ ઘનિષ્ઠ સારવાર માટે દાખલ કરવા પડે એમ છે. એક તરફ પરીક્ષાની ચિંતા અને બીજી તરફ પિતાની બીમારીએ એને હચમચાવી નાંખી.

વોર્ડનની રજા લઇ પહેલી ટ્રેનમાં બેસી એ દિલ્હી દોડી ગઇ. ચાર દિવસ પછી એ પાછી આવી ત્યારે સંપૂર્ણપણે હતાશ હતી. પિતાજીની બંન્ને કિડની ફેઇલ થઇ હતી અને હવે કોઇ ડોનર ન મળે ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું અનિવાર્ય થઇ પડ્યું હતું. ડોનર મળે તોપણ જંગી ખર્ચ અને ડાયાલિસિસ પણ ખર્ચાળ. ઉપરથી પિતાજીનો પગાર બંધ. માનસીએ પોતાનો અભ્યાસ જ અધૂરો છોડવો પડે એવા સંજોગો ઉભા થયા હતા. પણ દવાખાનાના બિછાના પરથી પિતાએ વચન લીધું કે શિક્ષણ અધવચ્ચેથી છોડીશ નહીં.

થોડી બચત, મેડિકલેઇમ, પિતાજીની ઓફિસની થોડી આર્થિક સહાયથી તત્કાળ તો સારવાર શરૂ કરી દેવાઇ. પણ પછી ? માનસીએ જેમ-તેમ કરી પરીક્ષામાં ધ્યાન પરોવ્યું. પરીક્ષા પૂરી થતાં જ પિતા પાસે જતાં અગાઉ એ દલજીતને મળી. એણે એને આખી વાત કરી. પાશ્વાત્ય ઢબે તદ્દન બિન્દાસ્ત રીતે જીવતી દલજીતે એને કહ્યું... તારા જેવી સુંદર દેખાવડી યુવતી માટે આર્થિક તકલીફ તો કોઇ સમસ્યા હોય? હોસ્ટેલની કેટલીય છોકરીઓને ઘરેથી આવતા પૈસા ઓછા પડે છે ત્યારે વૈભવી જીવન જીવવા શું કરે છે એ તને નથી ખબર? એક સંસ્કારી ખાનદાની કુંટુંબની દીકરી માનસી માટે એ આઘાતજનક હતું પરંતુ હોસ્ટેલ જીવન દરમિયાન તેણે નજરે એ બધું જોયું હતું. દલજીત કહેતી હતી એમ અનેક છોકરીઓ પોતાનું સૌંદર્ય લૂંટાવી આર્થિક ભૂખ ભાંગતી હતી.

માનસીએ દલજીતને ધમકાવી નાંખી અને ચાલતી પકડી. વેકેશન ખૂલતાં જ અનુસ્નાતકના બીજા અને અંતિમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવા પરત ફરેલી માનસી થોડી હતાશ હતી. પિતાજીની સારવારનો દર મહિને આવતો હજારોનો ખર્ચ કાઢવાનો માર્ગ એણે જ શોધવાનો હતો કારણ એ ઘરમાં મોટી હતી.કદાચ એ આવી ત્યારે જ દલજીતે અગાઉ સૂચવેલા માર્ગ પર ચાલવાની માનસિક તૈયારી સાથે આવી હતી. એ માર્ગ એને એના વતનના ગામમાં અપનાવવો અઘરો હતો. એણે અભ્યાસ ઉપરાંતના સમયમાં થોડો સંકોચ, શરમ, બીક અને પાપ કર્યાની લાગણી સાથે એ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. દલજીતે મૈત્રી નિભાવી હોય એમ ગણતરીના દિવસોમાં માનસીને હાઇ-પ્રોફાઇલ સર્કલમાં ફરતી કરી દીધી.

માનસીને કદાચ પહેલી જ વાર એના પોતાના સૌંદર્યની કિંમત સમજાઇ હતી ! પોતે જે વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી છે એ જ વિષયની એક હોસ્પિટલમાં એ ‘કાઉન્સેલર’ તરીકે કામ કરી રહી હોવાનું જણાવી તેના પગારમાંથી પિતાની સારવારનાં નાણાં મોકલતી હોવાનું ચિત્ર એણે એના ઘરે ઊભુ કર્યું. શિક્ષણ-નોકરીની બેવડી જવાબદારી નિભાવી દીકરી પિતાની સારવાર કરાવી દીકરા સમાંવડી સાબિત થઇ છે એમ ઘરનાંને લાગવા માંડ્યું.

એક દિવસ એ વૈભવી ફાર્મ હાઉસીસ માટે જાણીતા સિંધરોટ વિસ્તારના એક ફાર્મ હાઉસ ખાતે હતી. બે-એક ઉચ્ચ સરકારી અધિકારીઓ અને એક ઉચ્ચ રાજકારણીને રીઝવવા જલસાનું આયોજન કરાયું હતું. મોડી રાત્રિ સુધી ડ્રિન્ક પાર્ટી અને પછી મોજ-મઝાના દૌર દરમિયાન માનસીની આંખ લાગી ગઇ.સવારે એ ઊઠી ત્યારે અજવાળું થઇ ચૂક્યું હતું. એણે એનો મોબાઇલ જોયો અને એ સફાળી જાગી ગઇ. રાત્રે સાઇલેન્ટ મોડ પર મૂકેલા મોબાઇલમાં ૨૫ થી વધુ મિસકોલ અને આઠથી દસ મેસેજીસ હતા. એણે જોયું તો પહેલો જ મેસેજ નાની બહેનનો હતો. દીદી... પ્લીઝ કમ શૂન.. પાપા ઇઝ સીરીયસ... બીજો મેસેજ... દીદી... પ્લીઝ રિપ્લાય... પાપા વોન્ટ્સ ટુ ટોક ટુ યુ... દીદી... દીદી... મેસેજ વાંચતી ગઇ તેમ તેમ તેનું માથું ચકરાવા માંડ્યું.

આઠમો મેસેજ... દીદી... વેર આર યુ... ? પાપા ઇઝ નો... મોર...એ ધબ્બ કરીને બેસી પડી. મરણપથારીએ પીડાતા પાપાની છેલ્લી ઇચ્છા હતી વ્હાલસોઇ દીકરી માનસી સાથે વાત કરવાની પરંતુ એણે મોબાઇલ સાઇલેન્ટ મોડ પર પર્સમાં મૂકી રાખ્યો હતો.૨૫થી વધુ મિસ કોલ...માનસીને થયું એ પોક મૂકીને રડે... પણ... કલાક પછી એ એરપોર્ટ પર હતી અને દિલ્હી જવાની પહેલી ફ્લાઇટ પકડવા હવે ઉતાવળી હતી.માનસી... મજબૂરીમાં જે માર્ગે વળી એ માર્ગે એને ભરપૂર નાણાં આપ્યાં... પરંતુ પિતાની આખરી ઇચ્છા પૂરી નહીં કરી શક્યાનો ભારોભાર રંજ પણ આપ્યો.

http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-son-to-become-a-self...

Categories:

Leave a Reply