બેન્જામીન ફ્રેન્કલીને એક વખત કહ્યું હતું, ‘જીવનમાં બે વસ્તુ જ નિશ્ચિત છે. એક મૃત્યુ અને બીજા કરવેરા.’ પરંતુ મને એમ લાગે છે જીવન સાથે એક ત્રીજી વસ્તુ પણ સંલગ્ન છે અને તે છે ટીકા, આલોચના, નિંદા-‘ક્રિટીસિઝમ’ ! ભાગ્યે જ કોઈ ટીકામાંથી બચી શકતું હોય છે. તમે કંઈ કરો તોપણ ટીકા થવાની અને ન કરો તોપણ ટીકા તો થવાની જ !

વર્ષો પહેલાં આકાશવાણીમાં કાર્યક્રમોના પ્રોડ્યુસર તરીકે મેં કામગીરી શરૂ કરી ત્યારે જાતજાતની ટીકાઓનો મને અનુભવ થયો. પછી તો એ વ્યવસાયમાં વર્ષો વીત્યાં. દર મહિને કાર્યક્રમો સંબંધી સેંકડો પત્રો આવતા. એમાં કેટલાકમાં વખાણ હોય, પ્રશંસા હોય, કેટલાકમાં નમ્ર સૂચનો હોય, જ્યારે કેટલાકમાં આકરી, તીખીતમતમતી ટીકા હોય ! શરૂ શરૂનાં વર્ષોમાં ટીકાથી દુઃખ થતું, ક્યારેક ગુસ્સો આવતો, ક્યારેક ટીકા કરનાર પર ચીડ ચડતી. મને આ પ્રકારની ટીકાનો અનુભવ પહેલાં બહુ નહોતો એટલે આ ટીકા કેમ ખમવી, કેમ જીરવવી એ મારે શીખવાનું હતું. ખાસ કરીને તમે સ્વભાવે મૃદુલ હો, લાગણીશીલ હો અને પ્રામાણિક હો તો આ પ્રકારની ટીકાથી તમારું સમગ્ર લાગણીતંત્ર ખળભળી ઊઠવાનું. તમે એ ટીકાને પક્ષી પોતાની પાંખ પરથી પાણીનાં ટીપાં ખંખેરી નાખે છે તેમ તમારા મનમાંથી ખંખેરીને ફેંકી નહીં શકો. તમારા હૃદયમાં એ ચચરિયા જ કરશે.

ઘણા કહેતા હોય છે, ‘કોઈ મારી ટીકા કરે તે તો મારાથી ખમાય જ નહીં અને તેમાં પણ મારી પીઠ પાછળ કોઈ કશું ખરાબ બોલે તે તો મારાથી સહન જ ન થાય ! તો તમને સાંભળવા મળશે ‘કોઈ પ્રશંસા કરે તે મને બહુ જ ગમે. કોઈક પ્રશંસા કરે-વખાણ કરે ત્યારે ગજગજ છાતી ફૂલે છે !’ વાત સાચી છે. ટીકા કરવી સહેલી છે, ખમવી અઘરી છે. ટીકા અને પ્રતિસાદ – Criticism and Feeback – વચ્ચે તફાવત છે. ટીકા એક પ્રકારનો ચુકાદો આપી દે છે. એમાં બોધ, સલાહ અને ક્યારેક ઉતારી પાડવાનું તત્વ રહેલું હોય છે. જ્યારે પ્રતિસાદ ‘ફીડબૅક’ હકારાત્મક અને ઉપયોગી હોય છે. ખરી વાત એ છે કે ટીકા કરતાં પણ આવડવું જોઈએ. માતાપિતા અને સંતાનો, પતિ-પત્ની, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘૃણા ઊભી થવાનું કારણ ટીકા કરવાની અણસમજ અને અણઆવડત હોય છે ! ટીકા સારી રીતે ન થઈ હોય – એ રચનાત્મક ન હોય તો એનાથી સામી વ્યક્તિને માઠું લાગવાનું અને એ ટીકા પાછળ જે કંઈ ઉપયોગી થાય એવું હોય છે તેને પણ એ નકારી કાઢે છે. ‘મારે માટે એ આવું બોલી કે લખી જ કેમ શકે ? એ એના મનમાં સમજે છે શું ?’ આપણા મનમાં એના પ્રત્યે સખત ગુસ્સો આવે છે. આપણા ટીકાકાર પ્રત્યે દ્વેષભાવ રાખવાથી આપણા મનમાં જ એક વિષ સંચિત થવાનું અને નુકશાન આપણને જ થવાનું….

જ્યારે પણ કોઈ આકરી ટીકાથી આપણું મન વિક્ષુબ્ધ થઈ જાય ત્યારે મનને કહી દો, ‘ટીકામાંથી કોણ બચ્યું છે ?’ મોટાં મોટાં સમર્થ અને મહાન સ્ત્રી-પુરુષોની પણ ટીકા થઈ છે. એમના પર આકરા પ્રહારો થયા છે. ઈશુખ્રિસ્તને ફાંસીને માંચડે ચડાવી દીધા, કારણ કે એમના સમકાલીનો એમના વિચારોને સાંખી શક્યા નહીં. રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, મહર્ષિ કર્વે એ બધાને ટીકાના પ્રહાર ખમવા પડ્યા છે. અમેરિકાના પ્રમુખ અને મહાન માનવતાવાદી અબ્રાહમ લિંકનને એમના મિત્રો કહેતા હતા, ‘તમારા વિરોધીઓની ટીકાનો તમે સણસણતો જવાબ કેમ નથી આપતા ? ત્યારે એમણે બહુ સરસ કહ્યું હતું, ‘મારી ટીકા કરનારાઓના બધા પત્રોના જવાબ આપવા બેસું તો મારું કામ જ મારે બંધ કરવું પડે ! હું જાણું છું કે મારાથી જેટલું ઉત્તમ રીતે થઈ શકે એ રીતે હું કામ કરું છું. જે સાચું છે તે આખરે સાચું જ ઠરવાનું છે. મારો ગમે તેટલો વિરોધ કરવા છતાં એ સચ તરીકે બહાર આવશે જ અને પરિણામ જેનું ખોટું આવશે તેનો હું ગમે તેટલો બચાવ કરીશ તોપણ એ ખોટું જ સાબિત થવાનું છે !’

રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા ડૉ. મણિભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીનું આ વિશે બહુ સુંદર દષ્ટાંત એમને પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં આપ્યું હતું. એમણે કહ્યું હતું : ‘પૂ. બાપુજીના સેક્રેટરી તરીકે હું કામ કરતો હતો ત્યારે એમના પર આવતા પત્રો અને તાર વગેરે ફોડીને વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ મને સોંપાયું હતું. બાપુ પર રોજના પાંચ-સાત પત્રો કે તાર એવા આવતા કે જેમાં બાપુની ભરપેટ નિંદા જ હોય ! એવા તાર અને પત્રો હું જુદા જુદા તારવી લેતો અને બાપુને આપતો જ નહીં. એક દિવસ બાપુ કહે, ‘મણિભાઈ ! તમારા આવ્યા પછી હું આટલો બધો સજ્જન કેવી રીતે થઈ ગયો ?’ શરૂઆતમાં તો મને કંઈ સમજ ના પડી. પછી બાપુએ ફોડ પાડ્યો. તમે રોજ લોકનિંદાભર્યા તાર કાઢી લો છો ને ? મેં હા પાડી. બાપુએ એક મોટી ફાઈલ ખેંચી કાઢી અને મને બતાવ્યું, ‘જુઓ, આ આખી ફાઈલ એવા નિંદાભર્યા તારની જ છે. જાઓ, તમે એ તારવી લીધેલા તાર લઈ આવો.’ હું એ તાર એમની પાસે લઈ ગયો. એ જોઈને બાપુ કહે, ‘જે આપણા અહમ તરફ આંગળી ચીંધે છે એ આપણો સાચો મિત્ર.’ આપણે જાણીએ છીએ કે બાપુએ ટીકાઓથી ડરીને પોતે જેને સાચું માનતા હતા એને કદી છોડ્યું નથી અને પોતાની ભૂલ જ્યારે એમને લાગી છે ત્યારે એનો ખુલ્લે દિલે એકરાર કરતાં તેઓ અચકાયા નથી. આવો અનાસક્ત સ્થિતપ્રજ્ઞ ભાવ તો વિરલ વ્યક્તિઓમાં જ હોય છે.

આ લખતી વખતે મને એક સુંદર ફિલ્મ ‘અમરપ્રેમ’નો એક સંવાદ યાદ આવે છે. એમાં રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને ખૂબ સરસ વાત કહે છે : ‘પુષ્પા, ડરો નહીં. લોકો તો બોલવાના જ. લોકોનું કામ બોલવાનું છે. લોકોનું કામ ટીકા કરવાનું છે. તમે એમની જીભ બંધ નહીં કરી શકો.’ તો પ્રશ્ન એ થાય છે કે આપણે ભલે ને એક સામાન્ય માણસ હોઈએ કે પછી નામાંકિત વ્યક્તિ હોઈએ – ટીકા તો ક્યારે ને ક્યારે થવાની જ અને આપણે એનો સામનો કરતાં શીખવું પડશે, કે જેથી આપણે ટીકાના બાણથી ઘવાઈએ નહીં ! એનો ત્રિપાંખિયો સામનો કરવો પડશે ! (1) લાગણીના સ્તર પર (2) બૌદ્ધિક સ્તર પર અને (3) વ્યાવહારિક સ્તર પર.

પહેલું તો એ કે આપણે બને તેટલા નિરપેક્ષ ભાવે આપણી સામે થયેલી ટીકાનો વિચાર કરવો જોઈએ. હું જાણું છું, આ જરાયે સહેલું નથી. આપણો અહમ વચ્ચે આવવાનો જ, પરંતુ પ્રયત્નથી આપણે ટીકાનો ‘Objective view’ લેતાં થઈ શકીશું. ટીકા સામે ટકી રહેવાનું બીજું પગલું બૌદ્ધિક છે. વખાણ આપણને રાજી કરે છે તો ટીકા આપણને સતેજ અને જાગૃત બનાવે છે. આપણા દોષો, આપણી ક્ષતિઓ અને ઊણપો તરફ આપણું ધ્યાન આપણા ટીકાકારો દોરે છે. આપણે ક્યાં છીએ-કેવા છીએ તેના પર વેધક પ્રકાશ ફેંકે છે. આપણે યાદ રાખીએ કે જાણકાર અધિકારી વ્યક્તિની ટીકા કે અભિપ્રાયની જ કિંમત હોય છે. કેટલીક વખત આપણને ટીકા સીધી સાંભળવા મળતી નથી પણ એક મોંએથી બીજા મોંએ એમ ફરી ફરીને તમારી પાસે આવતી હોય છે – ભર્તુહરિના અમરફળની જેમ ! એમાં સંભવ છે કે મીઠું-મરચું ભભરાવીને અતિશયોક્તિ થઈ હોય ! કેટલાકને બે વ્યક્તિઓ વચ્ચે તાપણું સળગાવવાની મજા આવતી હોય છે !

હા, ક્યારેક કોઈક ટીકા આપણને નુકશાન કરે તેવી હોય, આપણું ચારિત્ર ખંડન કરનારી હોય ત્યારે એનો રદિયો આપવો જ જોઈએ. સાચી હકીકત આપણે જણાવવી જ જોઈએ. કેટલાક માણસો અને ખાસ કરીને રાજકારણીઓ એટલા તો નફફટ અને જાડી ચામડીના હોય છે કે એમની ગમે તેટલી આકરી ટીકા થાય – પ્રહાર થાય પણ હતા એવા ને એવા જ ! જ્યારે વાસ્તવમાં આપણે સાચા હોઈએ ત્યારે આપણે ટીકાથી ડરવું જોઈએ નહીં. એટલું જ નહીં, પણ ગભરાઈને સ્વીકારેલી ફરજ કે કાર્ય છોડવું ન જોઈએ. ડિઝરાવલીએ કહ્યું હતું, ‘It is much easier to be critical than correct.’ સાચું કરવાનું અઘરું જ છે. દોષ કાઢવાનું તો સહેલું જ છે ! અમેરિકન કલ્ચરમાં આજકાલ ટીકાને વ્યક્તિના સ્વમાન, ગૌરવ પરના એક પ્રહાર તરીકે લેખવામાં આવી છે. જ્યારે જાપાનીસ કલ્ચરમાં ટીકાને કાર્ય વધુ સારું કરી શકાય એ માટે જરૂરી લેખવામાં આવે છે. લીઝા ઑરેલ કે જેઓ એક સારાં લેખિકા છે અને વીસીની વય જૂથનાં યુવાન-યુવતીઓ માટે શિબિરોનું આયોજન કરે છે. તેઓ કહે છે, ‘તમારે ટીકા પ્રત્યે મોટું મન રાખવું જોઈએ. તમને ન ગમતું હોય કે ન રુચતું હોય તોપણ સાંભળતા શીખો – ‘Learn to listen’ બાળકોને રચનાત્મક ટીકા કેવી રીતે સ્વીકારવી તે શીખવવું જ જોઈએ. They should be taught how to cope with criticism.

કોઈક કડવી ટીકા તમને હાડે લાગી જાય એવું બને ત્યારે એલબર્ટ હ્યુબર્ટ કહે છે તે યાદ કરવાનું, ‘To avoid criticism is to do nothing, say nothing and be nothing.’ તમારે ટીકા કે નિંદા ન જોઈતી હોય તો કશું કરો નહીં, કશું બોલો નહીં અને કશું બનો નહીં ! આપણે કશુંક નોંધપાત્ર કે વિશિષ્ટ કરીશું તો ટીકા થવાની… ટીકા કરવી, બીજાના દોષ જોવા એ તો સહેલું જ છે પણ ગુણગ્રાહી થવું, બીજાના સારા ગુણોની પ્રશંસા કરવી એ તો હૃદયની વિશાળતા હોય તો જ થાય…..
 
 
– જયવતી કાજી
 

Categories:

Leave a Reply