મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ સુંદર રાખવાનો પ્રયત્ન કરતાં. મહારાજા એમને હંમેશા ધર્મકાર્ય કરવાની સલાહ આપતા રહેતા પણ રાણી એમના શબ્દોને કાને ન ધરતા.

એકવાર ભવાન બુદ્ધ રાજગૃહ પધાર્યા હતા. મહારાજાએ રાણીને એમનાં દર્શન કરવા આવવા કહ્યું પણ રાનીએ ઇનકાર કર્યો એટલે એમણે એક યુક્તિ રચી. બીજે દિવસે રાણીને સંદેશો મોકલ્યો કે તેઓ વેણી વણ જઈ રહ્યા છે અને વનવિહાર માટે તેઓ રાણીની રાહ જોશે.

નોકરોની સાથે જ્યારે રાણી વનમાં આવ્યા. ત્યારે એને રાજા તો ક્યાંય ન દેખાણા. એને બદલે આંખો મીંચીને પદ્માસન વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાન બુદ્ધને જોયા. રાણીને નોકર પર ગુસ્સો આવ્યો. અને એને દંડની ઘોષણા પણ કરી દીધી. આ સાંભળીને ભગવાન બુદ્ધના ધ્યાનનો ભંગ થયો. એમણે શાંત અને સ્થિર સ્વરે મહારાણીને પૂછ્યું : ‘ હે ભદ્ર નારી, અંત:પુર છોડીને એકાએક અહીં આવવાનું પ્રયોજન શું છે? શું રાજમહેલના આનંદપૂર્ણ વાતાવરણમાંથી તમે વૈરાગ્ય લઇ લીધો છે? ‘ ભગવાન બુદ્ધના આ શબ્દો સાંભળીને મહારાણીએ સંયમભર્યા સ્વરે જવાબ આપ્યો: ‘મહારાજ, ન તો મને વૈરાગ્ય થયો છે અને ન તો મને એવા વૈરાગ્યની કામના છે ! હું તો મારા પોતાના વર્તમાન જીવનથી પૂરેપૂરી રાજી છું. મગધ નરેશ ક્યાં છે ? એ આપ બતાવશો ? હું એમની શોધમાં આવી છું.’

ભગવાન બુદ્ધના હોઠ પર સ્મિત તરી ઊઠ્યું. તેમણે કહ્યું : ‘મહારાણી ! આ સ્થાન મહારાજાનું નથી. હા એ વાટ સાચી છે કે તેઓ ધર્મચર્ચા સાંભળવા ક્યારેક ક્યારેક અહીં આવે છે. મહારાજા અહીં છે એવો તમને ભ્રમ થયો છે. આમ પણ ભદ્ર નારી, એ સ્વભાવિક પણ છે કારણ કે તમે પણ અત્યારે કેટલાક ભ્રમને સત્ય માની બેઠાં છો. તમે એમ કહો છો કે તમે તમારા જીવનથી સંતુષ્ટ છો, પરંતુ ભોજન પછી થોડા સમય બાદ તમને વળી પાછું ભોજન કરવાનું મન થતું નથી, એ વિશે સાચેસાચું કહેજો. શું આનંદ પ્રમોદ પ્રત્યે તમારી તૃષ્ણા નિરંતર રહેતી નથી ?’

મહારાણી આ શબ્દો સાંભળીને હસી પડ્યા અને ભગવાન બુદ્ધને કહ્યું : ‘મહાપુરુષ ! તમે કેવી મનની બનાવેલી વાતો કહો છો ? ભોજનની ઈચ્છા તો શરીરધારણ કરનાર માટે આવશ્યક છે જ. ભોજનનો ત્યાગ કરીને શરીરનું રક્ષણ કરવું કેવી રીતે સંભવ બંને ? આમોદ – પ્રમોદ પણ પેલા ભોજનની જેમ આવશ્યક છે. પ્રેમ મનનો સ્વભાવજન્ય ગુણ છે. કેલિકલરવ આમોદ-પ્રમોદ અને ભોગવિલાસમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ તો પ્રકૃતિનો નિયમ છે.’

ભગવાન બુદ્ધે કહ્યું : ‘પણ મહારાણી, શું આનંદ ક્ષણિક નથી ?’

રાણી બોલ્યા : ‘હા, ક્ષણિક છે.’

ભગવાન બુદ્ધે કહ્યું : ‘શું આ રૂપ અને લાવણ્ય સ્થિર છે ?’

રાણીએ કહ્યું : ‘ના, મહારાજ, એ સ્થિર નથી.’

ભગવાન બુદ્ધે કહ્યું : ‘ હે મહારાણી ! જો દુર્ભાગ્યવશ મહારાજાનું રાજ્ય ચાલ્યું જાય, દીનહીન થવાની સાથે એમનું તેજ એમની કાંતિ નાશ પામે.... એમનો દેહ જર્જરિત થઇ જાય તો શું તમે એમના સંસર્ગથી આનંદ અનુભવી શકશો ખરા ?’

આ પ્રશ્ન સાંભળીને મહારાણી ક્ષેમા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. એમનાથી એનો પ્રત્યુત્તર ન વળ્યો. એટલે ભગવાન તથાગતે મહારાણીને વળી એક બીજો પ્રશ્ન પૂછ્યો.

‘સારું મહારાણી, અને સંજોગવશાત્ તમારાં રૂપ લાવણ્ય નાશ પામે, મુખમાંથી દાંત પડી જાય, ભમરા જેવા કાળા વાળ શ્વેત થઇ જાય, મૃગ સમાન નયનો મંદજ્યોતિવાળા બની જાય તો શું મહારાજ તમારા પ્રત્યે આકર્ષાય ખરા ? શું તેમને તમારો સંસર્ગ કરવાની ઈચ્છા થશે ? કે શું તેઓ તમારા ત્યાગ કરી દેશે ?’

રાણીએ આ બધું સાંભળ્યું. યૌવન નષ્ટ થતાં પતિ દ્વારા તજાયેલી કેટલીય સ્ત્રીઓની દુર્દશા એની નજર સમક્ષ આવવા લાગી. પોતાના કલ્પના ચક્ષુ સમક્ષ પોતે જ પોતાના ભયાવહ ભવિષ્યનું ચિત્ર જોવા લાગ્યાં. આ જોઈ તેઓ વિચલિત થઇ ગયાં. એમનો દેહ કંપવા લાગ્યો, પગ ધ્રુજવા માંડ્યા અને જાણે કે સાનભાન પણ લુપ્ત થતાં હોય તેવું લાગ્યું. તેઓ બેભાન જેવાં થઈને જ્યાં ઊભા હતાં ત્યાં દીવાલની સહારે નીચે બેસી ગયાં.

એમની આ અવસ્થા જોઈને ભગવાન બુદ્ધે કહ્યું: ‘હે મગધેશ્વરી ! તમારી આ ભયવિહવળ અવ્સ્થા જ તમારો અવાજ છે; એ અવસ્થામાં ચોક્કસ તમે મહારાજનો ત્યાગ કરવાનાં. મગધેશનો વિયોગ તો ક્યારેક ને કયારેક થવાનો જ છે. જીવન આવું જ છે એટલે મહારાણી, શું આ ક્ષણભંગુર આનંદ, આમોદ-પ્રમોદ અને પ્રેમકલરવમાં પોતાનું આ અમૂલ્ય જીવન વેડફી નાખવું એ મૂર્ખતા નથી ? જો વિયોગ અવશ્ય થવાનો હોય તો એના ખોટા મોહમાં આ માનવજીવન વ્યર્થ વેડફી નાખવું ઉચિત ખરું ?’

રાણી માટે ધૈર્ય ધારણ કરવું મુશ્કેલ બની ગયું. તેઓ ભગવાન બુદ્ધનાં ચરણોમાં ઝૂકી ગયાં અને વિનમ્ર સ્વરે કહ્યું : ‘ભગવાન, આજે આપે મારા પર ઘણી મોટી કૃપા કરી મારા મોહને દૂર કર્યો છે. હું અત્યાર સુધી અંધારામાં ભટકતી હતી. હવે આપ મને શિષ્યા બનાવો અને મારું જીવન સાર્થક કરવાનો અવસર આપો.’

ભગવાને મધુરવાણીમાં કહ્યું : ‘ હે ભદ્ર નારી ! ભ્રમ જાળમાંથી તમને મુક્ત થતાં જોઈને હું રાજી થયો છું. જો તમે ખ્હારેખર દીક્ષા લેવા ઇચ્ચાતા હો તો સર્વપ્રથમ મહારાજાની અનુમતિ પ્રાપ્ત કરીને આવો. જાઓ, મહારાણી ! તમારું કલ્યાણ હજો !’

રાજમહેલમાં આવતા જ રાણીએ બધાં આભૂષણો ફેંકી દીધાં અને સામાન્ય વસ્ત્ર ધારણ કરીને મહારાજનાં ચરણોમાં માથું રાખીને બોલ્યા : ‘મહારાજ ! હું ભગવાન બુદ્ધના શરણે જવા ઇચ્છુ છું, મને આજ્ઞા આપો !’
સંકલિત ...
(રા.જ.૫-૧૧/(૩૭-૩૮/૮૩-૮૪)

આપને ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાબ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો, આપના કોઈપણ પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી બની રહેશે ...આભાર!
 
-શરદચંદ્ર પેંઢાકર
 Posted by : Ashokkumar Desai on gujarati

Categories:

Leave a Reply