૧. તમારી જિજ્ઞાસાને અનુસરો

"મારામાં ખાસ કોઇ ખૂબી નથી. હું માત્ર ઉત્કટ જિજ્ઞાસુ છું."

તમારી જિજ્ઞાસા શેનાથી સળવળી ઉઠે છે? મને એ જાણવામાં રસ છે કે કોઇ એક વ્યક્તિ સફળ થાય છે તો બીજી નિષ્ફળ કેમ જાય છે; એટલા સારૂ મેં સફળતાનો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. તમને કઇ વાત જાણવાની ઉત્સુકતા વધારે છે? તમારી સફળતાનું રહસ્ય તમારી જિજ્ઞાસાની લગન છે.

૨. ધૈર્ય અમૂલ્ય છે.

"એવું નથી કે હું બહુ બુધ્ધિશાળી છું;હા, હું પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેને છોડતો નથી."

ધીરજ રાખવાથી કાચબો પણ વિજયને પામ્યો હતો.તમે તમારાં નક્કી કરેલ સ્થને પહોંચવાસુધી ધીરજ રાખવા તૈયાર છો? કહેવાય છે ને કે ટપાલની ટિકિટનું મૂલ્ય પરબીડીયું તેને સરનામે પહોંચી જાય ત્યાંસુધી તેને ચોંટી રહેવામાં છે.ટપાલની ટિકિટ જેવા બનો; તમે શરુ કરેલી રૅસને પૂરી કરીને જ રહો!

૩. વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરો.

“જો કોઇ વ્યક્તિ સુંદર નારીને ચુંબન કરતાં કરતાં સલામત ડ્રાઇવીંગ પણ કરતો હોય, તો તે ચુંબનને આપવું જોઇએ તેટલું ધ્યાન નથી જ આપી રહ્યો.”

મારા પિતાજી હંમેશાં કહેતા કે બે ઘોડા પર એક સાથે સવારી કદી ન કરી શકાય.મારૂં એવું કહેવું છે કે તમે કંઇ પણ કરી શકો, પણ બધું જ ન કરી શકો. તમે જ્યાં છો ત્યાં જ રહેતાં શીખો;તમારી બધી જ શક્તિ હાલમાં જે કરી રહ્યા છો તે પૂરૂં કરવામાં લગાડો.

કેન્દ્રીત શક્તિ જ તાકાત છે, અને તે જ છે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર.

૪. કલ્પનાશક્તિ ખુબ જ શક્તિશાળી છે.

"કલ્પના એ સર્વસ્વ છે. તે જીવનનાં આવનારાં આકર્ષણોનું પૂર્વદર્શન છે. જ્ઞાન કરતાં પણ કલ્પનાનું મહત્વ વધારે કહી શકાય."

શું તમે દરરોજ તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરો છો? આઇનસ્ટાઇનનું કહેવું છે કે જ્ઞાન કરતાં કલ્પના વધારે મહત્વની છે!તમારી કલ્પના તમારાં ભવિષ્યને પહેલેથી જોઇ શકે છે.આઇનસ્ટાઇન આગળ કહે છે કે "બુધ્ધિની સાચી નિશાની કલ્પના છે, નહીં કે જ્ઞાન." તમારે તમારી 'કલ્પનાના સ્નાયુ'ને દરરોજ ઉપયોગમાં લેવા જોઇએ,કલ્પના જેવી શક્તિને કદાપિ સુષુપ્ત ન રહેવા દેવી જોઇએ.

૫. ભૂલો કરો.

"જેણે કોઇ જ ભૂલ નથી કરી, તેણે જીવનમાં કંઇ જ નવું કરવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય."

ભૂલો કરતાં ડરવું ન જોઇએ.ભૂલ એ નિષ્ફળતા નથી.જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો ભૂલો તમને સુધારવામાં, વધારે ચાલાક અને વધારે ચપળ બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભૂલોની શક્તિને ઓળખો.મેં પહેલાં પણ કહ્યું છે, અને ફરી ફરીને કહીશ કે જો સફળ થવું હોય તો તમે કરતાં હો તેનાથી ત્રણ ગણી ભૂલો કરો.

૬. વર્તમાનમાં જીવો.

"હું કદિ ભવિષ્યનું વિચારતો નથી - તે ક્યાં દૂર છે!"

તમારાં ભવિષ્યની સહુથી સારી સંભાળ લેવા માટે જેટલું શક્ય હોય તેટલું વર્તમાનમાં રહેવું જોઇએ. તમે 'આજને આજ' નથી તો ભૂતકાળ બદલી શકવાના કે ન તો ભવિષ્ય, તેથી જ તમારા બધા જ પ્રયત્ન "આ જ ઘડી"ને ન્યોછાવર કરવા તે અતિ મહત્વનું બની રહે છે. આ ઘડી જ મહત્વની છે, આ ઘડી માત્ર જ છે.

૭. મૂલ્ય સર્જન કરો.

"માત્ર સફળ જ નહીં, ઉપયોગી પણ થાઓ."

માત્ર સફળ જ થવામાં જ તમારો સમય બગાડો નહીં,પણ તમારા સમયનો મૂલ્યવાન થવામાં પણ ઉપયોગ કરો.જો તમે મૂલ્યવાન અને ઉપયોગી હશો તો સફળતા તમારા તરફ ખેંચાઇ આવશે.

તમારાંમાંની શક્તિઓ અને ખૂબીઓને ઓળખો,અને તે શક્તિઓ અને ખૂબીઓ બીજાને ઉપયોગી નીવડે તેવું કરો.

ઉપયોગી થવા કરેલી મહેનત સફળતા ખેંચી લાવશે.

૮. બીજાં પરિણામની આશા ન રાખશો.

"એક અને એક જ રીતેથી પ્રયત્નો કરવા, અને નવાં નવાં પરિણામોની આશા રાખવી તે તો મુર્ખામી જ કહેવાય."

દરરોજ એ જ રીતે કામ કરીએ તો નવાં પરિણામની આશા તો ન જ રખાય.બીજા શબ્દોમાં એકની એક જ કસરત કરો તો પછી શરીરનો દેખાવ જૂદો જૂદો ન લાગે.એટલે કે જો તમારાં જીવનમાં પરિવર્તન લાવવુ હોય, તો તમારે જ બદલાવું પડે.જેટલી હદે તમારી કાર્યપધ્ધ્તિ અને વિચારો બદલશો, તેટલું જ તમારૂં જીવન બદલાશે.

૯. જ્ઞાન અનુભવમાંથી આવે છે.

"માહિતિ હોય, એટલે જ્ઞાની થઇ ગયા તેમ ન કહેવાય. જ્ઞાન નો એક માત્ર સ્રોત અનુભવ છે."

જ્ઞાન અનુભવમાંથી આવે છે.તમે કામની ચર્ચા કરો, તો માત્ર કામની તાત્વિક સમજ પડે; તેને 'જાણવા'માટે તો તેને જાતે 'અનુભવવું' પડે.એટલે શું શીખવા મળ્યું? અનુભવ મેળવો. કાલ્પનીક માહિતિની આડમાં સમય ન ગુમાવશો,જંપલાવો અને જાતે કરો, જેથી અમૂલ્ય જ્ઞાન મળે.

૧૦. રમતના નિયમો જાણી લો અને પછી વધારે સારી રીતે રમત રમો.

"પહેલાં તો, રમતના નિયમો બરાબર સમજી લો. અને પછીથી બીજાં કોઇના પણ કરતાં વધારે સારી રીતે તે રમત રમો."

સાદી ભાષામાં વાત કરીએ તો તમારે બે કામ કરવાનાં રહે.પહેલું તો એ કે જે રમત આપણે માંડી બેઠા હોઇએ, તેના નિયમો આપણે બરાબર સમજી લેવા જોઇએ.તમને એમાં કંઇ ધાડ મારવા જેવું ન લાગે, પરંતુ આનું મહત્વ ઓછું ન આંકવું જોઇએ.બીજું એ કે તે પછીથી તમારે બીજાં કરતાં વધારે સારી રીતે રમત રમવા કમર કસવી રહી. જો આ બે કામ પાર પાડી શકો, તો સફળતા તમારા કદમ ચુમતી હશે. ‘pragnaju’ની, શ્રી દીપક ધોળકીયા ના બ્લૉગ “મારી બારી”પરના " આઇન્સ્ટાઇનનું બીજું રૂપ?" લેખ પરની ટીપ્પણીનો અશોક વૈષ્ણવ, અમદાવાદ દ્વારા કરાયેલો સાભાર અનુવાદ

Categories:

Leave a Reply