મધર્સ ડે સ્પેશિયલ

ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજની માટી કેમ ખાધી?

આજે મધર્સ ડે છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ
ભગવાન બધે જઈ શકતા નહોતા તેથી તેમણે મા બનાવી.
 
એક કવિએ લખ્યું છેઃ

જે મસ્તી હોય આંખોમાં, તે સુરાલયમાં હોતી નથી,
અમીરી કોઈ અંતરની, કદી મહાલયમાં હોતી નથી.
અને શીતળતા પામવાને, માનવી તું દોટ ક્યાં મૂકે,
જે હોય છે માની ગોદમાં, તે હિમાલયમાં હોતી નથી.

કવિ કહે છે હે માનવી શીતળતા માટે દોડાદોડ શાને કરે છે? સાચી શીતળતા તો માની ગોદમાં હોય છે. મા એક એવો શબ્દ છે જેની પર કલમ ચલાવ્યા વગર કોઈ કવિ કે લેખક ભાગ્યે જ રહ્યો હશે. મા એ આપણી ભાષાનું એકાક્ષરી કાવ્ય છે. મા શબ્દ જેટલી મીઠાશ શબ્દકોશના બીજા કોઈ શબ્દમાં નથી. આ એક જ અક્ષરમાં સંપૂર્ણ કાવ્યગાન છે. નદી, પવન કે સૂર્યપ્રકાશને કોઈ દેશ કે કોઈ સંપ્રદાય નથી તેમ દરેક દેશ કે સંપ્રદાયમાં મા તે મા જ છે. ઉપનિષદોએ પણ માતૃ દેવો ભવને પ્રથમ સ્થાન આપ્યું છે. તે પછી પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ આવે છે. ઉપનિષદો કહે છેઃ માનવીની પહેલી સંસ્કારપીઠ માનું ઉદર છે. માના ઉદરમાં જ બાળકને પહેલો સંસ્કાર મળે છે. છત્રપતિ શિવાજી તેમની માતાના ઉદરમાં હતા ત્યારે માતાના મુખે રામ-લક્ષ્મણની વાત સાંભળી હતી. અને તે વખતે જ તેઓ જાગૃત થઈ ગયા હતા. આ કારણથી જ બાળક જ્યારે માના ઉદરમાં હોય ત્યારે સગર્ભા સ્ત્રીએ રામાયણ કે ભાગવતની કથાનું શ્રવણ કે વાંચન કરવા સૂચવવામાં આવ્યું છે. તે પછીની સંસ્કારપીઠ પિતાનું કુળ, તે પછી આચાર્યનું કુળ અર્થાત્ શિક્ષણ આવે છે. ચોથી સંસ્કારપીઠ વ્યાસપીઠ છે. માણસાઈના સંસ્કાર સાચા સંતો અને કથાકારો પાસેથી મળે છે. ખુદ ભગવાન માટે પણ કહેવાય છે કે ત્રણ ભુવનનો નાથ જગન્નાથ પણ મા વિના અનાથ છે. જગન્નાથને માની ગેરહાજરી સાલી છે, એટલે જ ભગવાને રામ કે કૃષ્ણ તરીકે અવતાર લઈ માનું માહાત્મ્ય વધાર્યું છે. એણે પણ અવતાર લેવા કૌશલ્યા માતાની કે દેવકીની કૂખ અને યશોદાની ગોદ શોધી છે. પ્રસિદ્ધ કવિ દુલા કાગ કહે છે, “ભગવાન જ્યારે જ્યારે માને માધ્યમ બનાવીને આવ્યા છે ત્યારે જ તેઓ વધારે પૂજાયા છે. જે દિવસે પરમેશ્વરને માતાની ગોદ ન મળી તે દિવસે તેમને પશુ થવું પડયું છે. દા.ત. કચ્છપ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, બાળભક્ત પ્રહ્લાદની રક્ષા માટે નૃસિંહ અવતાર લેવો પડયો, પરંતુ પૃથ્વીવાસીઓએ ઈશ્વરનાં એ રૂપોને ઉમળકાથી આવકાર્યાં નથી. હા, ભગવાન માતાની કૂખે થઈને રામ કે કૃષ્ણ સ્વરૂપે અવતર્યા ત્યારે તેઓ ખૂબ પૂજાયા છે. આ જ કારણથી પૃથ્વી પર કચ્છપ, નૃસિંહ કે મત્સ્ય અવતારોનાં એટલાં મંદિરો નથી, પણ રામ કે કૃષ્ણનાં અનેક મંદિરો છે. એનું કારણ માતાની ગોદ જ છે.

માનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ અને યશોદાની વાત્સલ્યભરી કથાઓમાં મધમીઠું ઝરણું થઈને વહે છે. દેશના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી) એ એક સુંદર પ્રસંગ દ્વારા વર્ણવ્યો છે. તેઓ કહે છેઃ ભાગવતમાં શ્રી કૃષ્ણની બાળલીલા અતિ મધુર છે. એક દિવસ બાળ કનૈયો માટી ખાઈ ગયો. વ્રજમાં કનૈયાને માટી ખાતો જોઈને ગયેલા મોટાભાઈ દાઉજીએ કનૈયાને પૂછયું, “લલ્લા, મીટ્ટી ખા રહે હો? છોડ દો વરના કહતા હૂં અભી જા કર મૈયા કો.” કનૈયાએ કહ્યું, “જાઓ કહ દો.

દાઉ અને મિત્રો યશોદા મૈયા પાસે ગયા અને ફરિયાદ કરી, “મૈયા, કનૈયા મિટ્ટી ખા રહા હૈ.”

એ સાંભળતાં જ યશોદાએ લાકડી હાથમાં લીધી અને કહ્યું, “જાઓ બુલા કે લાઓ કનૈયા કો.”

દાઉને તો આટલું જ જોઈતું હતું. તે દોડીને કનૈયા પાસે ગયા અને કહ્યું,” ચલો મા બુલા રહી હૈ. આજ તુમ્હારી પીટાઈ હોને વાલી હૈ.”

કનૈયાએ બહારથી મોં સાફ કરી લીધું. હાથ ખંખેરી નાખ્યા અને ભયભીત બનીને મા યશોદા પાસે ગયો. યશોદા મૈયાના એક હાથમાં લાકડી હતી. બીજા હાથે કનૈયાનો કાન પકડયો. આંખ લાલ કરીને પૂછયું, “બેશરમ, અગલે જનમ મેં તૂં ભૂંડ થા ક્યા? મૈં તુમ્હે અચ્છી તરફ સે નહલાતી હૂં, અચ્છે કપડે પહનાતી હૂં ઔર તૂં ધૂલ મેં ખેલતા હૈ. મિટ્ટી ભી ખાતા હૈ?”

કાનુડો હસી રહ્યો હતો. કનૈયાના સ્વરૂપમાં ભગવાનને શંકા પણ ગઈ કે પાછલા જનમમાં હું વરાહ- ભૂંડ હતો, તેની તેમને ખબર તો પડી ગઈ નથી ને? આમ છતાં કનૈયો હસવા લાગ્યો.

યશોદાજી બોલ્યાં, “બેશરમ, મૈં ડાંટ રહી હૂં ઔર તૂં હંસ રહા હૈ? બોલ તૂને મીટ્ટી ખાઈ થી યા નહીં?”

કનૈયો ચૂપ રહ્યો. આમ છતાં માર પડવાની બીકે કનૈયાને કહ્યું, “મા, યે સબ જૂઠ બોલતે હૈ, હમ ખેલતે થે, ખેલ ખેલ મેં ઝગડા હો ગયા અબ યે સબ મેરે શત્રુ હૈ, ઇસ લિયે યે લોગોને મેરે બારે મેં ગલત બાત કહી હૈ. લેકિન તુમ તો મેરી મા હો. પૂરી બાત સમજે બીના તુમ મુઝે મારોગી તો તુજે ભી અચ્છા નહિ લગેગા.”

પરંતુ યશોદા મૈયાને હજુ કનૈયાની વાત પર વિશ્વાસ પડતો નથી. યશોદાજી બોલ્યાં, “નહીં નહીં, યે સબ તેરે મિત્ર હૈ. તૂ ઇનકે સાથ ખેલતા હૈ, મૈં ઇનકે સાથ ખેલતી નહીં તુને મિટ્ટી ખાઈ હૈ.”

નાછૂટકે કનૈયાએ કહ્યું, “અગર ઐસા હી હૈ તો તું મેરે મુંહ કે અંદર દેખ લે.”

યશોદા મૈયા બોલ્યાં, “ઠીક હૈ, મુંહ ખોલ.”

અને કનૈયાએ પોતાનું મોં ખોલ્યું. ભગવાને જેવું મોં ખોલ્યું તેવું જ વિરાટનું દર્શન થયું. ભગવાન જાણે કે માને કહી રહ્યા હતા કે, “મા, મારાથી કશું જ જુદું નથી. જે ચીજ પોતાનાથી જુદી હોય તે જ ખાઈ શકાય. મારાથી માટી અલગ ક્યાં છે કે જે ખાધી હોય?”

કનૈયાના મોંમાં ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન જોઈ યશોદા મૈયા ગભરાયાં. તેમને ખ્યાલ આવી ગયો કે જેને હું મારો દીકરો સમજું છું તે તો બ્રહ્મ છે. આખા જગતનો પિતા છે. હું કેવી પાગલ કે ભગવાનને દીકરો સમજી મારવા દોડી. આ વિચાર આવતાં જ યશોદાજીએ કનૈયાને બે હાથ જોડયા અને ક્ષમા માગી.

શ્રી કૃષ્ણના ચરણવંદન કર્યા. મા મા મટી ભક્ત બની ગયાં.

પણ હવે શ્રી કૃષ્ણ ગભરાયા. મા મા મટી જાય તે તેમને જરાયે પરવડે તેવું નહોતું. તેમણે વિચાર્યું કે હું જગતનો નાથ હોવા છતાં જાતે અનાથ હતો એટલે સનાથ થવા તો મા પાસે આવ્યો હતો. પુત્ર બનીને માની ગોદમાં ખેલવા આવ્યો હતો. પણ હવે તો મા જાણી ગઈ છે કે હું તો જગતનો નાથ છું. મને હવે ગોદમાં કોણ બેસાડશે? મારા માથા પર સ્નેહથી હાથ કોણ ફેરવશે? મારી મા તો હવે ભક્ત બની મને પૂજાસ્થાને બેસાડશે. મારી આરતી ઉતારશે અને મારી સામે હાથ જોડી સ્તુતિ કરશે અને મારી મા, મા મટી જશે તો હું કોના ખોળામાં રમીશ?

અહીં બ્રહ્મને પણ મા વિના અનાથ થઈ જવાનો ડર લાગી ગયો. બ્રહ્મને માની ગોદમાં ખેલવાનો અભરખો થયો હતો એટલે જ તો કૃષ્ણાવતારમાં બબ્બે મા-બાપ વાસુદેવ-દેવકી,અને નંદ-યશોદાનાં પુત્ર બની માનું વાત્સલ્ય માણતાં હતાં. યશોદા ભક્ત બની જાય તો પોતે અનાથ થઈ જશે તેવી ભીતિ અનુભવતા ભગવાનને હવે માની મમતાનું વાત્સલ્ય ઝરણું લુપ્ત થઈ જવાનો ડર લાગ્યો. આ ડરથી ભગવાને એક ઉપાય શોધી કાઢયો. એમણે માયાને આજ્ઞા કરી કે યશોદા મૈયા એમણે જોયેલું સઘળું વિરાટ દર્શન ભૂલી જાય અને ફરી મમતામયી માતા બની જાય તેવી માયા ફેલાવો.

માયા પણ ધ્રૂજવા લાગી. જગતના નાથની માતાને વળગવું શી રીતે? એણે આનાકાની કરી, પરંતુ ભગવાને ફરી એની એ જ આજ્ઞા કરી. છેવટે માયાએ વૈષ્ણવી માયાનું રૂપ લીધું અને મા યશોદાના દિલોદિમાગમાં પ્રવેશ કર્યો. થોડી જ ક્ષણોમાં મા યશોદા ભૂલી ગયાં કે સામે ઊભેલો બાળક બ્રહ્મ છે. યશોદા મૈયાના હૃદયમાં ફરી પુત્રભાવ જાગૃત થયો. વાત્સલ્યથી ઓતપ્રોત થઈ ગયાં. હાથમાંથી લાકડી ફેંકી દીધી કનૈયાને ઊંચકી લીધો, એને પંપાળ્યો, તેના માથામાં હેતથી હાથ ફેરવ્યો અને પહેલાંની જેમ જ સ્નેહની વર્ષા કરવા લાગ્યાં. તે પછી જ કનૈયાને શાંતિ થઈ. આટલા માટે જ કહેવાયું છેઃ ત્રણ ભુવનનો નાથ પણ મા વિના અનાથ. આ છે માનો મહિમા.

પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ પ્રસંગનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતાં કહ્યું કે ભગવાને વ્રજમાં માટી ખાધી તે પ્રસંગ સમજવા જેવો છે. વ્રજમાં તો રજનું જ મહત્ત્વ છે. વ્રજ એવું નામ શા માટે પડયું? વ્રજનો અર્થ થાય છે પાછળ પાછળ ફરવું. વિદ્વાનો કહે છે કે ભગવાન પુત્ર બનીને મા યશોદાની પાછળ પાછળ ઉઘાડા પગે આ ભૂમિ પર ફર્યા તેથી એ ભૂમિનું નામ વ્રજ પડયું. આવી વ્રજની ભૂમિ પર મા યશોદા ચાલ્યાં હતાં અને તે જ્યાં ચાલ્યાં હતાં તે ભૂમિની રજ ભગવાને મોંમાં મૂકી ભગવાને માનું માહાત્મ્ય જ વધાર્યું છે. ભગવાન દ્વારિકામાં ૧૦૦ વર્ષ રહ્યા, પરંતુ ત્યાંની રજને મોંમાં મૂકી નથી, કારણ કે દ્વારકાની ભૂમિ યશોદા મૈયાનાં ચરણકમળથી પાવન થઈ નથી. યશોદા મૈયા વ્રજમાં જ ચાલ્યાં છે તેથી કનૈયાએ વ્રજની રજ મોંમાં મૂકી હતી. આવો છે માનો મહિમા.

કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા પછી તેમને માના તુંકારાની યાદ આવતી હતી. રાતોની રાત તેઓ ઉજાગરા કરતા હતા. ઘણી વાર ભગવાનનાં પટરાણી રક્મિણીજી સવારે પથારી સંકેલવા જાય ત્યારે ભગવાન જે ઓશીકા પર માથું રાખીને સૂઈ ગયા હોય તે ઓશીકું ભીનું જણાતું. ઓશીકું નીતરતું જોઈને રુક્મિણી સમજી જતાં કે દ્વારિકાના નાથને મા યશોદાની યાદ આવી હશે અને આખી રાત રડયા કર્યું હશે.

ભગવાન દ્વારિકાના રાજા થયા પછી ઘણી વાર તેમને ગોકુળ જવાનું મન થતું પણ તેમને બીક લાગતી હતી કે હું ગોકુળમાં જઈશ પછી લોકો મને અગાઉના તુંકારથી નહી બોલાવે તો? ગોકુળમાં તેઓ તુંકારથી ટેવાયેલા હતા. તેઓ જિંદગીપર્યંત મા યશોદાનું વાત્સલ્ય ઝંખતા રહ્યા હતા અને કોઈ તુંકારથી નહી બોલાવે તેવા ભયથી તેઓ ગોકુળથી બહાર નીકળ્યા પછી ગોકુળ ગયા નહોતા. હા, એક વાર કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે દ્વારિકાથી આવેલા પાંડવો અને ગોકુળથી આવેલા લોકોનું મિલન થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણ અને મા યશોદાનું પણ મિલન થાય છે. શ્રી કૃષ્ણ તો હવે દ્વારિકાના રાજા હતા. તેમના દીકરાઓના ઘરે પણ દીકરા હતા. એ સમયે પણ યશોદા મૈયા શ્રી કૃષ્ણને ગોદમાં લે છે. આંખમાંથી હર્ષનાં આંસુ વહાવે છે. એ વખતે શ્રી કૃષ્ણ યશોદા મૈયાને પૂછે છેઃ “મા, હું તને શું આપું?” ત્યારે યશોદા મૈયા કહે છે, “અરે, મારે બીજું કાંઈ જ જોઈતું નથી. તું બસ મારી પાસે બેસી જ રહે એટલું જ ઇચ્છું છું.”
કેવી હતી માની મમતા?

દ્વારિકાના રાજા પાસે તો ઘણું હતું પણ માએ શું માગ્યું? મા એ મા.
એને દુઃખી કરશો નહીં. મા નહીં હોય ત્યારે જ એનું મહત્ત્વ સમજાશે.

- દેવેન્દ્ર પટેલ
www.sandesh.com

Categories:

Leave a Reply