‘મધર્સ ડે’ નો ઈતિહાસ ...

ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..! શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.

ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે. ...

સાભાર : ગુજ મોમ .કોમ gujmom.com

 

માતૃશક્તિ એટલે શું ? ...આપણે ..‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો.  ‘નર-નારી- શબ્દ તમે જાણો છો.  ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો.  પરંતુ ક્યાંક એક બિંદુ ઉપર ઊભા રહીએ છીએ તો ‘નરત્વ –નારી’,  સ્ત્રીત્વ –પુરુષત્વ આ બંનેમાં સમાયેલી શક્તિઓનો એક શબ્દમાં નિર્દેશ પણ થઇ શકે છે અને કરવામાં આવે છે.
‘जगत: पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ  |’‘पितर’-  શબ્દ કહ્યો એમાં માતા-પિતા, જનક-જનની બધાં સમાઈ ગયાં.  તો માત્ર સ્ત્રી-શક્તિ નહીં, કેવળ પુરુષ-શક્તિ નહીં, એ પુરુષોના વિરોધમાં ઊભી રહેલી સ્ત્રી-શક્તિ પણ નહિ.  એ કોઈના વિરોધમાં ઊભી નથી.  સ્વયંસિદ્ધ, સ્વયંભૂ એવી એક શક્તિ છે જેનો નિર્દેશ
‘મા’
શબ્દથી થાય છે.  આપે સર્વે રામકૃષ્ણ પરમહંસદેવનું નામ સાંભળ્યું હશે, બંગાળમાં ગંગાકિનારે દક્ષિણેશ્વરમાં જે રહેતા હતા.  નિરક્ષર હોવા છતાં સાક્ષરોના શિરોમણિ, જ્ઞાનીઓના ચક્રવર્તી, ભક્ત – વરિષ્ઠ ગણાય.
‘स्थापकाय च धर्मस्य, सर्वधर्मस्वरूपिणे |
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नम:  ||’


રામકૃષ્ણ પરમહંસની, પોતાના ગુરુની વિવેકાનંદે આવી રીતે સ્તુતિ કરી છે.  રામકૃષ્ણદેવ કહે છે કે જગતની સત્તા જેને તમે પરમાત્મા કહો છો, બ્રહ્મ કહો છો, ચૈતન્ય કહો છો તેને હું 'મા' કહું છું.
‘મા', આમી જોન્ત્રો તુમિ જોન્ત્રી, હો મા !’  (બંગાળીભાષા) આપ આ દુનિયાના સર્વ યન્ત્ર – તન્ત્ર ચલાવનાર છો,  ‘અમે’  એટલે કેવળ ગદાધર (રામકૃષ્ણ) નો ઉલ્લેખ નોહ્તો, શરીરવાચક શબ્દ નોહ્તો.  નામ અને રૂપનું રામકૃષ્ણદેવને શું કરવું હતું ?  પરંતુ મનુષ્યજાતિ તથા આ આખાય અભિવ્યક્ત જીવનને ચલાવનારી જે શક્તિ છે, તેને તેઓએ ‘મા’  કહી  –
‘માતૃશક્તિ’ કહી.  તેમના પછી આવ્યા વિદ્વદશિરોમણિ
શ્રી અરવિંદ.  તેમને પણ
‘World Mother’માતૃશક્તિનો ઉલ્લેખ કરવો પડ્યો.   તેઓ તેના ઉપાસક બન્યા.  આવા બીજા એક આવ્યા
રોનાલ્ડ નિક્સન જે અલ્મોડાની પાસે મિરતોલામાં કૃષ્ણપ્રેમ – યોગી કૃષ્ણપ્રેમ તરીકે બેઠા હતા.  દિલીપકુમાર રોયે  ‘યોગી કૃષ્ણપ્રેમ’  પુસ્તક લખ્યું છે,  હિન્દીમાં પણ અનુવાદિત છે.  તેમણે પણ એ શક્તિને
‘માતૃશક્તિ’ કહી છે.  આ
‘માતૃશક્તિ’  જે શબ્દ છે તેનો આધ્યાત્મિક સંદર્ભ જોવો જોઈએ.  તેને ફક્ત શરીર સાથે નહીં જોડતા.  દેહવૃત્તિઓ છે તેની સાથે જોડીને તેને માર્યાદિત નહીં કરતા.  સ્ત્રીઓમાં કંઈક વિશેષગુણ છે, તેનો અર્થ વ્યાપક છે, ગહન છે.  આજે મને માફ કરજો.
‘માતૃશક્તિ’ નો જે આધ્યાત્મિક આશય છે તેને શબ્દબદ્ધ કરવાની મને સંમતિ આપજો.  ઉપરછલ્લી છીછરી વાતો નહીં કરું.
માતૃશક્તિનો
આધ્યાત્મિક અર્થ એ છે કે જેમાં સૃજ્ણશક્તિ છે, ભરણપોષણ કરવાની શક્તિ છે.  અને
જેમાં સૃજ્ણ, ભરણ, પોષણ કરવાની શક્તિ છે તે કરુણા છે રે કરુણા !’
‘માતૃશક્તિ’
 એટલે કરુણાની શક્તિ !  હિંસાનો પ્રતિકાર દ્વેષથી નહીં થાય,  હિંસાનું નિરાકરણ કરુણાઅવતાર માતૃશક્તિથી થશે.  માતૃશક્તિ જીવનમાં બધાં ક્ષેત્રોમાંથી હિંસાનાં બીજ હટાવશે, હિંસાને કારણે આવનારા આંતરવિરોધો બતાવશે, તેને હટાવવાનો, પરિહાર કરવાનો પથ પણ પ્રશસ્ત કરશે તે માતૃશક્તિ ! ‘विरोधस्य परिहार: यतनम् विशिषट्स्य |’
  સૃજન કોનાથી થાય છે ?  પરમાત્માની શક્તિ કરે છે.  ઠંડીમાં સૂર્યનારાયણનાં કિરણો કેવાં મીઠાં લાગે છે !  તેનાથી મળતી ઉષ્મા –તેનાથી મળતી હૂંફ કેટલી  ગમે છે !  ગરમી, પ્રકાશ, હૂંફ બધું સૂર્યકિરણમાંથી આવે છે.  તે મૂળ સત્તામાંથી આવે છે.  આ ધરતીમાં કણ વાવો અને મણ ઉપજાવે છે.  આ ફળદ્રૂપતા, ઉત્પાદકતાની શક્તિ ક્યાંથી આવી ?  એ મૂળસત્તામાંથી.  આકાશ જે આપણને પોતાના અવકાશમાં વિહરવા દે છે, હરવા-ફરવા દે છે, શ્વાસ લેવા દે છે,  આ અવકાશ  - આ
Emptiness   - ક્યાંથી આવ્યું ?  એ પ્રભુસત્તામાંથી.‘માતૃશક્તિ’  એ પ્રભુ શક્તિનો નિર્દેશ કરનારો શબ્દ છે.  માતા અને પિતા એટલો જ માર્યાદિત અર્થ નથી.  ત્યાંથી શરૂ કરો.  નારીની વિશેષતાઓ છે તેનાથી તે ગૌરવાન્તિ થાય, સમાજનાં કાર્યો કરે.  આ બધું ઠીક છે પરંતુ શક્તિ કેવળ પ્રભુની સત્તામાંથી આવે છે.  શક્તિનો સ્તોત્ર આપણે નથી.  ‘તુંહી’ –‘તુંહી’ –‘તુંહી’ કહે છે ને !  સ્ત્રીઓએ સંસ્કૃતિ બચાવી, સ્ત્રીઓએ ધર્મ બચાવ્યો.  ખબર નથી શું શું કહે છે !


સ્ત્રી જે આજે ભારતના લોકતંત્રની નાગરિક બની છે તેને જો ભાન થઇ જાય કે બધાં ગુણનો, સર્વ શક્તિઓનો સ્તોત્ર એક પરમાત્માસત્તા છે અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં તેનું પ્રતિનિધિત્વ આપણે કરવાનું છે તો મને લાગે છે કે માતૃશક્તિનું દાયિત્વ નારીદેહમાં સહજ સુલભ થઇ જશે, પ્રતિનિધિત્વ કરવાનું પણ સુલભ થઇ જશે.  ખ્યાલમાં રાખો કે શક્તિનો એક જ સ્તોત્ર છે – દેહની શક્તિ હોય, મનની શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય.  બધી શક્તિનો એક જ સ્તોત્ર છે અને તે છે સર્વવ્યાપ્ત પરમાત્માશક્તિ.  જેણે સર્વરૂપ ધારણ કર્યા છે અને જે સર્વમાં ઓતપ્રોત છે.


આપણે જે કપડા પહેર્યા છે તે કપડામાં સૂતર છે. સૂતર કપાસમાંથી બન્યું છે ને !  તો જેવી રીતે કપડામાં કપાસ વ્યાપ્ત છે, માટીના ઘડામાં માટી વ્યાપ્ત છે તેવી રીતે જગતમાં તમને સ્પર્શ થાય છે તત્વથી પરમાત્માનો.  દેખીતી રીતે તમે વૃક્ષને હાથ લગાડ્યો, કૂતરાને હાથ લગાડ્યો, બિલાડીને હાથ લગાડ્યો, પોતાના શરીરને કે બાળકને હાથ લગાડ્યો, પરંતુ જ્યા સુધી બધી શક્તિઓના મૂળ સ્તોત્ર પરમાત્મા છે અને તે વિશ્વાકાર બનીને, સર્વાકાર બનીને, સજીધજીને આપણી સામે છે એવો બોધ નથી થતો, ભાન નથી જાગી ઊઠતું ત્યાં સુધી ચિત્તમાં કરુણા નથી જાગતી.  અને કરુણા જ અસલમાં માતૃશક્તિ છે !  કરુણા જ સ્ત્રીના દેહમાં રક્તનું દૂધ બનાવે છે, જેને  આપણે વાત્સલ્ય –વત્સલતા કહીએ છીએ.  ગુજરાતમાં એક 'મુનિ સંતબાલ થઈ ગયા.  જે વિશ્વ –પ્રકૃતિને
‘મૈયા’ કહેતા હતા.  તેઓ વિશ્વ વાત્સલ્ય ની વાત કહે છે.  રામકૃષ્ણ પરમહંસ હોય, મુનિ સંતબાલાજી હોય, વિનોબાજી હોય કે મહાત્મા ગાંધીજી  હોય, કોઈપણ સંત એક જ વાત કરે.  બધાની વાતો તમારી પાસે કહીને હું તમને થકાવા નથી માંગતી.  હમણાં હમણાં ક્યાંક કોઈ એક રચનામાં અમે લખ્યું કે આ વિશ્વવિમલ છે કે માધવનો મહારસ છે !  તો હિંસાના નિરાકરણ માટે સર્વાત્મમય, સર્વમય પરમાત્માસત્તાનું ભાન થવું જોઈએ.  જેનું શબ્દથી ચિંતન, મનન, જપ, ભજન, મૌન જે સાધન કરવું હોય તે કરો.  જેનાથી તેનો બોધ થાય, તેનો સાક્ષાત સ્પર્શ થાય.  આજે આ ભાન નથી.
આજે લોકો કહે છે ‘મારા માટે જ કમાવા દો. જુઠ્ઠું બોલીને કમાવા દો.  કોઈનું ગળું કાપીને કમાવા દો. કોઈને કચડીને મને આગળ આવવા દો.’ લોકોને પૈસામાં સુરક્ષા લાગે છે, પ્રતિષ્ઠામાં સુરક્ષા લાગે છે, અહંકારની બધી માંગ પૂરી કરવામાં સુરક્ષા લાગે છે.  કારણ કે પેલો બોધ નથી.  આજે આ વિનાશનો રસ્તો છે, હિંસાનો રસ્તો છે.


મહિલાવર્ગે આજે જો ખરેખર કંઈ કરવું હોય તો જે કાર્ય છેલા ૫૦ વર્ષોમાં નથી બની શક્યું તે, લોકોને યુગધર્મનું ભાન કરાવવાનું અને યુગકાર્યનું નેતૃત્વ લેવાનું છે.  ભારત એક રાષ્ટ્ર છે, તેની એક રાષ્ટ્રીય સંસ્કૃતિ છે, તે ન તો હિંદુ સંસ્કૃતિ છે, ન તો મુસ્લિમ સંસ્કૃતિ છે, ન જૈન સંસ્કૃતિ છે.  બધાની મળીને એક સંગમસંસ્કૃતિ  છે.  આ આપણી જે સંસ્કૃતિ છે તેના પર પ્રહાર થઇ રહ્યો છે.  એટલે આપણાં બાળકો  પરાવલમ્બી થઇ રહ્યાં છે.  આ અનર્થકારી અર્થ જ પરમ મૂલ્ય બની ગયું છે.  લોકોની મનોવૃત્તિ ભ્રષ્ટાચારી બની ગઈ છે.

નાની બાળાઓને છોડી દઉં તો  અહીં જે બહેનો છે એમના કાં તો અનુભવની વાત હશે અથવા તેમના નિરીક્ષણ –પરીક્ષણ-આકલનની વાત હશે.  કન્યા જ્યારે ‘વધૂ’ બને છે ત્યારે તેનું મનોવિજ્ઞાન-સાઈકોલોજી, તેનો વ્યવહાર બદલાય છે.  પત્નીમાંથી માતા બને છે ત્યારે તેના ચિત્તમાં વ્યાપકતા સહજ આવવા લાગે છે, એક જાતની મૃદુતા, એક જાતની મધુરતા આવે છે.  માતા ગર્ભને પેટમાં ધારણ કરે છે, તેનું જતન કરે છે, પોતાના હાડમાંસથી ભરણપોષણ કરે છે, પ્રસવની વેદના સહન કરે છે, લાલન-પાલન કરે છે.  આ બધી કરુણાની પ્રક્રિયા છે.  હવે બહેનોએ, માતાઓએ સમાજના હિતનો ગર્ભ ચિત્તમાં ધારણ કરવો પડશે.  પોતાના વ્યક્તિગત અને સામૂહિક જીવનમાંથી તેનું ભરણપોષણ કરવું પડશે.  આપણું દાયિત્વ છે, જવાબદારી છે કે આપણે એ કામ મૂળ પાયામાંથી કરવું જોઈએ.

(વિશ્વપ્રસિદ્ધ વિદુષી વિમલાતાઈએ પોતાના આ લેખમાં માતૃશક્તિનાં વિવિધ પાસાંની સુવ્યવસ્થિત રીતે ચર્ચા કરી છે.)

સંકલિત...

(રા.જ. ૧૧-૦૧/૩૨૯-૩૩૧/અં-૭ -૧૩)

આપને માતૃશક્તિની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવેલ કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  અમોને જણાવશો.. આપના દરેક પ્રતિભાવ અમારા માટે સદા આવકાર્ય રહેશે... ! આભાર ... !

Posted by Ashokkumar Desai on Gujarati

Categories:

Leave a Reply