ઉજજ્વળ ભવિષ્યની હસ્તરેખા કોતરતા હોય એમ પથરાળ જમીનની છાતી પર મહામહેનતે હળ ચલાવી પરસેવે રેબઝેબ થઇ ગયેલા પિતા, દૂરના શેઢા પર બેસી બિયારણ સાફ કરી રહેલી બે બહેનો, ખાતરના કોથળાઓને ટાંકા મારી રહેલો ભાઇ, જર્જરિત સાડીના પાલવનો ઓછાયો કરી માટીનાં ઢેફાં ભાંગતાં ભાંગતાં હાંફી રહેલી માતા અને દૂર મહુડાનાં ઝાડની આછી છાયામાં બેસી આ બધુ જોઇ રહેલો માંડ પાંચેક વર્ષનો અબૂધ બાળક. આંખોમાં પરીકથાઓ કદી નહીં સાંભળ્યાની નિરાશા અને ગરીબીએ પાથરેલી લાચારીના ઓછાયાથી નિસ્તેજ લાગતો ચહેરો. ભૂરસિંહ એનું નામ. ભૂરસિંહ રાઠવા.

છોટાઉદેપુરથી માંડ ૧૫ કિલોમીટર દૂર આવેલા ચીલિયાવાટ ગામની આ વાત છે. મકાઇના ઝૂલતાં ડોડાંઓથી ભરેલાં ખેતરો, મહુડાની તીવ્ર વાસ, ચાંદીનાં કડલાં-હાંસડીઓના ચળકાટ, અઠવાડિયે એક વાર ભરાતા હાટનો શોરબકોર અને મોડી રાત્રે શીતળ ચાંદનીમાં વાતા ઠંડા-ઠંડા મંદ પવનની આંગળી ઝાલીને ચાલી આવતા પાવાના મીઠા સૂર. આવા વાતાવરણ-સંસ્કૃતિમાં જીવતી મહેનતકશ આદિવાસી કોમમાં એ જન્મ્યો હતો.

માંડ બે છેડા ભેગા કરી જીવતા કુટુંબનું એ પાંચમું સંતાન. એ કોમનાં એની ઉંમરનાં બાળકો જ્યારે કડિયાકામ કરતા પિતાઓ સાથે જઇ, ‘સાઇટ’ પર રેતી ચાળતી માતાઓની પાછળ પાછળ વારંવાર ઊતરી જતી ચડ્ડીને ઉપર ચઢાવતા ફરતાં હોય ત્યારે ભૂરસિંહ, ગામની સરકારી શાળાના બ્લેકબોર્ડ પર શિક્ષકે વાંકાચૂંકા અક્ષરે લખેલી લિપિમાં પોતાની ઓળખ શોધતો. ‘દેશી હિસાબ’ અને બાળપોથીઓનાં પાનાંના ફરફરાટમાં એ એના જીવનનું સંગીત ખોજતો. શિક્ષણ માટેની એની લગન, વિદ્યાભ્યાસ માટેની એની ધગશ આ કુમળી ઉંમરથી જ પરિપકવ નિધૉરના વાઘા સજી રહી હતી.

અને ત્યાં જ એના બાળમાનસ પર કુઠારાઘાત થાય એવી એક લોહિયાળ ઘટના બની. એક ભર બપોરે એની નજર સામે જ એના જ એક દૂરના કુટુંબીની કરપીણ હત્યા થઇ. આ ઘટના અને તે કેસમાં તેના બે મોટા ભાઇઓની કહેવાતી સંડોવણીએ કુટુંબ પર આણેલા ઉલ્કાપાતથી ભૂરસિંહ હતપ્રભ થઇ ગયો. માંડ શરૂ થયેલી શિક્ષણયાત્રા એના પ્રારંભે જ ખોટકાઇ. ત્યાં તો બાળસખા અમીન રાઠોડ એની વહારે ધાયો. તેણે કહ્યું ‘તારે ભણવું હોય તો ચાલ મારી સાથે રિમાન્ડ હોમમાં...’! અને ભૂરસિંહ ચાલી નીકળ્યો. આટલી કુમળી વયે જાતે જ નિર્ણય કરી છોટાઉદેપુર બાળ રિમાન્ડ હોમમાં સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરી એણે શિક્ષણયજ્ઞ આદર્યો. પ્રારંભમાં ગામથી માતા-પિતા આવીને સમજાવતાં પરંતુ મક્કમ ભૂરસિંહે ઘસીને ના પાડી. ત્રણ ધોરણ સુધી અંત્રોલી અને ત્યાર બાદ પાંચમા સુધી એસાબ હાઇસ્કૂલમાં છોટાઉદેપુરના બાળ રિમાન્ડ હોમમાં રહીને ભણ્યા બાદ એને રાજકોટ મોકલવામાં આવ્યો. ભૂરસિંહનો કુટુંબ સાથેનો નાતો જાણે તૂટી ગયો.

જોત-જોતામાં વર્ષોનાં વહાણાં વાયાં. રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં બારમું ધોરણ પાસ કરીને ભૂરસિંહે જસાણી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ, હવે એક સમસ્યા ઊભી થઇ. ૧૯ વર્ષની વયે પહોંચેલા ભૂરસિંહને હવે કાયદેસર રીતે બાળ રિમાન્ડ હોમના ઇન્મેટ તરીકે રાખી શકાય નહીં એમ રિમાન્ડ હોમના આનંદ ઠાકોર નામના મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું. ‘ભૂરસિંહ હવે તારે તારી વ્યવસ્થા કરી લેવી પડશે’ એવા ઠાકોરસાહેબના વાક્યએ જાણે ભૂરસિંહના પગ તળેથી જમીન ખેરવી લીધી.એના ચહેરા પર વ્યાપેલી નિરાશા અને આંખોમાંથી ડોકાતી લાચારી વાંચીને ઠાકોર સાહેબ પોતાની ખુરશીમાંથી ઊઠ્યા.

અદબ વાળીને ઊભેલા ભૂરસિંહની પાસે આવી એના ખભા પર હાથ મૂકીને કહ્યું... મારે બે દીકરીઓ છે... આજથી તું મારો દીકરો.... હવે તું... મારી સાથે રહીશ... મારા ઘરે... મારા કુટુંબના એક સભ્ય તરીકે...માનવતાવાદી ઠાકોરસાહેબ ભૂરસિંહને પોતાના ઘરે લઇ ગયા. ભૂરસિંહ બી.એ. પાસ થયો. એણે, સૌરાષ્ટ્ર યુનિ.ના માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કમાં પ્રવેશ લીધો. અને અહીં એક નાટયાત્મક ઘટના બની. એક દિવસ એક પોલીસ અધિકારીએ ભૂરસિંહને ફોન કરીને પૂછ્યું કે તમે ભૂરસિંહ રાઠવા છો ? એણે હા... કહી... એટલે અધિકારીએ કહ્યું કે, રાજકોટ હાઇવે પર એક અકસ્માત થયો છે. જેમાં એક યુવકનું મોત થયું છે. એના ખિસ્સામાંથી તમારો ફોન નંબર મળ્યો એટલે ફોન કર્યો છે.

ભૂરસિંહ ઘટનાસ્થળે પહોંચ્યો. એણે જોયું તો એના દૂરના પિતરાઇ ભાઇનું શબ પડ્યું હતું. એણે લાશનો કબજો લીધો અને ૧૯-૧૯ વર્ષનાં વહાણાં વાઇ ગયા બાદ એ પોતાના પિતરાઇના શબ સાથે પોતાના વતનના ગામે પહોંચ્યો. એ આટલા વર્ષે ઘરે જઇ ઊભો રહ્યો ત્યારે શરૂઆતમાં તો કોઇએ એને ઓળખ્યો જ નહીં... અચાનક માતાએ એને ઓળખી લીધો... અરે આ તો ભૂરસિંહ !!આશ્ચર્ય-આનંદ-આઘાત મિશ્રિત અવાજ સાથે બોલાયેલા શબ્દો ‘‘આ તો ભૂરસિંહ’’ સાથે જ માતાની આંખના બંધ છુટી ગયા... ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડેલી માતાએ ૧૯ વર્ષે પાછા ફરેલા દીકરાને છાતી સરસો ચાંપ્યો. ભૂરસિંહનું એના કુટુંબ સાથે પુન: મિલન થયું.

ત્યારે ભૂરસિંહને જાણ થઇ કે, એના વિશે તો ગામમાં ઘણી અટકળો ચાલી રહી હતી. કોઇ કહેતું કે એ હોટલમાં વેઇટર થઇ ગયો છે તો કોઇ કહેતું કે, ટ્રક પર કલીનર તરીકે કામ કરે છે... એ રાજકોટ છે એવી વાતો થતી... પરંતુ એ એના બાળપણના ધ્યેયને હજુ વળગી રહીને નિષ્ઠાપૂર્વક ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો છે, એવો તો કોઇને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

આ ભૂરસિંહ રાઠવા પોતાની ધગશ અને લગનના જોરે આજે ‘‘માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક’’ની ડિગ્રી મેળવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિ.ની એ જ શૈક્ષણિક સંસ્થામાં હાલ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. માસ્ટર્સ થયા પછી ભૂરસિંહે ‘વોટર શેડ મેનેજમેન્ટ’ વિષય પર પી એચ ડીની ડિગ્રી મેળવી છે અને ગઇ કાલે ખેતરના શેઢે મહુડાના ઝાડની આછી છાયા નીચે બેસી પિતાને પથરાળ ખેતર ખેડતા જોઇ રહેલો પાંચ વર્ષનો અબૂધ બળક ભૂરસિંહ આજે ડૉ. ભૂરસિંહ રાઠવા તરીકે ઓળખાય છે.

પોતાની જ જ્ઞાતિના અને વડોદરા ટેલિફોન ખાતાના ઉચ્ચ અધિકારીની દીકરી સાથે ભૂરસિંહના લગ્ન થયાં છે. ડૉ. ભૂરસિંહ રાઠવા વડોદરાના જમાઇ છે અને રિમાન્ડ હોમમાંથી પોતાના ઘરે લઇ ગયેલા મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ ઠાકોરસાહેબની બે દીકરીઓ આજે પણ રક્ષાબંધને ડૉ. ભૂરસિંહનાં કાંડે રાખડી બાંધે છે. એક સમવયસ્ક સખાની સલાહથી ચીલિયાવાટ ગામની ધૂળિયા કેડી પરથી ચાલતો નીકળેલો ભૂરસિંહ આજે આસ્ફાલ્ટના વિશાળ રાજમાર્ગો પર ગૌરવભેર ટહેલી રહ્યો છે.

ભૂરસિંહ એક આખી એવી પેઢી માટે દાખલારૂપ છે કે જેઓ ધગશને ઝનૂન બનાવી પોતાની કેડી કંડારવા માંગે છે. એમની કોમના યુવાનોની જેમ મકાનની દીવાલો ચણતા કડિયા બનવા કરતાં સમાજસેવકોની આખી ફોજ તૈયાર કરવામાં જોતરાઇ ગયેલા ભૂરસિંહને સલામ કરીએ એટલી ઓછી.

http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-eagerness-and-applic...

Categories:

Leave a Reply