આજે પ્રાચી અને પરમ બંને ખુશખુશાલ હતા. કોલેજમાં બંનેની મૈત્રી પ્રેમમાં પરિણમી હતી અને આજે એ પ્રેમ વિવાહના અતૂટ બંધનમાં બંધાવા જઇ રહ્યો હતો. આજે તેમની સગાઇ હતી. બંને કુટુંબ પણ એવા જ ખુશ હતા. જુદી જ્ઞાતિ હોવા છતાં સંતાનોના પ્રેમને તેઓએ રાજીખુશીથી સ્વીકાર્યો હતો.

સગાઇ સરસ રીતે થઇ ગઇ. હવે તો પરમ અને પ્રાચીને જાણે બહાર ફરવાનો પીળૉ પરવાનો મળી ગયો હતો.લગ્ન છ મહિના પછી થવાના હતા કેમકે પરમની બહેન અમેરિકાથી છ મહિના પછી આવી શકે તેમ હતી. તેથી બહેનની રાહ જોવાની હતી. તેથી સગાઇ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પીરીયડ બંને મનભરીને માણતા હતા. એક જ શહેરમાં રહેતા હોવાથી એ લાભ મળી શકતો હતો.

સમય એની રીતે દોડતો જતો હતો..સુખ કે દુખ બંનેથી બિલકુલ અલિપ્ત..

બે મહિના તો જાણે બે દિવસની જેમ પસાર થઇ ગયા. હવે તો આતુરતાથી લગ્નની રાહ જોવાતી હતી. બંને પક્ષે ખરીદી ચાલી રહી હતી.

એવામાં એક દિવસ પરમનો ફોન આવ્યો કે તેઓ બધા થોડા દિવસો માટે કોલકત્તા જાય છે.. તેના પપ્પાના કોઇ મિત્રના દીકરાના લગ્નમાં જાય છે. અને આટલે દૂર જાય છે તેથી ત્યાંથી કદાચ થોડા દિવસો દાર્જિલિંગ અને આસપાસ ફરીને જ આવશે.

પ્રાચીને વિરહનો આ સમય આકરો તો લાગ્યો..પણ કોઇ ઉપાય કયાં હતો ? લગ્ન થઇ ગયા હોત તો પોતે પણ સાથે જઇ શકત. લગ્ન પહેલા તો આટલા દિવસો કોઇ તેને પરમ સાથે જવા દે તેમ નહોતું એની તેને જાણ હતી. તેથી પ્રતીક્ષા જ કરવાની રહી. હવે તો જાણે ઘડિયાળના કાંટા ખસતા જ નહોતા.

એમ જ પંદર દિવસ પસાર થઇ ગયા. વચ્ચે એકાદ બે વાર પરમના ફોન આવ્યા..પણ પછી અચાનક એના ફોન આવવા બંધ થઇ ગયા. પ્રાચી ફોન કરે તો પણ તેનો મોબાઇલ સ્વીચ ઓફ જ આવતો હતો.

પ્રાચીને આશ્વર્ય થયું.. આમ કેમ ? પહેલા તો થયું કે લગ્નમાં બીઝી હશે.પરંતુ એમ મન કેમ માને ? બે મિનિટ નો સમય પણ ન મળે ? એ પરમને ખૂબ ખૂબ પ્રેમ કરતી હતી. પરમ આવશે એટલે બરાબર ઝગડશે એમ મનોમન વિચારતી રહી.

એવામં એક દિવસ પરમના પપ્પાનો પ્રાચીના પપ્પા ઉપર ફોન આવ્યો કે પરમે કોઇ ગ્રીન કાર્ડ વાળી છોકરી સાથે લગ્ન કરી લીધા છે. તેથી પ્રાચી સાથેની સગાઇ કેન્સલ સમજવી..તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે..

‘ સોરી અમને પણ અફસોસ છે પરંતુ અમે શું કરીએ ? પરમને અમેરિકા જવાનો ચાંસ મળતો હતો તેથી એ કોઇનું ન માન્યો. અમે તો તેને કેટલું સમજાવ્યો. અમે શરમિન્દા છીએ..પણ લાચાર છીએ..દીકરાની જિદ સામે શું કરી શકીએ ? તમે પ્રાચીના લગ્ન કોઇ અન્ય જગ્યાએ કરી લેશો. “

એવું કહી તેમની માફી માગીને ફોન મૂકી દીધો.

પ્રાચી તો આઘાતથી સ્તબ્ધ બની ગઇ. પરમ તેની સાથે આવું કરી શકે તે એને કેમે ય માન્યામાં નહોતું આવતું. તેના મમ્મી પપ્પાને પણ ખૂબ દુખ થયું હતું. એક તો જુદી જ્ઞાતિમાં દીકરીની સગાઇ કરી હતી અને તેમાં આવું થયું. તેમને થયું અમેરિકાનો મોહ ભલભલા નથી છોડી શકતા.. પરમ પણ એવો જ નીકળ્યો.. પ્રાચીને તો હજુ યે આ વાત અશકય જ લાગતી હતી. પરમ તેને કેટલો પ્રેમ કરતો હતો..અને આવી રીતે તેને છોડી દે ? એકવાર વાત કરવાની પણ તકલીફ ન લીધી ? એટલે ફોન નહોતો ઉપાડતો ? મન તો માનતું નહોતું પણ જે સત્ય સામે આવીને ઊભું હતું તે સ્વીકાર્યે જ છૂટકો હતો ને ? પ્રાચી જીવનમાંથી રસ ખોઇ બેઠી. તે આખો દિવસ હતાશ..ઉદાસ બનીને બેસી રહેતી. પોતાની સાથે આવું બની શકે એ હજુ તેના મગજમાં નહોતું બેસતું. દિલ એવી કોઇ વાત સ્વીકારવાની ના પાડતું હતું.. અને સામે દેખાતી હકીકત એ વાતનો સ્વીકાર કરાવવા મજબૂર કરતી હતી. એ બે ની વચ્ચે તે અટવાયા કરતી હતી. વિચારોમાં ગૂમશૂમ બનીને બેસી રહેતી.

પ્રાચીના મમ્મી પપ્પાએ દીકરીને સમજાવવાનો ઘણૉ પ્રયત્ન કર્યો. દીકરીની વ્યથા તેઓ પણ સમજી શકતા હતા. તેમને પણ બહું દુખ થયું હતું. પરંતુ સ્વસ્થ બનીને દીકરીને સમજાવવી જ રહી ને ? પોતે ઉદાસ બનીને બેસી રહે તો દીકરીની શી સ્થિતી થાય ? બેટા, જે થયું તે..આપણે તો ઇશ્વરનો આભાર માનવાનો કે પહેલેથી પરમની અસલિયત સામે આવી ગઇ. લગ્ન પછી આવું કશું થયું હોત તો ? જે થાય તે સારા માટે જ એમ માનીને બેટા, આપણે ઇશ્વરની ઇચ્છા સ્વીકારવી જ રહી.

માતાપિતાએ જુદી જુદી અનેક રીતે દીકરીને સમજાવવાની કોશિષ કરી. છતાં બીજા બે ત્રણ મહિના તો પ્રાચીએ આશા ન જ છોડી. એને મનમાં હતું કે પરમ એને એકવાર ફોન તો જરૂર કરશે. પણ ધીમે ધીમે એ આશા અદ્ર્શ્ય બનતી રહી.

સમય ભલભલા ઘાવ રૂઝાવવા સમર્થ હોય છે. એનો ઇન્કાર કૉણ કરી શકે ? જીવન તો જ આગળ વધી શકે ને ?

ધીમે ધીમે પ્રાચી ફરીથી સ્વસ્થ થવા લાગી.

અને એક દિવસ તેના મમ્મી પપ્પાએ સારો છોકરો ..અને સારું કુટુંબ જોઇને પ્રાચીના હાથ પીળા કરી દીધા.પ્રાચીએ પણ અંતે હા પાડી દીધી હતી. બધાને હાશકારો થયો. અને પ્રાચી બધું ભૂલીને સાસરે આવી. જોકે કદીક મનમાં હજુ પણ પરમની યાદ વીજળીની માફક આવીને ચમકી જતી. પોતે અહીં બધી રીતે સુખી હોવા છતાં કદીક તેના દિલમાંથી એક છૂપો નિસાસો નીકળી જતો.

એવામાં એક દિવસ પ્રાચીના મમ્મી, પપ્પાને પરમના મમ્મી પપ્પા રસ્તામાં મળી ગયા. પ્રાચીના માતા પિતાએ તેમને જોઇને મોં ફેરવી લીધું. તેમને હવે આ લોકો તરફ સ્વાભાવિક રીતે જ નફરત થઇ ગઇ હતી. જેમણે આવું થયું ત્યારે એકવાર તેમને મળવાની પણ તકલીફ નહોતી લીધી. ફકત ફોનથી જણાવી દીધું હતું.

પણ પરમના માતા પિતાએ તેમને સામેથી બોલાવ્યા અને કહ્યું કે એકવાર તેમને નિરાંતે મળવા માગે છે. તેમને વાંધો ન હોય તો તેમને ઘેર આવીને થોડી વાત કરવા માગે છે. પ્રાચીના માતા પિતાને થયું કે હવે વાત કરીને શું ફાયદો ? છતાં સાવ મનાઇ ન કરી શકયા.

પરમના માતા પિતા તેમની સાથે પ્રાચીને ઘેર આવ્યા. થોડી આડી અવળી વાત્ચીત ચાલી. . હકીકતે શું બોલવું..વાત કેમ શરૂ કરવી એ કદાચ કોઇને સમજાતું નહોતું. કદાચ બંને પક્ષ મૂંઝાતા હતા.

અંતે પ્રાચીના માતા પિતાએ ધીમેથી પૂછયું,

‘ પરમ મજામાં ? કયાં છે અમેરિકામાં ? પરમના માતા પિતા જલદી જવાબ ન આપી શકયા. પરમની મમ્મીની આંખો ભીની બની. તેણે પતિ સામે જોયું. પછી ધીમેથી જવાબ આપ્યો.

બહેન, અમારો દીકરો અમેરિકા નહીં.. ભગવાન પાસે…

કહેતા પરમની મમ્મી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

પ્રાચીના પપ્પાને નવાઇ લાગી.

‘ કેમ એવું બોલો છો ?

‘ બહેન, અમારા ભાગ્ય જ ફૂટેલા હતા. બીજું શું કહીએ ?

સગાઇ થયા બાદ અચાનક એક દિવસ પરમની તબિયત બગડી. અને એક દિવસ ખબર પડી કે તેને પેંક્રિયાસનું કેન્સર થયું છે. અને તે પણ લાસ્ટ સ્ટેજમાં.. આ કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે જ પકડી શકાય છે. બચવાની કોઇ આશા ડોકટરે નહોતી આપી. અમે કોઇના લગનમાં કોલકત્તા નહીં..પણ સારવાર માટે પરમને મુંબઇ લઇ ગયા હતા. કદાચ કોઇ રસ્તો નીકળી શકે તો ? જુવાન દીકરાને નજર સામે આમ આ હાલતમાં જોવો કંઇ સહેલો તો ન જ હોય ને ?

અમે છેલ્લે સુધી લડી લેવા માગતા હતા..અમે લડયા પણ ખરા.. પણ કાળ સામે કોણ જીતી શકયું છે ? અમે પણ ન જીતી શકયા.. અને બહું જલ્દી પરમ અમને બધાને છોડીને..

હવે પરમની મમ્મી આગળ ન બોલી શકી.

પ્રાચીના મમ્મી, પપ્પા તો સ્તબ્ધ.. આવું તો સાત જનમમાં યે વિચારી શકે તેમ નહોતા. પ્રાચીના પપ્પાએ ધીમેથી પૂછયું..

તમે સાચી વાત અમને કેમ ન જણાવી ? પરમ અમેરિકા ચાલ્યો ગયો છે અને ગ્રીન કાર્ડ વાળી છોકરી સાથે લગ્ન કરી લીધા છે એવું કેમ કહ્યું ?

એ ઇચ્છા પરમની હતી. આખરી ઇચ્છા.. તેને હતું કે પ્રાચીને સાચી વાતની જાણ થશે તો તે કયારેય કદાચ લગ્ન ન કરે ને જીવનભર આંસુ સારતી રહે તો ? તે પ્રાચીને ખૂબ પ્રેમ કરતો હતો..સાચો પ્રેમ કરતો હતો. તેને સુખી જોવા ઇચ્છતો હતો. અને એટલે જ.. પ્રાચીને તેને માટે નફરત થાય અને તે તેને ભૂલીને બીજે લગ્ન કરી લે.પોતાની જિંદગી નવેસરથી શરૂ કરે એ માટે…

બોલતા બોલતા પરમની મમ્મીનો અવાજ રૂંધાયો..

પ્રાચીના પપ્પા આગળ કશું બોલે તે પહેલા પરમના પપ્પા ધીમા અવાજે બોલ્યા.. અને બેન, અમારેપણ એક દીકરી છે.. અમે કોઇની દીકરીને દુખી કેમ થવા દઇ શકીએ ? અને ઘરમાં મૌન પથરાયું.. હવે કોઇ પાસે શબ્દો નહોતા.

( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની “

Categories:

Leave a Reply