' આ અગાઉ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … વિશે આપણે બ્લોગ પર અહીં જાણ્યું અને માણ્યું અને આપ સર્વે મિત્રોએ લેખને પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા અને શ્રીમદ્ ભાગવત ના અર્થોનો સાચો પ્રકાશ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. આ ચારેય પ્રમાણેના સમન્વય રૂપે રજુ કરેલ સિદ્ધાંત ‘‘શુદ્ધાદ્વૈત’’ બ્રહ્મવાદના જીવ એ ત્રણેયનું એકજ સ્વરૂપ છે. બ્રહ્મ શુદ્ધ છે. બ્રહ્મમાંથી જીવ અને જગત ઉત્પન્ન થયાં છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુજી માને છે કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે. સંસારમાં હું કરૂં છું એ મમતા છે સંસાર ભલે મિથ્યા હોય બઘુ પ્રભુની ઈચ્છાથી થાય છે. જીવનું પોતાનું કશું નથી બઘું ભગવાનનું છે. .... આ જીવ એટલે શું ? આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ? .... ઉપરોક્ત બધા પ્રશ્નો ના જવાબ મેળવવા આજની પોસ્ટ ... ' જીવ - વિચાર ' .... માણીશું ...આજની આ સુંદર પોસ્ટ 'દાદીમા ની પોટલી' પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ.. આશા રાખીએ છીએ કે આપ સર્વેને આ પોસ્ટ પસંદ આવશે, આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો, જે અમોને સદા પ્રેરકબળ પૂરું પાડે છે અને લેખક શ્રીની કલમ ને પણ બળ પૂરું પાડે છે...


આપણને કોઈ પૂછે કે તમે કોણ છો ? જવાબમાં આપણે આપણું નામ આપીએ છીએ. આપણું નામ આપણા શરીરની ઓળખ છે. પરંતુ આપણું શરીર તો નાશવંત છે. એક દિવસ મૃત્યુ પામી, જડ બની જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા શરીરમાં એવું કયું તત્વ હતું કે જેના કારણે આપણું શરીર ચેતનવંતુ–જીવંત હતું ?

શાસ્ત્રોએ એનો જવાબ આપ્યો : શરીરમાં જે ચેતનતત્વ છે, તે શરીરને જીવતું રાખે છે. તેથી તેને ‘જીવ’ કહે છે. તેનું બીજું નામ ‘આત્મા’ છે. ગુજરાતીમાં આપણે તેને ‘પ્રાણ’ કહીએ છીએ. એમાં ચેતન છે, તેથી તેને ‘ચૈતન્ય’ પણ કહેવાય. આ ‘જીવ’ તત્વ કેવળ મનુષ્યોમાં જ નથી. પ્રાણીમાત્રમાં છે. અમીબા જેવાં અનેક સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુઓથી લઈ હાથી જેવા મહાકાય પ્રાણીઓ સુધીનાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, મનુષ્યો એ સૌમાં આ ‘જીવ’ રહેલો છે. તેથી જગતમાં બે સૃષ્ટિ જોવા મળે છે: (૧) જડસૃષ્ટિ અને (૨) જીવસૃષ્ટિ.

આપણને બીજો પ્રશ્ન થશે – આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ?

શાસ્ત્રો કહે છે – બ્રહ્મને રમણ માટે એકમાંથી અનેક બનવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્મે પોતાનામાંથી અક્ષરબ્રહ્મ પ્રકટ કર્યું એ વાત આપણે આગળ જોઈ ગયા. બ્રહ્મની ઈચ્છાથી આ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો પ્રકટ થયા તે સમજાવવા વેદોએ સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે સગડી સળગાવીએ, ત્યારે તેમાં તણખીયા કોલસા આવી જાય. ત્યારે, સગડીમાંથી અનાયાસ અસંખ્ય તણખા ઊડે છે. આ તણખા શરૂઆતમાં અગ્નિની સળગતી લાલચોળ ચિનગારીઓ હોય છે. ક્ષણેક અગ્નિ ઝબકી, બુઝાઈ જાય છે. પાછળ રહી જાય છે કોલસાના ઝીણા અંશ. એવી રીતે જ્યારે અક્ષરબ્રહ્મમાંથી જીવો જ્યારે છૂટા પડ્યા, ત્યારે એ જીવમાં અક્ષરબ્રહ્મના ત્રણે ગુણ ધર્મો હતા – સત્ (જડત્વ), ચિત્ (ચેતન તત્વ) અને આનંદ. પરંતુ તણખાની જેમ છૂટા પડતાંની સાથે જ, ક્ષણવારમાં એમાંનુ ‘આનંદ’ તત્વ તિરોભાવ પામે છે (છુપાઈ જાય છે–નાશ નથી થતો), પાછળ રહી જાય છે કોલસાના કણ જેવો સત્ અને ચિત્ નો એક સુક્ષ્મ અંશ, જેને આપણે ‘જીવ’ કહીએ છીએ. આમ ‘જીવ’ તત્વ અક્ષરબ્રહ્મમાંથી બ્રહ્મના રમણ માટે પ્રકટ થયું છે. તે ‘સત્’ અને ‘ચિત્’ તત્વનો બનેલો છે. તેમાંથી ‘આનંદ’ તત્વ લુપ્ત થયું છે. પાંચ, દસ, વીસ પૈસાના સિક્કા રૂપિયાના જ નાના ભાગ છે, પણ તેમને રૂપિયો ન કહેવાય. રૂપિયાના પાંચ પૈસાના વીસ સિક્કા આવે. પાંચ પૈસાનો સિક્કો રૂપિયાનો એક અંશ છે. રૂપિયો તેનો અંશી છે. તેમ બ્રહ્મ અંશી છે, જીવ તેમનો એક સુક્ષ્મ અંશ છે. આ વાત ગીતાજીમાં સરસ રીતે સમજાવી છે.

બ્રહ્મ જ જગતરૂપ બન્યો હોવા છતાં જેમ એની બ્રહ્મરૂપતા દેખાતી નથી તેમ જીવરૂપે પણ બ્રહ્મ જ બન્યો હોવાથી જીવ એ બ્રહ્માત્મક છે તથા બ્રહ્મનો જ અંશ છે. તેમ છતાં જીવની બ્રહ્મરૂપતા અનુભવાતી નથી. આમ થવાનું કારણ એ જ છે કે જીવમાં બ્રહ્મના માત્ર સત્–ચિત્ ધર્મો પ્રકટ છે જ્યારે આનંદ ધર્મ છુપાઈને રહે છે. આ કારણે જીવની બ્રહ્મરૂપતા કે બ્રહ્માત્મક્તા અનુભવાતી નથી. બ્રહ્મના આનંદ ધર્મના તિરોહિત થઈ (છુપાઈ) જવાથી જ એને શરીર મળે છે. આ જ કારણે એને હું અને મારું, સુખ અને દુ:ખનો અનુભવ થાય છે. આજ વાતને જો સરળતાથી સમજવી હોય તો આ રીતે સમજી શકાય.

રાજાના દરબારમાં કાર્ય કરતાં કર્મચારીને જ્યાં સુધી રાજા પોતાના દરબારમાં રાખે ત્યાં સુધી એને દરબારી વેશભુષા, સન્માન વગેરે મળે છે. પરંતુ જો રાજા એની પદવી ખૂંચવી લે તો એને સન્માન વગેરે મળતું નથી. પદવી ઝુંટવાઈ જવાને કારણે એ નિસ્તેજ, નિર્બળ, અસંતુષ્ટ દેખાવા લાગે છે. પરંતુ ફરી જો રાજા પ્રસન્ન થાય અને દરબારમાં સ્થાન આપે તો પહેલાની માફક જ એ દરબારી થઈ જાય છે. આ જ પ્રમાણે સૃષ્ટિ કરવાની ઈચ્છા થતાં; જેમ અગ્નિમાંથી તણખા બહાર નિકળે છે તેમ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો છૂટા પડે છે. અગ્નિમાંથી નિકળતા તણખામાં જેમ થોડીવાર સુધી અગ્નિનો ચમકારો દેખાય છે તેમ અક્ષરબ્રહ્મમાંથી છૂટા પડેલા જીવ–અંશોમાં પણ બ્રહ્મનો આનંદ ધર્મ પ્રકટ જ હોય છે. ભગવાન જ્યારે પોતાનામાંથી છૂટા પડેલા અંશ–જીવમાંથી આનંદ ધર્મને છુપાવી લે છે ત્યારે રાજા દ્વારા પદભ્રષ્ટ થયેલો દરબારી જેમ નિસ્તેજ, નિર્બળ, પરાધિન, દુ:ખી દેખાવા લાગે છે તેમ જીવ પરાધિન–હીન, અસમર્થ–દુ:ખી, દેહ વગેરેમાં અહંતા–મમતાવાળો, અજ્ઞાની, ભ્રમિત, વિષયોમાં આસક્ત બની જાય છે. પરંતુ જ્યારે પરમાત્મા જીવ પર કૃપા કરે છે ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.


જીવમાંથી આનંદ તત્વ લુપ્ત થવાથી જીવમાં શો ફેરફાર થયો ? જીવ કેવો બની ગયો એનો શાસ્ત્રો જવાબ આપે છે – બ્રહ્મ આનંદમય છે. જેમ અગ્નિમાં પ્રકાશ અને ગરમી આપવાના ગુણ છે, તેમ આનંદમય હોવાથી બ્રહ્મમાં, આપણે આગળ જોઈ ગયા તેમ, છ દિવ્ય ગુણો છે (૧) ઐશ્વર્ય (૨) વીર્ય (૩) યશ (૪) શ્રી (૫) જ્ઞાન અને (૬) વૈરાગ્ય.

(૧) એશ્વર્ય જતાં દીનતા–અશક્તિ અને પરાધિનતા આવ્યાં. જીવ અશક્ત, બિચારો, ગરીબડો, બાપડો થઈ ગયો.

(૨) વીર્ય જતાં તેનામાં ઘણા દુ:ખો આવ્યાં. જીવના નશીબમાંથી સુખ ગયું અને દુ:ખો સહન કરવાનું આવ્યું.

(૩) યશ જતાં જીવમાં સર્વ પ્રકારની હીનતા–તુચ્છતા આવી.

(૪) શ્રી જતાં જીવને જન્મ–મરણની આપત્તિઓ આવી. કરેલાં કર્મ પ્રમાણે જન્મો લેવા પડ્યાં. તે મુક્ત હતો, તેને જન્મ–મરણના બંધન આવ્યાં.

(૫) જ્ઞાન જતાં તેનામાં અહંકાર આવ્યો. જ્ઞાનને લઈને તેનામાં વિપરીત જ્ઞાન આવ્યું. તે બ્રહ્મને ભૂલી ગયો. તે પોતાના મૂળ સ્વરૂપને પણ ભૂલી ગયો.

(૬) વૈરાગ્ય જતાં તેને જુદી જદી ઈન્દ્રીયોના વિષયોમાં આસક્તિ થઈ. તેણે સંયમ ગુમાવ્યો. તેનો બુદ્ધિનાશ થતાં સર્વનાશ થયો.

આમ થતાં જીવ અશક્ત, અસહાય, અનાથ બની ગયો. માણસની સ્મૃતિનો નાશ થાય, ત્યારે માણસનું બધું જ્ઞાન નાશ પામે. તે અજ્ઞાની બની જાય. જીવની પણ આવી જ સ્થિતિ થઈ. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો કે પોતે બ્રહ્મનો અંશ છે. બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે. બ્રહ્મનો આનંદ અંશ તેનામાંથી લુપ્ત થયો છે. તેણે તે આનંદ અંશ પાછો મેળવવા કાર્ય કરવાનું છે. આવું જ્ઞાન–આવી વિદ્યા જીવસ્થિતિમાં લુપ્ત થાય છે. જીવ પોતાના વિષે ખોટા ખ્યાલ બાંધતો જાય છે. તેને અવિદ્યા કહેવામાં આવે છે.

જીવની ત્રણ અવસ્થા :
 
જીવની ત્રણ અવસ્થા હોય છે.

(૧) શુધ્ધ

(૨) બધ્ધ અને

(૩) મુક્ત

(૧) શુધ્ધ : બ્રહ્મથી છૂટા પડ્યા પછી જીવમાં આનંદ અંશના તિરોધાન પછી જ્યાં સુધી જીવ સાથે ‘અવિદ્યા’નો સંબંધ નથી થતો ત્યાં સુધીની અવસ્થામાં જીવને ‘શુધ્ધજીવ’ કહેવામાં આવે છે.
 
(૨) બધ્ધ : અવિદ્યાનો સંબંધ થવાથી જીવ અહંતા–મમતા(હું, મારું–તારું)વાળો બને છે અને જન્મ–મરણના બંધનમાં બંધાય છે. આ અવસ્થામાં જીવને ‘બધ્ધ’ કે ‘સંસારી’ કહેવામાં આવે છે.

(૩) મુક્ત : જ્યારે જીવ સત્સંગ વગેરે દ્વારા પોતાનું જ્ઞાન દૂર કરી, પ્રભુના ધામની પ્રાપ્તિ વગેરે રૂપ મુક્તિ મેળવે છે ત્યારે જીવને‘મુક્ત’ કહેવામાં આવે છે.

આ અવિદ્યાથી જીવને પાંચ પ્રકારના ખોટા ખ્યાલ મગજમાં દ્રઢ થાય છે. તેનેપંચપર્વા અવિદ્યા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે :

(૧) દેહાધ્યાસ – આ દેહ (શરીર) મારું છે. તે જ આત્મા છે. તેના માટે જ જીવવાનું છે. દેહાધ્યાસ એટલે દેહ (શરીર)માં મારાપણાની ભાવના.

(૨) ઈન્દ્રીયાધ્યાસ – શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો (વાક્ – વાણી, પાણિ – હાથ, પાદ – પગ, પાયુ – ગુદા અને ઉપસ્થ – શિશ્ન) અને પાંચ જ્ઞાનેન્દ્રિયો (ક્ષોત્ર – કાન, ત્વક્ – ચામડી, ચક્ષુ – આંખ, રસના – જીભ અને ઘ્રાણ – નાક) છે. આ બધી ઈન્દ્રિયોથી વિષયાનંદ ભોગવવાની ઈચ્છા કરવી અને ઈન્દ્રિયોના સુખમાં રચ્યાપચ્યા રહેવું. ઈન્દ્રિયાધ્યાસ એટલે ઈન્દ્રિયોમાં મારાપણાની ભાવના.

(૩) પ્રાણાધ્યાસ – શરીરમાં વિવિધ પ્રકારના વાયુ રહેલા છે તે વાયુ પાંચ પ્રકારના છે. તેને લઈને શરીરના અવયવોનું હલનચલન સમતોલ રહે છે અને શરીર સ્વસ્થ–તંદુરસ્ત રહે છે. પ્રાણાધ્યાસ એટલે આ પ્રાણમાં મારાપણાની ભાવના રાખવી.

(૪) અંત:કરણાધ્યાસ – અંત:કરણ એટલે શરીરની અંદરનું તંત્ર. જેમાં ચાર તત્વો છે: (૧) મન, (૨) બુધ્ધિ, (૩) ચિત્ અને (૪)અહંકાર. મનમાં ઈચ્છાઓ જાગે છે. ચિત્ કઈ ઈચ્છા સંતોષવી તેનો સંકલ્પ–વિકલ્પ કરે છે. બુધ્ધિ આખરી નિર્ણય લે છે. અહંકાર આ નિર્ણયનો અમલ ઈન્દ્રિયો પાસે કરાવે છે. આમ, બાહ્ય ઈન્દ્રિયોને કામ કરતી રાખવાનું કાર્ય અંત:કરણ કરે છે. અંત:કરણાધ્યાસ એટલે આ અંત:કરણમાં મારાપણાની ભાવના રાખવી.

(૫) સ્વરૂપ વિસ્મૃતિ – આમ જીવ જ્યારે આ શરીરમાં મારાપણાની ભાવના રાખી, પોતે શરીરનો સ્વામી બની, શરીરના મોહમાં રચ્યોપચ્યો બને છે, ત્યારે તે પોતાના સ્વરૂપને અને કર્તવ્યને ભૂલી જઈ, સંસારના મોહમાં ફસાઈ જાય છે. પરિણામે જન્મ–મરણના ફેરામાં અટવાઈ જાય છે. આથી તે બ્રહ્મને પામી શક્તો નથી. આવો જીવ દીન હીન, પાપી, અજ્ઞાની બની જાય છે.

છતાં જીવના સ્વરૂપ વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જીવ નિત્ય છે, નાશવંત નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. તેને અગ્નિ બાળી શક્તો નથી, શસ્ત્ર છેદી શક્તાં નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. જેમ માણસ જૂનાં વસ્ત્ર ઉતારી, નવા વસ્ત્ર પહેરે છે, તેમ જીવ શરીર બદલે છે. મૃત્યુ થતાં શરીર નાશ પામે છે, જીવ નાશ પામતો નથી, તે બીજો દેહ ધારણ કરે છે.


જીવ ચાર પૈકી એક પ્રકારે આ જગતમાં દેહ ધારણ કરે છે :

(૧) જરાયુજ – માતાના ગર્ભના ઓળમાં વીંટળાઈ જન્મ લેતાં મનુષ્યો અને પશુઓની યોનિ જરાયુજ કહેવાય છે.

(૨) અંડજ – માતાના ગર્ભમાંથી ઈંડાં રૂપે બહાર આવી, પછી એ ઈંડાંમાંથી બચ્ચા રૂપે નીકળતાં પક્ષીઓ અને સર્પો અંડજ કહેવાય છે.

(૩) સ્વેદજ – પસીનામાંથી જન્મ લેતાં જંતુઓ જૂ–માંકડ–ચાંચડ વગેરે સ્વેદજ કહેવાય છે.

(૪) ઉદ્ભિજ્જ – જે જમીન ફોડી અંકુરરૂપે બહાર આવે, તે વનસ્પતિ ઉદ્ભિજ્જ કહેવાય છે.

આમ ચાર પ્રકારે જીવ જગતમાં વિવિધ યોનિઓમાં જન્મ લે છે. શાસ્ત્રો આ યોનિઓની સંખ્યા ચોર્યાસી લાખની બતાવે છે. જીવ એના કર્મ પ્રમાણે આ યોનિઓમાં ભટકતો રહે છે. આ સર્વ યોનિઓમાં મનુષ્ય યોનિને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. મનુષ્ય યોનિમાં જ જીવાત્મા ધર્માચરણ કરી, પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે; પોતાના તેમજ પ્રભુના સ્વરૂપને સમજી શકે છે, ધર્મના સિધ્ધાંતો જાણી શકે છે અને તે મુજબ જીવન જીવી શકે છે.

જીવના પ્રકારો :

આપણે સમજ્યા કે ભગવાને આ સમગ્ર જડ–જીવાત્મક જગતને પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. ક્રીડામાં વિવિધતા જોઈએ માટે ભગવાને જીવોને અલગઅલગ સ્વભાવોવાળા બનાવ્યા છે. મુખ્યત્વે જીવોના ત્રણ પ્રકાર છે :

(૧) પ્રવાહીજીવ
 
(૨) મર્યાદાજીવ અને

(૩) પુષ્ટિજીવ


પ્રવાહીજીવ પ્રવાહમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. મર્યાદાજીવ મર્યાદામાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. જ્યારે પુષ્ટિજીવ પુષ્ટિમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે.

અહીં એક પ્રશ્ન થશે – જો બધી મનુષ્યયોનિમાં ધર્માચરણ શક્ય છે, તો બધા મનુષ્યો કેમ ધર્મના માર્ગે ચાલતા જોવામાં નથી આવતા ?

ગીતાજીમાં શ્રીકૃષ્ણે આનો જવાબ આપ્યો – મનુષ્યસૃષ્ટિ મૂળભૂત બે વિભાગમાં વહેંચાયેલી છે :

(૧) દેવી સ્વભાવવાળી અને (૨) આસુરી સ્વભાવવાળી.

જુદા જુદા સ્વભાવવાળા લોકોના મૂળ સ્વભાવને જેમ તેઓના બાહ્ય આચરણથી પારખી શકાય છે. તેમ જીવોના મૂળ – પ્રભુદ્વારા નિર્મિત – સ્વભાવને તેમની રુચિ તથા આચરણથી, સામાન્ય રીતે, પારખી શકાય છે. કયા સ્વભાવના જીવો કેવી રુચિ તથા કયા પ્રકારનું આચરણ કરવાવાળા હોય છે તેનું સવિસ્તર વિવેચન ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોમાં મળી રહે છે.

જેમાં દેવોના ગુણો છે, જેઓ ધર્મના માર્ગે જીવનારા છે, જેઓ ઈશ્વરને મેળવવા મથે છે તે બધા ‘દૈવી’ કહેવાય.

જેમનામાં દાનવો જેવો સ્વભાવ છે, જે પોતાના સ્વાર્થ માટે બીજાને પીડા પહોંચાડનારા છે, જે સંસારના સુખોમાં જ રચ્યાપચ્યા રહેનારા છે તે બધા ‘આસુરી’ કહેવાય.

શ્રીવલ્લભાચાર્યજીએ આ મનુષ્ય–જીવોની ઉત્પત્તિ, સ્વભાવ, ક્રિયા અને ફળને ધ્યાનમાં રાખી તેમને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચ્યા :

(૧) પ્રવાહી જીવો – બ્રહ્મના મનમાંથી આ જીવો પ્રકટ થયા છે. તેઓ સંસાર–સાગરના પ્રવાહમાં વહેતા રહે છે, તેથી તેમને ‘પ્રવાહી’ જીવો કહેવામાં આવે છે. તેમનો સ્વભાવ દુનિયાના ભોગ ભોગવવાનો હોય છે. તે માટે જ તેઓ બધાં કાર્ય કરે છે. તેનાથી તેમને વિષયાનંદનું ક્ષણીક સુખ મળે છે, પણ મોક્ષ મળતો નથી. ક્રોધ, લાલચ, અભિમાન, જ્ઞાન, ઈર્ષ્યા, અપવિત્રતા, વિલાસિતા, પરપીડા, ક્રૂરતા વગેરે લક્ષણો પ્રવાહીજીવમાં સામાન્ય રીતે જોવા મળે છે.

(૨) મર્યાદાજીવો – બ્રહ્મના મુખારવિંદની વાણીમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની વાણીરૂપી શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલતાં, શાસ્ત્રોની મર્યાદામાં રહેનારા છે, તેથી તેઓ ‘મર્યાદા’ જીવો કહેવાય છે. તેમનો સ્વભાવ શાસ્ત્રે બતાવ્યા મુજબ જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના કે ભક્તિના માર્ગે ચાલવાનો હોય છે. તેઓને લૌકિક કે પારલૌકિક બાબતોમાં રુચિ હોતી નથી. દાન, દયા, તપ, પવિત્રતા, પ્રસન્નતા વગેરે ગુણોવાળા હોય છે. ખાસ કરીને, મોક્ષ મેળવવા માટે શાસ્ત્રમાં વર્ણિત કર્મ–જ્ઞાન–ઉપાસના માર્ગોમાં રુચિવાળા હોય છે. તેઓ યજ્ઞ, તપ, સ્વાધ્યાય, તીર્થાટન, દાન, યોગ, ભક્તિ વગેરે કર્મો કરનારા હોય છે. તેમનાં કર્મો પ્રમાણે તેમને લૌકિક સુખ, સ્વર્ગ વગેરેથી લઈને અક્ષરબ્રહ્મમાં મોક્ષ સુધીના ફળ મળે છે.


(૩) પુષ્ટિજીવો – બ્રહ્મના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની સૌથી વિશેષ્ કૃપા (પુષ્ટિ) તેમના પર હોવાથી તેઓ ‘પુષ્ટિ’જીવો કહેવાય છે. પુષ્ટિજીવોને લૌકિક–પારલૌકિક કે મુક્તિમાં રુચિ હોતી નથી. મુક્તિ મેળવવા કરતાં પણ પ્રિય તેઓને શ્રીકૃષ્ણની સેવા લાગે છે. શ્રીકૃષ્ણની સેવામાં રુચિ હોવાને કારણે તેઓની નિષ્ઠા પણ શ્રીકૃષ્ણસેવામાં હોય છે. તેમનો સ્વભાવ પ્રભુને પોતાના સ્વામી ગણવાનો અને પોતાને પ્રભુના દાસ ગણવાનો તથા પ્રભુને નિ:સ્વાર્થ ભાવે – કોઈ બદલાની આશા વિના શુદ્ધ સ્નેહ કરવાનો છે. તેઓ પૃથ્વી પર પ્રભુની સેવા કરવા જ જન્મ્યા છે. ભગવદ્સેવા તેમનું મુખ્ય કાર્ય છે. તેમને નિત્યલીલામાં અલૌકિક દેહથી સાક્ષાત્ સેવા પ્રાપ્ત થાય તે ફળ છે.

પુષ્ટિ અને મર્યાદા જીવો દૈવી જીવો છે. પ્રવાહી જીવો આસુરી જીવો છે.

પુષ્ટિજીવોના પણ ચાર પેટા પ્રકાર છે.


(૧) શુદ્ધ–પુષ્ટિ જીવો – તેમને પ્રેમલક્ષણા ભક્તિ સિદ્ધ થઈ છે. તેમનું પ્રમાણ અતિ અલ્પ હોય છે.


(૨) પુષ્ટિ–પુષ્ટિ જીવો – ભગવાનના અભિપ્રાયને જાણનારા, સર્વજ્ઞ હોય છે.


(૩) પુષ્ટિ–મર્યાદા જીવો – ભગવાનના ધર્મને જાણનારા હોય છે.


(૪) પુષ્ટિ–પ્રવાહી જીવો – થોડો ઘણો ભગવદધર્મ જાણી ટહેલ કરે છે. બધા પુષ્ટિજીવો અધિકાર પ્રમાણે સેવા કરનારા હોય છે.

આમ ત્રણ મુખ્ય પ્રકારમાં ન આવતા જીવોને ‘ચર્ષણી’ જીવો કહેવામાં આવે છે, જે જુદા જુદા માર્ગોમાં ભટકતાં રહે છે. ક્યાંય ઠરીઠામ થતા નથી.

ઉપર જણાવેલ લક્ષણો, સામાન્ય રીતે, તે તે જીવોમાં જોવા મળે છે. કોઈક વખતે સંગ વગેરેને કારણે પ્રવાહીજીવોમાં મર્યાદા કે પુષ્ટિજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. આ જ પ્રમાણે ક્યારેક પુષ્ટિ કે મર્યાદા જીવોમાં પણ પ્રવાહીજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. સંગ વગેરેને કારણે એક–બીજામાં જોવા મળતા એક–બીજાના લક્ષણોને ‘આવેશ’ કહેવામાં આવે છે. પુષ્ટિજીવમાં કદાચ પ્રવાહી આવેશ આવી જાય તો તેટલા માત્રથી એનો મૂળ સ્વભાવ બદલાતો નથી. તે જ પ્રમાણે જો પ્રવાહીજીવમાં પણ પુષ્ટિ કે મર્યાદા આવેશ ક્યારેક આવી જાય તો તેટલા માત્રથી પ્રવાહીજીવ મર્યાદા કે પુષ્ટિ જીવ બની જતો નથી.

આમ ત્રણ પ્રકારના જીવોના સ્વભાવ–કૃતિ–ફળ વગેરેને નોખા નોખા જાણવાથી આપણા અનેક શંશયો નિવૃત થાય છે.


આ રીતે જીવનો વિચાર કરતાં આપણે આપણા આત્મસ્વરૂપને સમજ્યાં.


હવે પછી, જે જગતમાં આપણે જન્મ્યા છીએ, તેના સ્વરૂપનો વિચાર કરીશું.

– ગો. શરદ અનિરૂધ્ધલાલજી(માંડવી–હાલોલ)ના ‘પુષ્ટિપ્રવેશ–૧’ અને ગો.વા. રમેશભાઈ વિ. પરિખ લિખિત લેખમાંથી સંકલિત.

વિશેષવાંચન માટેના ગ્રંથો :


ષોડશગ્રથાંન્તર્ગત પુષ્ટિપ્રવાહમર્યાદા.


શ્રીગુસાંઈજીરચિત ભક્તિહંસ.

શ્રીલાલૂભટ્ટજીકૃત પ્રમેયરત્નાર્ણવમાંના નવ પૈકીનો જીવવિવેક.

સંકલન : સાભાર : વિજયભાઈ ધારીઆ -(શિકાગો)

Categories:

Leave a Reply