અમેરિકામાં ભંગાર મોટરોને રિપેર કરી શકાય છે, તો અમેરિકન દેશીને કેમ રિપેર ન કરી શકાય? એ માટે 'રંગલા'એ કરેલા પ્રયોગો...

પહેલી વખત હું અમેરિકા આવ્યો ત્યારે આ દેશ ઉપર હું આફરીન થઈ ગયો. અમેરિકામાં રસ્તે રસ્તે મોટા બોર્ડ અને મોટા અક્ષરે Free છાપામાં મોટા અક્ષરે Free, ટીવીમાં Free મને થયું ભાઈ ફાવી ગયા. આ દેશમાં બધું મફત છે, આપણે તો કંઈ કામ જ નહીં કરવું પડે.

ઈન્ડિયામાં મારે તમને કહેવું ના જોઈએ પણ એ જમાનામાં હું રંગમંડળમાં કામ કરતો હતો અને એ લોકોએ મને મહિને સો રૂપિયાનો પગાર આપવાનું નક્કી કર્યું હતું. મહિનો પૂરો થયો, પગારની માગણી કરી તો મને કહે એ પૈસા તો તમારે ઊભા કરવાના. એમાંથી તમારો પગાર લઈ લેવાનો અને બાકીના પૈસા મંડળને આપી દેવાના, પછી મેં નક્કી કર્યું કે આ દેશમાં મારું નહીં ચાલે. ઉપડી ગયો અમેરિકા.

અમેરિકા જુઓ! મફત મફત. ધાર્યા કરતાં સમય જલદી પસાર થઈ ગયો. કેટલી મહેનત કરીને અહીં આવ્યો અને સાહેબ! સમયની વાત જ જુદી છે. એક જમાનો હતો ગ્રીનકાર્ડવાળો. દેશમાં આવતો ત્યારે ચારેબાજુથી કન્યાઓ વરમાળા પહેરાવતા હુંસાતુંસી કરતી હતી અને આજે કન્યાઓને ખબર પડે છે કે છાપામાં જાહેર ખબર આપેલો ગ્રીનકાર્ડવાળો વરરાજાને જોઈને જાણે કોઈ બાઘડો આવ્યો હોય તેમ બધા નાસભાગ કરે છે. હવે મને ખાતરી થઈ ગઈ છે સમય જ બડો વિલન છે. અરે! દેશમાં જ મફતલાલ ધનિકમાં ધનિક હતા એ ગરીબ થઈ ગયા અને અમેરિકામાં જે મફત-મફત Free-Free તે ફ્રી શંકરો સિત્તેર બિલિયનનું દેવું કરીને બેસી ગયેલા દર્દીને ઊભો કરવા મથી રહ્યાં છે.

અમેરિકામાં જે કોઈ આવે તેને બે પૈસા કમાઈ લેવાના માતાજી આવે છે. મને અને રંગલાને પણ ઘૂણવાની જોરદાર ઈચ્છા થઈ આવી. પરિણામે જે અનુભવ થયા તેની આ કથા તમારી સમક્ષ રજૂ કરી છે. બંધ બેસતી પાઘડી પહેરી ન લેતા અને કદાચ પાઘડી ફિટ થઈ જાય તો મારામારી કરવાને બદલે હસી કાઢજો. લાફિંગક્લબમાં જઈને દુંટી ઉપર આગળી ફેરવીને નહીં હસી કાઢવાનું પણ ભૂલચૂક લેવી દેવી એમ જાતને સમજાવીને જાત ઉપર હસી કાઢશો તો રિપેર થવાની શક્યતાઓ છે. અમેરિકામાં ગ્રાહકો વિનાના ધંધા ઘણા છે. એનું કારણ વિવિધ બેન્કની મદદ મળે છે. મને અને રંગલાને અનેક બેન્કે મદદ કરવાની ના પાડી. અમને થયું કે અમેરિકામાં ગ્રાહકો તરીકે દેશીઓનો ક્યાં ટોટો છે! આમ પહેલા તબક્કે ગ્રાહકોની ચિંતા તો મટી.

ધંધો કરવો તો એવો કરવો કે જેમાં ગ્રાહકોને એની જરૂરિયાત હોય. જેમ કે મોટરો છે એટલે મોટરોને અકસ્માત થવાનો જ અને અકસ્માત થવાનો એટલે રિપેર કરવાનારને ત્યાં ગરજે જવું જ પડે.

અમેરિકામાં દેશી જ્યારે દેશમાંથી આવે છે ત્યારે આદતોનો એક ડબ્બો અને મગજની પેટીમાં મિયાંફુસ્કી, શેખચલ્લી અને દલો તરવાડી લઈને આવે છે. રંગલાને મેં પૂછ્યું કે આ ધંધો તને કેવો લાગે છે? 'કયો ધંધો?' રહેવું છે અમેરિકામાં તો પછી મગજ બદલીને રહીએ તો કેમ?' રંગલો કહે, 'કોનું મગજ?' 'દેશીનું મગજ' રંગલાએ પૂછ્યું, 'તારે શું કામ બદલવું છે.' 'ધંધાની શક્યતાઓ છે. આ અમેરિકા છે અહીં કોઈ પણ સેવા એ ધંધો છે. આપણે મફત મફત એમ કહેવાનું પણ હકીકતમાં મફતની જાહેર ખબર નાખીને ગ્રાહક નામના મછલાને પકડવાના.' રંગલો કહે, 'એમાં દેશી નહીં ફસાય.' 'તો પછી દેશી શેમાં ફસાશે?' મેં પૂછ્યું. જ્ઞાતિમાં બૈરાઓનું મંડળ હોય અને એમાં પ્રમુખ થવાનું હોય અથવા તો આઝાદીનું સેલિબ્રેશન હોય અને થાળી જેવડો મોટો બિલ્લો લગાડી કોઈ નાના પ્રકારની એક્ટ્રેસ જોડે સરઘસમાં આઘળ ચાલવાનું હોય અને એ ફોટો છાપામાં ને સરઘસ ટીવીમાં આવવાનું હોય તો ખર્ચે બે પૈસા ખર્ચે. મેં રંગલાને કહ્યું, 'એમ વાત ન કર. આજે શરીર સુધારવા યોગાક્લાસમાં જાય, અંગ્રેજી ભાષા સુધારવા વર્કશોપને તો પૈસા આપવા જ પડે ને.'

રંગલો કહે, 'તું શું ગાંડા જેવી વાત કરે છે. એ તો ઘરની પાછળ નાનો વાડો હોય કે પાસે બગીચો હોય તો એમાં બે આંટા મારીને કહેશે ફરી આવ્યો. યોગની વાત કહે તો કહેશે ડાબા નાકના કાણાંમાંથી હવા લઈને જમણા નાકના કાણાંમાંથી હવા કાઢી નાખવાની. એના તે વળી પૈસા આપવાના હોય. અંગ્રેજી શીખવું હોય તો રેડિયો સાંભળી લેવાનો એમાં વર્કશોપની શું જરૂર છે? પૈસા એમ કંઈ મફતમાં પડ્યા છે?'

રંગલાને મેં દબડાવ્યો, 'તું એમ ગાંડા જેવી વાત ન કર. દેશી પરદેશની ટુરમાં નથી જતો?' રંગલો કહે, ' જાય છે પણ પરદેશમાં નહીં દેશમાં એના ઘરે જઈ જુદા-જુદા ઘેર આમંત્રણથી ભોજન કરતો-કરતો પોતાની કમાલ અને અમેરિકાની ધમાલની વાતો કરીને પાછો ઠેરનો ઠેર થઈ જાય છે.'

'હું નથી માનતો રંગલો, મેં તો હવે દેશપરદેશની ટુરમાં જતો જોયો છે. અરે! ચીન જેવા દેશમાં જાય છે.'

રંગલો કહે, પાંચ સાત કુટુંબો ભેગા થઈને ખાખરા, છુંદો ભજિયાંને મમરા લઈને ચીનમાં જાય છે. ચીનની દીવાલ ઉપર ફોટો પડાવીને પાછા આવે છે. ફોટોનું આલબમ એના ટેબલ ઉપર રાખે છે અને બધાને ચીનમાં લોકો કેવા વિચિત્ર છે એની વાતો કરે છે.' 'દેશી આ દેશમાં બે પૈસા કમાય છે ને બે પૈસા ખર્ચે છે. હું એને સમજાવીશ કે જો ભાઈ હવે તારા છોકરા મોટા થયા. એ બદલાઈ રહ્યાં છે ને તારે બદલાવું પડશે. હવે તું યુ ટર્ન લે.'

'હું એને સમજાવીશ કે આ અમેરિકા છે! તું અમેરિકામાં રહે છે અહીં કેવું-કેવું જાણવા માટે કેવા મોટા મ્યુઝિયમો છે. કેવા સરસ નાટકો ભજવાય છે. કેવી મોટી આર્ટ ગેલેરીઓ છે. અરે દુનિયાની કેવી-કેવી જાણવા જેવી ફિલ્મો આવે છે. શરૂઆતમાં વાર લાગશે પણ બદલાવા અને ખર્ચ કરવા તૈયાર થશે.' રંગલો કહે 'તું એમને મફત મ્યુઝિયમની ટિકિટ આપીશ તો પણ નહીં જાય. એમનું મ્યુઝિયમ એટલે નવરાત્રિના ગરબા. પુરુષોને મન મ્યુઝિયમ એટલે જુદા-જુદા બૈરાઓ અને બૈરાઓને મન મ્યુઝિયમ એટલે કોણે કઈ સાડી પહેરી છે અને કોણે કયા દાગીના પહેર્યા છે. તું નાટકોની વાત કરે છે? તારું કઈ ખસી ગયું છે?'

દેશમાંથી જે નાટકો આવે છે - જેવા કે 'બહાર આવ તને બાયડી બતાવું', 'તેમ લઈ ગયા ને અમે રહી ગયા', 'ચાલ ચંદુ પરણી જઈએ', 'બૈરી મારી પરમેશ્વર ને હું બૈરીનો દાસ' એ નાટકો જોવા જનારો તારો દેશી બ્રોડવેના નાટકો જોવા જશે? બોલિવૂડની ફિલ્મો જનારો છે. અમિતાભ બચ્ચન માંદો પડે તો એ માંદો પડી જાય છે. એ તારી ઈન્ટરનેશનલ ફિલ્મો ક્યારે જોવા જશે?'

ધંધા માટે રંગલો સહમત ન થયો. એને એરપોર્ટ ઉપર સિક્યુરિટીની નોકરી મળી ગઈ અને મને મોટલમાં નોકરી મળી ગઈ.

સમય અમારી નહીં એની ઘારેલી ઝડપથી વહી ગયો. અમેરિકાના શેખચલ્લીઓ માથે ઘીનો ઘાડવો લઈને નથી ફરતાં ઘીના ઘાડવામાં સમય લઈને ફરે છે અને પછી એ ફુટી જાય છે. એટલે સિનિયર સિટીઝન તરીકે ઓળખાય છે. મારો પણ એમાં નંબર લાગી ગયો. જનરેશન ગેપની વાતો અમે બધાં મિયાંફુસ્કી, શેખચલ્લી ને દલા તરવાડીની પરંપરામાં કરતાં હોઈએ છે. કોઈનો છોકરો કાળી કન્યા જોડે નાસી ગયો છે તો કોઈની છોકરી ધોળિયા જોડે જતી રહે છે.

લગભગ બધા કહે છે કે હવે તો ઈન્ડિયા જતા રહેવું છે ને કોઈ દેશી જતો નથી. એના બદલે મંદિરના ચોકમાં, બગીચામાં કે સિનિયર સેન્ટરમાં મહિનામાં એક બે વાર મફત ખાવા ભેગા થઈએ છીએ.

સમયને ગાળો દેતો ને બબડતો-બબડતો હું એકવાર સિનિયર સેન્ટરમાંથી બહાર નીકળ્યો ત્યાં સામો સમય ભટકાઈ પડ્યોય હું એને દબડાવું તે પહેલા મૂછો ઉપરથી લીંબુ કાઢીને મૂછો નીચી કરી નાખી અને કહે ભાઈ તું જીત્યો ને હું હાર્યો. લે ઈનામમાં આ લીંબુ લઈ જા. શરબત કરીને પી જે.

('ઉત્સવ'માં પ્રસિધ્ધ થયેલો આર્ટિકલ)

Categories:

Leave a Reply