તારીખ હતી ૨૬ જુલાઈ ૨૦૦૮, ગુજરાતની મુખ્ય હોસ્પિટલ સિવિલની આજે મુલાકાત લેવી તેવો વિચાર કર્યો, કારણ પણ હતુ ' હજુ સાંજ ના ૬ થયા છે, ભાઈ ઘેર આવ્યો પણ નહી હોય અત્યાર થી ઘેર જઈ શુ કામ ?'. મુખ્ય દ્વાર પર પ્રવેશતા જ બોર્ડ વાંચ્યું, ડાબી બાજુ બી.જે.મેડિકલ કૉલેજ, જમણી બાજુ કેંન્શર વર્ડ ને સીધા 'ટ્રોમા સેન્ટર'. સીધા રસ્તા પર હું પગ માંડવા જ જતો હતો ત્યાં ફોન રણક્યો...,

“હાં..રાજુભાઈ”,

“ક્યાં છુ.?”,

“સિવિલ”,

“મેઘાણીનગરની ડાયરેક્ટ બસ સિવાય બેસવાની ના કહી છે ને તને..”,

“......", હંમેશની જેમ મારો જવાબ હતો, ચુપકી.

“ત્યાં જ રહે હું આવું છુ”.

મેઘાણીનગરની બસ સિવાય બેસવાની ના કહી છે, સમજી શકાય પણ ત્યાં જ રહે હું આવું છુ કદાચ નહી….પેહલા મારે બસ સ્ટોપ પર પહોચવુ જોઈએ, રાજુભાઈ આવી ચઢસે તો મારી ધુળ કાઢી નાખશે, વિચારી હું પાછો વળ્યો. જેવો મેં સિવિલ નો મુખ્ય દ્વાર છોડ્યો ૧૦૮ પુર વેગે અંદર પ્રવેશી. સિવિલ માટે આ કાંઇ નવું ન હતું ..., મેં અણદેખ્યું કર્યુ પરંતુ ૧૦૮ની પાછળની બારીમાંનુ દ્રશ્ય અવગણી શકાય તેવુ ન હતુ. પાછળની સીટ પર બેસી રૂદન કરતી સ્ત્રી જાણીતી હતી પણ એથી વધુ જાણીતી સ્ટ્રેચર પર સુતેલી બાળકી હતી.ચહેરો તો હું જોઈ ન શક્યો પણ જે દેખાયુ તે તેણીની ઓળખ કરવા માટે પુરતુ હતુ, લાલ થીગડા વાળુ ફ્રોક, સ્ટ્રેચર પાસે લટકતી માંથામાં નાખવાની લાલ રિબીન, પગમાં કાળા કપડાના પગરખા અને બાંધેલી સોનીરી ઝાંઝર, મનમાંથી ઉદ્ગાર નિકળ્યો

“જીનુ.....”સમય હતો ૨૦૦૮-૦૯. દુનિયા આખી મંદીનો માર જેલી રહી હતી. કોલેજોના કારખાનામાથી નવા નવા બહાર પડતા ઈજનેરો અને મેનેજરોને શુ કરવુ તે પણ સમજાતુ ન હતું. હું પણ આમાંથી પર ન હતો. જ્યાં રાજ્યની મુખ્ય ઇજનેરી કૉલેજ એલ.ડી મા વર્ષે ૧૦૦એક કંપની પ્લેસમેન્ટ કરતી ત્યાં આ વખતે ચકલું પણ ફરકતુ ન હતું, તો બીજી સરકારી કૉલેજની વાત જ શી કરવી.ઘર પરિવારની અપેક્ષા એ વળી વિદ્યાર્થીની મૂંઝવણમાં વધારો કરેલો. મેં જાણે કે છટક બારી શોધી લીધેલી, ‘હું આગળ ભણવા માંગું છુ..’

મિત્રોની સલાહ થી અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ આગળ આવેલ પી.ટી એજ્યુકેશનમાં કલાસ માટે વાત પણ થઈ ગઈ. શનિવારે સાંજે પાટણથી લોકલ ટ્રેનમાં અમદાવાદ આવતો અને રવીવારે ક્લાસ ભરી સાંજે ફરી નીકળી જતો, દરમ્યાન શનિ-રવી હું મેઘાણીનગરમાં ભાઈના ઘેર ગાળતો.

જિન્સ ટી-શર્ટ, આંખો પર ગોગલ્સ, હાથ પર ટટ્ટુ ચિત્રાવેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ની વચ્ચે સફેદ ફોર્મલ શર્ટમાં ક્લાસના પ્રથમ દિવસે હું ઘણો સંકોચ અનુભવી રહ્યો હતો

“હાય... વિકી”,

“હાય..જેની, ઓ માય ગોડ યુ આર લુકીંગ સો બ્યુટીફૂલ ઇન ધીસ પિંન્ક ડ્રેસ....,”

હવે એ પિંન્ક ડ્રેસમાં જેની બહેનનાં ઢીંચણ પણ ન હતા ઢંકાતા, આ બધુ મારા માટે ખરેખર ઘણુ નવુ અને નવાઈ પમાડે તેવુ હતુ. આખરે મારી આતુરતાનો અંત આવ્યો ક્લાસ ખતમ..., ઉતાવળે પગલે બહાર નિકળી ધીમા ડગલે ઇન્કમટૅક્સ ચાર રસ્તા ઓળંગી પોસ્ટ ઓફીસ પાસે આવેલા મેઘાનીનગર માટેનાં એ.એમ.ટી.એસ સ્ટોપ પાસે પહોંચ્યો.મારી હાલત મારા ઘાયલ મજનૂ પરના કાવ્યોમાં વર્ણવેલ મજનૂની હાલત કરતા જરા પણ અલગ ન હતી મને પણ દુરથી ડુંગર રળીયામણા લાગ્યા પણ નજીક આવતા જ...., એટલામાં

“મેહુલમામા..."બાકડા પર બેઠા-બેઠા મે અવાજ સાંભળ્યો.પાછળ ફરીને જોયું તો છએક વર્ષની બાળા ૧૦ મંઝીલા ઇમારતના ચોગાન માથી પુકારી રહી હતી.મેં રસ્તાની ચારે તરફ નજર દોડાવી પણ તેના મેહુલમામા ન દીઠા.એટલામા એ ફરી બોલી..,

“મેહુલમામા..”,

“હું..? ”,

“તમે જ હોય ને વળી.." હું વિચારમાં પડી ગયો, 'કોઇ જાણીતી તો નથી...?,અહી કોણ જાણીતુ હોય..' સામેથી વિચારોને ભંગ કરતી ૫૦ નંબર ની બસ આવતી દેખાણી. બસની બારીમાંથી મેં ફરી બહાર નજર દોડાવી તો બાળકની સપ્રેમ મારા પર ઠારેલી નજર જાણે કે સવાલ કરી રહી હતી,'કેમ જાવ છો..?' ત્યાં એક કર્કશ અવાજે મારા વિચારો ને રોક લગાવી,

“ટીકટ”

એક જ ભુલનુ પુનરાવર્તન થોડુ થાય.આ શનિવારે હું પણ બાકીની જેમ જીન્શ-શર્ટમા પહોંચ્યો. ક્લાસ ખતમ થયા બાદ નવા મિત્રોનો પરિચય કરવામા ઘણો સમય લીધો, અંતે ઘડિયાળનો કાંટો ૨ ની નજીક આવતા ઉતાવળા પગે એ.એમ્.ટી.ઍસ સ્ટોપ પર પહોચ્યો. આ વખતે પણ એક અવાજ સંભળાયો..,

“મેહુલમામા...”,

હું ચોકિયો અવાજ જાણીતો હતો. મેં સફાળું ઉભા થઈ પાછળ જોયું, આશ્ચર્ય કોઇ ન હતું, 'શુ મારો ભ્રમ હતો..?'.થોડી વારમાં જ મને જવાબ મળ્યો, એક કોમળ હાથે મારો શર્ટ ખેંચ્યો,મેં પાછળ ફરી ને જોયું તો 'માસુમ ચહેરો, ફાટેલ લાલ થીગડા વાળુ ફ્રોક, માંથામાં લાલ રિબીન,પગમાં કાળા કપડાના પગરખા અને સોનીરી ઝાંઝર બાંધેલી બાળકી જે ઇમારતના ચોગાનમાંથી પુકારી રહી હતી તે મારી પાસે આવીને ઊભી હતી.

“જો બકા...,.આમ એકલા બહાર ન નીકળાય.”,

“પલ મું તો તમને મલવા આવી ચુ..” એણે બાળ સહજ કાલી ભાષામાં જવાબ આપ્યો.

'હુ તારા મેહુલમામા નથી' એમ કહીશ તો તે સમજશે કે કેમ કહેવું મુશ્કેલ હતું. હું કાઈ કહુ એ પેહલા તે બાજુમાં પાણીના પાઊચ વહેંચતા કાકા સાથે વાતો કરવા લાગી, મારા મનને થોડી નિરાત થઈ કે હાશ કોઈ જાણીતું છે. નિશ્ચીંત બની હુ બાકડા પર બેસી બસની રાહ જોવા લાગ્યો.પણ એટલામાં એ ફરી મારી પાસે આવી બેસી ગઈ ને હાથમાં પેન્શીલ- કાગળ પકડાવી બોલી…

“મોલ્લો દોલો..”

લગભગ ૪-૫ વખત પુછ્યા બાદ મને સમજાણુ કે તે મને મોર નુ ચિત્ર બનાવવા માટે કહી રહી હતી.ઘણા દિવસે હાથમાં કાગળ-પેન્શીલ આવ્યા જાણે કોઇ કવિને ઇર્શાદ કિધુ. મેં તેને ૨-૩ મોરના ચિત્ર બનાવી આપ્યા. ખુશ થઈ તે ચાલી ગઈ.., મને પણ સામેથી ૫૦ નંબર આવતી દેખાણી....પછી તો જાણે કે રુટીંગ જ બની ગયેલ, હુ શનિ-રવી અમદાવાદ આવતો, જીનુ ને મળતો ક્યારેક માછલી, ક્યારેક ઘોડો, તો ક્યારેક હાથી બનાવી આપતો, હું, કાકા ને જીનુ ૫૦ નંબર ન આવ ત્યાં સુધી વાતો કરતા. ફરી મળશુ કહી હું પછી ચાલ્યો જતો. કાકા પાસેથી મને જાણવા મળ્યુ કે તેના મમ્મી પાછળની બિલ્ડિંગમાં સફાઈ કામ કરે છે. નામ મેં જીનુ ને ઘણી વખત પુછ્યુ જવાબ પણ હર વખત મળ્યો પણ અફસોસ હું સમજી ન શક્યો,કાકા એને જીનુ કહી બોલાવતાં એટલે મેં પણ જીનુ જ રાખ્યું. કાકા પણ મને જીનુના મેહુલમામા જ સમજતા ને મેં પણ ક્યારેય ફોડ ન પાડ્યો.“પ્રણવ...”

એક અવાજે સિવિલ બહાર જોયેલા લાંબા સપનામાંથી મને બહાર ખેંચ્યો.

“આવ્યો..ભાઈ.”,

“શેના વિચારમાં હતો..?,ચલ બેસ જલ્દી.”,

“હું આવી જાત ભાઈ..તમે કેમ તકલીફ.." હું વાત પુરી કરું એ પેહલા એક જોરદાર ધમાકાના અવાજે કાનના તમરાં ઉડાવી દીધા.ચારે બાજુ અફરા તફરી ફેલાઈ ગઈ,કોઈ કહે અકસ્માત થયો છે તો કોઈ વળી ગેસ સિલિંડર ફાટ્યુંછે. હર કોઈ સિવિલ થી દુર્ ભાગવા લાગ્યા. ભાઈ સમજી ગયો, કદાચ એટલે જ એણે પવન વેગે બાઈક મેઘાણીનગર તરફ દોડાવી.

“શું થઈ રહ્યું છે ભાઈ..?”, બિલકુલ અજાણ મેં અધીરાઈથી પુછ્યુ.

“બૉમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ લાગે છે.”,

“શુ..વાત કરો છો.?”,

“હાં.. હું હમણાં જ સમાચાર મા જોઈને આવ્યો, અમદાવાદ આતંકવાદીઓના સકંજામાં છે, અલગ અલગ જગ્યાએ બૉમ્બ પ્લાંટ કરાયા છે, મણીપુર, હાટકેશ્વર, નારોલ, બસ નંબર ૧૫૧ સંગમ થીયેટર, કાલુપુર રેલ્વે સ્ટેશન પર તો બ્લાસ્ટના ખબર મળ્યા છે.”

ભાઈના કહેવાતા દરેક શબ્દ સાથે મારા હ્રદયના ધબકારા વધી રહ્યા હતા.. બસ ૧૫૧ સંગમ થીયેટર સાંભળી મારી રુહ તાળવે બંધાણી,'આતો જીનુનો રોજનો રુટ હતો,કયાંક એમા બ્લાસ્ટ સમયે જ જીનુ...

લગભગ ૭૦ મિનિટ મા થયેલ ૨૧ બૉમ્બ બ્લાસ્ટમાં અંદાજે ૫૬ લોકો મ્રુત્યુ પામ્યા ને બીજા ૨૦૦ ઘાયલ થયા છતાં મારુ મન એકની જ ચિંતા કરી રહ્યું હતું. વિચારો એ પથારીમાં પડેલા અશાંત મસ્તીસ્કને ઘમરોળીને રાખી દિધુ. દરેક મિનિટ સાથે રાતની લંબાઈ વધી રહી હતી.પૂર્વ દિશામાં રાખેલી આંખો સુરજની રાહ જોઈ જોઈ થાકી.વારંવાર એક જ શબ્દ સંભળાતો, 'મેહુલમામા... મેહુલમામા..'. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનુ છે, આખરે સવાર થઈ.,

“ક્યાં..?”,

“ક્લાસ”,

“આજે ન જવાય, બંધનુ એલાન છે.”,

“પણ ભાઈ ફરજિયાત છે,પરિક્ષા છે આજે ન જાય તેના વાલી ને કમપ્લેન થશે”,

“હું વાત કરી લઈશ.”

ભાઈ એ જાણે કે પુર્ણવિરામ મૂકી દીધો,પણ ક્યાં સુધી એમને તો જોબ પર જવાનુ જ હતું. આ બાજુ એ ગયા ને બીજી બાજુ ભાભીને મનાવી હું નિકળી પડ્યો.

અકળામણના નિરાકરણ માંટે સૌ પ્રથમ હું સિવિલ પહોં્ચ્યો. લોહીથી ખદબદતા દેહો અને ચારે બાજુ હૈયા ફાટ હ્રદન વચ્ચે મેં જીનુને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી, અંતે મે ફરી હંમેશની જગ્યાએ જ જવાનુ વિચાર્યું. અમદાવાદ નો અટલો ભેંકાર ચહેરો આ પેહલા ક્યારેય જોયો ન હતો. રસ્તા પર સન્નાટો છવાયેલો હતો.ચારે બાજુ પૂલીસ કર્મચારીઓ એ શોધખોળ આદરી હતી..નજીક આવતા જતા ઇન્કમટૅક્સ સાથે ધબકારા વધી રહ્યા હતા.ઇન્કમટૅક્સ પહોંચી ચારે બાજુ નજર દોડાવી પણ કોઈ દેખાતું ન હતું, 'કાકા પણ આજે જ નથી' મનમાંથી ઉદ્ગાર નીકળ્યા. મેં પાસેની બિલ્ડિંગમાં જઈ પુછ-તાછ કરી પણ અફરા તફરીના આ માહોલમા લોકો પોતાના પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા તો પારકાની તો વાત જ શી કરવી. અંતે થાકી મનનાં એક વિચાર 'હજી તો ૯ વાગ્યા છે અત્યાર માં ક્યાં જીનુ આવે છે..' મેં ક્લાસ તરફ પગ ઉપાડયા. ખરું કહુ તો બસ ૨ વગાડવા હતા. જેમ તેમ કરી ૨ પણ વાગ્યા, 'હજી કોઈ નહી' મેં નિઃશાસો નાખ્યો.પસાર થતા સમયની સાથે ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. શોધ ખોળના લગભગ પ્રયત્ન વ્યર્થ જઈ રહ્યા હતા અંતે હારી હતાશ હ્રદયે હું બાકડા પર બેસ્યો. ૨ વાગ્યાની, ૩ની, ૪.૩૦ ની, ૬.૩૦ ની એમ એક એક ૫૦ નંબર જઈ રહી હતી પણ બસ તરફ આગળ વધવા પગ તૈયાર ન હતા.આંખો એ તો ક્યારની હાર માની લીધી પણ મન માનવા તૈયાર ન હતુ..બસ એક જ શબ્દનાં પડઘા વળી વળી કાને અથડાતા હતા મેહુલમામા..મેહુલમામા..લગભગ ૬.૪૫ વાગ્યે રસ્તા પર ખેદ હ્રદયે નજરો ઢાળી સુનમુન બેઠેલા મને ડાબી બાજુથી આવતી એક યુવતી નો જાણીતો અવાજ સંભળાયો.., જોયું તો આશાની કિરણ, જીનુના મમ્મી લગભગ-લગભગ મારા જેવા દેખતા યુવાન સાથ ચાલીને આવી રહ્યા હતા. હું સફાળો બાકડા ઉપરથી ઉભો થઈ ગયો., એટલામાં મારા આશ્ચર્ય વચ્ચે…,“બેટા..એ બાજુ નહી..”,જીનુના મમ્મીના મોઢે આ શબ્દો સાંભળ્યા. 'સામે આવતા જીનુના મમ્મી, તો મારી પાછળ ઊભેલ કોઈને બેટા કહી સંબોધિ રહ્યા છે તે....?', મારા રોમ રોમમાં પ્રશન્નતા પ્રસરી ગઈ. સુખદ પળ તૂટે નહી એવી અપેક્ષા સાથે ભીની આંખે હું ધીરેથી પાછળ ફર્યો, બાજુમાં આવેલા મહાદેવના મંદિરમાં 'હર હર મહાદેવ...' ના નાદ સાથે નગારા વાગ્યા.ચારે દિશામાં જાણે હર્સ ઉલ્લાસ વ્યાપી ગયો. 'મારે નથી લોહીની સગાઈ જાણી..,રુહ કાં તુ તાળવે બંધાણી... ?', પ્રશ્નનો જવાબ એ સમયે મારી પાસે ન હતો ને આજ પણ નથી.

“મેહુલ જોતો જિનલ રોડ પર ન ઘસી જાય,વાહનો આવે છે .”,

જેના માટે મારુ મન વ્યાકુળ હતુ તેનુ સાચુ નામ હવે જાણ્યુ...પણ અચરજની વાતતો એ હતી કે હું મારુ સાચુ નામ ભુલી ગયો..., જાણે કે મારી ઓળખ ભુલ્યો. કહેલ શબ્દનાં પ્રત્યુત્તરમાં જીનુને રોકવા પગ માંડવા જતો જ હતો ત્યાં જીનુની મમ્મી સાથે ચાલતો યુવાન આગળ આવ્યો ને જીનુને તેડી મારાથી વિરુધ્ધ દિશામા ચાલતો થયો. યુવાનના ખભ્ભા પર માથુ ઢાળી ને મારા પર નજરો ઠારી જીનુ એકીટસે મારા સામુ જોઈ રહી.એની સવાલ ભરેલ નજરો , મારી સપ્રેમ આંખોને જાણેકે પુછી રહી હતી...'મારા મેહુલમામા તો આ રહ્યા તમે કોણ છો..?' સામેથી ૫૦ નંબર આવતી દેખાણી, હું બસના દરવાજા પર ઊભો રહીને અને જીનુ એના મામાના ખભ્ભા પરથી જાણે કે એક બીજાને દુર જતા જોઈ રહ્યા.બસ માં લાગેલા રેડિયો માં લતાજીના કંઠમાં ગીત ચારે દિશામાં ગૂંજી ઊઠ્યું...,

“હમકો મીલી હેં આજ યે ઘડિયા નસીબસે, જી ભરકે દેખ લીજીયે હમકો કરીબ સે,
ફિર આપકે નસીબમે યે બાત હો ના હો,શાયદ ફિર ઇસ જનમમે મુલાકાત હો નાહો.” 

 -Pranav Trivedi

Categories:

Leave a Reply