અમારી ઉપરના ફલેટમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું. નીરાબહેન, એમના પતિ સંજીવભાઈ તથા એમની આઠ વર્ષની દીકરી સાક્ષી. ઓળખાણ વધારવા અને પરિચય કેળવવા એમણે અમને (મારી બહેન અનુરાધા તથા મને) એક રવિવારની સાંજે ચા-નાસ્તાનું આમંત્રણ આપ્યું, જે અમે સ્વીકાર્યું.

અમારી શુભેચ્છાઓ અને મંગલકામનાઓ વ્યકત કરવા અમે એક વાઝમાં ગુલાબનાં સુંદર લાલ ફૂલો, અગરબત્તીનાં પેકેટ તથા અનુરાધાએ બનાવેલ સુંદર ગ્રીટિંગ કાર્ડ લઈને નિર્ધારિત સમયે પહોંચી ગયાં. મેં અમારો પરિચય આપ્યો અને કહ્યું કે અનુરાધા કુશળ કલાકાર છે અને અહીંની એક શાળામાં ચિત્રકળાની શિક્ષિકા છે. સંજીવભાઈ પોતે આર્કિટેક્ટ એટલે એમની આર્ટની દષ્ટિ અત્યંત કેળવાયેલી. એમને અનુરાધાનું કાર્ડ અત્યંત ગમ્યું અને સાચા હૃદયથી એનાં વખાણ કર્યાં.

થોડી વાર પછી નીરાબહેને અમને ડાઈનિંગ ટેબલ પર આવવા કહ્યું. અમે હજી માંડ ગોઠવાયાં હતાં ત્યાં તો એમની ડોરબેલ વાગી. સાક્ષી ચપળતાથી ઊઠી અને ‘શંકરભાઈ આવ્યા, શંકરભાઈ આવ્યા…’ કહેતી બારણું ખોલવા દોડી ગઈ. અમે જોયું કે 21-22 વર્ષનો શ્યામવર્ણો પણ અત્યંત સ્માર્ટ યુવાન ઘરમાં દાખલ થયો. અમને જોઈને એણે તરત જ નમસ્તે કહીને અમારું અભિવાદન કર્યું. નીરાબહેને એને અમારી ઓળખાણ આપી અને અમને કહ્યું : ‘આ શંકર છે, મારા દીકરા સમાન.’ પછી એમણે શંકરને ઉદ્દેશીને કહ્યું : ‘તું ઠીક સમય પર આવ્યો છે, ચાલ બેસ અમારી સાથે ચા-નાસ્તો કરવા.’
‘થેંક્સ અમ્મા, પણ મારે જલદી જવું છે. નીચે ઓટોરિક્ષા ઊભી રખાવીને આવ્યો છું. તમને તો ખબર છે કે આવતી કાલે મારો ઈન્ટરવ્યૂ છે એટલે જતાં પહેલાં તમારા તથા સાહેબના આશીર્વાદ લેવા આવ્યો છું. મારી ‘લિટલ મધર’ ના ‘બેસ્ટ ઑફ લક’ હૈયામાં ધારણ કરવા આવ્યો છું.’ અત્યંત નમ્રતાથી શંકરે કહ્યું. આ યુવાન તામિલ ભાષી હતો પણ હિન્દી એટલું સરસ બોલતો હતો કે જાણે એ જ એની માતૃભાષા ન હોય !
‘ચાલ ત્યારે, શુકનનું આ રસગુલ્લું મોઢામાં મૂકી દે.’ કહીને નીરાબહેને એક નાનકડી વાટકીમાં પ્રેમથી રસગુલ્લું એની સામે ધર્યું. શંકરે અત્યંત આદરપૂર્વક વાટકી માથે અડાડી અને નાનકડું રસગુલ્લું આખું ને આખું મોઢામાં મૂકી દીધું. ત્યાં તો સાક્ષી ફ્રિજમાંથી કિટકેટની ચોકલેટ લઈ આવી અને શુદ્ધ તામિલ ભાષામાં કહ્યું : ‘અણ્ણા, આ તમારી સાથે રાખો. આવતી કાલે ઈન્ટરવ્યૂ આપવા જતાં પહેલાં આ ખાઈને જજો, ‘બેસ્ટ ઑફ લક’ સાથે.’ સાક્ષીએ ઉત્સાહપૂર્વક શંકરના હાથમાં પેકેટ મૂક્યું.
‘યસ માય લિટલ મધર’, શંકરે પ્રેમથી કહ્યું અને એના માથે ચુંબન કર્યું. શંકર બારણા તરફ વળ્યો ત્યાં તો સાક્ષી ફરીથી ટહુકી :
‘એક મિનિટ અણ્ણા, એક મિનિટ. જતાં પહેલાં પેલી પ્રેયર બોલતાં જાવ.’ ડાહ્યા છોકરાની જેમ શંકર પાછો ફર્યો અને બન્ને સોફા પર બેઠાં. શંકરે આંખો મીંચીને પ્રાર્થના બોલવા માંડી, ‘O Lord, thou art the light of my intelligence, the purity of my soul, the quiet strength of my vital, the endurance of my body, I rely on thee alone and want to be entirely thine. Make me surmount all the obstacles on the way.’ (હે પ્રભુ, તું મારી બુદ્ધિનો પ્રકાશ છે, મારા આત્માની પવિત્રતા છે, મારા પ્રાણિકતત્વનું શાંત બળ છે, મારા શરીરની સહનશક્તિ છે, મને ફક્ત તારો જ આધાર છે અને હું સર્વ રીતે તારો બનવા માગું છું. મારા માર્ગમાં આવતાં સર્વ વિઘ્નો મને પાર કરાવજે.)

અમે રમૂજથી આ ભાઈ-બહેનની ચેષ્ટાઓ જોઈ રહ્યાં. મને મનમાં થયું આટલી નાની ઉંમરમાંય આ બાળકીમાં ઈશ્વર પ્રત્યે કેવી દઢ શ્રદ્ધા છે. એની અંદર રહેતો ચૈત્ય પુરુષ (psychic being) કેટલો દ્યુતિમાન હશે. એટલે જ તો એક યુવકને આમ પ્રાર્થના કરવાનો આગ્રહ કરી શકે ! વળી તામિલ ભાષા પણ કેટલી સહજ રીતે બોલે છે. જાણે તામિલ કુટુંબમાં જન્મી ન હોય !

પ્રાર્થના પૂરી થઈ, ‘હવે હું જાઉં લિટલ મધર ?’ શંકરે જવાબી આજ્ઞા માગી. ‘હા જરૂર, બેસ્ટ ઑફ લક !’ સાક્ષીએ પ્રેમપૂર્વક શંકરને વળગીને કહ્યું અને બારણા સુધી વળાવી આવી. નીરાબહેન અને સંજીવભાઈ આ નાટક તટસ્થતાથી નિહાળી રહ્યાં હતાં. એમને આમાં કંઈ નવાઈ જેવું નહીં લાગ્યું હોય. સાક્ષી પાછી આવીને અમારી સાથે બેઠી એટલે મેં તેને પૂછ્યું : ‘આ પ્રાર્થના તને કોણે શીખવાડી બેટા ?’
‘અમારાં કલાસ ટીચર પ્રીતિબહેને’ એણે માનપૂર્વક પોતાના ટીચરનું નામ આપ્યું.
‘અરે વાહ, તારાં ટીચર તો બહુ સારાં છે ને ! આટલી સરસ પ્રાર્થના શીખવાડી છે તમને !’ મેં એના ટીચરને દાદ આપી.
સાક્ષી ખુશ થઈ, ગર્વભેર બોલી : ‘હા, અમારાં પ્રીતિબહેન બહુ સારાં છે. દર મહિને અમને એક નવી પ્રાર્થના શીખવાડે છે અને એનો અર્થ પણ સારી રીતે સમજાવે છે. મને તો આ પ્રાર્થના એટલી ગમે છે કે હું બધાયને આ પ્રાર્થના શીખવાડું છું. મમ્મી-પપ્પાને પણ શીખવાડી છે.’
‘તું અમને આ પ્રાર્થના લખી આપશે ?’ અનુરાધાએ એને વિનંતી કરી.
‘ચોક્કસ, હું તમને જરૂર લખી આપીશ, આન્ટી.’ અને એ ચપળતાથી દોડતીકને પોતાની રૂમમાં ચાલી ગઈ. નીરાબહેને હસીને અમને કહ્યું : ‘સાક્ષીને આ પ્રાર્થનાનું એટલું ઘેલું છે કે જેને ને તેને શિખવાડવા બેસી જાય છે. હવે તો એ તમારે માટે લખીને લાવશે ત્યારે જ જંપશે. ત્યાં સુધી આપણે નાસ્તાની શરૂઆત કરીએ.’

‘આ શંકર કોણ છે, નીરાબહેન ?’ અનુરાધાએ આગંતુક યુવક માટે કુતૂહલ દર્શાવ્યું.
‘એ અમારા દીકરા જેવો છે. અત્યંત પ્રેમાળ, વાચાળ અને કૃતજ્ઞતાથી ભરપૂર.’ અનુરાધાના પ્રશ્નનો જવાબ સંજીવભાઈએ આપ્યો, ‘તમે ચા-નાસ્તો પતાવો પછી નીરા તમને વિગતે એની વાત કરશે.’ એમણે ઉમેર્યું.

અમે નાસ્તાને ન્યાય આપ્યો, ચા પિવાતી ગઈ અને અલકમલકની વાતો થતી ગઈ. થોડી વારમાં સાક્ષી પણ સુંદર અક્ષરોમાં પ્રાર્થના લખીને લઈ આવી. બધું પતાવીને અમે પાછાં સોફા પર આવીને બેઠાં અને નીરાબહેનને શંકરની વાત કરવાનું યાદ દેવડાવ્યું. સાક્ષી અને સંજીવભાઈ પોતપોતાનાં કામ કરવા અંદરની રૂમમાં ચાલી ગયાં. નીરાબહેને શંકરની કહાણી શરૂ કરી.

‘અગિયાર વર્ષ પહેલાંની વાત છે. હું નવીસવી પરણીને પોંડિચેરી આવી હતી. સંજીવ તો આખો દિવસ કામ પર ચાલી જાય તે છે’ક રાતના સાત-આઠ વાગે આવે. એટલે સાંજના હું એકલી એકલી દરિયે ફરવા જતી. હજુ મારે કોઈની સાથે બહેનપણાં થયાં ન હતાં અને આમેય મને એકલા રહેવાનું, વાંચવાનું, સંગીત સાંભળવાનું બહુ જ ગમતું. હું બીચ પર ઝડપથી ચાલું જેથી પૂરતી કસરત થાય. થાકી જાઉં ત્યારે સમુદ્રકિનારાની પાળ પર બેસીને મોજાંઓની મસ્તીભરી રમત નિહાળું. એમ કરતાં કરતાં પોતાની જાતને ભૂલી જાઉં અને સમુદ્રના પાણી સાથે એકાકાર થઈ જાઉં અને હું સમુદ્ર હોઉં, હું જ મોજાં હોઉં એવું તાદાત્મ્ય અનુભવું. સમયનો ખ્યાલ પણ ન રહે. જાણે ઈટરનિટીમાં જીવતી હોઉં એવું ભાસે… હું ફરતી હોઉં ત્યારે એક મધુરો, સુરીલો અવાજ મને રોજ સાંભળવા મળે. ‘ફુગ્ગા લો, અમ્મા, રંગબેરંગી ફુગ્ગા. ફક્ત પાંચ રૂપિયામાં ચાર ફુગ્ગા…..’ દરિયાકિનારાની ઠંડી તાજી હવા, ખુલ્લું વિશાળ અસીમ આકાશ, સમુદ્રના ઊંડા જળ, ભૂરાં મસ્તીભર્યાં મોજાં અને આ સ્ત્રીનો સુરીલો ચિરપરિચિત અવાજ સમુદ્રતટનો જાણે એક ભાગ બની ગયાં હતાં, કોઈને પણ એકબીજાથી અલગ કરવાનું અશક્ય હતું. આ ફુગ્ગાવાળીને અણસાંભળ્યું કરવાની અથવા તો એની હાજરીની ઉપેક્ષા કરવાનું મારા માટે લગભગ અસંભવ હતું. આમ જોવા જઈએ તો બીચ પર બીજા કેટલાય ફેરિયાઓ હતા – કોઈ મગફળી વેચતા, તો કોઈ ચોકલેટ, બિસ્કિટ, કોઈ આઈસ્ક્રીમ, તો કોઈ રમકડાં, મને લાગતું કે જાણે છોકરાઓના માધ્યમ દ્વારા આ ફેરિયાઓ મા-બાપનું દેવાળું કાઢવા બેઠા ન હોય ! પણ ન જાણે કેમ મારી આંખો આ ફુગ્ગાવાળીને જ શોધતી અને એના પર જ ટકી રહેતી.’

‘તમને એનામાં શું ખાસિયત લાગતી કે તમે આમ એને જ જોવા-સાંભળવા મથતાં ?’ એમની વાતમાં રસ પડતાં મેં પૂછ્યું.
નીરાબહેન : ‘આમ જોવા જઈએ તો એનામાં એવી કોઈ ખાસિયત નહોતી, સિવાય કે એનો મધુરો, સુરીલો અવાજ. એ તદ્દન સાધારણ, દૂબળીપાતળી, ગરીબ સ્ત્રી હતી. જૂની પણ સ્વચ્છ સાડીમાં લપેટાયેલી, ખોળામાં નાના બાળકને બેસાડીને એના માટે બે ટંકનું ખાવાનું મેળવવાની મથામણ કરતી હતી. આવું દયનીય દશ્ય જોઈને મારું હૃદય ભરાઈ આવતું અને એના પ્રત્યે મારી અનુકંપા જાગી ઊઠતી. મને થતું મારી પાસે ઈશ્વરની કૃપાથી એણે આપેલું બધું છે – સારી આર્થિક સ્થિતિ, સારું સ્વાસ્થ્ય, પ્રેમાળ પતિ, અનેક શુભચિંતકો અને મારાં મા-બાપ, ભાઈબહેનો તરફથી મળતો અખૂટ પ્રેમ ! તોય કોઈ કોઈ વાર મારી ફરિયાદો ચાલુ જ રહેતી. માનવ સ્વભાવની વિચિત્રતા નહિ તો બીજું શું ? દાખલા તરીકે થોડા કલાક વીજળી ગુલ થઈ જાય તો અકળામણ થઈ આવે, મિજાજ બગડી જાય અને એ વખતે જો કમનસીબે કોઈ મારી સામે આવી ચડ્યું તો એનું આવી બનતું. નોકરબાઈ એક દિવસની રજા લે તો જાણે આભ તૂટી પડ્યું એવું લાગે. હવે હું શું કરીશ ? આખા ઘરનું કામ કેમ કરીને પહોંચી વળાશે ? માણસનો સ્વભાવ ખરેખર એક કોયડા જેવો છે. વૈજ્ઞાનિકોની બુદ્ધિથી આવિષ્કાર પામેલાં યંત્રોએ આપણને અનેક સુખસગવડો આપ્યાં છે, આપણી જિંદગીને જેમ જેમ સરળ અને આરામદાયક બનાવી છે તેમ તેમ આપણી સહનશીલતા ઘટતી જાય છે. આપણે ફક્ત આપણો પોતાનો જ વિચાર કરીએ છીએ, અને બીજાઓ પ્રત્યે નિષ્ઠુર અને અસહનશીલ થઈ જઈએ છીએ, ખાસ કરીને જે બિચારા ગરીબ હોય, અસહાય હોય અને ડગલે ને પગલે મુશ્કેલીઓ સામે ઝઝૂમતા હોય. અને દુનિયામાં આવા દીનદુખિયાંઓની સંખ્યા ઘણી વધારે છે. કદી કદી મને વિચાર આવતો કે ઈશ્વર નિર્મિત આ દુનિયામાં આટલી અસમાનતા શા માટે ? આટલો ભેદભાવ શા માટે ? આટલો અન્યાય શા માટે ? ક્યાંક માંદગી, ગરીબી, દુ:ખ અને કષ્ટ છે તો ક્યાંક ધનની રેલમછેલ, માન, અકરામ અને સુખ જ સુખ. મને ઘણી વાર પ્રશ્ન થતો કે જો આપણે બધાં એક જ ઈશ્વરનાં સંતાન છીએ તો આટલું બધું અંતર શા માટે ? શું ભગવાન બધાં બાળકોને એક સરખો પ્રેમ નથી કરતા ? એનો જવાબ પણ મને મારાં વાંચેલાં પુસ્તકોમાંથી મળી આવતો. હા, ભગવાન સૌને સરખો જ પ્રેમ કરે છે પણ દરેક વ્યક્તિ પોતાના પાછલા જન્મોનાં કર્મોનું ભાથું સાથે બાંધીને આવે છે અને દરેક આત્મા કોઈ એક ખાસ અનુભવ લેવા આ પૃથ્વી પર અલગ અલગ શરીર ધારણ કરે છે અને અનુભવ પૂરો થતાં શરીર છોડીને પરધામમાં સિધાવે છે.

આવું બધું વિચારતી વિચારતી હું પોતાના ચિંતન, મનનમાં લીન ચાલ્યા કરતી ત્યારે પેલો સુમધુર અવાજ મને પાછો વર્તમાનમાં ખેંચી લાવતો, ‘ફુગ્ગા લો, કોઈ ફુગ્ગા, રંગબેરંગી ફુગ્ગા. ફક્ત પાંચ રૂપિયામાં ચાર ફુગ્ગા !’ કોઈ આંતરિક શક્તિ મને એ સ્ત્રી તરફ ખેંચી જતી હતી અને મને એને મદદ કરવાનું મન થઈ આવતું. પણ હું શું કરું એને માટે ? કેવી રીતે એને મદદ કરું ? ખૂબ વિચાર કર્યા પછી એક દિવસ મેં એની સામે સો રૂપિયાની નોટ ધરી અને કહ્યું : ‘આ તું રાખી લે, તારા બાળકને સારો પૌષ્ટિક ખોરાક ખવડાવજે.’ પણ એ ગરીબ દેખાતી સ્ત્રી તો બહુ જ સ્વમાની નીકળી ! બોલી, ‘નહિ અમ્મા, હું ભીખ નહીં લઉં. તમે આ બધા ફુગ્ગા લઈ લો તો જ હું તમારા સો રૂપિયા લઈશ.’ મને થયું પાંચ રૂપિયે ચારના હિસાબે એંસી ફુગ્ગા લઈને હું શું કરીશ ? લઈને જઈશ તો લોકો મને જ ફુગ્ગા વેચવાવાળી સમજશે !

ખેર ! પણ મારે એને સાચે જ મદદ કરવી હતી અને ઈશ્વરે મને એની તક પણ આપી. પેલી સ્ત્રીએ ના પાડી એટલે મનમાં જરા ચરચરાટી તો થતી જ હતી કે આટલા પ્રેમથી આપતી હતી તોયે એણે એનો સ્વીકાર ન કર્યો. હું આગળ પોતાના પંથે ચાલતી હતી ત્યાં તો એક દસ-બાર વર્ષનો છોકરો હાથ ફેલાવીને ભીખ માગતો મારી સાથે ચાલવા માંડ્યો. આમેય મને ભીખમંગાઓ પ્રત્યે સખત નફરત હતી. પણ આ છોકરો તો જળોની જેમ ચોંટેલો જ રહ્યો. એને ન ગણકારતાં હું પાછી ફરી તોય એ મારી સાથે ને સાથે જ ચાલતો રહ્યો. મેં જોયું કે એ ભિખારી જેવો ગંદો ગોબરો ન હતો, કપડાં જરા જૂનાંપુરાણાં હતાં, કશે કશેથી ફાટેલાં અને થીંગડાંવાળાં હતાં પણ ધોયેલાં અને સ્વચ્છ હતાં. મેં એને પૂછ્યું : ‘કેમ રે, તું સ્કૂલે નથી જતો ? ભણવાનું મૂકીને ભીખ માગે છે ? શરમ નથી આવતી તને ?’
એણે જવાબ આપ્યો : ‘હા અમ્મા, ભણવા તો જતો હતો પણ હવે આગળ ભણવા માટેના પૈસા નથી. ગયા વર્ષે બાપા એક અકસ્માતમાં ગુજરી ગયા. બિચારી મા મને કેવી રીતે ભણાવી શકે ?’ પછી છાતી ઠોકીને કહે : ‘છઠ્ઠું ધોરણ પાસ છું અમ્મા, અને દર વર્ષે હું કલાસમાં ‘ફસ્ટ’ આવતો હતો. આગળ ભણવાના પૈસા હોત તો જરૂર હું ભણીને કંઈક બની શકત.’ સાંભળીને મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બિચારો, કમનસીબે બાલ્યકાળમાં જ એનાં સ્વપ્નાં તૂટી ગયાં. ગરીબી અને પાપી પેટે એને ભિખારી બનાવી રસ્તામાં ફેંકી દીધો. આમ વિચારીને હું મારી પર્સ ખોલતી જ હતી કે પેલો ખાસ સુરીલો અવાજ મારા કાને પડ્યો : ‘શંકર નાલાયક, પાછું તેં ભીખ માગવાનું શરૂ કર્યું ? કેટલી વાર તને કહ્યું છે કે મહેનત કરીને કમા, આમ ભીખ માગીને નહીં,’ અને મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે પેલી ફુગ્ગાવાળી એનો હાથ પકડીને એને ખેંચી રહી હતી. મેં છોકરાને પૂછ્યું :
‘શું આ જ તારી મા છે ?’
‘હા, જી. અને તેણે તેડ્યો છે તે મારો ત્રણ વર્ષનો નાનો ભાઈ વિષ્ણુ છે.’ છોકરાએ વધુ માહિતી પૂરી પાડી. મને થયું આપણી ભારતીય સ્ત્રીઓમાં દેવીદેવતાઓ પ્રત્યે કેટલી આસ્થા હોય છે ? અભણ અને ગરીબ હોવા છતાં પણ એમને ખબર હોય છે. ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ ગરીબોની ઝૂંપડીઓમાં પણ વસે છે. મેં એની માતાને – ફુગ્ગાવાળીને પૂછ્યું : ‘બહેન, તારું નામ શું છે ?’
‘મારું નામ ગંગા છે, અમ્મા.’ એણે આદરપૂર્વક જવાબ આપ્યો.

આ અરસામાં મારે ત્યાં કામવાળી બાઈ નહોતી. એ સુવાવડ કરવા ગઈ હતી અને લાંબા ગાળા સુધી એના આવવાની શક્યતા નહોતી એટલે મેં એને કહ્યું : ‘જો ગંગા, તારી આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે તું આ બે બાળકોને પૂરતું ખાવાનું પણ આપી શકતી નથી. જો તને વાંધો ન હોય તો સવારના બે-ત્રણ કલાક મારે ત્યાં કામ કર. હું તને પૂરતા પૈસા આપીશ જેથી તું બંને બાળકોને ભરપેટ ખવડાવી શકે. આ કંઈ ભીખ નથી. તું તારી મહેનતની કમાણી પર સ્વમાનથી જીવી શકશે.’
એ થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી બોલી : ‘સારું અમ્મા, મને તમારું સરનામું આપો. હું આવતી કાલે નવ વાગે તમારે ત્યાં હાજર થઈ જઈશ.’ મેં એને મારું સરનામું લખી આપ્યું અને સમજાવ્યું કે મારું ઘર કેવી રીતે શોધવું. મારા ઘરની બાજુમાં જ એક બેન્ક છે એટલે ઘર શોધવાની મુશ્કેલી નહિ પડે એવું પણ મેં એને કહ્યું.

ઘેર ગયા પછી મને વિચાર આવ્યો કે આ અજાણી સ્ત્રીને મેં કામે તો બોલાવી છે પણ કાલે ઊઠીને કંઈક આડુંઅવળું થયું તો ? જ્યારે સંજીવ રાતના ઘેર આવ્યા ત્યારે મેં એમને બધી વાત કરી અને આવતી કાલથી મેં ગંગા કામે આવશે એ પણ જણાવ્યું. સંજીવે પણ મારી જેમ જ શંકા વ્યક્ત કરી પણ મેં દલીલ કરી : ‘જે સ્ત્રી પોતાના બાળકને ભીખ માગતાં જોઈ રોકે એ કેટલી સ્વાભિમાની અને પ્રમાણિક હોવી જોઈએ ! વળી વિશ્વાસે તો આ સંસાર ચાલે છે. જો માણસને માણસમાં વિશ્વાસ ન હોત તો આ દુનિયા ક્યારની રસાતાળ પહોંચી ગઈ હોત.’ આમ તર્કવિતર્ક કરતાં અમે સૂઈ ગયાં.

બીજે દિવસે ઠીક નવના ટકોરે ગંગા હાજર થઈ ગઈ. સંજીવનો ઑફિસ જવાનો સમય સાડાનવનો એટલે મેં એને થોડી વાર બેસવા કહ્યું. સંજીવે પણ દૂબળીપાતળી સ્ત્રીને જોઈ. એમને પણ એ બાઈમાં કંઈક વિશેષ લાગ્યું. જતાં પહેલાં સંમતિ આપીને ગયા. મને બહુ જ સારું લાગ્યું. ગંગાને મેં ઘરનાં કામની સમજણ આપવા માંડી. એ જે કામ કરતી તે અત્યંત ચીવટથી કરતી. નાના દીકરા વિષ્ણુને શંકરને સોંપીને આવી હતી. બાર વાગે કામ પતી ગયું. મેં એને જમવાનું આપ્યું અને કહ્યું : ‘કે તારાં બંને બાળકોને સારી રીતે ખવડાવજે.’

બે-ચાર દિવસ થયા ને ગંગા મારા ઘરમાં સારી રીતે સેટલ થઈ ગઈ એટલે એક દિવસ મેં એને કહ્યું : ‘ગંગા, રવિવારે તારા દીકરા શંકરને લઈ આવજે. સાહેબ એને મળવા માગે છે.’ આ દરમિયાન મેં સંજીવને શંકરની વાત કરી હતી અને કહ્યું હતું કે એ બાળક બહુ બુદ્ધિશાળી છે. જો એને તક આપવામાં આવે તો એ જરૂર કંઈક બની શકશે…. રવિવારે ગંગા શંકરને લઈને આવી. શંકરે અત્યંત વિનયથી સંજીવને અને મને નમસ્તે કર્યા અને કોઈ પણ ક્ષોભ કે સંકોચ વિના અત્યંત સ્માર્ટલી પ્રશ્નોના ઉત્તર આપ્યા.
સંજીવે પૂછ્યું : ‘શંકર, તારે શું થવું છે ?’ અને પટ્ટ દઈને ઉત્તર મળ્યો : ‘મારે તો સાહેબ, કોમ્પ્યુટર એન્જિનિયર થવું છે.’
સંજીવ : ‘એમ, એને માટે તારે કયા ક્યા વિષયો ભણવા પડશે, તું જાણે છે ?’
શંકર : ‘હા સાહેબ, મારે સાયન્સના વિષયો તથા કોમ્પ્યુટરનો વિષય લેવો પડશે.’
સંજીવ : ‘પણ એ બધું ભણતર તો ખૂબ અઘરું છે, વળી કોમ્પિટિશન કેટલી છે ?’
શંકર : ‘સાહેબ, હું ઘણી જ મહેનત કરીશ. મારે તો ખૂબ ખૂબ ભણવું છે. કંઈક બનવું છે.’ શંકરની લગની અને હોંશ જોઈને સંજીવ બહુ જ રાજી થયા. કહ્યું : ‘તારું ગયા વર્ષની પરીક્ષાનું પરિણામ લઈ આવ, પછી હું નક્કી કરીશ કે તને કઈ સ્કૂલમાં ભણાવવો.’

શંકર અમારાથી બે ડગલાં આગળ હતો. એ તો પોતાની નોટબુકો અને છેલ્લાં બે-ત્રણ વર્ષની પરીક્ષાનાં પરિણામોની ફાઈલો લઈને જ આવ્યો હતો. આથી તો સંજીવ એની હોંશિયારી અને અગમચેતી પર વારી ગયા. એમને થયું કે આટલા નાના છોકરામાં કેટલી સમજ છે કે અગાઉથી જ પોતાની વસ્તુઓ લઈને આવ્યો હતો. એમણે એનાં રિઝલ્ટ્સ જોયાં. બધા જ વિષયોમાં 75 થી 80 ટકા ગુણ એણે મેળવ્યા હતા. એની પીઠ થાબડીને શાબાશી આપતાં સંજીવે કહ્યું : ‘બહુ જ સરસ શંકર. હવે તને આગળ ભણવામાં કોઈ રોકી નહીં શકે. હું આવતી કાલે જ બે-ત્રણ સ્કૂલોમાં તપાસ કરીશ અને તારા એડમિશનનું ફોર્મ લઈ આવીશ.’ સંજીવની ખાસિયત છે કે એ જો નક્કી કરે કે આ કામ કરવાનું છે તો તે કરીને જ જંપે. એમણે બીજે દિવસે ઑફિસમાં બેઠાં બેઠાં બે-ત્રણ સ્કૂલોને ફોન કર્યા અને જોઈતી માહિતી મેળવી લીધી. પછી ઑફિસના પ્યુનને મોકલીને ફોર્મ્સ મગાવી લીધાં અને મને ફોન પર કહ્યું કે મારે શંકરને રાતના ઘરે બોલાવવો. ગંગા હજુ પણ સાંજના બીચ પર ફુગ્ગા વેચવા જતી હતી એટલે મેં એને સંજીવનો સંદેશો આપ્યો અને રાતે આઠ વાગે શંકરને ઘેર મોકલવા કહ્યું.

ઠીક સમયે શંકર હાજર થઈ ગયો. સંજીવ પણ વાળુ પતાવીને એને માટે તૈયાર થઈને બેઠા હતા. બંનેએ મળીને એક સ્કૂલનું ફોર્મ ભર્યું. બીજે દિવસે સંજીવે એને સારાં કપડાં પહેરીને આવવા કહ્યું અને બંને સાથે જઈને સ્કૂલમાં ફોર્મ સબમિટ કરીને આવ્યા. બે દિવસ બાદ શંકરને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. એની મૅનર્સથી અને જવાબોથી પ્રિન્સિપાલ સાહેબ અત્યંત ખુશ થયા અને તરત જ એડમિશન આપી દીધું. પછી તો આજની ઘડી ને કાલનો દા’ડો. શંકરે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરવા માંડી. સ્કૂલમાં પ્રથમ આવતો હોઈ એને સ્કોલરશિપ પણ મળતી ગઈ એટલે એના ભણવાનો ખર્ચ અમારે ઝાઝો કરવો નહોતો પડતો.

શંકર જ્યારે આઠમા ધોરણમાં આવ્યો ત્યારે સાક્ષીનો જન્મ થયો. ગંગાએ આ સમયે મને બહુ જ મદદ કરી. સાક્ષીને જોઈને તો શંકર ગાંડો ગાંડો થઈ જતો. એ જરા મોટી થઈ અને ઓળખતી થઈ ત્યારે શંકર જાતજાતના ચાળા કરતો, એની સાથે રમતો, હસાવતો અને એનું અત્યંત ધ્યાન રાખતો. સ્કૂલના સમય બાદ એ અમારે ત્યાં જ પડ્યોપાથર્યો રહેતો. મને પણ સારું લાગતું. ઘરનો જ એક ‘બેબી સિટર’ મળી ગયો. શંકર સાક્ષી સાથે તામિલ ભાષામાં જ વાત કરતો. એને વાર્તાઓ કહેતો, તામિલ જોડકણાં શિખવાડતો અને જાતજાતના જૉક્સ કહીને હસાવતો. સાક્ષીને પણ એની એટલી ટેવ પડી ગઈ હતી કે એના વગર એને જરાય ચાલે નહીં. સાક્ષી કે.જીમાં જતી થઈ તે પહેલાં એને તામિલ એટલું સરસ આવડતું હતું કે જાણે એ એની માતૃભાષા ન હોય ! સંજીવ અને હું શંકર સાથે હિન્દીમાં વાત કરતાં જેથી એને પણ આપણી રાષ્ટ્રભાષા શીખવાનો લાભ મળે. મેં હિન્દીમાં બી.એ. ઓનર્સ કર્યું હતું એટલે રજાના દિવસોમાં હું એને હિન્દી લખતાં-વાંચતાં પણ શીખવતી. આ ભાષામાં પણ શંકરે સારી એવી પ્રગતિ કરી અને તમે જોયુંને કે એ કેટલું સરસ હિન્દી બોલતો હતો. એટલે અમારા ઘરમાં હિન્દી અને તામિલ ભાષા સાથે સાથે પાંગરી. શંકરે ભણીગણીને અગિયાર વર્ષમાં પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી લીધી અને કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો. કાલે એ નવી જિંદગીમાં પ્રવેશ કરશે. મને ખાતરી છે કે એ ઈન્ટરવ્યૂમાં સારું જ કરશે અને સિલેક્ટ થઈ જશે.’

નીરાબહેને દિલચસ્પ કહાણી પૂરી કરી. અનુરાધાને શંકરની વાતમાં બહુ જ રસ પડ્યો. એણે નીરાબહેનને દાદ આપી. ‘વાહ, નીરાબહેન, તમે તો કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢ્યો. કહેવું પડે ! પણ એના નાના ભાઈ વિષ્ણુનું શું થયું ?’
‘વિષ્ણુ આમ તો બહુ ડાહ્યો છોકરો છે પણ ભણવામાં શંકર જેટલો હોંશિયાર નહીં. વળી સ્વભાવે પણ જરા અતડો એટલે કોઈની સાથે બહુ મળે – મૂકે નહીં. એને સાક્ષીનું પણ ખાસ આકર્ષણ ન થયું પણ એનેય અમે ભણાવીએ છીએ અને દર વર્ષે પાસ થતો આવે છે. આ વર્ષે એની બારમા ધોરણની બોર્ડની પરીક્ષા છે. પછી જોઈએ એને શું કરવું છે.’ નીરાબહેને માહિતી આપી. એમના મુખ પર એટલો આનંદ અને સંતોષ છવાઈ ગયા હતા જાણે એમના પોતાના દીકરાએ જ કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી ન હોય ! વાતો વાતોમાં સારું એવું મોડું થઈ ગયું હતું. અમે એમની અને સંજીવભાઈની રજા લીધી અને પાછા પોતાના ફલેટમાં આવ્યાં.

અમારા મનમાં એક જ વિચારો ઘોળાયા કરતા હતા. આવી જાતનાં અગણિત વંચિત બાળકો છે જેમને જરાક જેટલી મદદ મળી જાય, કોઈનો ટેકો લાધી જાય તો બિચારાઓનું જીવન સુધરી જાય. દરેક કુટુંબ અથવા વ્યક્તિ જેની પાસે ઈશ્વરે આપેલું અઢળક ધન છે અને અઢળક ન હોય તોય જો નીરાબહેન અને સંજીવભાઈની જેમ કોઈને જોઈતી સહાય આપે તો આવાં બાળકો ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પરિવર્તન લાવી શકે. એક નવી પેઢીની સેના તૈયાર થઈ શકે જે હથિયારો વડે નહીં પણ શિક્ષણથી સજ્જ હોય અને આગેકૂચ કરતી રણમેદાનમાં નહીં પણ જ્યોતિર્મય ભવિષ્ય તરફ આગળ વધી શકે. એક દિવસ જરૂર એવો આવશે કે આ સંસારમાં કોઈ અભણ નહીં હોય, કોઈ વંચિત નહીં હોય ! 
 

– જયશ્રી.......સત્ય ઘટના 

Categories:

Leave a Reply