મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી, એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ. 

ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ. વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય. અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા. સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ. ડાયરામાં હું કાયમ કહું કે: 

“ભડકે ઇ ભેંસ નહીં 

બેહે ઇ ઘોડો નહીં 

ગાંગરે નહીં ઇ ગાય નહીં 

જાગે નહીં ઇ કૂતરો નહીં 

હસે નહીં ઇ માણા નહીં, ને 

ગાંઠિયા ન ખાય ઇ ગુજરાતી નહીં.” 

મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ. 

અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે. વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’ અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે, “અમારી બીજી કોઈ શાખા નથી.” 

એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો. ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે, “સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?” હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે. તું વિચાર અટાણે મને કોણે ધક્કો માર્યો હશે? ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે? 

મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલર મરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં. ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે, સાહેબ, તમે તો મારી દુખતી રગ ઉપર પગ મૂકી દીધો. હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું. મનેય શું મા0ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢયાનુ દાખલા છે. મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું. 

નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે, ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે ત્યાં સુધી ખવાતાં રહેશે. મારી તો કલ્પના છે કે, ઇ.સ. ૨૦૨૦માં ભારત સરકાર બસ્સો કરોડની ગાંઠિયાની યોજના વહેતી મૂકે તો નવાઈ નહીં. વિશ્વના તમામ દેશોમાં ગુજરાતના ગાંઠિયા એક્સપોર્ટ કરવા માટે કેબિનેટમાં ચટણીમંત્રી, મરચાંમંત્રી અને ગાંઠિયા વિકાસમંત્રીની નિમણૂક થશે. દરેક કંદોઈને લાલ ગોળાવાળી ગાડી અને લોટ બાંધતી વખતે ઝેડપ્લસ સુરક્ષા અર્પણ કરાશે. યાદ રાખજો ગાંઠિયાનો વિકાસ એ જ ભારતનો વિકાસ હશે. ગાંઠિયાવાદી પાર્ટીની જય હો. હું આપું ગામડાં બે-ચાર, દિલને મોજ આવે છે, કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી, ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.હું ફાઈવસ્ટાર હોટેલમાં જમું છું તે છતાં આજે, એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાંય આવે છે.ચણાનો લોટ, સોનાની કડાઈ સ્વર્ગમાં છે પણ ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?

Posted By : Shailesh Mehta on Gujarati

Categories:

Leave a Reply