ગઇ કાલ સુધી ઘટાદાર વૃક્ષનાં મૂળિયાં - આજે ખરતાં પાન !- હું તો શ્રીનાથજી જવા ટ્રાવેલ્સમાં પૈસા ભરવા નીકળ્યો હતો, પણ ઓફિસ બંધ હતી એટલે સીધો અહીં જ આવ્યો

સૂર્ય હજી હમણાં જ ઢળ્યો હતો. શહેરની મધ્યમાં સયાજી બાગની ઘાસની હરિયાળી લોનના એક છેડે બાંકડા ઉપર બેઠેલા ચાર-પાંચ સિનિયર સિટિઝન્સ ભૂતકાળ વાગોળી રહ્યા હતા. આજે મહેતા નથી આવ્યા? કોઇ બોલ્યું... કદાચ તબિયત ઠીક નહીં હોય...’’ રમણીકલાલે જવાબ આપ્યો. અને પછી ટેકણલાકડીઓ, કરચલી પડી ગયેલા હાથ અને સફેદ થઇ ગયેલી ભ્રમરોમાં જીવનની તડકી-છાંયડીઓ ઢબૂરીને બેઠેલાઓએ એમના સાથીદારનો વિષય છેડ્યો. મહેતા તરીકે ઓળખાતા એમના આ સાથી એટલે લાભશંકર હરશિંકર મહેતા. મહેતાનું વિશિષ્ટ પાસુ હતું- સમાચારો. છેલ્લામાં છેલ્લા સમાચારો એમની જીભ પરથી કૂદી પડવા સળવળતા જ હોય. મહેતાને સમાચારોનું વ્યસન હતું. 

આજે આ ચચાeમાં જાણે પ્રાણ જ નહોતા. ‘‘યાર.. મહેતા વગર મઝા નથી આવતી...’’ એવો સૂર એકે કર્યો ત્યાં તો બીજાએ કહ્યું... ‘‘નો ડાઉટ અબાઉટ ઇટ’’. અતિવૃષ્ટિએ વેરેલા સર્વનાશનો ભોગ મહેતા પણ બન્યા હતા. કારેલીબાગની નીચાણવાળી સોસાયટીના એમના મકાનના આંગણા સુધી પૂરનું પાણી આવ્યું ત્યારે સૌએ એમને ક«યું કે, મહત્વનો સામાન માળિયામાં ચઢાવી દો. પરંતુ, તેમણે વાત માની નહીં. ફ્રીજ, ટીવી જેવી કિંમતી ઇલકટ્રોનિકસ આઇટમોનો કચ્ચરઘાણ નીકળી ગયો. પૂરનાં પાણી ઓસર્યા ત્યારે મહેતાને ટીવી બગડી ગયાનું સૌથી વધુ દુ:ખ થયું. ઘરમાં હોય એટલો સમય મોટે ભાગે, સમાચારો દશાeવતી ચેનલો જોતાં મહેતાને વ્યવસ્થામાં પહેલી જ વાર પોતે અપંગ થઇ ગયા હોય એવી લાગણી થઇ. સમાચારો જોયા-જાણ્યા વિના જીવવું એમને સજા જેવું લાગ્યું. 

એક દિવસ તો એમણે માંડ માંડ કાઢ્યો. સાંજે બેઠકમાં એમણે બળાપોય કાઢ્યો. કોઇએ કહ્યુંય ખરું ‘‘મહેતા.... આમેય તમારો ટીવી જૂનો જ થઇ ગયો હતો.. આ બહાને નવો લેવાશે.’’ મહેતાએ કહ્યું‘‘ લેવો જ પડશે ને... પણ.. ’’ આટલું બોલીને મહેતા અટકી ગયા એવો કોઇને ખાસ ખ્યાલ આવ્યો નહીં. અલબત્ત રમણીકલાલ વાત પામી ગયા. રાત્રે છુટા પડતી વખતે તક ઝડપી એમણે મહેતાને પૂછ્યુંય ખરું... કંઇ તકલીફ છે...? મહેતાએ સહજતાથી ના પાડી. વારંવારના આગ્રહ પછી મહેતાએ કહ્યું... પેન્શન આવ્યું એમાંથી ટીવી ખરીદવું શક્ય ન હતું. બીજું પેન્શન તો હજી એક મહિના પછી આવશે. ત્યાં સુધી? રમણીકલાલના પ્રશ્નના ઉત્તરમાં મહેતાએ કહ્યું..એ તો કંઇ થઇ રહેશે. મહેતાની ખોટ સાલી રહ્યાની વાત દરમિયાન મૂંગા થઇ ગયેલા રમણીકલાલે કહ્યું‘‘મહેતા કદાચ મુશ્કેલીમાં છે... પણ કહેતા નથી...’’ ‘‘શેની મુશ્કેલી...? બીમાર છે...? મિસિસ મહેતાને ઠીક નથી?’’ જેવા પ્રશ્નોનો મારો ચાલ્યો. 

કુલકર્ણીએ તો સીધું જ કીધું.. રમણીકલાલ.. તમારા બેને તો સારો મેળ છે.. તમને તો ખબર જ હશે..’’ આખરે રમણીકલાલે કહ્યું સમાચારના વ્યસની મહેતાનું ટીવી પૂરના પાણીને કારણે ખરાબ થઇ ગયો. નવો ટીવી લેવાનું હાલ તુરત શક્ય નથી.. એટલે.. 

અરે.. પણ, કહે તો ખબર પડે ને..? આપણે બધા નથી..? હજી તો રમણીકલાલની વાત પૂરી થાય ત્યાં તો મિત્રમંડળી કૂદી પડી. તમામનો ઉત્સાહ, મહેતા પરત્વેનો આદર અને એક મિત્ર તરીકે પડખે ઊભા રહેવાની તત્પરતા જોઇ રમણીકલાલ પણ દંગ થઇ ગયા. સર્વાનુમતે નક્કી થયું. બધાએ પોત-પોતાની સગવડ પ્રમાણે ફાળો આપવો. આપણે એક ટીવી ખરીદીને મહેતાના ઘરે આપી આવીએ. ડાહ્યાલાલે કહ્યું ..‘‘આ... લો..., હું તો શ્રીનાથજી જવા ટ્રાવેલ્સમાં પૈસા ભરવા નીકળ્યો હતો, પણ ઓફિસ બંધ હતી એટલે સીધો અહીં જ આવ્યો.. મારા ખિસ્સામાં અત્યારે બે હજાર રૂપિયા પડ્યા છે.’’ કુલકર્ણીએ કહ્યું .. ‘‘બે મારા ગણી લો...’’ જોતજોતામાં ૧૦-૧૨ હજારની રકમ મૌખિક રીતે એકઠી પણ થઇ ગઇ. બીજે દિવસે સાંજે કુલકર્ણીની કાર આંગણામાં આવીને ઊભી રહી ત્યારે મહેતાને આશ્વર્ય થયું. કારમાંથી રમણીકલાલ, કુલકણીe, ડાહ્યાલાલ ઊતર્યા. 

પાછલો દરવાજો ખોલીને ત્રણેએ એક મોટું બોક્સ બહાર કાઢયું ત્યારે મહેતાને વધુ આશ્વયe થયું. મહેતા.. આ ટીવી.. આવતા મહિના સુધી રાહ જોવાની જરૂર નથી.. તમતમારે પેટ ભરીને સમાચારો જુઓ... મહેતાની આંખના ખૂણા ભીના થઇ ગયા... તમે પણ શું મહેતાસાહેબ...? અમે પારકા છીએ... ? મીઠી ટકોર સાથે મિત્રોએ બતાવેલી આત્મીયતાથી મહેતા ગળગળા થઇ ગયા. કાલે કેમ આવ્યા નહીં..? એવા સવાલના જવાબમાં મહેતાએ કહ્યું .. નીકળ્યો તો હતો.. પણ પછી થયું.. આ કુલકર્ણીદાદો પૂછશે કેન્દ્રે ગુજરાતને કેટલી રાહત આપી ? આ ડાહ્યો પૂછે ‘નાસા’નો પ્રોજેક્ટ ક્યાં સુધી આવ્યો..? આ સવાલોના હું શું જવાબ આપીશ..? એવો વિચાર આવતાં પગ જરા પાછા પડ્યા.. અરે ભલા માણસ ગઇકાલે ૬ વાગે પણ મને ખબર નહોતી કે સેન્સેક્સ ચઢ્યો કે પટકાયો.. આટલા દિવસ ટીવી નથી જોયું એમાં તો જાણે હું આખી દુનિયાથી વિખૂટો પડી ગયો હોઉં એમ મને લાગવા માંડ્યું.. એટલે.. પાછો ઘેર આવી ગયો...

આ વાત ચાલુ હતી ત્યાં સુધીમાં તો ડાહ્યાલાલે પેકિંગ ખોલીને ટીવી ગોઠવી કેબલનો છેડો જોડી દીધો હતો. રિમોટ હાથમાં લઇ મહેતાએ બટન દબાવ્યું.. ભારતીય ટીમના કપ્તાન તરીકે ધોનીની વરણી થવાની શક્યતાના સમાચાર હેડલાઇનમાં જોતાં જ મહેતાએ રસોડા તરફ જો ઇ બૂમ પાડી... અરે જો. સાંભળ.. હું નો’તો કહેતો...ધોની ને જ કેપ્ટન બનાવવો પડશે.. કહેતાં કહેતાં મહેતાના ચહેરા પર પૂર્વવત્ તાજગી છવાઇ ગઇ. ચા લઇને આવેલાં મિસિસ મહેતાએ કહ્યું... હાશ... હવે તમે પાછા તમારા અસલ મૂડમાં આવ્યા... એકવાર હું ન હોઉં તો ચાલે પણ તમને ટીવી વગર ન ચાલે એમ હું કંઇ અમસ્તી જ નહોતી કહેતી તમને.... વૃદ્ધ મહેતા દંપતી વચ્ચેના આ મીઠા ઝઘડાને માણી રહેલા મિત્રોએ ચાની ચૂસકીઓ ભરવા માંડી...થોડાં ટોળટપ્પાં બાદ આખી મંડળી કારમાં ગોઠવાઇ અને સયાજીબાગના બાંકડે પહોંચી. એ દિવસે ડાહ્યાલાલ રાત્રે ૧૧ વાગ્યા સુધી બાંકડા પર એકલા બેસી રહ્યા. 

બગીચો બંધ થઇ ગયો અને વોચમેને આવીને જવાનું કહ્યું ત્યારે એ ઊઠ્યા. એક બંધ દુકાનના ઓટલે બેઠા. અડધો-પોણો કલાક પછી એમણે એક પબ્લિક ફોન પરથી ઘરે ફોન કર્યો. પૌત્રે ફોન ઉપાડ્યો.. એણે કહ્યું તમે ક્યાં છો દાદાજી...? તમે જલદી આવોને... અહીં તો... પપ્પાના બધા ફ્રેન્ડ્ઝ બરફ નાંખીને કંઇક પી રહ્યા છે...ડાહ્યાલાલે... હા... બેટા આવું છું...હમણાં.. એમ કહી ફોન મૂકી દીધો. એમને થયું આ નિર્દોષ ભૂલકાને હું કઇ રીતે કહું કે, ‘‘આજે ડ્રિંક્સ પાર્ટી રાખી છે એટલે તમે બને એટલા મોડા આવજો.. તમે હશો તો અમને મઝા નહીં આવે..’’ એમ કહી પુત્ર અને પુત્રવધૂએ આજે રીતસર એમને ઘરબહાર ધકેલ્યા છે...!!! રાત્રે દોઢ વાગે ડાહ્યાલાલે ફોન કર્યો અને દીકરાએ લથડતા અવાજમાં ગ્રીન સિગ્નલ આપ્યો ત્યારે એમણે ઘર ભણી ચાલવા માંડ્યું.

મહેતા-કુલકર્ણી-રમણીકલાલ એમના આ સાથીદારની વેદના જાણે તોપણ કઇ રીતે મદદરૂપ થઇ શકે?!

Categories:

Leave a Reply