જીવનભર ખુલ્લા આકાશ નીચે સૂનારને નવલખ તારલાઓની પહેચાન હોય છે, પણ જીવનાન્તે એમાંથી યાદ કેટલા હોય છે? બે-પાંચ જ. ધ્રુવનો તારો, સપ્તર્ષિ તારામંડળ, હરણિયું અને એવા જ બીજા કેટલાંક. મારી ત્રીસ વર્ષની ગાયનેકોલોજિસ્ટ તરીકેની કારકિર્દીમાં મેં જોયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ મને યાદ નથી, તો પછી નામ તો કેટલાંના યાદ હોય? પણ બાનુબીબી, નૂરબાનુ જેવી ગરીબ મુસલમાન ઔરતો કે જેસલ બહેન અને મીનળ જેવી સુખી યુવતીઓ આજે પણ ભૂલાઇ નથી. કોઇકની વ્યથા મને સ્પર્શી ગઇ છે, તો કો’કની લાગણી. આમાં એક પુરુષ દર્દીનું નામ ઉમેરવું પડે. 

લાલજીભાઇ કાછિયા. ઉંમર વર્ષ પાંસઠ. બીમારીનું નિદાન..? 

બસ, સૌથી મોટી ગરબડ અહીં જ હતી. લાલજીબાપા એક વર્ષથી દવાખાનાના પગથિયાં ઘસતા હતા, પણ એમની બીમારી પકડાતી ન હતી. 

‘ડૉકટર સાહેબ.’ એ હાથમાં કેસપેપર અને લોહી-પેશાબના પરીક્ષણોવાળા કાગળિયાનો ખડકલો ટેબલ પર મૂકીને મને કહેતા, ‘હવે મારી સહનશકિતની હદ આવી ગઇ છે. થાકી ગ્યો, બાપલા! ખાંસી, તાવ, શ્વાસ ચડવાની તકલીફ, ભૂખ ન લાગવી, નબળાઇ..! કાં’ક તો કરો હવે!’ 

હું શું કરી શકું એમ હતો? આ એ દિવસની વાત છે જયારે હું ગાયનેકોલોજિસ્ટ બન્યો ન હતો. એમ.બી.બી.એસ.પૂરું કરીને હું ઇન્ટર્નશિપ કરતો હતો. લાલજીબાપા જયાં સારવાર માટે આવતા હતા ત્યાં મારી ફરજ ચાલતી હતી. ઠીક-ઠીક મોટું કહી શકાય એવડું શહેર. એમાં આવેલી એક સાધનસંપન્ન ચેરિટેબલ જનરલ હોસ્પિટલ. ટ્રસ્ટીમંડળ ધનવાન અને દયાળુ મોટાભાગના દાતાઓ મુંબઇમાં વસેલા. પણ વતનના દવાખાનામાં દર વર્ષે લાખો રૂપિયા ખર્ચી નાખે. 

‘બાપા, નિદાન ન થયું તો શું થયું! બહુ-બહુ તો મરી જવાશે એટલું જ ને! તમને પાંસઠ તો થયા, હજી કેટલું જીવવું છે?’ હું મજાકમાં પૂછી લેતો, ‘દર્દી જયારે જૂનો થાય છે, ત્યારે એની અને ડોકટરની વરચે એક જાતની આત્મીયતા સ્થપાઇ જતી હોય છે. 

‘ડોકટર, હું જાણું છું કે આ તમારો કેસ નથી, પણ મોટા ડોકટરોથી હું નિરાશ છું, તમે જરા મહેનત કરો ને! કંઇ સૂઝ પડે છે?’ લાલજીબાપા જાણતા હતા કે હું એ હોસ્પિટલમાં તાલીમી તબીબ હતો, સૌથી જુનિયર ડોકટર. મારું કામ જનરલ આઉટડોરમાં બેસીને દોઢસો-બસો દર્દીઓને તપાસવાનું રહેતું. દર્દીઓની સંખ્યા ઝાઝી, પણ માંદગીનું વૈવિઘ્ય ઓછું. શરદી,ખાંસી, ઝાડા, પેટનો દુખાવો અને તાવ. જેમાં ખબર ન પડે એ દર્દીને સજર્યન કે ફિઝિશિયન પાસે ‘રિફર’ કરી દેવાનો. 

લાલજીબાપા એવા પહેલા દર્દી હતા, જે ફિઝિશિયન પાસેથી થાકી, હારી, કંટાળીને પાછા મારી પાસે આવ્યા હતા. એમની વિનંતી સ્વીકારીને મેં એમના રિપોટ્ર્સ ઘ્યાનથી તપાસ્યા. લગભગ બધું બરાબર હતું, સિવાય કે દર્દી પોતે. 

‘બાપા, વજન ઘટતું જાય છે?’ મેં લીડિંગ કવેશ્ચન પૂછ્યો. 

‘હા, છેલ્લા બે મહિનામાં તો પાંચ-છ કિલો ઘટી ગયું છે.’ 

‘ભૂખ લાગે છે?’ 

‘જરા પણ નહીં. ડોકટર કે’ છે કે ગોળીઓ જમ્યા પછી ગળવી પણ ખાવાનું ભાવતું જ નથી એનું શું કરવું?’ લાલજીબાપાના જવાબો તબીબી દૃષ્ટિએ નિદાનસૂચક હતા. હું ઐમને લઇને ફિઝિશિયન ડો.શાહ પાસે ગયો. જાતે રૂબરૂ મળવા ગયો, ‘સર હું લાલજીબાપાનો કેસ-હિસ્ટ્રી જોઇ ગયો છું. મને શંકા છે કે… હી મે હેવ મેલિગ્નન્સી…’ લાલજીબાપા બાજુમાં જ ઊભા હતા, એટલે મેં વાકયનો ઉત્તરાર્ધ અંગ્રેજીમાં રજૂ કર્યો. દર્દી સમજી ન જાય એ માટે કેન્સરની જગ્યાએ ‘મેલિગ્નન્સી’ શબ્દ વાપર્યો. 

‘યસ, ડો.ઠાકર, યુ આર એબ્સોલ્યુટ્લી રાઇટ! પણ આપણા દવાખાનામાં એકસ-રેથી આગળ બીજી કશી સુવિધા નથી. દર્દીને એન્ડોસ્કોપિક બાયોપ્સી કરાવવાની જરૂર છે, પણ એના માટે બહાર જવું પડે. દર્દીને પૂછો કે એમને ખર્ચ પરવડશે?’ 

લાલજીબાપાનો જવાબ ‘ના’માં હતો. છેવટે ટ્રસ્ટમાંથી જોગવાઇ કરી આપવી પડી. જોકે એના માટે લખાણપટ્ટી ઘણી કરવી પડી, પણ આખરે મુંબઇથી લીલીઝંડી ફરકાવી દેવામાં આવી. એક જ અઠવાડિયામાં રિપોર્ટ આવી ગયો. લાલજીબાપાને ફેફસામાં કેન્સર હતું. એકસ-રેમાં દેખાતો ડાઘ ટી.બી. કે અન્ય રોગનો નહીં, પણ કેન્સરનો હતો. 

લાલજીબાપા ખુશ થઇ ગયા, ‘હાશ, છેવટે નિદાન તો થયું! કેન્સર છે એવી ખબર પડી એટલે હવે સારવાર પણ સાચી જ થશે. હવે હું જીવી જઇશ.’ એમના બોલવામાં અદમ્ય જિજીવિષા ડોકાઇ રહી હતી. 

‘બાપા, જિંદગી આટલી બધી વહાલી લાગે છે?’ મેં પૂછ્યું. 

‘હા, મારે સો વરસ લગી જીવવું છે. મારા માટે નહીં, પણ મારા બે દીકરાઓ માટે. અને એમના સંતાનો માટે. આપણા કુટુંબની માયા કરતાં ચડિયાતું બીજું કોઇ આકર્ષણ નથી આ દુનિયામાં. તું હજુ પરણ્યો નથી ને, દીકરા! તને નહીં સમજાય, પણ વીસ વરસે જિંદગી જેટલી વહાલી લાગે એના કરતાં પાંસઠ વરસે એ વધારે વહાલી બની જાય છે.’ 

સારવારમાં કિમોથેરાપી આપવાની હતી, જે બહુ મોંઘી હતી. દર મહિને મુખ્ય ઇન્જેકશનો વત્તા પૂરક દવાઓ મળીને દસ હજાર રૂપિયા જેવો ખર્ચ થઇ જાય તેમ હતો. 

‘લાલજીબાપા, જીવવું હવે મોંઘુ પડશે, મહિનાના દસ હજાર ખર્ચી શકશો?’ મેં પૂછ્યું. 

‘દીકરા,હું તો કાછિયો છું. જિંદગી આખી શાક-બકાલુ વેરયા છે. હવે તો એ પણ બંધ કર્યું છે. બે દીકરાઓ સારું કમાય છે, પણ ઘર ચલાવતા વધી-વધીને દર મહિને કેટલા રૂપિયા બચે? થોડાક રૂપિયા દીકરાઓ આપે, થોડાક ટ્ર્સ્ટમાંથી…’ લાલજીબાપાના ચહેરા પર કેન્સરને મહાત કરવાનો દૃઢ નિર્ધાર લીંપાયેલો હતો. 

ટ્ર્સ્ટીઓ સાથે વાત કરવામાં આવી. લાલજીબાપાની વિનંતી ઉદાર દિલના વણિકોને સ્પર્શી ગઇ. પ્રમુખશ્રીનો ફોન આવ્યો, ‘લાલજી કાછિયાને હું પચાસ વરસથી ઓળખું છું. એને કે’જો કે ચિંતા ન કરે. એની સારવારના પૈસા અમે કાઢીશું, ફિફટી-ફિફટી નહીં, પણ પૂરેપૂરા!’ પછી એમની કેટલીક આવશ્યક વહીવટી સૂચનાની એમણે ડો.શાહ જોડે ચર્ચા કરી અને ફોન પૂરો કર્યો. 

‘શું થયું, સાહેબ?’ લાલજીબાપાની આંખોમાં પ્રશ્ન નહોતો, પણ જિંદગી જીવવા માટેની તરસ હતી, છટપટાહટ હતી. 

‘બીજું શું થવાનું હતું, તમારો બેડો પાર થઇ ગયો, બાપા. પણ પ્રમુખશ્રીએ એવું કહ્યું છે કે દરેક મહિનાની સારવાર પૂરી થાય એ પછી જ ટ્રસ્ટ દ્વારા પૈસા ચૂકવાશે. ત્યાં સુધી એ રકમ તમારે કાઢવી પડશે.’ ‘એટલે?’ 

‘એટલે એમ કે પહેલા મહિને તમે દસ હજાર ખર્ચો, એ બીજા મહિનાની પહેલી તારીખે તમને પરત મળી જશે. બીજા મહિને જે ખર્ચશો, એ વળી પછીના મહિને..! ટૂંકમાં તમારે ઘરમાંથી તો એક પણ કાવડિયું કાઢવાનું નથી.’ 

‘પણ દસ હજાર રૂપિયા એકી સાથે..?’ 

‘ના, બબ્બે હજાર રૂપિયા પાંચવાર આપશો, તો પણ ચાલશે.’ ડો.શાહે લાલજીબાપાને સાવ હળવાફૂલ કરી દીધા. લાલજીબાપા પાંસઠની ઉંમરે પચીસ વર્ષનો થનગનાટ લઇને રવાના થયા. ઘરે જઇને દીકરાઓને વાત કરી. દીકરાઓએ રાત્રે શયનખંડમાં એમની રંભાઓને વાત કરી. બંને વહુઓએ એકસરખી સલાહ આપી, ‘કેન્સર એટલે કેન્સલ! અંતે તો મરવાનું જ છે ને! આટલા વરસ જીવ્યા, હવે વધુ જીવીને શું કામ છે? પૈસા ભલે ટ્રસ્ટીઓ કાઢશે, પણ બાપાની વેઠ તો આપણે જ કરવાનીને?’ 

બીજા દિવસે લાલજીબાપા મારી પાસે આવીને આટલાં જ વાકયો બોલી શકયા, ‘ભાઇ, મારે સારવાર નથી કરાવવી. દીકરાઓ ના પાડે છે. વધુ જીવવાની હવે મારી પણ ઇરછા નથી. કોના માટે જીવવાનું?’ 

એમનો ચહેરો પડી ગયો હતો, પીઠ ઝૂકી ગઇ હતી. મેં સમજાવવાની કોશિશ કરી, ‘બાપા, મરવું સહેલું નહીં હોય, તમારું કેન્સર આખા શરીરમાં ફેલાઇ જશે. લીવર, મગજ, કિડની, પેટ..! જે અંગ ઝડપાશે એની વેદના તમને પીડશે. સહન નહીં કરી શકો.’ 

‘બધું જીરવી લઇશ, દીકરા! દીકરાઓ અને વહુઓમાં ફેલાયેલું સ્વાર્થનું કેન્સર જે પીડા આપી રહ્યું છે એની આગળ આ કેન્સરની વેદના તો કંઇ જ નથી. દીકરા, આ મરતાં માણસની એક સલાહ યાદ રાખજે, ઘરડો થાય ત્યારે થોડાક નાણાં જાત માટે સાચવી રાખજે. બધું જ દીકરાને ન આપી દેતો..! ચાલ, હું હવે જઉં, મારો જવાનો સમય થઇ ગયો.’ 

આ દર્દીને હું આજ સુધી ભૂલી શકયો નથી. 

- Sharad Thakar

Categories:

Leave a Reply