વૈભવ-વિદિશાનું પહેલું સર્જન એટલે કૃતિ અને એમની બીજી કૃતિ એટલે દીકરો સર્જન 

- ક્યારેક વાસ્તવિકતા કલ્પનાથી વધુ દુ:ખદ હોય છે 

હું બ્યુટિપાર્લર શરૂ કરવાનું વિચારું છું... કરું...?’’ કપડાંની ગડી વાળતા વાળતા પત્નીએ પૂછેલા આ સહજ સવાલથી વૈભવ ચોંકયો. એણે પત્ની સામે જોયું. પત્નીએ કહ્યું, ‘‘ચિંતા ના કરો.. તમારી પાસે કોઇ ખર્ચા નહીં કરાવું.. આ તો... નવરાં બેઠાં કંટાળો આવે છે એટલે મેં વિચાર્યું.. ફરીથી પેપરમાં માથું ખૂપવીને બેઠેલા વૈભવે વાંચતાં વાંચતાં જ કહ્યું , ‘‘ભલે.. કર..’’પણ એના મનમાં વિચારોનું ઘોડાપૂર દોડતું હતું.

સફળ અને સુખી દાંપત્યજીવનના ૨૦-૨૦ વર્ષ પસાર થઇ ગયાં હતાં. કલા-સાહિત્યનો રસિયો વૈભવ ગ્રેજ્યુએટ થયો ત્યારે જીવનમાં કંઇક કરી બતાવવાના થનગનાટ સાથે એણે પ્રયત્નોની છીણી અને ધગશની હથોડી લઇ કારકિર્દીને આકાર આપવા કોતરણી શરૂ કરી. એના સદ્નસીબે એને એક એડ્ એજન્સીના માર્કેટિંગ વિભાગમાં નોકરી મળી. માતા-પિતાના અતિઆગ્રહ સામે ઝૂકીને એ એક દિવસ ‘કન્યા’ જોવા જવા સંમત થયો.વિદિશાને જોઇ એ સાથે જ એણે ‘હા’ પાડી દીધી ! ધામધૂમથી લગ્ન થયાં.પહેલી દીકરી અને ત્રણેક વર્ષ થયાં અને દીકરો આવ્યો. 

સાહિત્યપ્રેમ અને મૌલિક લખવાના વૈભવના શોખે એની નોકરીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. એજન્સીના ગ્રાહક માટે તૈયાર થતી જાહેર ખબરમાં ક્યાં અને કેવાં વાક્યો લખવાથી અપેક્ષિત વાચકવર્ગને એ આકર્ષશે એવી વૈભવને કોઠાસૂઝ હતી. એટલે જ ‘‘કોપી રાઇટિંગ’’ જેવા અતિ મહત્વના પાસા પર પણ એના પ્રભુત્વને કારણે એડ્ એજન્સીનું એ અનિવાર્ય અંગ બની ચૂક્યો હતો. જોત- જોતામાં ૨૦-૨૦ વર્ષનાં વહાણાં વાઇ ગયાં. પેપરને બાજુ પર હડસેલી વૈભવ વિચારવા માંડ્યો. આજે દીકરી કૃતિ ૧૮ વર્ષની થઇ છે અને બારમા ધોરણમાં ભણે છે. દીકરો સર્જન નવમા ધોરણમાં ભણે છે. વૈભવ-વિદિશાનું પહેલું સર્જન એટલે કૃતિ અને એમની બીજી કૃતિ એટલે સર્જન. સાહિત્યરસિક દંપતી એમના સંતાનોની ઓળખ પણ આ રીતે જ આપતું. મધ્યમવર્ગનું આ કુટુંબ સુખેથી જીવતું હતું. છેલ્લા કેટલાય દિવસથી વિદિશા વૈભવને કહેતી ‘‘ઘરમાં આખો દિવસ કંટાળો આવે છે.. કંઇ કરવું છે.’’ વૈભવ વાતને ટાળી દેતો. પણ આજે વિદિશાએ જ્યારે બ્યુટિપાર્લર અંગે પૂછ્યું ત્યારે વૈભવે લગભગ તરત જ એને કહ્યું ‘‘ભલે... કર...’’ 

વૈભવને આશ્વર્ય એ વાતનું થયું કે, એણે ‘‘હા’’ પાડી ત્યારે વિદિશાને આઘાત ના લાગ્યો કે, ન આશ્વર્ય થયું. વિદિશાને... ખબર તો નહીં પડી ગઇ હોય...ને..? આ સવાલ મનમાં ઊઠતાં જ વૈભવ ક્ષણેક હલબલિ ગયો. પછી, એણે જ વિચાર્યું, એને ખબર હોત તો મને પૂછત તો ખરી જ ને.. વૈભવ રસોડા ભણી તાકતો બેસી રહ્યો પણ, એના મનમાં તૂમુલ યુ ચાલતું હતું. કૃતિ બારમા ધોરણમાં છે. પિતાજી બીમાર રહે છે, સજન બે-ત્રણ મહિનામાં તો દસમા ધોરણમાં આવશે. શાંતિથી જીવી રહેલા આ કુટુંબમાં ખલેલ પહોંચે તો એના વમળો આ ઘરનાં કેટકેટલાંને કેટલું નુકસાન કરી બેસે ? જે ચાલે છે તે ઠીક છે... ચાલવા દો.. વૈભવ વિચારતો રહ્યો. સવારે વૈભવ નીકળ્યો ત્યારે વિદિશા એને દરવાજા સુધી છોડવા આવી. એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી.. ભગવાન આજે સારા સમાચાર મોકલજે.. વિદિશા અંદર ગઇ. ભગવાન પાસે દીવો કરતાં કરતાં એ રડી પડી. એને થયું બિચારો વૈભવ... હું અને બાળકો ‘ડસ્ટબિન’ ન થઈ જઈએ એટલા ખાતર પોતે એકલો એકલો જ કેટલી પીડા ભોગવી રહ્યો છે...! 

લગભગ ત્રણ મહિના થવા આવ્યા... પણ વૈભવે ઘરના રોજિંદા વ્યવહારમાં કે સભ્યોની જીવનશૈલીમાં ઊની આંચ નથી આવવા દીધી. પુત્ર તરીકે, પતિ તરીકે અને પિતા તરીકેની એકપણ ફરજ એ ચૂકયો નથી. એ પગારના દિવસે પત્નીના હાથમાં પૈસા મૂકી દેતો. હીબકે ચઢેલી વિદિશા થોડીવાર પછી શાંત થઈ. એણે ઊઠીને મોઢું ધોયું-પાણી પીધું. બેઠકખંડમાં આવીને એ સહેજ સ્વસ્થ થઈને બેઠી. એને યાદ આવ્યો એ દિવસ જ્યારે વૈભવના પિતાની અચાનક તબિયત બગડી હતી. સદ્નસીબે સમયસર સારવાર મળી ગઈ એટલે બચી ગયા. 

વિદિશાએ વૈભવની ઓફિસે ફોન કર્યો. ‘વૈભવને આપો ને.. એમની વાઈફ બોલું છું..’ સામે છેડેથી જવાબ આવ્યો.. વિદિશાભાભી હું પાઠક.. ઓળખ્યો ? હા.. હા.. પાઠકભાઈ કેમ છો.. વૈભવ બહુ કામમાં છે.. ? વિદિશાએ સ્હેજ ઉતાવળમાં પૂછ્યું. પાઠકે કહ્યું, ‘‘ભાભી.. વૈભવભાઈ તો હવે.. અહીં ક્યાં છે..? તમે કદાચ ભૂલથી ફોન લગાડ્યો લાગે છે..’’ વિદિશા બોલી.. અહી ક્યાં છે એટલે.? ભાભી વૈભવભાઈને નોકરીમાંથી છુટા કર્યાને લગભગ ત્રણ મહિના થયા. તમને ખબર નથી..? એજન્સીને જંગી ખોટ ગઈ , સ્ટાફ ઘટાડવા માંડ્યો.. અને.. વિદિશાને જ જાણે પક્ષાઘાતનો હુમલો આવ્યો હોય એમ એ સ્તબ્ધ થઈ ગઈ. એના હાથમાંથી ફોન છૂટી ગયો. એ ધબ્બ કરીને નીચે બેસી પડી. 

ત્રણ-ત્રણ મહિનાથી વૈભવને નોકરી નથી..?!! અને છતાં એણે કહ્યું નહીં..? એ રોજ સવારે તો લંચ બોક્સ લઈને નીકળે છે. મોડી સાંજે આવીને કહે છે આજે ઓફિસમાં બહુ જ કામ હતું.. તો.. આ બધું...? સુખ વહેંચવામાં અને દુ:ખને એકલે હાથે છાતીએ વળગાડી ઝીલી લેવામાં માનતા વૈભવને વિદિશા નખશિખ ઓળખતી હતી. કૃતિ બારમામાં છે, પિતાજી બીમાર છે, સર્જન દસમામાં આવવાની તૈયારી છે.. બધું.. બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે આવો એકાદ આઘાત આખા માળાને પીંખી નાખશે. જુસ્સો-જનૂન ઓસરી જશે.. એના કરતાં.. બીજી નોકરી ન મળે ત્યાં સુધી.. છેલ્લા ત્રણ મહિનાથી ઓફિસ જવા નીકળતો હોય એમ વૈભવ નોકરી શોધવા નીકળતો. 

ક્યારેક મળતું ‘‘પ્રૂફ રીડિંગ’’નું કામ એકાદ સાર્વજનિક બગીચાના ખૂણાના બાંકડા પર બેસી પતાવી લેતો. સાથે આણેલુ લંચ બોક્સ જમી લેતો અને મોડી સાંજે પાછો ઘરે ફરીને કહેતો ‘‘આજે ખૂબ થાકી ગયો છું.. બહું કામ હતું ઓફિસમાં’’ સંવેદનશીલ વૈભવને ઠેસ ન પહોંચે, એનું સ્વમાન સચવાય એ માટે વિદિશાએ આ વાત પોતે જાણે છે એ વૈભવથી છુપાવી રાખ્યું. મૂંગા મોઢે પતિના દુ:ખમાં દુ:ખી હોવા છતાં પતિને વધુ દુ:ખ ન થાય એ માટે સુખી હોવાનો-ખુશ હોવાનો ડોળ કર્યો. એમ.બી.એ. અને બી.બી.એ થયેલા જુવાનિયાઓ જ્યારે બે-બે હજારમાં નોકરી કરવા તૈયાર હોય ત્યારે ૪૫ વટાવી ગયેલા વૈભવને માર્કેટિંગના ક્ષેત્રમાં નોકરી ક્યાંથી મળે ? છતાં એના પ્રયત્નો ચાલુ હતા. એક મિત્રના પરિચિતની ઓફિસમાં કામ મળે એમ હોવાથી એ આજે ઈન્ટરવ્યૂં આપવા નીકળ્યો હતો. હે. ભગવાન.. બધું ઠીક કરજે... એમ મનમાં ને મનમાં બોલી વિદિશા રીતસર ભગવાનને કરગરતી હતી. આ ઘરને પૂર્વત્ આર્થિક ટેકો મળે માત્ર એટલા માટે નહીં - પણ એકલા એકલા પીડાતા પતિને એ યાતનામાંથી મુક્તિ મળે એ માટે એ ભગવાનને કહેતી હતી - ભગવાન આજે સારા સમાચાર મોકલજે. 

(આ સત્યઘટનાનું પાત્ર વૈભવ કદાચ અત્યારે પણ કોઈ સાર્વજનિક બગીચામાં ખૂણાના બાંકડે બેસી ‘‘પ્રૂફ’’ વાંચી રહ્યો હશે.)

Posted by : pankajshridhap On Gujarati

Categories:

Leave a Reply