‘બેટા શર્લી, આજે તને જોવા માટે આવવાના છે.’ અવિનાશભાઇએ બાવીસ વર્ષની દીકરીને ‘હેડ લાઇન્સ’ જેવા સમાચાર આપ્યા, પછી વિસ્તારપૂર્વક માહિતી આપી, ‘છોકરો સારો છે. બિઝનેસમેન છે. મહિને લાખ-દોઢ રૂપિયા તો રમતાં-રમતાં રળી લે છે. હેન્ડસમ છે અને સ્માર્ટ પણ. ના ન પાડતી. જે પૂછે એના સારા જવાબો આપજે. તારી જિંદગી બની જશે.’ 

આવું સાંભળીને કોઇ પણ યુવતી નાચી ઉઠે. લગ્નને યોગ્ય ઉંમરે કોઇ પણ છોકરીને આનાથી વિશેષ શું જોઇએ? પણ શર્લી નાચી ઉઠવાને બદલે વિચારમાં પડી ગઇ. આ મુરતિયામાં જો આટલા બધા સદ્ગુણો હાજર હોય તો એ પોતાને શા માટે પરણે? શર્લી સારી હતી, સંસ્કારી હતી, બી.એ. પાસ થયેલી હતી, પણ આવી તો કૈંક કન્યાઓ જોવા મળતી હોય છે. અલબત્ત, શર્લી દેખાવમાં અત્યંત સુંદર હતી, પણ આ એક પાસાને બાદ કરતાં એનામાં અન્ય કશી જ વિશેષતા ન હતી. અવિનાશ દેસાઇ જેવા એક મઘ્યમવર્ગીય બાપના ઘરમાં જન્મેલી અને સાધારણ રીતે છરેલી એક સાધારણ છોકરી હતી શર્લી. 

એને ફાઇવસ્ટાર હોટલમાં લંચ કે ડિનર લેવા માટે જરૂરી ‘મેનર્સ’ આવડતી ન હતી, એને લેટેસ્ટ ફેશનના વસ્ત્ર પરિધાનની ફાવટ ન હતી, એને ધાણીફૂટ અંગ્રેજી બોલતાં આવડતું ન હતું, કાર ચલાવવી, કિટ્ટી પાર્ટીઝમાં ભળવું, પિકનિકસ માણવી કે સમાજના કહેવાતા ઉરચ અને સંભ્રાંત વર્ગના સ્ત્રી-પુરુષો સાથે ડાન્સ-પાર્ટીમાં જવું આ બધા શર્લી માટે અભ્યાસક્રમ બહારના વિષયો હતા. 

તો પછી શા માટે એક યુવાન હેન્ડસમ બિઝનસમેન એને પોતાની જીવનસંગિની બનાવવાનું લગભગ નક્કી કરીને એને જોવા માટે આવી રહ્યો હતો?! હા, પપ્પાએ કહ્યું હતું, ‘દિશાંત નામ છે એનું. એણે તારો ફોટોગ્રાફ જોયેલો છે. એણે તો ફોટો જોઇને જ લગ્ન માટે હા પાડી દીધી છે. આજની મુલાકાત તો માત્ર એક ઔપચારિકતા જેવી જ છે. ખાસ તો તું પણ મુરતિયાને એકવાર જોઇ લે એટલા માટે જ. આવો છોકરો તારા માટે બીજો નહીં મળે. તારે હા જ પાડવાની છે.’ 

શર્લી એના પપ્પાની મજબૂરી સમજતી હતી. એના પછી બીજી બે બહેનો અને બે નાના ભાઇઓ ખર્ચાના ખાડા બનીને ભેલા હતા અને આવકના સાધનો સીમિત હતા. મઘ્યમવર્ગીય માણસોની આ જ તો મથામણ હોય છે, અડધી જિંદગી પોતાને થાળે પાડવામાં જતી રહેતી હોય છે અને બાકીની અડધી જિંદગી સંતાનોને થાળે પાડવામાં. 

સાંજે દિશાંતકુમાર ગાડીમાં બેસીને આવી પહોંરયા. એકલા જ આવ્યા હતા. શર્લીને નવાઇ તો લાગી જ, શું એને મા-બાપ, બહેન-બનેવી કે ભાઇ જેવા કોઇ જ સગાંઓ નહીં હોય? એનાં મનમાં ઠેલા આ સવાલમાં આશ્ચર્ય હતું, પણ જયારે દિશાંતે જવાબ આપ્યો ત્યારે એના વાકયોમાં આઘાત સમાયેલો હતો : ‘અમે ભૂજમાં રહેતા હતા. અમારું હર્યુંભર્યું કુટુંબ હતું. પણ છવ્વીસમી જાન્યુઆરીની સવારે ધરતીકંપનો ભયંકર આંચકો આવ્યો અને..! પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામ્યા. હું દોઢ દિવસ લગી કાટમાળના ઢગલા નીચે દટાયેલો રહ્યો. જયારે બહાર આવ્યો ત્યારે સમજાયું કે આના કરતાં તો મરી ગયો હોત તો સારું હતું. ‘અનાથ’ શબ્દનો સાચો અર્થ હવે જ સમજાય છે. માત્ર બાળકો જ અનાથ નથી હોતા!’ 

રાબેતા મુજબ ચા-નાસ્તો પીરસાયા. થોડાંક સામૂહિક ટોળાટપ્પા ચાલ્યા. પછી શર્લી અને દિશાંતને અંગત વિચારોની આપ-લે માટે ખુલ્લું એકાંત પૂરું પાડવામાં આવ્યું. 

શર્લીએ પૂછેલો પહેલો પ્રશ્ન આ હતો : ‘તમારા પરિવારમાં કોણ-કોણ હતું?’ 

‘પપ્પા, મમ્મી, એક નાનો ભાઇ, મારી પત્ની દેવકી અને મારી સાત માસની દીકરી ઝીનલ.’ 

‘એટલે? તમે પરણેલા હતા?’ 

‘હા, તમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર છે, એ લોકોએ તમને નથી કહ્યું?’ 

શર્લી ન હા કહી શકી, ન ના પાડી શકી. પપ્પાના મનમાં ચાલતી ગણતરીઓ એને સમજાઇ રહી હતી. દિશાંત બીજવર છે એ જાણીને શર્લી કદાચ એને મળવાની જ ના પાડી દે તો? અને હવે જયારે પત્ની કે બાળકી આ દુનિયામાં હયાત નથી, પછી એનો ભાર લઇને ફરવાનો શો અર્થ? 

શર્લીએ ઘ્યાનથી દિશાંતનું નિરીક્ષણ કર્યું. આશરે છવ્વીસ-સત્તાવીસનો હોય એવો દેખાતો હતો. પોતે બાવીસ વર્ષની છે. ચાર-પાંચ વર્ષનો તફાવત કંઇ વધારે ન કહેવાય. જો દિશાંતની દીકરી જીવતી હોત તો વળી વિચારવું પડત. પણ અહીં તો એવી કશી જ પળોજણ નથી. આવક સારી છે, મુરતિયો દેખાવડો છે અને પરણ્યા પછી સંસારસુખ માણવાના ધોરી માર્ગ ઉપર એક પણ ‘બમ્પ’ નડે તેમ નથી. સૌથી મોટું કારણ પપ્પાના માથા પરથી ઉપાધિનું પોટલું ઉતારવામાં મદદરૂપ થવાનું હતું. 

ઝાઝી લપ્પન-છપ્પન કર્યા વગર શર્લીએ હા પાડી દીધી. દિશાંતે તો ફોટો જોઇને જ હા પાડી દીધી હતી, રૂબરૂ જોયા પછી તસવીર ફિક્કી સાબિત થઇ ચૂકી હતી. અઠવાડિયા પછી લગ્ન થઇ ગયા. દિશાંત માટે આ લગ્ન એના જીવતરના ફાટેલા વસ્ત્ર ઉપર મારેલું થીગડું હતું, અલબત્ત કિનખાબી થીગડું. અને શર્લી માટે આ લગ્ન એ ઘણા બધા સમાધાનોનો સરવાળો હતો, સમૃદ્ધ અને સુખી સરવાળો. 

‘લગ્ન પછી આપણે કયાંય ફરવા નથી જવું?’ બે-ચાર દિવસ રાહ જોયા પછી શર્લીએ પોતાના અંતરમાં ધરબાયેલા અરમાનોને વાચા આપી. 

‘ના, મારી ઇરછા નથી. હું અને દેવકી ‘હનીમૂન’ માટે ઉત્તર ભારત આખું ખૂંદી વળ્યા હતા. તારી સાથે કયાંય પણ જઇશ, તો મને દેવકી યાદ આવ્યા વિના નહીં રહે. હું એને ભૂલી જવા માગું છું, શર્લી. આઇ હોપ કે તું મારી માનસિકતા સમજી શકીશ.’ દિશાંતની વાતમાં સરચાઇ ઝળકતી હતી, શર્લીએ નવોઢાની ઇરછાઓને સળગાવી દીધી, એના તાપણામાં સંસારજીવનની શરૂઆત કરી. 

નવો ફલેટ હતો. દુઘટર્ના પછી દિશાંતે ભૂજની ધરતીને ‘રામ-રામ’ કરી દીધા હતા અને અમદાવાદમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. પતિ-પત્ની વરચે શરીરનો સંબંધ તો બહુ સારી રીતે સ્થપાઇ ગયો, પણ મનનો મેળ હજુ જામતો ન હતો. રાત્રે પથારીમાં તૃપ્તિના ઓડકાર ઉપર ઓડકાર ખાતો દિશાંત દિવસ ઉગે એટલે ફરિયાદોની ધારાવાહિક શ્રેણી ચાલુ કરી દેતો હતો. 

‘શર્લી, ડાર્લિંગ! એક રીકવેસ્ટ કરું? હવે પછી કયારેય પંજાબી વાનગી ન બનાવીશ.’ દિશાંત ડાઇનિંગ ટેબલ પર પીરસાયેલા ભોજનને જોઇને મૃદુતાપૂર્વક કહી બેસતો. 

શર્લીને દિવસભરની મહેનત પર પાણી ફરી વળતું હોય એવું લાગતું, ‘કેમ, સબ્જી બરાબર નથી બની? કે પછી નાન કાચી છે?’ 

‘ના, બધું બરાબર છે, પણ દેવકી યાદ આવી જાય છે. એ જયારે હતી ત્યારે દર રવિવારે કેટલા હેતથી અમારા માટે પંજાબી ડીશ બનાવતી હતી! સ્વાદનો સવાલ નથી, શર્લી, પણ સ્મૃતિની ખીલી બહુ અણિયાળી હોય છે. હું દેવકીને ભૂલવા મથું છું, તું કોઇને કોઇ રીતે મને એની યાદ તાજી કરાવી આપે છે. 

એક સાંજે બહાર જવાનું હતું. શર્લી સુંદર રીતે સાડી પહેરીને તૈયાર થઇ ગઇ. દિશાંતે એક જ વાકયથી એની બે કલાકની તૈયારી ઉપર પાણી ફેરવી દીધું, ‘શર્લી, પ્લીઝ, તું સાડી કાઢીને બીજો ગમે તે સારો ડ્રેસ પહેરી લે ને!’ 

‘કેમ, આ સાડીમાં હું સારી નથી લાગતી?’ 

‘લાગે છે, શર્લી, સારી લાગે છે. મારી દેવકી કરતાંયે વધુ સુંદર લાગે છે, પણ વાત એમ છે કે દેવકી હંમેશાં બહાર જતી વખતે સાડી જ પહેરતી હતી. તને સાડીમાં જોઉં છું અને મને દેવકી યાદ આવી જાય છે. હું એને ભૂલવા માગું છું, તું મને મદદ કર. ડાર્લિંગ, પ્લીઝ…’ 

અત્યાર સુધી દબાવી રાખેલો ધૂંધવાટ શર્લીની જીભ ઉપર આવી ગયો. એ વીફરી બેઠી, ‘દિશાંત, તમે દેવકીને ભૂલવા માગતા જ નથી. મને શા માટે દોષ આપો છો? મેં તો એમને જોયા જ નથી. હું કોફી બનાવું તો દેવકી! હું ડાર્ક મરુન કલરની લિપસ્ટિક વાપરું તોપણ દેવકી! હું ભરેલા રીંગણ-બટાકાનું શાક રાંધું તોયે દેવકી! મને એ સમજાતું નથી કે હું તમને પરણી છું કે દેવકીના પતિને પરણી છું! તમે મને અન્યાય કરી રહ્યા છો, દિશાંત! મને તો એ જ સમજાતું નથી કે તમારે શા માટે દેવકીને ભૂલી જવી છે. એક સમયે એ તમારી જિંદગીનો અતૂટ હિસ્સો હતી. એને યાદ રાખીને આપણે નવી જિંદગી માણી ન શકીએ? હું તમારી બીજી વારની પત્ની હોઇશ, પણ તમે તો મારા પ્રથમ વારના જ પતિ છો. હવે પછી એક પણ વાર જો મારી સરખામણી તમે દેવકી સાથે કરી છે, તો… તો પછી તમારે મને પણ ભૂલી જવી પડશે.’ શર્લી દૃઢતાપૂર્વક બોલી ગઇ.
 
- Sharad Thakar

Categories:

Leave a Reply