ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
શબ્દથી પર કો’ક તો સંબંધ હોય છે,
મૌનમાં વાચાળ એ સુગંધ હોય છે. 

- જયંત જોશી 

શબ્દો અને હાવભાવની અલગ દુનિયા છે. એક માણસને બીજા માણસના શબ્દો વધુ અસર કરે છે કે વર્તન? માણસ શબ્દો ગમે એટલા સારા વાપરે પણ જો તેનું વર્તન વાજબી ન હોય તો સારા શબ્દો પણ સૂકા અને નિર્જીવ થઈ જાય છે. ડોળા કાઢીને તમે એમ કહો કે “મેં તને કહ્યું ને કે હું તને ખૂબ પ્રેમ કરું છું, તને કંઈ સમજ પડે છે કે નહીં?” માણસ ગમે એટલો પ્રેમ કરતો હોય તો પણ આવા શબ્દ અને વર્તનની અસર ન થાય. માણસના વર્તનમાં નજાકત હોવી જોઈએ. 

માણસ જેટલી સહજતાથી ખોટું બોલી શકે છે એટલી સહજતાથી પોતાનું વર્તન બદલી શકતો નથી. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે એ બોલતો હતો કંઈક પણ એના દિલમાં કંઈક જુદું જ હતું. આવું આપણને કેમ લાગે છે? કારણ કે માણસનું વર્તન તેના મગજમાં ચાલતાં વિચારોની ચાડી ફૂંકી દે છે. ગળે હાથ મૂકીને અને ભગવાનના સોગંદ ખાઈને પણ કોઈ કહે કે હું સાચું કહું છું, તો પણ જો એ ખોટો હશે તો આપણને સમજાઈ જશે કે એ જુઠ્ઠો છે. સચ્ચાઈને સોગંદની પણ જરૂર નથી પડતી. 

ક્યારેક કોઈની આંખ જોઈને આપણને ખબર પડી જાય છે કે એ માણસ સાચું કહે છે. બધા નિર્ણયો માત્ર તર્કથી નથી લેવાતા, ઘણા નિર્ણયો વર્તનથી લેવાય છે. ગમે તેવો ગુસ્સો હોય, માણસે ગમે એવી ભૂલ કરી હોય પણ જો એ ખરા દિલથી સોરી કહી દે તો ભલભલો માણસ પીગળી જાય છે. માણસનું વર્તન જ કહે છે કે એની ભૂલ એને સમજાઈ ગઈ છે અને તેનાથી જે ભૂલ થઈ છે, તેની ગંભીરતા એ સમજે છે. સોરી કહેવા ખાતર સોરી કહેનારા લોકો પકડાઈ જતાં હોય છે. 

માણસના વર્તનનાં સૌથી વધુ બોલકાં દૃશ્યો એરપોર્ટ અને રેલવે સ્ટેશને સર્જાતાં હોય છે. પોતાની વ્યક્તિ જ્યારે વિદાય લેતી હોય ત્યારે તેને હગ કરીને હાથના ઈશારાથી બાય કરતી વખતે થોડીક ભીની થઈ ગયેલી આંખો બધો જ પ્રેમ બયાન કરી દે છે. એક હજાર શબ્દો પણ વ્યક્ત ન કરી શકે એ લાગણી ઘણી વખત આંસુનું ટીપું વ્યક્ત કરી દે છે. એરપોર્ટ ઉપર સર્જાતાં દૃશ્યો ધ્યાનથી જોજો. કોઈ આવતું હોય ત્યારે બે વ્યક્તિ જેવી રીતે મળે છે, તેના પરથી અંદાજ આવી જાય છે કે એ બંને કેટલા નજીક છે અને એક-બીજાને કેટલો પ્રેમ કરે છે. 

દરેક ‘હગ’ સાચું હોય એવું પણ જરૂરી નથી છતાં માણસનું આલિંગન અને સ્પર્શ એ બતાવી આપે છે કે તેનું વર્તન કેટલું નેચરલ અને કેટલું નાટકીય છે. માણસ પગે લાગે ત્યારે પણ પગે લાગનારનું વર્તન તેને ખરેખર કેટલો આદર છે એ કહી દે છે. ઘણા વંદન માત્ર કરવા ખાતર જ થતાં હોય છે. 

સાવ સાચું વર્તન એ હોય છે, જે વિચારીને થતું નથી. વર્તન ઇન્સ્ટંટ હોય છે. વર્તન બસ થઈ જાય છે. ગુસ્સા વિશે કહેવાય છે કે ગુસ્સો કરવો હોતો નથી પણ ગુસ્સો થઈ જાય છે. કોઈ માણસ નક્કી કરીને ગુસ્સે નથી થતો, કોઈના વર્તનથી કે વાતથી અચાનક જ મગજ ફટકી જાય છે. માત્ર ગુસ્સાનું જ એવું નથી, દરેક વર્તનનું એવું છે. ઘણા પ્રસંગો જ એવા હોય છે કે માણસ ભાવુક થઈ જાય છે. કઠોરમાં કઠોર માણસ ઘણી વખત જાહેરમાં એવો રડી પડે છે કે આપણને માન્યામાં ન આવે! દીકરીની વિદાયનો પ્રસંગ અને ફેરવેલ પાર્ટીઝ તેનાં સૌથી મોટાં ઉદાહરણો છે. ફેરવેલ પાર્ટીમાં પણ માણસના શબ્દો કરતાં માણસનું વર્તન વધુ બોલકું હોય છે. જેની વિદાય હોય તેના વિશે લોકો વાતો કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે અંદરખાને હરખાતા હોય છે કે હાશ ગયો, જાન છૂટી, ભગવાન ન કરે કે આવા લોકોની સાથે પનારો પડે! આ જ વ્યક્તિ જ્યારે જનારા વિશે સારું સારું બોલે ત્યારે પાર્ટીમાં હાજર બધી જ વ્યક્તિ સમજી જાય છે કે એ બદમાશ નાટક કરે છે. જે માણસને ખરેખર દુઃખ થયું હોય એ સારું ન બોલે તો પણ પરખાઈ જાય છે. 

એક ફેરવેલ પાર્ટી હતી. એક યુવાન જોબ કરવા માટે બીજે જતો હતો. બધાએ વારાફરતી એના વિશે વાતો કરી. સારી અને ખરાબ ઘટના વાગોળી. એક તેનો ખરેખર ફ્રેન્ડ હતો. તે ડિસ્ટર્બ હતો. અને બોલવા ઊભો થયો અને એટલું જ બોલ્યો કે ગુડબાય ડિયર. જેવી બંનેની આંખો મળી કે તેનાથી એક ડૂસકું ભરાઈ ગયું. એ વધુ કંઈ બોલી ન શક્યો. વિદાય હતી એ મિત્ર તેને ભેટી પડયો. બંનેની આંખો વહેતી હતી. એ બંનેના સ્પર્શમાં જેટલી વેદના હતી એટલું જ આશ્વાસન હતું. આવા સમયે જે દૃશ્યો રચાય છે તેની પાસે લાંબાં લાંબાં ભાષણો પણ ફિક્કાં લાગતાં હોય છે. 

બાળકના જન્મ પછી એ બોલતાં મોડું શીખે છે. તેની પાસે શબ્દો હોતા નથી. બાળક તેની દરેક લાગણી વર્તનથી વ્યક્ત કરે છે. બાળકના સ્પર્શ જેટલી સ્વાભાવિક્તા કશામાં નથી હોતી. તમે બાળકને તેડો તેના ઉપરથી એને સમજાઈ જાય છે કે તમને એના ઉપર કેટલો પ્રેમ છે. ધીમે ધીમે બાળક બોલતાં શીખે છે. તેના શબ્દો આડાતેડા અને કાલાઘેલા હોય છે છતાં આપણને તેનું વર્તન, તેનો ઇશારો અને તેની લાગણી સમજાઈ જાય છે. શબ્દો માણસ મોટા થતાં થતાં શીખે છે પણ વર્તન તો જન્મજાત હોય છે. માના પેટમાં હોય ત્યારે જ બાળક વર્તન કરવા માંડયું હોય છે. એટલે જ કદાચ શબ્દો કરતાં વર્તન વધુ અસરકારક બની જાય છે. 

પતિ-પત્ની કે પ્રેમીઓ વચ્ચે કેટલી આત્મીયતા છે એ તેના વર્તન પરથી સમજાઈ જાય છે. રોડ ક્રોસ કરતી વખતે કે પગથિયાં ઊતરતી વખતે ઊભાં થતાં દૃશ્યો એ બતાવી આપે છે કે ખરેખર બંને વચ્ચે કેટલી ઇન્ટિમસી અને કેર છે. જરાકેય જોખમ લાગે એટલે તરત જ હાથ પકડાઈ જતો હોય છે. કેટલાક દંપતીઓ બહુ ઓછું બોલે છે પણ તેનું વર્તન એવું હોય છે કે આપણને એ લોકોના પ્રેમની તીવ્રતા ખબર પડી જાય. પ્રેમમાં હોઈએ ત્યારે સૌથી વધુ સંવાદો શબ્દો વગરના હોય છે. મૌન જ બધું કહી દેતું હોય છે. કેટલાક લોકોની હાજરી જ આપણને ઉષ્મા આપી જતી હોય છે. એ કંઈ બોલે નહીં તોપણ ઘણું બધું કહી દેતી હોય છે. એટલે જ કદાચ એવું કહેવું પડે કે સૌથી શ્રેષ્ઠ સંવાદ મૌનથી જ રચાતો હોય છે. 

માણસનું વર્તન જ એની ઓળખ છે. તમે સારા હોવ તો તમારે કહેવાની જરૂર જ નથી પડતી કે તમે સારા છો. તમે ખરાબ હોવ તો તમે ગમે એટલી વખત એ કહો કે હું સારો છું તો પણ તેનાથી કોઈ ફેર પડતો નથી. નોકરી છૂટવા વિશે એક રસપ્રદ સર્વે થયો છે. આ સર્વે કહે છે કે જે લોકો નોકરી ગુમાવે છે એમાંથી મોટા ભાગના લોકો એની બિનકાર્યક્ષમતાને કારણે નહીં પણ એના વર્તનને કારણે નોકરી ગુમાવે છે. તમે પણ હોશિયાર હોવ એ પૂરતું નથી, તમે સારાં પણ હોવા જોઈએ. ટીમવર્કમાં આવડત કરતાં વર્તન વધુ અસર કરી જાય છે. 

ઘરના વડીલનું વર્તન પરિવારના તમામ સભ્યોને સાચા કે ખોટા રસ્તે ચડાવી દેતું હોય છે. કોઈ પણ ટીમના વિજયનો આધાર તેના કોચના વર્તન ઉપર હોય છે. શિક્ષક વિદ્યાર્થીને જે શીખવાડે છે તેના કરતાં શિક્ષક બાળક સાથે જેવું વર્તન કે છે તેના પરથી બાળક વધુ શીખે છે. તમારું વર્તન તમારી આસપાસના લોકો માટે એક લેસન જેવું હોય છે, એ ક્યાંકને ક્યાંક રિફ્લેક્ટ થતું હોય છે. માણસની ગેરહાજરીમાં તેના શબ્દો કરતાં તેનું વર્તન વધુ યાદ આવે છે. 

આપણે ઘણી વખત એવું બોલીએ અને સાંભળીએ છીએ કે મને આજે જેવું ફીલ થાય છે એનું વર્ણન કરવા મને શબ્દો જડતા નથી. મોટા ભાગે જો આવી ફીલિંગ સાચી હોય તો શબ્દોની જરૂર જ પડતી નથી, વર્તન જ બધું કહી દેતું હોય છે. 

તમે ક્યારેક વિચાર્યું છે કે તમારું વર્તન કેવું છે? તમારા વર્તનની તમારા લોકો પર કેવી અસર થાય છે? કમનસીબી એ જ વાતની હોય છે કે માણસ બીજાના વર્તનની વાતો અને ટીકા-ટિપ્પણી કરતો રહે છે અને પોતાના વર્તન વિશે વિચાર સુધ્ધાં કરતો નથી. તમને તમારી વ્યક્તિ પાસે સારા વર્તનની અપેક્ષા છે? તો સૌથી પહેલાં સારું વર્તન કરતાં શીખો. તમારું વર્તન જેવું હશે તેવો જ પ્રતિભાવ તમને મળશે. અને હા, જ્યારે વર્તન જ બધું કહી દેતું હોય ત્યારે શબ્દોનો ઉપયોગ ઓછો કરો. માણસની ભાષા અને શબ્દો કદાચ જુદાં જુદાં હશે પણ માણસનું વર્તન યુનિવર્સલ છે, વૈશ્વિક છે. અંતે આપણે એવા જ હોઈએ છીએ જેવું આપણું વર્તન હોય છે. બીજાના વર્તનની સાથે પોતાના વર્તન ઉપર થોડીક નજર રાખજો, કારણ કે આખરે બધું વર્તાઈ જતું હોય છે.
છેલ્લો સીન 

તમારું વર્તન તમારા સંસ્કારનું પ્રતીક છે. - નોવાલીસ


Posted By : DEDHIA DIPTI.B On Gujarati

Categories:

Leave a Reply