જીવન એક અદ્ભુત ઘટના છે. રોજ સવારે એક જ સૂર્ય ઊગે છે. અને એ સૂરજ દરેક માનવીના જીવનમાં એક કે બીજો સંદેશ લઈને આવે છે. ક્યારેક શુભ કે કદીક અશુભ. જીવનની ઘટમાળ એમ જ ચાલતી રહે છે. ક્યારે સમયદેવતા કોની ઝોળીમાં શું ઠાલવશે એની જાણ કોઈને નથી હોતી અને સારું કે નરસું. જે પણ મળે તે માણસ માત્રને સ્વીકારવું પડતું હોય છે. મને કે કમને પણ સારી વાતને એ રોકી નથી શકતો કે નરસી વાતને જવા નથી દઈ શકાતી. એક અર્થમાં માનવી સમયના હાથની કઠપૂતળી જ બની રહેતો હોય છે. 

રીનાબહેનના જીવનમાં પણ એક દિવસ સમયદેવતા વસમો આઘાત આપીને પોતે ખસી ગયા. સાજા સમા પતિ જમીને રાત્રે સૂતા હતા તે સવારે ઊઠયા જ નહીં. હંમેશ માટે અચાનક સૂઈ ગયા. ઊંઘમાં જ કદાચ ભારે એટેક આવી ગયો હતો. અને ધબકતું હૃદય એક પળમાં બંધ પડી ગયું હતું અને વહેલી સવારે કોઈને કશું કરવાની તક આપ્યા સિવાય જ દુનિયાને. વહાલી પત્નીને અલવિદા કરી ગયા હતા. રાત્રે સૂતાં હતા ત્યારે રીનાબહેનને કલ્પના સુદ્ધા નહોતી કે પતિની આ આખરી રાત છે અને આમ પણ કોને એવી ખબર હોય છે? યમરાજાનું આગમન તો મોટે ભાગે સાવ અણધાર્યું જ હોય છે ને? 

અને એક દિવસ રીનાબહેનની પૂરી દુનિયા બદલાઈ ગઈ. રીનાબહેન સાવ એકાંકી બની રહ્યા. સંતાનમાં એક માત્ર પુત્રી હતી. જેના લગ્ન દસ વરસ પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ રીનાબહેનના નસીબમાં દીકરીનું સુખ પણ નહોતું. જમાઈ માથાભારે હતો. આખો વખત તારે પિયરથી આ લઈ આવ અને તે લઈ આવ. ના ઓર્ડર છોડયા કરતો હતો. તારે ક્યાં કોઈ ભાઈ છે... જે છે તે બધું તારું જ કહેવાય ને? અને દીકરીને પણ ન જાણે કેમ પતિની વાત જ સાચી લાગતી હતી. શરૂઆતમાં તો મા-બાપ શક્ય તે દીકરીને આપતા રહેતાં હતાં. પરંતુ જમાઈની લાલચનો કોઈ અંત નહોતો અને પોતે કંઇ લાખોપતિ તો નહોતા જ. બધું આપી દે તો જરૂર પડયે પોતે ક્યાં જાય? અને એકવાર જમાઈએ મંગાવેલા, પૈસા આપવાની ના પાડી. બસ... તે દિવસની ઘડીથી દીકરીએ પણ મા-બાપ સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. પોતે એક માત્ર સંતાન હોવા છતાં મા-બાપ પોતાને નથી આપતા એવું તેના મનમાં ઠસી ગયું હતું. મા-બાપને પોતાના કરતાં પૈસા વધારે વહાલા લાગે છે. બસ... એ વિચારે મનમાં કબજો જમાવી લીધો હતો. અને રીનાબહેનની લાખ સમજાવટ પણ કામ નહોતી આવી અને અંતે દીકરી સાથે કામ સિવાય બોલવાનો વ્યવહાર પણ છૂટી ગયો હતો. પિતાનું મૃત્યુ થવાથી દીકરી જમાઈ આવ્યા તો હતા. પરંતુ બધી વિધિ પતી ગયા બાદ તેર દિવસ પછી દીકરીએ જમાઈના કહેવાથી પિતાની મિલકતમાં ભાગ માગ્યો હતો. રીનાબહેન સ્તબ્ધ બની ગયા હતા અને પછી તો સગાઓ વચ્ચે ઘણી ચર્ચા ચાલી હતી. રીનાબહેન પાસે પોતાની મરણમૂડી તો હોવી જ જોઈએ. સગાંઓનો એ મત રીનાબહેનને પણ સાચો લાગ્યો. પોતાને જરૂર પડે ત્યારે કોની પાસે માગવા જવું? અને પોતાના ગયા પછી તો દીકરીને મળવાનું જ છે ને? અત્યારે ઉતાવળ શા માટે? 

પોતાની માગ પૂરી ન થવાથી દીકરી જમાઈ ઝઘડો કરીને હંમેશ માટે સંબંધ તોડીને ચાલ્યા ગયા હતાં અને રીનાબહેન સાવ એકાંકી બની રહ્યા. જોકે સદ્નસીબે આર્થિક રીતે કોઈ તકલીફ નહોતી. હજુ તો બે વરસ પહેલાં જ સ્કૂલમાંથી રિટાયર થયા હતાં. પેન્શન આવતું હતું. ઘરનું ઘર હતું. એથી જીવનનિર્વાહ માટે કોઈ પાસે લાંબો હાથ કરવો પડે તેમ નહોતો અને વધારે પૈસાની જરૂર પણ ક્યાં હતી? દીકરો તો હતો નહીં. દીકરીના વર્તનથી રીનાબહેનનું મન ખાટું થઈ ગયું હતું. આવે સમયે માની પડખે ઊભા રહેવાને બદલે દીકરી... 

ખેર... હશે કોઈ ઋણાનુબંધ... માનીને રીનાબહેને મન વાળી લીધું હતું. હવે તેમણે એક અનાથાશ્રમમાં જવાનું ચાલુ કર્યું. ત્યાંના બાળકોને ભણાવવાનું કામ સેવા તરીકે ઉપાડી લીધું. પોતાનો સમય સારી રીતે પસાર થાય ને કશુંક કર્યાનો સંતોષ પણ મળે. જીવન શાંતિથી વહ્યે જતું હતું. કોઈ અફસોસ વિના. 

એેવામાં એક દિવસ રીનાબહેન પડી ગયા. થાપાનું હાડકું ભાગતાં સર્જરી કરાવવી પડી. હવે તે સાવ બેડ રિડન બની ગયા. છ મહિના સુધી હલવા ચાલવાની મનાઈ થઈ ગઈ. રીનાબહેન મૂંઝાયા. નજીકના સગાંમાં કોઈ એવું નહોતું જે કામ લાગી શકે. બે ચાર દિવસ દૂરના કોઈ સંબંધીએ ચલાવી દીધું. પણ પછી? કામ કરનાર કોઈ સરખું મળતું નહોતું. દીકરીએ તો આ સમાચાર સાંભળીને જોવા આવવાની પણ તકલીફ સુદ્ધાં ન લીધી. 

અપંગ થતાં રીનાબહેન મૂંઝાયા. કોઈ પૈસા લઈને આખો દિવસ સાથે રહી શકે એવી કોઈ વ્યક્તિને શોધતા હતા. હજુ તો અઠવાડિયું થયું હતું અને આવા છ મહિના કાઢવાના હતા. 

ત્યાં અચાનક એક દિવસ તેમની જૂની વિર્દ્યાિથની મીરા તેમને શોધતી આવી ચડી. મીરાને ઘણાં વરસો બાદ જોતાં રીનાબહેન ખુશ થયા. પરંતુ રીનાબહેનની સ્થિતિ જોઈ મીરાને ખૂબ દુઃખ થયું. આડી અવળી વાતો કરી તેને બહેનની બધી પરિસ્થિતિ જાણી લીધી, સમજી લીધી. વરસો પહેલાં મીરાં ખૂબ ગરીબની દીકરી હતી અને રીનાબહેને વરસો સુધી તેનો ભણાવવાનો બધો ખર્ચો ઉપાડી લીધો હતો. તેના માતાપિતા તેને કૉલેજમાં મોકલવા તૈયાર નહોતા. ત્યારે રીનાબહેને તેમને સમજાવ્યા હતાં. કૉલેજની ફી બધી તેઓ જ ભરતા હતાં. અને આથી જ મીરા ભણી શકી હતી અને તેના એ શિક્ષણને લીધે જ કે નસીબ. જે કહો તે પણ તેના લગ્ન સારા કુટુંબમાં થયા હતાં. મીરાના લગ્નમાં પણ રીનાબહેન અને તેના પતિ બંને ગયા હતાં. પરંતુ એ પછી કોઈ સંપર્ક રહ્યો નહોતો લગ્ન પછી મીરા પતિ સાથે વિદેશ જઈને વસી હતી. અને આજે અચાનક ગામમાં આવતાં તેને પોતાના આ બહેન યાદ આવી ગયા હતાં. અને તેથી તેમને શોધતી મળવા આવી ચડી હતી. પોતાના આ વહાલા શિક્ષકને એ કદી ભૂલી શકી નહોતી. સંજોગોને લીધે મળી શકી નહોતી. પરંતુ આ બહેનને લીધે જ પોતે આગળ આવી છે એ વાત તે ક્યારેય વીસરી નથી. હવે હંમેશ માટે તેઓ વિદેશ છોડી પાછા શહેરમાં આવી ગયાં હતાં. એ બધી વાત રીનાબહેનને તે ભાવથી કહી રહી. તેની આંખો ભીની બની હતી. 

“બહેન, તમે મને હંમેશાં એક માનો પ્રેમ આપ્યો છે અને મને દીકરી જ માની છે. સાચી વાત ને?” 
રીનાબહેન હસી રહ્યા. 

“માની છે શા માટે? બેટા, તું મારી દીકરી જ છો ને? જો આટલા વરસો બાદ પણ તું એ બધી નાની વાતો ભૂલી નથી. એનો મને આનંદ છે 

“બહેન, એ નાની વાતોએ મારા જીવનને કેટલું સભર બનાવ્યું છે. એ તમને કેમ સમજાવું? નહીંતર આજે ન જાણે હું કઈ ગલીઓમાં ઠેબા ખાતી હોત.” 

“અરે બેટા... બધા દુનિયામાં પોતાનું નસીબ લઈને જ આવ્યા હોય છે. આપણે બધા તો નિમિત્ત માત્ર. 

“તો પછી બહેન મને પણ નિમિત્ત બનવાની તક આપો. આજથી હું તમારી દીકરી. સાચેસાચી દીકરી હો. કહેવા કે બોલવા પૂરતી નહીં...” 

હા... હા બેટા. તું મારી સાચી દીકરી બસ... 

“તો આ દીકરી કંઈ તમને આવી હાલતમાં એકલા મૂકીને જઈ શકે ખરી?” 

અને પછી તો ઘણી દલીલો. ચર્ચાઓ થઈ. અંતે મીરાના સ્નેહ આગળ રીનાબહેનને માનવું જ પડયું. મીરા તેમને પોતાને ઘરે લઈ ગઈ. સાજા થયા બાદ પણ જીવનના આખરી શ્વાસ સુધી રીનાબહેન મીરાને ઘરે જ રહ્યા. મીરાના પતિ અને બાળકો પણ રીનાબહેનને એવો જ માન આદર અને સ્નેહ આપતા હતા. રીનાબહેનને જાણે પોતાની ખોવાયેલી દીકરી મળી હતી. એક દીકરીએ તેમને તરછોડયા હતા. પણ આ દીકરીએ તો લોહીની સગાઈ પણ વિસરાવી દીધી હતી. સંબંધોનો કેવો મજાનો સેતુ રચાઈ ગયો હતો. કરેલું કદી નકામું જતું નથી. એ નિયમ કદાચ અહીં પણ લાગુ પડયો હતો. સંબંધોના આવા સેતુ જ માનવજીવનની ગરિમાનું ભાન કરાવે છે. સંબંધોનું સાચું સૌંદર્ય સમાજમાં જોવા મળી જતા આવા કોઈ ઉદાહરણોમાં સોળે કળાએ ખીલી ઊઠતું જોઈ શકાય છે. આવા સંબંધસેતુને તો સલામ જ ઘટે ને? 

- નીલમ દોશી

Categories:

Leave a Reply