દાદાને નવો આઈડિયા સૂઝ્યો. તેમને દાંત ન હતા. ચોકઠું હતું. તેમણે દાંતનું એક ચોકઠું બહાર કાઢી હાથમાં રાખી કહ્યું, ‘મારી જેમ દાંત હથેળીમાં રાખી બતાવ.’ 

ઘરમાં જપનને દાદા સાથે સારું બને ને દાદાને જપન જોડે વાતો કરવી બહુ ગમે. દાદા જપનને ભણવામાં પણ મદદ કરે. દાદા એને ભણાવે. ગણિતના દાખલા સમજાવે. કવિતાના રાગ શીખવાડે. ઇતિહાસ ભણાવતાં વધારાની વાર્તાઓ પણ કહે. જપનને આ બધું ગમે. ને જપન પણ દાદાનાં નાનાં-મોટાં કામ કરી દે. દાદાને પાણી આપે. દાદાનાં ચશ્માં ખોવાઈ ગયાં હોય તો શોધી આપે. દાદાની હારે મંદિર દર્શન કરવા જાય. દાદાની પથારી સરખી કરી આપે. આમ ઘરમાં દાદા અને જપનની જોડી જામે. 

જપનનાં મમ્મી ને પપ્પા બંને જણ નોકરી કરે. જપન ને દાદા ઘરે હોય. જપન નિશાળે જાય ત્યારે દાદા એકલા પડી જાય. સાંજ પડે ને દાદા જપનના ઘરે આવવાની રાહ જોતા હોય. જપનની રિક્ષાનો અવાજ આવે ને દાદા ખુશ થઈ જાય. દરવાજેથી જપન દાદાના નામની બૂમો પાડતો દાખલ થાય,’દાદા હું આવી ગયો. બોલો, આજનો કાર્યક્રમ?’ 
દાદા હસીને કહે,’પહેલાં જપનભાઈ કપડાં બદલશે. પછી હાથ-પગ-મોં ધોઈ નાસ્તો કરશે ને પછીની વાત પછી.’ 

આ સાંભળી જપનનો શાળાનો થાક ક્યાંય દૂર થઈ જતો. કપડાં બદલતાં ને પછી નાસ્તો કરતાં કરતાં જપન દાદાને શાળાનો રિપોર્ટ સંભળાવી દેતો. એમાં કોઈ ટીચર સામેની ફરિયાદ પણ હોય ને ક્યારેક કોઈ ટીચરની પ્રશંસાય હોય. રિસેસમાં કેવી મજા પડી એનીય વાત હોય ને પ્રાર્થનાસભામાં શું નવું થયું તેય વાત હોય. આ સાંભળી દાદા હસતાં હસતાં કહેતા, ‘જપન, ભવિષ્યમાં તું પત્રકાર થવાનો.’ 

આમ દાદા-જપનની જોડી રોજ આનંદ કરે. 
એક દિવસની વાત. 

શાળાએથી જપન આવ્યો. નાસ્તો કરતાં કરતાં તે કહે,’દાદા, આજે આપણે એક નવી રમત રમીએ.’ 
દાદાએ કહ્યું,ભલે કઈ રમત? મને સમજાવ.’ 

જપન કહે,’આજે અમારી શાળામાં બાળસભા રાખવામાં આવી હતી. એમાં અવનવા કાર્યક્રમો રજૂ થયા. કોઈએ ગીત ગાયું તો કોઈએ ડાન્સ કર્યો. કોઈએ એકપાત્રી અભિનય કર્યો તો કોઈએ કરાટેના દાવ બતાવ્યા. એ પરથી મને એક નવો આઈડિયા આવ્યો.’ 

‘કેવો આઈડિયા?’ દાદાએ પૂછયું. 

‘દાદા, આપણે નકલ કરવાની રમત રમીએ.’ જપને કહ્યું. 

‘એટલે? એમાં શું કરવાનું?’ દાદાએ પૂછયું. 

એમાં એક વ્યક્તિ જે કરે એની બીજાએ નકલ કરવાની. જો ન કરી શકે તો તે હારી જાય. બોલો, રમીશું આ રમત?’ 

દાદાએ વિચારીને જવાબ આપ્યો,’તો હો જાય!’ 

જપન હસીને બોલ્યો, ‘દાદા, તમે મારા જેવું નહીં કરી શકો હોં. તમે હારી જવાના.’ 

‘ભલે દીકરા, તું જે કહે એમાં હુંય રાજી.’ 

ને પછી રમત શરૃ થઈ. પ્રથમ જપને ટટ્ટાર ચાલવાની એક્શન કરી ને પછી બોલ્યો,’દાદા, મારી જેમ ટટ્ટાર ચાલી બતાવો.’ 

જપનના દાદા ઘરડા થયા હતા. તેમને કેડમાં તકલીફ હોવાથી તેઓ વાંકા ચાલતા હતા. પ્રથમ રાઉન્ડમાં દાદા હારી ગયા. હવે દાદાનો વારો આવ્યો. દાદા પણ ઉસ્તાદ હતા. તેઓ વાંકા ચાલ્યા ને કહે,’તું આમ ચાલી બતાવ.’ 

જપને દાદાની જેમ વાંકા ચાલી બતાવ્યું. ફરી જપન જીતી ગયો. હવે જપનનો વારો આવ્યો. જપને છાપું હાથમાં લીધું ને કહે,’દાદા, હું ચશ્માં પહેર્યાં વગર છાપું વાંચીશ.’ પછી વાંચીને કહે,’હવે તમે ચશ્માં પહેર્યા વગર વાંચી બતાવો.’ 

દાદા ચશ્માં વગર વાંચી શકતા ન હતા. ફરીથી દાદા હારી ગયા. જપનના ત્રણ પોઈન્ટ થયા જ્યારે દાદાએ હજી ખાતું ખોલાવ્યું ન હતું. જપન ખુશ જણાતો હતો. દાદા વિચારમાં પડી ગયા. 

‘દાદા, હવે તમારો વારો. ચાલો, ઝટ એક્શન કરો.’ 

દાદાને નવો આઈડિયા સૂઝ્યો. તેમને દાંત ન હતા. ચોકઠું હતું. તેમણે દાંતનું એક ચોકઠું બહાર કાઢી હાથમાં રાખી કહ્યું,’મારી જેમ દાંત હથેળીમાં રાખી બતાવ.’ 

ને જપન મૂંઝાયો. જપન આ કરી શકે તેમ ન હતો. જપન હારી ગયો. દાદાને એક પોઈન્ટ મળ્યો. દાદા ખુશ થયા. હવે જપનનો વારો હતો. જપન વિચારમાં પડી ગયો. હવે શું કરવું? ને તેને નવો આઈડિયા સૂઝ્યો. તે બોલ્યો,’દાદા, હવે હું જ્યાં બેસું ત્યાં તમારે બેસી બતાવવાનું છે. ફાવશે ને?’ 

‘હા.. હા.. કેમ નહીં. તું બેસ પછી હું ત્યાં બેસી બતાવીશ.’ 

જપન ઊભો થયો ને દાદાની ખુલ્લી પીઠ પર અવળો બેઠો. તમે તમારી પીઠ પર બેસી બતાવો.’ 

દાદા નવાઈ પામી જપન સામ જોઈ જ રહ્યા. આવું તે કરી શકે તેમ ન હતા. દાદા પૌત્રની કરામત સામે હારી ગયા. દાદા બોલ્યા,’શાબાશ, બેટા! તું જીત્યો ને હું હાર્યો..’ને દાદાએ જપનને પ્રેમથી બાથમાં લઈ લીધો. 

- નટવર પટેલ

Categories:

Leave a Reply