રંગ કેવા હોય ખુલ્લા નજરભીના સ્મિતમાં, મેઘધનુમાં રંગ એવો સરજવાની વાત કર
- કિશોર પંડયા 

માણસની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ક્યારેય પોતાને ખોટો માનતો નથી. માણસ ભાગ્યે જ એવું વિચારવાની તસ્દી લે છે કે હું પણ ખોટો હોઈ શકું છું. દરેક માણસે એ પણ સમજી લેવાની જરૂર છે કે તમને કોઈ ક્યારેય સાચા માનવાના નથી. દરેક માણસ પોતાની વાત જ સાચી હોવાનું ઠસાવવાનો પ્રયત્ન કરે છે. મોટા ભાગના ઝઘડા અને વિવાદનું કારણ માણસની જડ માન્યતાઓ જ હોય છે. 

એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે કોણ સાચું છે એ મહત્ત્વનું નથી પણ શું સાચું છે એ જ મહત્ત્વનું હોય છે. માણસ હંમેશાં પોતાને સાચો સાબિત કરવા દલીલો કરતો હોય છે અને તર્કો આપતો રહે છે. કોઈ માણસ કાયમ માટે ક્યારેય ખોટો હોતો નથી, એટલી જ સાચી વાત એ પણ છે કે માણસ કાયમ સાચો પણ હોતો નથી. આપણે કેટલી વખત સામી વ્યક્તિની વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? કોઈ વ્યક્તિ દલીલ કરે ત્યારે આપણે તેના પક્ષનું સત્ય ધ્યાને લઈએ છીએ ખરા? 

આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે એક વખત તું મારી જગ્યાએ આવીને વિચારે તો તને ખબર પડે કે હું કેટલો સાચો છું. કોઈ માણસ ક્યારેય કોઈની જગ્યાએ જઈ શકતો નથી, કારણ કે તે પોતાની જગ્યાએ જ જડ થઈ ગયો હોય છે. દરેક માણસની વિચારવાની એક ચોક્કસ દિશા અને નિર્ધારિત ક્ષમતા હોય છે. તમારું વિચારવાનું વર્તુળ કેટલું મોટું છે એના ઉપરથી તમારી ચિંતનની પળે સમજદારી અને તમારા ડહાપણનું માપ નીકળે છે. 

જિંદગી અને સમસ્યાને રોજનો નાતો છે. આપણે કલ્પ્યું પણ ન હોય અને આપણી વ્યક્તિને નાની અમથી વાતમાં ખોટું લાગી જાય છે. પતિ-પત્નીના ઝઘડા મોટા ભાગે તદ્દન ક્ષુલ્લક કારણોને લીધે થતા હોય છે. એવી ગંભીર કોઈ જ વાત હોતી નથી. જિંદગીમાં જે વસ્તુનું કંઈ જ મહત્ત્વ ન હોય એવી વાતના ઝઘડામાં લોકો પોતાનું મગજ, શક્તિ અને કિમતી સમય બગાડતા હોય છે. એક નાની અમથી ચિનગારી ક્યારે ભડકો થઈ જાય છે અને બધાને દઝાડી જાય છે તેનો અંદાજ કોઈને રહેતો નથી. 

એક પતિ-પત્ની હતાં. પતિએ સવારે મોઢું ધોઈને પત્ની પાસે નેપ્કિન માંગ્યું. પત્નીએ નેપ્કિન આપ્યું. નેપ્કિન જોઈને પતિનો પિત્તો ગયો. તેણે કહ્યું કે મેં તને સો વાર કહ્યું છે કે તું મને આ ફાટેલું નેપ્કિન નહીં આપ, તને કોઈ વાત સમજાતી જ નથી. પત્ની પણ આ વાત સાંભળી ઉશ્કેરાઈ ગઈ. તેણે કહ્યું કે હજુ ચાલે એમ છે તો પછી શા માટે નહીં વાપરવાનું? જરાક અમથું તો ફાટયું છે. પતિએ કહ્યું કે તારે વાપરવું હોય તો વાપર પણ મને આ નેપ્કિન નહીં દેવાનું. પત્નીએ કહ્યું, એટલે ફાટેલું અમારે જ વાપરવાનું? પતિએ કહ્યું, ના હું એવું નથી કહેતો, તારે પણ ન વાપરવું. હું તો કહું છું કે ફેંકી દે. પત્ની પછી એટલું બોલી કે તમારું ચાલે તો તમે મનેય ફેંકી દો, તમને મારી કોઈ વાત ગમતી જ નથી. દુનિયામાં તમે જ એક સાચા. ભગવાને તમને જ બુદ્ધિ આપી છે. અમે તો સાવ મૂર્ખા જ છીએ. પછી વાત એટલી વણસી કે અગાઉ કોણે શું કર્યું હતું, કોણ સાચું હતું અને કોણ ખોટું હતું ત્યાં સુધી પહોંચી ગઈ. જરાક વિચાર કરો, નેપ્કિનની એક નાની અમથી વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. સવાલ નેપ્કિનની કિંમતનો નહીં પણ આપણી સમજદારીનો હોવો જોઈએ. થોડુંક ફાટેલું હોય એટલે કંઈ ફેંકી ન દેવાય એવી પત્નીની માન્યતા હતી. પતિ માનતો કે ફાટેલું શા માટે વાપરવું જોઈએ? 

હવે તમે કહો કે આ વાતમાં સાચી વાત શું? ઘણાને બંને સાચા લાગશે. હકીકત એ હોય છે કે પોતાની વ્યક્તિને ન ગમે એ માટે પોતાની માન્યતામાં થોડીક બાંધછોડ કરી લેવી. ઓકે., તને નથી ગમતું ને તો હવેથી આ નેપ્કિન નહીં વાપરીએ, પત્ની એવું કેમ ન કહી શકે? અથવા તો પતિ સમજાવીને મનાવી શક્યો હોત કે આપણે આવા ફાટેલા નેપ્કિન વાપરવાની કંઈ જરૂર નથી, તેને સરસ નેપ્કિન લાવીને જ કહી શકે કે હવે આ નેપ્કિન વાપરજે, અગાઉનાં નેપ્કિન બહુ જૂનાં થઈ ગયાં છે. 

ક્યારેક કોઈ વાત વણસી જાય ત્યારે થોડોક એ વિચાર કરજો કે આ ઝઘડાની શરૂઆત કેવી રીતે થઈ હતી? મોટા ભાગે તેનાં કારણ ક્ષુલ્લક હશે. જો એ વાત શરૂ થાય ત્યારે જ આપણે થોડીક સમજદારીથી વાત હલ કરી શકીએ કે ટાળી શકીએ તો કોઈ વાત એટલી બગડતી નથી કે તેને સુધારી ન શકાય. કોઈ ઝઘડો, કોઈ વિવાદ કે કોઈ મતભેદ ઉકેલી ન શકાય એવું નથી હોતું. આપણી માત્ર એને ઉકેલવાની તૈયારી હોવી જોઈએ. 

મને કોઈ સમજતું નથી એવી ફરિયાદ દરેક વ્યક્તિને હોય છે. થોડુંક એ પણ વિચારો કે હું જે સમજું છું એ જ સાચું છે? સામેની વ્યક્તિ જે વિચારે છે એ ખોટું જ છે? એ વ્યક્તિ આપણાથી જુદું વિચારે છે તો શા માટે એવું વિચારે છે? તમે કોઈ માણસના વિચારો કે માન્યતાઓ તમે ઇચ્છો એ રીતે ન બદલી શકો. હા, સાચી વાત તેને સમજાવીને તેમાં પરિવર્તન લાવી શકો. પણ આપણે એવું કરી શકતા નથી. આપણે આપણી વ્યક્તિને નાસમજ કે મૂર્ખ સમજી લઈએ છીએ અને માની લઈએ છીએ કે એ કોઈ વાત સમજવાની કે સમજવાનો જ નથી. આપણે આવું માનીને તેને સમજાવવાનો પ્રયત્ન પણ પડતો મૂકીએ છીએ. આપણે પ્રયત્ન કરતા નથી અને દોષ સામેની વ્યક્તિને દઈએ છીએ. જો આપણે જ આપણી માન્યતા ન છોડી શકતા હોઈએ તો સામેની વ્યક્તિ કઈ રીતે તેની માન્યતા છોડી શકવાની છે? 

ઉંમર વધતી જાય એમ માણસમાં એ માન્યતા દૃઢ થતી જાય છે કે હું જ સાચો છું. મારા વિચારો જ શ્રેષ્ઠ છે. સમસ્યાનો માર્ગ હું જે સૂચવું એ જ હોય છે. મોટેભાગે એવું હોતું નથી. એક સમસ્યાના ઘણાબધા ઉકેલ હોય છે. એમાંનો એક ઉકેલ કદાચ આપણો હોઈ શકે, પણ એનો મતલબ એ નથી કે બીજો ઉકેલ જ નથી. 

તમે ઘણી વખત સાચા હોવ છો. તમારી વ્યક્તિએ તમને સમજ્યા પણ હોય છે. ઘણી વખતે આપણે આપણી વ્યક્તિને એટલી હળવાશ જ નથી આપતા કે એ એમ કહી શકે કે તું સાચો છે. એવું પણ નથી કે માણસને ક્યારેય પોતાની ભૂલ સમજાતી નથી. સમજું માણસને એની ભૂલ પણ સમજાતી હોય છે. આપણી ભૂલ હોય એવું લાગે ત્યારે સહજભાવે એ સ્વીકારવી એ જ ડહાપણ છે. પોતાની વ્યક્તિને તેની ભૂલનો અહેસાસ થાય તો એ પોતાની ભૂલ સ્વીકારી શકે એટલી હળવાશ પણ આપવી જોઈએ. 

એક ઝઘડા પછી પત્નીને થયું કે હું ખોટી હતી. તેણે પતિને સોરી કહ્યું અને પોતાનાથી ગેરસમજ થઈ એવી વાત કબૂલી. પતિએ કહ્યું, “તો પછી હવેથી તારું ડહાપણ ન વાપરતી. હું કહું એ માની લેજે.” પત્નીએ કહ્યું કે “આ વખતે તું સાચો હતો પણ દરેક વખતે તું જ સાચો હોય એ જરૂરી નથી.” પતિએ કહ્યું કે “એમ હું ખોટો હોવ છું?” આ વાત પણ પતવાને બદલે વધી શકે. આવી વાત પછી એક પતિએ કહ્યું કે “તારી વાત સાચી છે. હું સાચો જ હોઉં એવું જરૂરી નથી. આપણે માણસ છીએ. દરેકથી ભૂલ થાય. હું પણ ખોટો હોઈ શકું. હું પણ દરેક વખતે વિચાર કરીશ કે હું ખોટો તો નથી ને?” 

ક્યારેય પણ એવો વિચાર આવે કે મને કોઈ સમજતું નથી ત્યારે જરાક એ પણ વિચાર કરજો કે હું કોઇને સમજું છું ખરો? કોઈને સમજવા માટે એની જગ્યાએ ન જઈ શકો તો કંઈ નહીં, તમારી જગ્યાએથી જ થોડુંક વિચારી જોજો. દરેક સંબંધ તોડી શકાતા નથી, તોડવા પણ ન જોઈએ. ઘણી વખત થોડું જતું કરીને ઘણું બધું મેળવી કે સાચવી શકાતું હોય છે. ઝઘડા થવાના જ છે, સમસ્યાઓ સર્જાવાની જ છે પણ તમે તેને કેવી રીતે ટેકલ કરો છો અને કેવી રીતે નિરાકરણ લાવો છો તેના પર જ તમે કેટલા સમજું, ડાહ્યા અને સારા છો એ નક્કી થતું હોય છે. દરેક વ્યક્તિ સારી હોય છે પણ બહુ ઓછા લોકો તેના સારાપણાને વ્યવહારમાં લાવતાં હોય છે. સરવાળે ડહાપણ અને સમજદારી એ જ છે જે આપણને અને આપણા લોકોને સહજતાથી અને સરળતાથી જીવવા દે અને ખીલવા દે. 
છેલ્લો સીન : 

બીજાને માટે બહુ લાગણી થાય, પોતાની જાતને વીસરી જવાય, સ્વાર્થને અંકુશમાં રખાય અને ઉચ્ચ સ્નેહમાં મગ્ન થવાય ત્યારે જ માનવજીવન સંપૂર્ણ બને છે. 

- એડમ સ્મિથ 

- કૃષ્ણકાંત ઉનડકટ

Categories:

Leave a Reply