ખખડી રહ્યા સુકાયેલાં પાનો પવન થકી,હસવાનો એક પ્રકાર હતો, કોઇ માનશે? 

જોયો નહીં આ જિંદગીમાં જેણે પ્રકાશ,દૃષ્ટિનો અંધકાર હતો, કોણ માનશે? 
- રતિલાલ ‘અનિલ’ 

ઉદાસી વગર આનંદનું કોઈ મહત્ત્વ હોત ખરું? વિરહ વગર મિલનની કોઈ મજા હોત ખરી? થાક વગર ઊંઘનો સાચો આનંદ મળે ખરો? ભૂખ ન હોય તો જમવાની મજા આવે ખરી? સુખનું પણ એવું જ છે, દુઃખ વગર સુખની સમજ જ નથી પડતી. જે માણસ ક્યારેય દુઃખી નથી થયો તેના જેવો કમનસીબ બીજો કોઈ નથી. સતત સુખ પણ જોખમી છે. જિંદગી ફજરફાળકા જેવી છે. ઉપર જાવ તો જ નીચે આવતી વખતે પેટમાં શેરડો પડે અને નીચે આવ્યા પછી જ ઉપર જવાનો રોમાંચ થાય. મેરી-ગો-રાઉન્ડ ઉપર-નીચે જવાને બદલે માત્ર ગોળ-ગોળ ફરતું હોય તો કોઈ આનંદ નથી! 

પતિ-પત્નીના ઝઘડા વિશે હમણાં એક સંશોધન થયું છે. વિશ્વનું કોઈ કપલ એવું નહીં હોય જેના વચ્ચે ક્યારેય ઝઘડો ન થયો હોય. દાંપત્યજીવનમાં અને પ્રેમમાં ઝઘડા સ્વાભાવિક છે. ઝઘડાનો અભ્યાસ એવું કહે છે કે જ્યારે પતિ-પત્નીનો ઝઘડો પતે પછી તેની પ્રેમની તીવ્રતામાં થોડોક વધારો થાય છે. દરેક ઝઘડા પછી બંને થોડાંક વધુ નજીક આવી જાય છે. ઝઘડા પછીના પ્રેમની ક્ષણો સામાન્ય દિવસોના પ્રેમ કરતાં ઉત્કટ હોય છે. ઝઘડામાં નેગેટિવિટી છે પણ ઝઘડો પૂરો થતાં જ એ નેગેટિવિટીનું પોઝિટિવિટીમાં રૂપાંતરિત થઈ જાય છે. 

જંપ મારવા માટે બે-ચાર પગલાં પાછા જવું પડે છે, બસ એના જેવી જ આ વાત છે. જિંદગીમાં ક્યારેક નિષ્ફળતા મળે કે પાછાં પગલાં ભરવાં પડે તો ડરવાની કોઈ જરૂર નથી, એ જ તમને આગળ લઈ જવા માટે મદદ કરશે. તમે યાદ કરો, તમારી જિંદગીમાં અમુક નિષ્ફળતા એવી હશે, જેણે તમને આગળ વધવા માટે મજબૂર કર્યા હશે. મોટા ભાગના સંકલ્પો એવી રીતે લેવાતા હોય છે કે હવે તો હું આવું કરીને જ બતાવીશ. જોઈ લેવાની ભાવનામાં પણ જો પોઝિટિવિટી હોય તો એ સફળતાનું કારણ બને છે. 

એક કોન્ફરન્સ હતી. આ કોન્ફરસ માટે અમુક ટકા પરિણામ જરૂરી હતું. એક વિદ્યાર્થી આ કોન્ફરન્સમાં ગયો. તેનું પરિણામ પૂરતું ન હતું. એ વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો. શિક્ષકે તેને કહ્યું કે, આવડતું તો કંઈ નથી અને કોન્ફરન્સમાં ભાગ લેવો છે? બસ, આ વિદ્યાર્થીને લાગી આવ્યું. તેણે મનોમન નિર્ધાર કર્યો કે હવે તો મહેનત કરીને, સારું પરિણામ લાવીને કોન્ફરન્સમાં ભાગ લેવો જ છે. બીજા વર્ષે તેણે ખૂબ મહેનત કરી. સારા માર્કસ આવ્યા. ભારે રૂઆબ સાથે એ કોન્ફરન્સમાં ગયો. જે શિક્ષકે એને કાઢી મૂક્યો હતો તેમની પાસે જઈને કહ્યું કે, જોયું સર, હું કંઈ નબળો નથી. શિક્ષકે કહ્યું કે સાચી વાત છે. તું નબળો નથી એનો અહેસાસ તને અપાવવા માટે જ મેં તને કડવાં વેણ કહીને કાઢી મૂક્યો હતો. મેં તને આવું કહ્યું ન હોત તો કદાચ તને અસર જ ન થાત! 

સૌથી મોટી વાત એ છે કે માણસ પોતાની નેગેટિવિટીને કેવી રીતે લે છે, કેટલી સમજે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે. નેગેટિવિટીથી જો હતાશા ઊપજે તો જોખમી છે પણ એ જ નેગેટિવિટીને તમે તમારી શક્તિમાં રૂપાંતરિત કરો તો એ તમારી તાકાત બની જાય છે. 

મોટા ભાગના મહાન લોકોએ કબૂલ્યું છે કે મારી જિંદગીમાં નિષ્ફળતાની આ ઘટના બની પછી જ જિંદગીમાં ટર્ન આવ્યો. ગાંધીજીની જ વાત લો. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા પછી જ એમની જિંદગીની દિશા ફંટાઈ ગઈ. ગાંધીજી અગાઉ કદાચ ઘણાને આ રીતે જ ટ્રેનમાંથી ઉતારી મુકાયા હશે. ગાંધીજીએ આ ઘટનાને જુદી રીતે લીધી અને ભારતને આઝાદી સુધી લઈ ગયા. આપણા દરેકની જિંદગીમાં નિષ્ફળતાની ઘટના બનતી હોય છે, થોડી જુદી રીતે એને જોઈએ તો એ જ આપણને નવી દિશા આપે છે. 

જિંદગીમાં દરેક વસ્તુનું મહત્ત્વ છે. નિષ્ફળતાનું પણ. કોઈ પણ એવી વસ્તુ નથી જેનું ફળ ન મળે. આપણે ઇચ્છતા હોઈએ એવું ફળ ન મળે ત્યારે આપણે એને નિષ્ફળતા માની લેતા હોઈએ છીએ. પરિણામ આપણી માન્યતા મુજબનું કદાચ ન હોય પણ એ પરિણામ જુદું તો હોય જ છે. વિશ્વની ઘણી બધી શોધો એવી છે જે શોધવા ગયા હોય કંઈ અને શોધાઇ ગયું હોય કંઈક જુદું જ. એરકન્ડિશનરની શોધ કેવી રીતે થઈ? પ્રિન્ટિંગ પ્રેસમાં ભેજ થતો હતો. આ મોઇશ્ચયુરને દૂર કરવા માટે કોઈ યંત્રની જરૂર હતી. એ યંત્ર ઠંડક આપવા માંડયું અને અનાયાસે જ એરકન્ડિશનરની શોધ થઈ ગઈ! અત્યારે આપણને ઓફિસ કે બેડરૂમમાં ટાઢક આપે છે એ એસી શોધનારને ખબર જ ન હતી કે મારા યંત્રનો ઉપયોગ આવો થશે! જે ઉદ્દેશ માટે એણે કામ કર્યું હતું એ ઉદ્દેશ 

સિદ્ધ ન થયો પણ એક જુદી જ સિદ્ધિ મળી ગઈ. કોલંબસ શોધવા નીકળ્યો હતો ઇન્ડિયા અને મળી ગયું અમેરિકા! તમે જે કંઈ પણ કરતાં હોય એનું મહત્ત્વ છે. સવાલ માત્ર કંઈક કરવાનો છે અને તેનાથી મોટો સવાલ નિરાશ ન થવાનો છે! 

નેગેટિવિટી ઘણી વખત જુદી રીતે પણ અસર કરે છે, એટલે જ કહેવાય છે કે આશાવાદીએ વિમાનની શોધ કરી અને નિરાશાવાદીએ પેરાશૂટની. આશાવાદીએ તલવારની શોધ કરી અને નિરાશાવાદીએ ઢાલની. પહેલાં દીવાલની શોધ થઈ હશે અને પછી જ છાપરાની શોધ થઈ હશે. દીવાલ વગર છાપરું ન હોય. વિકાસનું બીજું નામ હરીફાઈ છે. તેના કરતાં વધુ સારું, શ્રેષ્ઠ અને ઉત્તમ બનાવવાની હરીફાઇ જ વિકાસ નોતરે છે અને મોટાભાગનો વિકાસ ‘ન કેમ થાય’ની લાગણીમાંથી જ જન્મે છે. જ્યારે માણસ નિષ્ફળ જાય ત્યારે જ તેને સફળતાની ધૂનકી ચડે છે. 

કોઈ નિષ્ફળતાથી ન ડરો. નિષ્ફળતાને નિરાશામાં કન્વર્ટ ન થવા દો. નિષ્ફળતા ખરાબ નથી, નિરાશા ખરાબ છે. નિષ્ફળતામાં તો સફળતાનું તત્ત્વ છુપાયેલું છે. અંધકાર છે તો જ પ્રકાશનું મહત્ત્વ છે. જો અંધકાર ન હોત તો આપણને પ્રકાશનું મૂલ્ય જ ન સમજાત. નિષ્ફળતા કે ખરાબ સમય જેવું કંઇ હોતું જ નથી, આપણે ફક્ત માની લેતા હોઇએ છીએ કે આપણે નિષ્ફળ ગયા છીએ. તમે બસ આવું ન માનો તો સફળતાનાં દ્વાર તમારા માટે ખુલ્લાં જ છે. 
છેલ્લો સીન 

તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે, તેટલા સારા તમે નથી હોતા. તેવી જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે, તેટલા ખરાબ પણ તમે નથી હોતા 

- રોબર્ટ સ્કૂલર 


Categories:

Leave a Reply