- નિ:સ્વાર્થ-નિષ્પાપ સંબંધો આજે પણ છે!

- મનહરને કેન્સર હોવાનું સાંભળી એના પગ તળેથી જાણે ધરતી જ સરકી ગઇ!

ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થયો. આંખમાં ચોધાર આંસુ સાથે ડૂસકે ચઢેલી કુમુદે રડતાં રડતાં કહ્યું ... હે ભગવાન... એમને બચાવી લેજે... મારા સૌભાગ્યનું રક્ષણ કરજે...

પાછળ ઊભા રહી કુમુદના વાંસા પર હાથ ફેરવી રહેલી વિધવા માતાએ આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું ... શાંત થઇ જા... બેટા... એમને કંઇ નહીં થાય... બધું સમુંસૂતરું પાર ઉતરશે... કુમુદે કહ્યું એકવાર... એમને સારું થઇ જાય એટલે બસ... સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળ પર નજર સ્થિર કરીને બેઠેલી કુમુદનું મન ચકરાવે ચઢયું...

પંદર વર્ષ. મનહર સાથે પરણીને સાસરે આવી ઘરસંસાર માંડયોઅને જોતજોતામાં પંદર-પંદર વર્ષ પસાર થઇ ગયાં. અલબત્ત મનહરની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એક ખાનગી કંપનીના એકાઉન્ટ્સ વિભાગમાં નોકરી કરતો મનહર ઓછી આવકમાં પણ કુમુદને ખુશ રાખતો. - અને પિન્કુનો જન્મ થયો. મનહર હવે સાંજે ઓફિસથી આવીને ઘરે પણ કામ કરતો. કુમુદે એને પૂછ્યું તો એણે કહ્યું... બે હતાં ત્યાં સુધી ઠીક હતું હવે આપણે ત્રણ છીએ... પિન્કુને કોઇ વાતની કમી ન આવવી જોઇએ..પછી મીનુ આવી. બીજી પણ દીકરી જ.. !!! કુમુદનાં સાસરિયાંએ મ્હોં વચકોડ્યાં પણ, મનહર તો ખુશખુશાલ હતો... 

મનહર પ્રેમાળ પતિ તો હતો જ પણ એનાથી વધુ પ્રેમાળ પિતા હતો.... જોતજોતામાં પંદર વર્ષનાં વહાણાં વાઇ ગયાં... પિન્કુ ૧૨ અને મીનુ ૧૦ વર્ષની થઇ ગઇ હતી. ટૂંકી આવકમાં પણ કિલ્લોલતા આ કુટુંબ ઉપર અચાનક આફત આવી પડી. મનહરની ઓફિસેથી એક દિવસ પાડોશીના ઘરે ફોન આવ્યો. ઓફિસમાં તેને લોહીની ઊલટી થઇ હતી. કુમુદના પગ તળેથી તો જાણે ધરતી જ ખસી ગઇ... હાંફળી-ફાંફળી દવાખાનેપહોંચી ફફડતા હૈયે બેઠેલી કુમુદ ચિંતાતુર થઇને રિપોર્ટ્સ વાંચી રહેલા તબીબ સામે જોઇ રહી... તબીબે ચશ્મા ઊતારતાં કહ્યું.... કદાચ કેન્સર...’’ હજુ તો વાક્ય પૂરું થાય ત્યાં તો કુમુદની આંખે જાણે અંધારાં આવી ગયાં.. બોયોપ્સી કરાવાઇ.. રિપોર્ટ આવ્યો.. ‘‘કેન્સર કન્ફર્મ.’’ કુમુદને મમૂર્છા આવી ગઇ... હજુ પ્રાથમિક તબક્કામાં છે. 

વેળાસર ઓપરેશન કરાવો તો ‘શૂળીનો ઘા સોયથી સરે ’ તબીબના આ એક વાક્યે આશાનું કિરણ બતાવ્યું.ઓપરેશન... કોની પાસે કરાવવું ? તબીબો અને જાણકાર સ્નેહીઓના મોઢે એક જ નામ આવ્યું. ડૉ. નિશીથ. શહેરનો જ નહીં ભારતભરમાં ટોચનો કેન્સરનિષ્ણાત તબીબ. ઘણી મથામણ બાદ એપોઇન્ટમેન્ટ મળી.પેશન્ટને ચકાસીને ડોક્ટરે કહ્યું... કાલે જ ઓપરેશન કરી નાંખીએ.. પણ... ડોક્ટર.... આપના ચાર્જિસ..? કુમુદે ફફડતાં હૈયે પૂછેલા સવાલના જવાબમાં ડૉ. નિશીથે કહ્યું... હું લઇ લઇશ.. વાજબી જ લઇશ... ચિંતા ન કરો...એ જ દિવસે મનહરને દાખલ કરી દેવાયો. બીજે દિવસે વહેલી સવારે સાત વાગ્યે સ્ટ્રેચર પર સૂવડાવીને મનહરને ઓપરેશન થિયેટરમાં લઇ જવાયો. કુમુદનું હ્રયય ક્ષણેક માટે થડકારા ચૂકી ગયું...

અચાનક સામેની દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં ટકોરા થયા અને કુમુદ વિચારોના વમળમાંથી બહાર આવી.. અરે... ત્રણ કલાક થઇ ગયા! ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો... વીજિળક ઝડપે ઊભી થઇ ગયેલી કુમુદ તરફ આવીને ડૉ. નિશીથે કહ્યું.. સરસ થઇ ગયું ઓપરેશન... હવે ચિંતા કરવા જેવું કંઇ નથી... આપણે સમયસર નિર્ણય લીધો... હી ઇઝ એબ્સ્યુલ્યુટલી નોર્મલ.. નાવ... હમણાં એમને આઇ.સી.યુ.માં લઇ જશે... હજી તો બેહોશ છે... પણ તમે જોઇ લો..મનહર બેહોશ હતો પણ એને જોઇને અને ડોક્ટરના શબ્દોએ જાણે મન પરનો બોજો હળવો કરી નાખ્યો... કુમુદ તેના ભાઇની સાથે ડૉ. નિશીથની ચેમ્બરમાં ગઇ... આંખોમાં ઝળઝિળયાં સાથે કુમુદે કહ્યું.. થેંક્યુ.. ડોક્ટર.. આપની ફી... ? ડૉ.નિશીથે પ્રત્યુત્તરમાં કહ્યું .. માસી નથી આવ્યાં.. ? 

અરે..એમને અંદર બોલાવોને.. કુમુદની વિધવા માતા અંદર આવીને બેઠી... ડોક્ટરે એમને પણ કહ્યું... માસી બિલકુલ ચિંતા કરવા જેવું નથી.. એકાદ અઠવાડિયામાં તો તમારો જમાઇ પહેલાંની જેમ હરતો-ફરતો થઇ જશે... ડૂસકું દબાવીને માતાએ કહ્યું .. ‘‘તમારી મહેરબાની ડોક્ટર સાહેબ...’’

દરમિયાન ખભા પરથી પીર્સ ઉતારી કુમુદે એમાંથી નોટોની થોકડીઓ કાઢીને ટેબલ પર મૂકી. આપની ફી...? કેટલા આપવાના છે.?.. ડૉ. નિશીથે ચશ્મા ઉતાર્યા. કુમદની માતા સામે જોઇને કહ્યું .. માસી.. તમને યાદ છે... આજથી ૨૫ વર્ષ પહેલાં તમારા સામેના ઘરે એક શિક્ષક દંપતી રહેવા આવ્યું હતું...? દિનેશભાઇ અને પ્રભાબહેન...?

માસીએ ભૂતકાળમાં ડૂબકી મારી. સહેજ યાદશક્તિ સંકોરીને કહ્યું .. હા... હા... પણ.. ડોક્ટર તમે... એમને... હજુ માસી વાક્ય પૂરું કહે એ પહેલાં નિશીથે કહ્યું .. એમને એક નાનો દીકરો હતો. માંજરી આંખોને કારણે બધા એને ભૂરિયો કહેતાં... હા.. હા...યાદ આવ્યું...માસી બોલ્યાં.. પણ.. માસીને હાથથી જ થોભાવીને નિશીથે સહેજ હસતાં હસતાં કહ્યું .. માસી... મારી આંખો જુઓ. આજે પણ માંજરી જ છે... છે... ને? માસી હજુ તો સાનંદાશ્વર્ય અનુભવી રહી હતી. ત્યાં નિશીથે કહ્યું ... આ તમારી દીકરી કુમુદ.. એ વખતે બધા એને ‘ટીનુ’ કહેતા.. બરાબર.. ને? 

માસીએ કહ્યું.. હા... હા.. નિશીથે કહ્યું .. એ તમારી દીકરી આજે મને પૂછે છે... ડોક્ટર તમારી ફી કેટલી...? નિશીથે કહ્યું, તને કદાચ યાદ નહીં હોય.. કુમુદ.. પણ મેં પહેલીવાર તને અહીં દવાખાનાંમાં જોઇ ત્યારે મને લાગ્યું કે એ તું જ છે. પણ વર્ષોનાં વહાણાં વાયાં હતાં.. પરંતુ માસીને જોયાં તે ક્ષણે જ મને ખાતરી થઇ ગઇ કે તમે એ લોકો જ છો...
તને કદાચ યાદ નહીં હોય પણ માસી તમને તો યાદ હશે જ.. ત્યારે હું માંડ ૭-૮ વર્ષનો હતો.. એક દિવસ ઓટલે બેસીને હું ખૂબ રડતો હતો.. તમે પૂછ્યું ભૂરિયા શું.. થયું..? મેં કહ્યું .., આજે રક્ષાબંધન છે.. 

બધાને એમની બહેન રાખડી બાંધે છે. પણ મારે તો બહેન જ નથી.. તમે કહ્યું ... અરે.. આટલી અમથી વાતમાં રડવાનું હોય.. ચાલ... આ... ટીનું તારી બહેન નથી...? એ તને રાખડી બાંધશે... માંડ પાંચ-છ વર્ષની નાસમજ ટીનુએ તે દિવસે મને રાખડી બાંધી હતી.. ત્યારે તો હું ખૂબ નાનો હતો... ભાઇ તરીકે મારે તને કંઇક ભેટ આપવી જોઇએ એવું પણ હું સમજતો નહોતો... આજે હું નાસમજ નથી.. આટલું બોલતાં બોલતાં નિશીથે નોટોની થોકડીઓને કુમુદ તરફ સરકાવતાં કહ્યું..... આ મારા તરફથી તને ભેટ.... એક ડોક્ટર તરીકે આજે મેં જે કંઇ કયુ• છે એ એક ભાઇનો ધર્મ મેં બજાવ્યો છે. એની ફી ન હોય.... કુમુદની આંખો ભીની હતી..

કુમુદને એ દિવસે એનો પ્રેમાળ પતિ તો પાછો મળ્યો જ પણ એનાથીય વધુ હેતાળ મોટોભાઇ પણ મળ્યો....
(આજના સમયમાં કાલ્પનિક લાગે એવી એક તબીબે જ કહેલી સત્યઘટના )\ 

Categories:

Leave a Reply