આધુનિક સમયમાં સૌથી વધુ ઝડપે વકરતો કોઇ રોગ હોય તો એ છે સાયબર સિકનેસ. ત્રણ દિવસ બ્લેકબેરીની ર્સિવસ બંધ રહી એમાં અડધી દુનિયા ખળભળી ગઇ. મોબાઇલ બંધ થઇ જાય તો લોકોને અનઇઝી લાગવા માંડે છે. મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ આશીર્વાદરૂપ છે પણ લિમિટેડ હોય ત્યાં સુધી. આપણે સાયબર સિક ન થઇ જઇએ એ માટે સતર્ક થઇ જવાનો સમય હવે પાકી ગયો છે. 

“ડો.ક્ટર, મારી દીકરીને કંઇક વિચિત્ર બીમારી થઇ ગઇ છે, એ રાતે ઊંઘમાં પણ આંગળીઓ હલાવે છે.” એક પિતાએ ફેમિલી ડોક્ટર પાસે જઇને ફરિયાદ કરી. ડોક્ટરે એ છોકરીના બિહેવીયરનો અભ્યાસ કરીને નિદાન કર્યું કે, તમારી દીકરીને એસએમએસ કરવાની આદત છોડાવો. એ આખો દિવસ એટલા બધા એસએમએસ અને ચેટિંગ કરે છે કે રાતે ઊંઘમાં પણ તેની આંગળીઓ સતત ફરકી રહી છે! સૂઈ ગઇ હોય પછી પણ તેના હાથમાં જો મોબાઇલ પકડાવી દો તો એ મેસેજ કરવા લાગે! આ વાત કદાચ અતિશિયોક્તિભરી લાગે પણ ખોટી નથી. એ છોકરી જેવા પેશન્ટસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. 

તમે ક્યારેય તમારા બિહેવીયર વિશે વિચાર કર્યો છે? ન કર્યો હોય તો તમે થોડાંક પ્રશ્નોના જવાબ આપો. સવારે ઊઠીને તમે પહેલું કામ શું કરો છો? તમે ઊઠતાવેંત તમારો મોબાઇલ તો હાથમાં નથી લેતા ને? ઊઠતાવેંત તમને એવો સવાલ થાય છે કે રાતે કોઇ કોલ મિસ તો નથી થયો ને? કોઇના એસએમએસ તો નથી ને? મોટા ભાગના લોકો આવું કરવા લાગ્યા છે. માણસ સૂતી વખતે પણ મોબાઇલ સ્વીચ ઓફ કરતાં નથી કે સાયલન્ટ મોડ પર મૂકતા નથી. રાતના સૂતા પહેલાં પણ ફોન ચેક કરી લે છે કે કોઇનો ફોન કે મેસેજ તો નથી ને! 

હવે બીજો સવાલ. તમે બાથરૂમમાં જાવ ત્યારે મોબાઇલ સાથે લેતાં જાવ છો? મોબાઇલ કદાચ સાથે લઇ જતાં ન હોય તો બાથરૂમમાંથી બહાર નીકળીને પહેલું કામ મોબાઇલ ચેક કરવાનું કરો છો? 

એક કલાક સુધી કોઇનો ફોન કે મેસેજ ન આવે તો તમે ફોન ચેક કરો છો કે મારો મોબાઇલ બંધ તો નથી થઇ ગયો ને? બેટરી ડાઉન તો નથી થઇ ગઇ ને? બહાર ગયા હોવ અને બેટરી ડાઉન થઇ જવાના કારણે મોબાઇલ બંધ થઇ જાય તો તમને અનઇઝિનેસ લાગે છે? તમે આખી દુનિયાથી કટ ઓફ થઇ ગયા હોવ એવું લાગે છે? 

જો આ બધા પ્રશ્નોનો જવાબ ‘હા’માં હોય તો સાવધાન! તમે સાઇબર સિકનેસના ભોગ બનો એવા પૂરા ચાન્સીસ છે. તમે તમારી જાતને મોબાઇલ કે કમ્પ્યુટર વગરની કલ્પી શકો છો? આજનો માણસ હાઇટેક થવાની સાથે ઇલેકટ્રોનિક્સ ડિપેન્ડન્ટ થઇ ગયો છે. મૂવી જોવા જાય તો પણ એ મોબાઇલ બંધ કરી શકતો નથી. ચાલુ ફિલ્મે ઘણાં લોકો મોબાઇલ પર જોરજોરથી વાતો કરતાં હોય છે. ક્યારે, કેટલી, કોની સાથે અને કેવી રીતે વાત કરવી તેની તમીઝ લોકો ગુમાવતા જાય છે અને પોતે બદતમીઝ છે એવું સ્વીકારવા કોઇ તૈયાર નથી. 

યંગસ્ટર્સ ‘મોબાઇલ ક્રેઝી’ થઇ ગયા છે. ફોન પર સતત વાતો, આડેધડ મેસેજીસ, ચેટિંગ અને કાનમાં ઇયર ફોન ખોસીકરવા કરતાં વધુ હોય તો માનજો કે તમે ખોટા રસ્તે છો! 

એક યુવાન તેના મિત્રને મળવા ગયો એનો મિત્ર કમ્પ્યુટર પર ચેટિંગમાં વ્યસ્ત હતો. વાત કરતાં કરતાં પણ ચેટ કરતો જાય. યુવાને પૂછયું કે શું કરે છે? મિત્રએ કહ્યું કે મારા ફ્રેન્ડ સાથે ચેટ કરું છું. એ યુવાને કહ્યું કે હું તને મળવા આવ્યો છું, તારી સામે અને તારી સાથે છું, તને મારી હાજરીની પરવા નથી અને જે ગેરહાજર છે એની સાથે તું ચેટિંગમાં વ્યસ્ત છે. ધીમે ધીમે આજના યંગસ્ટર્સનું બોલવાનું ઓછું અને ટાઇપિંગ કરવાનું વધતું જાય છે. હિલ સ્ટેશન પર ફરવા ગયા હોય ત્યારે પણ તેનું ધ્યાન પ્રકૃતિ તરફ ઓછું અને મોબાઇલમાં વધુ હોય છે. મોબાઇલ, લેપટોપ, આઇપેડ, નોટપેડ અને ટેબલેટ એ આજના યંગસ્ટર્સનાં રમકડાં છે. 

દુશ્મની, દોસ્તી, પ્રેમ, બ્રેકઅપ અને બીજું ઘણં બધું હવે ઓન સ્ક્રીન જ થાય છે! માણસ હસતો નથી પણ સ્માઇલિગે ફેસ મોકલતો રહે છે. બાજુ બાજુમાં બેઠેલાં પતિ-પત્ની પણ એકબીજાને એસએમએસ કરીને પ્રેમ જતાવે છે અથવા તો ઝઘડા કરે છે! સમાજશાસ્ત્રીઓની ફરિયાદ છે કે, લોકો નેટર્વિંકગને કારણે એકબીજાથી દૂર થતાં જાય છે! સોશ્યલ નેટર્વિંકગ સાઇટસ પર ગ્રૂપ મોટાં થતાં જાય છે અને માણસ એકલો પડતો જાય છે! 

હમણાં બ્લેક બેરીની ર્સિવસ ત્રણ દિવસ ખોરવાઇ ગઇ અને આખી દુનિયામાં જાણે સાઇબર ધરતીકંપ આવી ગયો! લોકોને ઇમેલ અને મેસેજ મળતાં બંધ થઇ ગયા અને લોકોને એવું થવા લાગ્યું જાણે બધું જ લૂંટાઇ ગયું! હવે કમ્પ્યુટરનું સ્થાન મોબાઇલના ટચૂકડાં સ્ક્રીને લઇ લીધું છે. લોકો હવે ઓફિસ સાથે રાખીને ફરતાં થઇ ગયા છે. કામ માટે હવે તમારે ચેમ્બરમાં બેસવાની જરૂર નથી, કોફી શોપમાં બેઠાં બેઠાં પણ તમે ઓફિસનું કામ કરી શકો છો. આમ જોવા જઇએ તો આ વાત સારી છે, પણ અગાઉ ચેમ્બરમાં બેસતો માણસ ચેમ્બરમાંથી નીકળી પોતાના ઘરમાં પોતાના પરિવારની સાથે રહેતો હતો હવે ચોવીસ કલાક આખી ઓફિસ હાથમાં જ હોય છે! 

અમેરિકામાં છૂટાછેડાનું એક અને સૌથી મોટું કારણ મોબાઇલ અને ઇન્ટરનેટ છે. પતિ કે પત્ની આખો દિવસ લેપટોપની સામે બેસી રહે છે. પરિણામે ઝઘડા અને સરવાળે છૂટાછેડા થાય છે. યુરોપિયન કન્ટ્રીઝમાં આજકાલ એક શબ્દ બહુ પ્રચલિત થયો છે એ શબ્દ છે, સાયબર વિડો. આ સાયબર વિડોનો મતલબ એવો થાય છે કે એવી સ્ત્રી જેનો પતિ આખો દિવસ કમ્પ્યુટર પર બેઠો રહે છે. આવી સાયબર વિધવાઓની સંખ્યા બહુ મોટી છે. ઇન્ટરનેટ ઉપર આવી સાયબર વિડોઝની ક્લબ છે તેઓ ચેટ કરીને પોતાના પતિઓ સામે બળાપો ઠાલવે છે. સાયબર વિડો ડોટ કોમ નામની વેબસાઇટ પણ છે. માત્ર સાયબર વિડોઝ જ છે એવું નથી સાયબર વિધુરોની સંખ્યા પણ ઘણી મોટી છે. આપણે ત્યાં હજુ લેડીઝને ટેલિવિઝન પર સિરિયલ્સ જોવાનો વધુ ક્રેઝ છે. યુરોપિયન કન્ટ્રીઝમાં આવો કોઇ ભેદ નથી, સ્ત્રી હોય કે પુરુષ, બધાં જ ઇલેકટ્રોનિક્સના આડે રવાડે ચડયાં છે. 

આપણે ત્યા થોડાં સમય અગાઉ નવી ટેલિકોમ પોલિસી ડિકલેર થઇ. એ પછી અનવોન્ટેડ કોલ્સ અને મેસેજિસ બંધ થઇ ગયા છે. મોટા ભાગના લોકોએ હાશકારો વ્યક્ત કર્યો છે. વધુ ને વધુ લોકો ‘ડુ નોટ ડિસ્ટર્બ’ રજિસ્ટર કરાવી રહ્યા છે. આ પોલિસીમાં એક નવો નિયમ પણ આવ્યો છે. રોજના સોથી વધુ એસએમએસ થઇ શકશે નહીં. આંખો મીંચીને આડેધડ એસએમએસ કરતાં લોકો અને ખાસ કરીને યંગસ્ટર્સને આ નિયમ આકરો લાગ્યો છે. હવે જોક્સ આવતાં બંધ થયા છે. ઘણાં લોકોને વહેલી સવારે ઊઠીને ગુડ મોર્નિગ મેસેજ સાથે કવોટેશન મોકલવાની આદત પડી ગઇ હતી. આપણે સવારે ઊઠીએ ત્યારે પાંચ-દસ એસએમએસ આવી જ ગયા હોય! આવા મેસેજ બંધ થયા છે. જો કે ઘણાં લોકાને હજુ આવા મેસેજિસ કર્યા વગર કે મેળવ્યા વગર મજા આવતી નથી. અલબત્ત, સાયબર સિકનેસને ફેલાતી રોકવા માટે આ સારું પગલું છે. 

અમેરિકા અને બીજા દેશોમાં તો હવે સાયબર રિહેબિલિટેશન સેન્ટર શરૂ થયાં છે. ડ્રગ્સ અને દારૂની જેમ સાયબરનું વ્યસન છોડાવવા સારવાર લેવી પડે છે. લોકોને પહેલાં એક કલાક, પછી બે કલાક અને ધીમે ધીમે આખો દિવસ મોબાઇલ અને કમ્યુટરથી દૂર રખાય છે અને આસ્તે આસ્તે આ ટેવ છોડાવાય છે. આપણે ત્યાં ‘સાયબર ઉપવાસ’નો ટ્રેન્ડ શરૂ થયો છે. અઠવાડિયામાં એક દિવસ મોબાઇલ અને કમ્પ્યુટરને ટચ નહીં કરવાનું! જો કે ઘણાં લોકોથી આવા ઉપવાસ તૂટી જાય છે. એક ભાઇ છે જે અઠવાડિયામાં એક દિવસ મૌન પાળે છે! પણ ભાઇ મોબાઇલ પર મેસેજિસ કરવાનું કે ઇમેલ અને ચેટિંગ કરવાનું બંધ કરતા નથી! 

અમેરિકાની દસ કંપનીના ટોપ ઓફિસર્સને બે દિવસની ટૂર પર એક ટાપુ પર લઇ જવાયા. બધાંને કહેવાયું કે તમારા મોબાઇલ બંધ કરી દો. નો મોબાઇલ, નો લેપટોપ એન્ડ નો ઇલેકટ્રોનિક્સ. મોટાભાગના લોકોએ ના પાડી દીધી અને કહ્યું કે એ ન થઇ શકે. અમારું બધું કામ અટકી જાય! મોબાઇલ અને લેપટોપ બંધ કરાવ્યાં તો એ લોકો હોલિડેઝ એન્જોય કરી ન શક્યા. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હનીમૂન પર જતાં કપલ્સને સલાહ આપવામાં આવે છે કે તમે હનીમૂન પર હોવ ત્યારે મોબાઇલ કે લેપટોપ સાથે ન રાખો, તમારા દાંપત્યજીવન માટે એ જોખમી છે. આવી સૂચના છતાં કોઇ આ જોખમ ગણકારતાં નથી! 

નેટની દુનિયાના નવા નવા શબ્દો અસ્તિત્વમાં આવતાં જાય છે. ઇન્ટરનેટ પર ર્સિંફગ કરતાં લોકોને નેટિઝન્સ કહે એ વાત જૂની થઇ ગઇ છે. સાયબરને હવે સાયબર સ્પેસ કહે છે અને સ્પેસમાં જનારને એસ્ટ્રોનટ કે કોસ્મોટ કહે છે તેમ ઇન્ટરનેટ પર બેસતાં લોકોને સાયબરનોટ કહેવાય છે! એક આખું સાયબર કલ્ચર ડેવલપ થયું છે જે સોશ્યલ કલ્ચરને છિન્નભિન્ન કરી રહ્યું છે. 

અમેરિકાના એક સાયબર રિહેબિલિટેશન સેન્ટરના વડા કહે છે કે લોકો જુદી જુદી રીતના સાયબર સિકનેસનો ભોગ બનેલા છે. તેમાં મોબાઇલ પર વાતો, મેસેજિંગ, ચેટિંગ, સોશ્યલ નેટર્વિંકગ, ર્સિફંગ ઉપરાંત બીજું ઘણું બધું છે. લોકો સાયબર શોપિંગનો ભોગ બને છે. લોકો નેટ પર આડેધડ ખરીદી કરે છે. એટલું જ નહીં નેટ પર જુગાર રમે છે એ ઉપરાંત જો કોઇની મોટી સંખ્યા હોય તો એ સાયબર સેક્સના ભોગ બનેલાઓની છે! લોકો પોર્ન વેબસાઇટસ જોતાં રહે છે અને એટલા બધા એડિક્ટ થઇ જાય છે કે એ અસલ જિંદગીમાં પોતાના પાર્ટનર સાથે ઉત્તેજિત થઇ શકતા નથી! 

ઇન્ડિયામાં મોટાભાગનાં મા-બાપોની એવી ફરિયાદો રહે છે કે છોકરાંવ આખો દિવસ મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે. મા-બાપ ઠપકો આપે એ સંતાનોથી સહન નથી થતું. સંતાનોને મોબાઇલ વગર ચાલતું જ નથી. જનરેશન ગેપને વિસ્તારવામાં મોબાઇલે મોટો ભાગ ભજવ્યો છે! 

મોબાઇલ અને ઇન્ટરનેટના કારણે લોકો કમ્પલઝિવ ડિસઓર્ડરનો ભોગ બની રહ્યા છે તેવું અમેરિકાના ડો. કિમ્બર્લી યંગનું કહેવું છે નેટ એડિક્શન વિષે તેણે અભ્યાસ કરી અમેરિકન સાયકોલોજિક્લ એસોસિએશન સમક્ષ પેપર રજૂ કર્યું હતું. ડો. કિમ્બર્લીનું કહેવું છે કે આજના સમયની સૌથી ખતરનાક બીમારી હોય તો એ સાયબર સિકનેસ છે. લોકો પ્રમાણભાન જાળવતાં નથી અને જાતજાતના સાઇકોલોજિક્લ ડિસઓર્ડરનો ભોગ બને છે. 

ભારતમાં પણ સાયબર દૂષણ બેફામ રીતે વકરી રહ્યું છે. અગાઉ એવી ફરિયાદો થતી કે આપણે કોઇને ત્યાં જઇએ ત્યારે એ લોકો ટેલિવિઝન જ જોતાં રહે છે, હવે નવી ફરિયાદ એ છે કે લોકો મોબાઇલ પર વાત કરતાં રહે છે અથવા તો એસએમએસ કરતાં રહે છે. કોઇને પંદર મિનિટ મળવા જાવ તો એ સમય દરમિયાન તેના પાંચ મોબાઇલ કોલ આવી જાય છે. અને મોટાભાગનો સમય વેડફાઈ જાય છે. 

મોબાઇલના કારણે ઘરમાં ઝઘડા વધતાં જાય છે. હવે છોડને તારો મોબાઇલ, એ વાક્યનો વપરાશ વધતો જ જાય છે. આપણે ત્યાં કહેવત છે, અતિ સર્વત્ર વર્જયેત! કંઈ પણ અતિ સારું નથી. તમે ચેક કરજો, ક્યાંક તમે તો અતિરેક નથી કરતાં ને! દિવાળી અને બેસતું વર્ષ આવે છે, એટલિસ્ટ આ તહેવારોમાં તમને કોઇ મળવા આવે ત્યારે ટીવી બંધ રાખી અને મોબાઇલ બાજુમાં મૂકીને મળજો, દિલનો અવાજ રીંગ ટોન કે મેસેજ એલર્ટ ટોન કરતાં અનેક ગણો મધુર હોય છે! નવા વર્ષે નવી શુભકામના આપવી પડે એવો સમય છે કે આગામી વર્ષમાં તમે સાયબર સિકનેસનો ભોગ ન બનો એવી શુભકામનાઓ... 

Posted By: MJ on Gujarati 

Categories:

Leave a Reply