નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

- શેખાદમ આબુવાલા

Categories: ,

Leave a Reply