- કુંવારી માતાએ અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યા બાદ તેને હોસ્પિટલમાં જ તરછોડી
- માતાનું હ્રદય દ્રવી ઊઠતાં નારી સંરક્ષણ ગૃહમાં બાળકીની સંભાળ રાખવાનું કહી ગઇ
- ૧૮ દિવસ સુધી કાળજી રાખ્યા બાદ સયાજીમાં સારવાર દરમિયાન મોત

જન્મનાળ કપાવાના લોહિયાળ ઘાની અસહ્ય પીડાને લીધે નીકળેલી હ્રદયદ્રાવક ચીસના પડઘાં હજી શમ્યા ન હોતા.., નાજૂક-કૂમળી હથેળીઓમાંની તાજી હસ્તરેખાની ગૂઢ લીપી હજી ઉકેલાઇ નહોતી, આ જન્મમાં પહેલી જ વાર ખુલેલી નાની-નાની આંખો ઓપરેશન થિયેટરની લાઇટોના આંજી નાંખતા પ્રકાશથી હજી ટેવાઇ નહોતી, ત્યાં તો પોચા-પોચા રૂની નાનકડી ઢગલી જેવી એ માસૂમ બાળાએ અનાથપણાંની કાંટાળી શૈયા પર સુવાની કમનસીબી નોબત આવી પડી - અને એ પણ જન્મદાત્રી માતા અને પિતા હયાત હોવા છતાં !!

નિર્દોષતાનો કાંઠો, નિષ્પાપપણાંની ક્ષિતિજ અને ઇશ્વરનું સ્વરૂપ મનાતા બાળકોના ગૌરવ કાજે દેશ આખો જ્યારે ઉમળકાભેર ‘બાળદિન’ ઉજવી રહ્યો હતો ત્યારે એની પૂર્વ સંધ્યાએ જ એ અવતરી હતી. એનું નામ ‘કહાની’ , એની કમનસીબી એ કે એણે કુંવારી માતાની કૂખે જન્મ લીધો હતો. અવાંછિત હોવા છતાં એના જન્મ સુધીના નવ-નવ માસ સુધી એને કૂખમાં પોષનારી માતાએ એને જન્મ આપ્યો અને સયાજી હોસ્પિટલના બિછાને અમે એકલી છોડી એ નિકળી ગઇ ! માતાની હૂંફ વિના આ દુનિયામાં ટકી જવા અઢાર-અઢાર દિવસ સુધી એ ઝઝૂમી. 

અલબત્ત, પ્રસુતિ વિભાગના તબીબો- કર્મચારીઓ અને સહદર્દીઓના સથવારે ઝઝૂમીને એ થાકી ગઇ અને અંતે એણે આંખ મીચી દીધી. ‘કહાની’નો આ દુખાંત જાણકાર તમામને ખળભળાવી ગયો. મોતને ભેટેલી આ બાળકીને જન્મ આપનાર માતા તો હયાત છે જ, કદાચ તેનો પિતા પણ હયાત હશે તેમ છતાં અનાથની જેમ તેની અંતિમક્રિયા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.

વાત એવી છે કે, વાઘોડિયાના ખટંબા ગામના રહીશની ૧૮ વર્ષીય પુત્રી પૂર્ણિમાને ગત ૩૦ ઓક્ટોબરે તરસાલીની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં અધૂરા માસે બાળકીનો જન્મ થયો હતો. કુંવારી માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ માત્ર એકાદ કિલો જેટલું જ ઓછું વજન હોય તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બીજા દિવસે માતા તેને તરછોડી ફરાર થઇ ગઇ હતી. માસૂમ બાળકીને તરછોડયા બાદ કદાચ તેનું હૃદય દ્રવી ઉઠતાં તે નારી સંરક્ષણ ગૃહમાં ગઇ હતી. જ્યાં તેણે ઓળખ અને સરનામું આપી હું કુંવારી માતા બની છું, સયાજી હોસ્પિટલમાં બાળકીને મૂકીને આવી છું, તમે તેની દેખભાળ કરજો. સમાજમાં મારી બદનામી થાય નહિ તે માટે હું બાળકીને તરછોડી રહી છું.

નારી સંરક્ષણ ગૃહના સત્તાધીશોએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી માસૂમ બાળકીનું નામ કહાની પાડ્યું હતું. તેઓ બાળકી માટે દવા સહિતની જરૂરી ચીજવસ્તુઓ મોકલી આપતાં હતાં. પેડિયાટ્રીક વોર્ડના તબીબો પણ અધૂરા માસે જન્મેલી બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસો કરતા હતા પરંતુ ૧૮ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ બાળકી ફાની દુનિયાને અલવિદા કરી ગઇ હતી.

પાડોશીએ કુંવારી માતાના પાછળ પોતાનું નામ લખવા કહ્યું

કુંવારી માતા નારી સંરક્ષણ ગૃહમાં ગઇ ત્યારે તેની સાથે એક દંપતી પણ હતું. કુંવારી માતાએ પોતાની ઓળખ આપીને બાળકને મુકીને જતી હોવાનું કહેતાં નારી સંરક્ષણ ગૃહના સત્તાધીશોએ તેનું નામ પૂછ્યું હતું. તેણે પોતાનું નામ પૂણિgમા કહેતાં પાછળ શું નામ લખવું તેવો પ્રશ્ન કરતાં પાડોશીએ પોતાનું નામ લખવાનું કહ્યું હતું. તેમના જવાબથી એક તબક્કે દંપતી જ કુંવારી માતાના માતા-પિતા હોવાનું લાગ્યું હતું. 

ખટંબામાં કુંવારી માતાનો પત્તો ન લાગ્યો

બાળકીના મૃતદેહનો કબજો લેવા અંગે વિવાદ સર્જાયો છે. કુંવારી માતા ચાલી ગઇ છે જ્યારે નારી સંરક્ષણ ગૃહ પણ અવઢવમાં છે. તેમણે કુંવારી માતાનું નામ અને સરનામું પોલીસને આપતાં ખટંબા ગામે આ નામની કોઇ છોકરી રહેતી ન હોવાનું જાણવા મળતાં કોકડું ગૂંચવાયું છે. 

અનાથની જેમ મૃતદેહનો નિકાલ કરાશે

માતા હયાત હોવા છતાં માસૂમ કહાનીના મૃતદેહનો અજાણ્યાની જેમ નિકાલ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. અંતિમવિધિ નારી સંરક્ષણ ગૃહ કરશે, કોઇ સ્વૈસ્છિક સંસ્થા આગળ આવશે કે સમાજની પરવા કર્યા વગર કુંવારી માતા જ અંતિમ સંસ્કાર કરશે તે જોવું જ રહ્યું

Categories:

Leave a Reply