- અગ્નિની સાક્ષીએ લગ્ન- અગ્નિની સાક્ષીએ અલવિદા 
- એકાએક વલણ બદલી નાખનારાં સાસરિયાં તરફથી એક દિવસ નોટિસ મળી...છુટાછેડાની !

ગગનભેદી સ્વરે ઉચ્ચારાયેલા મંગળાષ્ટકના અંતે વરસેલા ‘અક્ષત’ના વરસાદ સાથે જ ગુરુજીએ પડદો હટાવતાં તાળીઓના ગડગડાટ વચ્ચે વરવધૂએ એકબીજાના ગળામાં હાર પહેરાવ્યા.વડોદરાથી નજીકના જ એક નાના શહેરમાં વસતા મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ કુટુંબ મધુકર અને વૈજયંતીનાં બે સંતાનો- દિપાલી અને અનુરાગ. ટૂંકી આવક છતાં આ નાનકડું કુટુંબ સુખી હતું. દિપાલી ગ્રેજ્યુએટ થઇ તે દિવસે ઘરમાં જાણે ઉત્સવ ઉજવાયો. પિતાએ તો કહ્યું, હજી આગળ ભણ. પરંતુ દિપાલી ઘરની સ્થિતિ સમજતી હતી. એક સમયના પ્રતિષ્ઠિત પરંતુ મંદીમાં સપડાયેલા ઉદ્યોગગૃહમાં નોકરી કરતાં પિતાને ત્રણ-ચાર મહિને એકાદ મહિનાનો પગાર મળતો. 

સદ્નસીબે ઘરનું ઘર હતું. એટલે જરૂરિયાતો ઘટાડીને આ કુટુંબ ટૂંકી આવકમાં પણ નભી જતું. ગ્રેજ્યુએટ થયેલી દિપાલીએ વિચાર્યું, લગ્ન કરીને સાસરે જાઉં ત્યાં સુધી ઘરમાં આર્થિક ટેકો કરવો એ મારી ફરજ છે. એણે આગળ ભણવાનું માંડી વાળ્યું અને નજીકની એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી સ્વીકારી લીધી. સંસ્કારી કુટુંબની શિક્ષિત અને દેખાવડી દિપાલી માટે સ્વાભાવિક રીતે જ અનેક માગાં આવવા માંડ્યાં. અંતે દૂરના એક સંબંધીએ સૂચવેલો યુવક સૌને પસંદ પડ્યો. વડોદરામાં રહેતો મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ કુટુંબનો એકનો એક દીકરો વિશ્વાસ. એમ.બી.એ. ર્ક્યા બાદ એક ખાનગી કંપનીમાં સારા હોવા પર નોકરી કરતા વિશ્વાસ સાથે અંતે ‘‘સાખરપૂડા-નારળ’’ નો કાર્યક્રમ સંપન્ન થયો. દિપાલી ખુશ હતી. કદાચ એણે સ્વર્ગમાં જોયેલો રાજકુમાર એને મળ્યો હતો.

લગ્નની તિથિ-વાર નક્કી થયાં અને વાજતે-ગાજતે જાન લઇને આવી પહોંચેલા સ્વર્ગના રાજકુમાર વિશ્વાસે દિપાલીના ગળામાં હાર પહેરાવ્યો. મંગળાષ્ટકના સ્વરો અને અક્ષતરૂપી ચોખાના રંગીન દાણાઓની વર્ષા વચ્ચે વિશ્વાસ અને દિપાલી પરણ્યાં. આર્થિક રીતે સુખી કુટુંબમાં આવેલી દિપાલીને હવે નોકરી કરવાની જરૂર નહોતી. 

પોતાના સંસ્કાર અને મળતાવડા સ્વભાવને કારણે દિપાલી સાસરે પણ સૌની માનીતી બની ગઇ. જોતજોતામાં દોઢ-બે વર્ષનો ગાળો વીતી ગયો. એક દિવસ દિપાલીને તાવ આવ્યો. બીમારી લંબાતી ગઈ અને દિપાલી નંખાતી જ ગઇ.લેબોરેટરી ટેસ્ટ કરાયા. રિપોર્ટ જોઇને તબીબે નિદાન કર્યુ. દિપાલીને એઇડ્સ છે !!! તમામના પગ તળેથી જાણે ધરતી સરકી ગઇ. તબીબના નિદાન પર શંકા કરી અન્ય અભિપ્રાય લેવાયો. ત્યાંથી પણ કહેવાયું - ‘‘એઇડ્સ.’’

તબીબના એક વાક્યે બધું જ બદલી નાખ્યું. સ્વર્ગીય સુખોમાં રાચતી દિપાલી નકાર્ગારમાં ધકેલાઇ ચૂકી હતી. એને થોડા દિવસ પિયરમાં રહેવા મોકલાઇ. પ્રારંભમાં નિયમિત ખબર કાઢવા આવતો વિશ્વાસ ધીરે ધીરે અનિયમિત થતો ગયો. એઇડ્સ થતાં જ, ગઇ કાલ સુધી સંસ્કારી ગણાતી દિપાલીના ચારિત્રય વિશે શંકાઓ ઊભી થવા માંડી. દિપાલી એકાએક ચારિત્રયહીન મનાવા માંડી.

દિપાલીની સારવાર કરી રહેલા તબીબે એઇડ્સ થવાનું મૂળ શોધવા કરેલી મથામણ દરમિયાન ખબર પડી કે દિપાલી જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી ત્યારે એક અકસ્માત બાદ ગંભીર ઈજાઓ સાથે એને દવાખાને દાખલ કરાઇ હતી. પગના ફ્રેકચરનું ઓપરેશન કરવા તત્કાળ બ્લડ લેબોરેટરીમાંથી એના ગ્રૂપનું લોહી મેળવી ચઢાવાયું. આ લોહી એચ.આઇ.વી. પોઝિટિવ હતું !! લગભગ દસ વર્ષ પહેલાં શરીરમાં પ્રવેશેલા વાઇરસ સક્રિય થયા હતા.

ચોંકી ઉઠેલા વિશ્વાસે સૌ પ્રથમ તો પોતાના તમામ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા. સદ્નસીબે એને દિપાલીનો ચેપ નહોતો લાગ્યો. અચાનક પતિ સહિત તમામ સાસરિયાંએ દિપાલી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું. એની સારવારની અમારી કોઇ જવાબદારી નથી એવી એમની દલીલનો દિપાલીનાં ગરીબ અને લાચાર મા-બાપ પાસે કોઇ જવાબ નહોતો. આમ તેમથી પૈસા એકઠા કરી માતા-પિતાએ દિપાલીની સારવાર ચાલુ રાખી. પરંતુ નાઇલાજ રોગ વકરતો ગયો. 

એકાએક વલણ બદલી નાંખનારાં સાસરિયાં તરફથી એક દિવસ નોટિસ મળી છુટાછેડાની. સમયસર દીકરાને અન્યત્ર પરણાવવા ઉતાવિળયાં બનેલાં સાસરિયાંએ આપેલો આ આઘાત દિપાલી માટે અસહ્ય હતો. ખુદ વિશ્વાસ પણ એનો નહોતો રહ્યો- હવે શું ? નોટિસનો જવાબ ન અપાયો એટલે થોડા દિવસોમાં દિપાલીના નામનો અદાલતી સમન્સ આવીને પડ્યો !અદાલતમાં આવેલા વિશ્વાસે એની તરફ જોયું સુધ્ધાં નહીં. 

દિપાલીના નામનો પોકાર થયો. ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી દિપાલીએ ન્યાયાધીશને હાથ જોડીને કહ્યું કે, મારી બીમારી માટે મારો કોઇ જ વાંક નથી. છતાં મારું નસીબ સમજી મેં એને સ્વીકારી લીધી છે. હવે હું માંડ થોડા દિવસની મહેમાન છું. મને એક ‘‘સૌભાગ્યવતી’’ તરીકે મરવા દો એટલી મારી વિનંતી છે. 

આપ મારા પિતાતુલ્ય છો, મને ન્યાય નહીં આશીર્વાદ આપો. રડતાં રડતાં તૂટક તૂટક બોલાયેલાં દિપાલીનાં વાક્યોએ ગમગીની ફેલાવી દીધી.લાંબી કોર્ટ કાર્યવાહી દરમિયાન એક દિવસ એણે આંખો મીંચી લીધી. દિપાલીની મહિલા ધારાશાસ્ત્રીએ વિશ્વાસના ધારાશાસ્ત્રીને માનવતાના ધોરણે વિશ્વાસને સમજાવવા તૈયાર કર્યો. વિશ્વાસ સ્મશાને આવ્યો. સોળે શણગાર સજાવેલો દિપાલીનો મૃતદેહ ચિતા પર ગોઠવાયો. હાથમાં લાલ-લીલી બંગડી. મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર અને લગ્નને દિવસે એણે પહેરેલ શાલુ. એના ચહેરાના ભાગે લાકડાં ગોઠવતાં પહેલાં વિશ્વાસે એને જોઇ. વિશ્વાસને લાગ્યું કે, એ હસી રહી છે. સૌભાગ્યવતી તરીકે એને અગ્નિદાહ અપાઇ રહયાનો સંતોષ એના ચહેરા પર ઝળકી રહ્યો છે.

વિશ્વાસે ચિતાને અગ્નિ દાહ આપ્યો ત્યારે ક્યારનાં’ય માથા પર ઝળુંબી રહેલાં કાળાં ડિબાંગ વાદળો વીજળીના ગડગડાટ સાથે તૂટી પડ્યાં. ચિતાની ઉપરના લોખંડના છાપરા પર પડતાં વરસાદનાં ફોરાંઓનો તડતડ અવાજ ચિતાના ભડભડ અવાજ સાથે ભળી ગયો હતો. નત મસ્તકે ચિતા પાસે ઊભેલા વિશ્વાસને લાગ્યું કે, મંગળાષ્ટકો ગવાઇ રહ્યા છે અને ચારે બાજુથી એમના ઉપર અક્ષતની વર્ષા થઇ રહી છે.

(આ સત્યઘટનાનાં પાત્રોનાં નામ અને સ્થળો બદલ્યાં છે. દિપાલીના અવસાન સાથે આ કેસ સમાપ્ત થયાની નોંધ કરી બંધ કરી દેવાયેલો છુટાછેડાનો કેસ પોટલાંમાં બંધાઇને અદાલતના રેકર્ડરૂમમાં લાકડાંના નિર્જીવ ઘોડા પર ગોઠવાઇ ગયો છે.)

Categories:

Leave a Reply