જિંદગીમાં મને સૌથી ઓછી તકલીફ પડી હોય એવો ડિલિવરી કેસ સંભારવા બેસું છું ત્યારે એક જ નામ યાદ આવે છે : ગીતાબહેન રામજીભાઇ પટેલ. કોઇ પણ ગાયનેકોલોજિસ્ટની કારકિર્દીમાં બે પ્રકારનાં દર્દીઓ યાદગાર બની જતા હોય છે, એક ખૂબ અઘરા અને બીજા સાવ સહેલા. હું પણ આવા અનુભવોમાંથી બાકાત નથી.

ગીતાબહેન રામજીભાઇ પટેલ સુખી ઘરની સ્ત્રી હતી. પહેલી વાર એ જ્યારે ‘ચેકઅપ’ માટે આવી ત્યારે જ એણે સ્પષ્ટતા કરી દીધેલી, ‘સાહેબ, મારે ત્રણ દીકરીઓ છે. હવે તો દીકરો આવે તો જ…’ (એ સમયે સ્ત્રી ભૃણહત્યા પ્રતિબંધક કાયદો હજુ અમલમાં નહોતો આવ્યો. ગર્ભનું જાતિ-પરીક્ષણ પણ થઇ શકતું હતું).

મેં એનાં તરફથી નજર હટાવીને રામજીભાઇની દિશામાં કેન્દ્રિત કરી. પાંત્રીસેક વરસનો કાઠિયાવાડી પટેલ. ઓછું ભણેલો હશે એટલે મોં ઉપર શિક્ષણથી આવતું તેજ ગાયબ હતું, પણ પૈસા સારા કમાતો હશે, એટલે શરીર ઉપરની સજાવટમાં હજાર હજાર વોટના બલ્બ ઝગારા મારી રહ્યા હતા.

મારાથી પૂછાઇ ગયું, ‘સુરતથી આવ્યા છો?’‘હા.’ એ હસુ હસુ થઇ ગયા.‘હીરા ઉદ્યોગમાં છો?’ મેં સાચું જ પડે તેવું અનુમાન કર્યું.‘ના, ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છું. એનો જવાબ અપવાદ જેવો નીકળ્યો.’

‘નવાઇ લાગે છે. સુરતમાં જેટલા કાઠિયાવાડી પટેલો છે એ બધાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં જ છે અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રાજસ્થાની ભાઇઓ પડેલા છે.’

‘તમારી વાત સાવ સાચી છે, પણ મારું કિસ્મત સાડીનાં ધંધામાં ઝળક્યું છે. ભગવાનની કૃપાથી બહુ સારું છે. બસ, આ ફેરે એક વારસદાર આવી જાય એટલે પત્યું. દીકરાની ખોટ છે, બાકી કશી જ વાતની કમી નથી.’

મને એ વાત ક્યારેય ગમી નથી કે યુગલ એમના ભાવિ સંતાનની જાતિ જાણવા માટે ગર્ભપરીક્ષણ કરાવે અને પછી ઇચ્છિત જાતિ ન હોય તો એની ભૃણહત્યા કરાવી નાખે. એટલે મેં વાલજી પટેલને જરા વિશ્વાસમાં લીધા, ‘મારી પાસે બે-ત્રણ દેશી નુસખાઓ છે. તમારે અપનાવવા હોય તો બતાવું.

એનાથી મારા અસંખ્ય દરદીઓને બાબો આવ્યો છે. આ કોઇ લેભાગુ કે ધુતારા જેવી બનાવટ નથી. તમારી પાસેથી દવા કે ભભૂતિના નામે એક પૈસો પણ ખંખેરી લેવાની વાત નથી. એક અખતરો સમજીને અજમાઇશ કરવી હોય તો કરી જુઓ. બાકી ઈશ્વરની ઇચ્છા.’

બંને જણાં ધર્મભીરુ હતા. તરત જ સંમત થઇ ગયા. પોતાનાં જ ભૃણની હત્યા કરવાનું આમ પણ કોને ગમતું હોય છે? મેં થોડીક દવા, થોડાક દેશી ઓસડિયા લખી આપ્યા. જે ગોળીઓ એલોપથીની હતી તે મારા નામ સાથેના પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર લખી આપી. જે દવા દેશી હતી એ સાદા કાગળ ઉપર ઉતારી આપી. સાથે તાકીદ કરી, ‘આ સલાહને મની-બેક ગેરન્ટી ન માની લેશો. દીકરો આપવો કે દીકરી એ ભગવાનના હાથની વાત છે. હું ભગવાન નથી.’

બે મહિનાનું ઔષધ-સેવન ત્રીજા મહિને પરિણામદાતા બની ગયું. ગીતાબહેન સગર્ભા બનીને ફરી પાછાં મારી સલાહ માટે આવ્યાં. પછી તો દર મહિને ખાસ સુરતથી એ પટેલ પતિ-પત્ની મારી સારવાર માટે આવતાં રહ્યા. નવમો મહિનો બેઠો ત્યારે મેં સલાહ આપી સુરતના કોઇ સારા નર્સિંગ હોમમાં પ્રસૂતિ માટે રજિસ્ટ્રેશન કરાવી નાખજો. જોઇએ તો મારા પરિચિત લેડી ગાયનેકોલોજિસ્ટનું નામ આપું.

‘ના, સાહેબ! અહીં અમદાવાદમાં મારા સાળાનું ઘર છે. આને તો એક મહિના પહેલાંથી જ અહીં મૂકતો જાઉ છું. જ્યારે મને સમાચાર મળશે કે એને હોસ્પિટલમાં દાખલ કરી છે એવો જ હું સુરતથી નીકળી જઇશ. ચાર કલાકમાં તો અમદાવાદમાં..’

પૂરા મહિને જ્યારે ગીતાબહેનને સુવાવડનું દરદ ઉપડ્યું ત્યારે રામજીભાઇ અમદાવાદમાં જ આવેલા હતા. સાંજનો સમય હતો. છ વાગ્યા હતા. હું સાંજના કન્સલ્ટિંગ માટે નીચે ઊતરવાની તૈયારીમાં હતો, ત્યાં જ આયાબહેને ઇન્ટરકોમ ઉપર માહિતી આપી, ‘સાહેબ, જલદી આવજો, ગીતાબહેનને.’

લેબર રૂમનું બારણું ઉઘાડું એટલામાં ગીતાએ છત ફાડી નાખે તેવી ચીસ પાડી. મેં ગ્લોવ્ઝ ચડાવ્યા ને જોયું તો બાળકનો પ્રસવ થઇ રહ્યો હતો. બાકીનું કામ સરળ હતું, નરી ઔપચારિકતા સમું હતું. છ ને દસ મિનિટે હું ઓપીડીની ખુરશીમાં બેઠો હતો. ન કોઇ તકલીફ, ન કોઇ કોમ્પ્લિકેશન નહીં રક્તસ્રાવ, નહીં ટાંકા. દીકરો અવતર્યો હતો અને તરત જ ફેફ્સાં ખૂલી જાય એવું રડતો હતો.

મોટા ભાગના દરદીઓમાં પૈસાની ગડમથલ એટલા માટે ચાલતી હોય છે કેમ કે એ લોકો સાધારણ અથવા નબળી આર્થિક સ્થિતિના હોય છે. વીસ હજારનું કામ કર્યા પછી ક્યારેક પાંચ હજાર રૂપિયાનું બિલ બનાવું તો પણ એ લોકો ઢળી પડે છે. આખી જિંદગી આમ જ ચાલ્યા કર્યું છે.

આ પહેલીવાર એવું બનતું હતું જ્યાં દરદી ખૂબ પૈસાદાર હતા અને બિલ સાવ મામૂલી બનતું હતું. હું મારી જાતને પૂછી રહ્યો, આ ડિલિવરી કેસમાં તે શું કર્યું છે? માત્ર સાક્ષીભાવ સાથે પાંચ દસ મિનિટ પૂરતો ઊભો રહ્યો છું. એક ઇન્જેક્શન આપ્યું છે જેની કિંમત છ રૂપિયા જેટલી છે. કાલે સવારે તો એને રજા આપી દેવાનો છું. આ પેશન્ટ પાસેથી હજાર પંદરસો રૂપિયા લઉ તો પણ વધારે કહેવાય.

મારી અંદર બેઠેલો વહેવારું માણસ મને સલાહ આપી રહ્યો હતો. આવું બધું જોવા બેસે તો મૂર્ખ ગણાય. રામજીભાઇ કરોડપતિ છે એટલુ તો વિચાર. એ જ્યારે પણ આવે છે ત્યારે અલગ ગાડી લઇને આવે છે. પંદરસો રૂપિયા એ તો આવા માણસનું અપમાન કહેવાય. સમજી વિચારીને આંકડો બનાવ. આવા મોકા રોજ રોજ નથી આવતા.

આ દ્વંદ્વ સારી એવી વાર સુધી ચાલતું રહ્યું. છેવટે મારી દુનિયાદારી સામે મારી સુબુદ્ધિનો વિજય થયો. મેં જે વિચાર્યું તે આ હતું. ‘રામજીભાઇ પાસે દસ કરોડ હોય કે વીસ કરોડ એની સાથે મારે કશી જ લેવા-દેવા ન હોવી જોઇએ.

એ માણસનું ધન એના માટે છે, એના પરિવાર માટે છે અને બીજી વાત, આ કેસમાં મને જરા પણ મહેનત નથી પડી એ વાતની ગીતાબહેનને તો ખબર છે જ, એના કહેવાથી રામજીભાઇને પણ ખબર હોવી જોઇએ. જો હું એક પણ રૂપિયો વધારે લઇશ તો કેવો ભૂંડો લાગીશ?’

રજા આપવાનો સમય થયો ત્યારે મેં ડરતાં ડરતાં બિલ બનાવ્યું. કાગળ ઉપર દોઢ હજારનો આંકડો લખ્યો. મનમાં હજુ પણ અપરાધભાવ બરકરાર હતો. આ રકમ પણ વધારે પડતી હતી. લીલાબહેનને બોલાવીને મેં બિલની ચિઠ્ઠી પકડાવતાં કહ્યું પણ ખરું, ‘રામજીભાઇ જે આપે તે લઇ લેજો. એમને કંઇ વાંધો-વિરોધ હોય તો મારી સાથે વાત કરવા માટે અંદર મોકલી આપજો.’

લીલાબહેન બહાર ગયા ને તરત જ પાછા આવ્યાં, ‘સાહેબ, રામજીભાઇને મોકલું છું. એ તમારી સાથે વાત કરવા માગે છે.’

હું ઢીલો પડી ગયો. રામજીભાઇ અંદર આવ્યા. ખુરશીમાં બેઠા. હાથમાં રહેલી બિલની ચિઠ્ઠી ટેબલ પર મૂકી, ‘સાહેબ, હું તમારાથી નારાજ છું.’ મેં દુ:ખી ચહેરે એમની તરફ જોયું. એમના મોં ઉપર ખરેખર નારાજગી પથરાયેલી હતી. મેં એ જ ક્ષણે નક્કી કરી લીધું કે હું કહી દઉ- ‘મારે તમારી પાસેથી એક પણ પૈસો લેવો નથી. આવું હું ગુસ્સામાં કે રિસાઇને નથી કહેતો, ખરા હૃદયપૂર્વક કહું છું કારણ કે મેં આ ડિલિવરી માટે કશું કર્યું જ નથી.’

પણ ત્યાં તો એમણે એક સાથે ત્રણ કામ કરી નાખ્યા. પ્લાસ્ટિક બેગમાંથી મીઠાઇના બે બોક્સ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધા. કંદોઇનું બ્રાન્ડનેઇમ અને એક એક કિલોનું વજન કહી આપતા હતા કે બંને બોક્સની કિંમત પાંચસો-સાતસો રૂપિયાથી ઓછી નહીં હોય. બીજું કામ એમણે એક નાનકડી ડબ્બી મારા હાથમાં મૂકવાનું કર્યું, ‘સાહેબ, સોનાની વીંટી છે. તમારા માટે.’ (પછી મને જાણવા મળ્યું, વીંટી પાંચ હજાર રૂપિયાની હતી. આ ઘટના બાર વરસ પહેલાંની છે.)

ત્રીજું જે છેલ્લું કામ બિલ તો હજી ઊભું જ હતું. રામજીભાઇએ સો-સો રૂપિયાની સો નોટોનું બંડલ ટેબલ ઉપર મૂકી દીધું. પછી ઠપકો આપતા હોય એવા અવાજમાં બોલી ઊઠ્યા, ‘શું તમે પણ સાવ? આવા ને આવા જ રહ્યા! સાહેબ, કોના ઘરે દીકરો જનમ્યો છે એટલો તો વિચાર કરો.

તમને જે બિલ બનાવતાં શરમ ન આવી, એ બિલ આપતાં મને શરમ આવે છે. આવા કામમાં તમારી મહેનતનો વિચાર ન કરાય, સાહેબ, સામેના માણસનો પણ વિચાર કરવો પડે! ના, હવે એક પણ શબ્દ બોલતા નહીં. મારા તાજા જન્મેલા દીકરાના સમ છે…’

(સત્ય ઘટના. આવી વાત જાણીને ડો. શિરીષ નાયક જેવા મારા અનેક ગાયનેકોલોજિસ્ટ મિત્રો મને પૂછે છે કે, આ કળિયુગમાં આવું બને છે ખરું? અમારી સાથે તો આવું ક્યારેય નથી બનતું. હું જવા�0ી નથી પરવારી!’(શીર્ષક પંક્તિ : શ્યામ સાધુ)
ડો શરદ ઠાકર

Categories:

Leave a Reply