ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

જિંદગીને જરાક બ્રેક આપી પાછું વળીને નજર માંડજો, ઘણી યાદો તાજી થઈ જશે, ઘણાં સ્મરણો જીવતાં થઈ જશે. જિંદગીની વીતી ગયેલી કોઈ ક્ષણોને ફરીથી જીવવા મળે તો જીવી લેજો. એકાદ કરમાઇ ગયેલા સંબંધને તાજો તો કરી જુઓ, મજા આવશે 


મને એવી રીતે કઝા યાદ આવી, કોઈ એમ સમજે દવા યાદ આવી. 

નથી કોઈ દુઃખ મારાં આંસુનું કારણ, હતી એક મીઠી મજા યાદ આવી. 
- મરીઝ 

તારીખિયાનાં પાનાં અને ડાયરીનાં પાનાંમાં શું ફર્ક છે? તારીખિયાનું એક પાનું દરરોજ ખરી પડે છે અને ડાયરીનું એક પાનું દરરોજ ઊગી નીકળે છે. ડાયરીનાં પાનાં પર ક્ષણોની એક રંગોળી રચાય છે. કોઈ રંગોળી સુંદર હોય છે અને કોઈ રંગોળીના રંગ વિખરાઈ જાય છે. રંગોળીનો આકાર રોજ નવો હોય છે, કારણ કે ક્ષણો રોજ નવી હોય છે. ક્ષણો સારી અથવા ખરાબ હોય છે. કોઈ ફૂલ જેવી કોમળ અને કોઈ કાંટા જેવી તીક્ષ્ણ. મલમનો ઉપયોગ તો જ છે જો ઘાવ હોય. સાજી ચામડી પર મલમ અસર કરતો નથી. ક્ષણોની ફિતરત અવળચંડી છે. દરેક ક્ષણનો ચહેરો અલગ અલગ રૂપરંગ લઈને આવે છે. કેટલીક ક્ષણો કાતિલ હોય છે અને કેટલીક કમસીન. 

સૌથી સારી અને સૌથી ખરાબ ક્ષણો ક્યારેય ભુલાતી નથી. જે ક્ષણોને ભૂલવી હોય છે એ પરાણે યાદ આવતી રહે છે અને જેને યાદ રાખવી હોય છે એ ઘણી વખત ભુલાઈ જાય છે. આવવું અને જવું એ ક્ષણોની પ્રકૃતિ છે. ઘડિયાળના કાંટા ફરીને એક જ જગ્યાએ પાછા આવે છે પણ વહી ગયેલો સમય પાછો વળતો નથી. સમય પાછું વળીને જોતો નથી. હા, માણસ પાછા વળીને જોઈ શકે છે. તમે જરાક પાછું વળીને જુઓ, શું યાદ આવે છે? જિંદગીના કેટલા પડાવ અને માઇલસ્ટોન તમે પસાર કર્યા છે? કયો રસ્તો એક્સપ્રેસ-વે જેવો હતો અને કયો માર્ગ ખાડા-ખરબચડાં જેવો હતો? ક્યાં કોઈક હાથ મળી ગયો હતો અને ક્યાં કોઈ સાથ છૂટી ગયો હતો? જેની પાસે યાદ કરવાં જેવાં સારાં સ્મરણોની સંખ્યા વધુ છે એ માણસ સુખી છે. 

એક માણસ તેના કપરાં સમયની વાત કરતો હતો. તેણે કહ્યું કે મારું ચાલે તો હું મારી જિંદગીમાંથી આ સમય ભૂંસી નાખું. તેના મિત્રે આ વાત સાંભળીને કહ્યું કે તું એ ક્યારેય ભૂંસી શકવાનો નથી, પણ તું ઇચ્છે તો ભૂલી ચોક્કસ શકે. એક ગઝલના શબ્દો છે, બેનામ સા યે દર્દ, ઠહર ક્યું નહીં જાતા, જો બીત ગયા હૈ વો ગુજર ક્યું નહીં જાતા... દરેક ક્ષણ તેનાં પગલાં પાછળ છોડી જાય છે. આ પગલાંને તમે પંપાળો કે વખોડો પણ તમે એને ભૂંસી નથી શકતા. એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે મને ખરાબ સ્મરણો તાજાં થઈ જાય છે ત્યારે હું મારા સારાં સ્મરણોને યાદ કરવા માંડું છું તમારાં કયાં સ્મરણો તમને વારંવાર યાદ આવે છે? તમને જિંદગીની વહી ગયેલી પળોમાંથી કોઈ એક પળ ફરીથી જીવવાની તક મળે તો તમે કઈ ક્ષણ જીવવાનું પસંદ કરો? જિંદગીની સારી ક્ષણો ઘણીબધી હશે પણ તેમાંથી બેસ્ટ કઈ હતી? તમે ક્યારેય એ ક્ષણોને ફરીથી જીવવાની કોશિશ કરી છે? કરી જોજો, ઘણી વખત આપણને જે અઘરું લાગતું હોય છે એ અશક્ય હોતું નથી. આપણા કેટલા સંબંધો કબરમાં પોઢી ગયા છે? અને કેટલા સંબંધો બગીચાનાં ફૂલોની જેમ મહેકી રહ્યા છે? 

ચલો, એક પ્રયોગ કરીએ. તમારા મોબાઇલની ફોનબુક ખોલો. ચેક કરો, તમારી ફોનબુકમાં જે નામ દેખાય છે તેને તમે છેલ્લે ક્યારે ફોન કર્યો હતો? ફોનબુકના દરિયામાં કેટલાં નામ તરે છે અને કેટલાં ડૂબી ગયાં છે? એક એક નામ અને નંબર ફેરવતા જાવ અને તેની સાથે થયેલી વાતો યાદ કરો. કઈ વાત તમને યાદ છે? કયાં સ્મરણો તાજાં થાય છે? કેટલાક નંબર એવા હશે જેને તમે અમુક સમયે અનેક વાર ફોન કર્યા હશે. એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે? 

એક માણસે ફોનબુક ચેક કરી. તેમાં એક નામ હતું. તેની પહેલી નોકરી વખતે એ માણસ તેની બાજુમાં બેસતો. રોજ તેની સાથે વાતો થતી. સાથે જમતાં, હસતાં, ઝઘડતાં અને કામ કરતા. એ નંબર જોઈને વિચાર આવ્યો કે હજુ આ જ નંબર એનો હશે કે બદલી ગયો હશે? પાંચ વર્ષ અગાઉ છેલ્લે તેની સાથે વાત થઈ હતી. તેનાથી અચાનક જ ફોન લાગી ગયો. રીંગ વાગી. ફોન ઊપડયો કે તરત તેણે પૂછયું, ઇઝ ઘેર અશોક? સામે છેડેથી જવાબ મળ્યો, અશોક તો કયારનોય મરી ગયો છે! તો તમે કોણ બોલો છો? નવા પ્રશ્નનો સામેથી જવાબ મળ્યો... હું અશોક, એમ કહી એ ખડખડાટ હસવા માંડયો. તેણે કહ્યું, હું અશોક જ બોલું છું. તારા માટે તો પાંચ વર્ષ મરી જ ગયો હતોને? આજે ફરીથી જીવતો થઈ ગયો છું. તારો નંબર પણ હજુ મારા મોબાઇલમાં સેવ્ડ છે. આ સેવ્ડ નંબર ડેડ થઈ ગયા હતા આજે ફરીથી સજીવન થયા છે! તમે ચેક કરજો, તમારા મોબાઇલમાં આવા કેટલા ‘ડેડ નેઇમ’ છે, એને જીવતા કરી જોજો. જિંદગીની કેટલીય જિવાઈ ગયેલી ક્ષણો પાછી જીવતી થઈ જશે. આપણા કાન કેટલા બધા અવાજો વિસરી ગયા હોય છે? 

જિંદગીની દરેક ક્ષણ પાછી ફરતી નથી. પણ કેટલીક ક્ષણો પુનર્જીવિત ચોક્કસ થઈ શકે છે. આપણે એને ફરીથી સજીવન કરવાના કેટલા પ્રયત્નો કરીએ છીએ? કેટલાંક સ્મરણોને પાણી છાંટીને પાછાં તાજાં કરવાં પડે છે. સુકાઈ ગયેલા કોઈ સંબંધને ફરીથી સીંચી જુઓ, તમારા સંબંધો સંવેદનશીલ હશે તો એની એ જ સુગંધ ફરીથી આવશે. દરવાજો ખોલાવવા ડેલી ખખડાવવી પડે છે. પોકાર પાડો તો જ પડઘો પડે. 

એક વિદ્યાર્થી હતો. તે ક્લાસમાં જે બેંચ ઉપર બેસતો એ બેંચ ઉપર એક નામ કોતરાયેલું હતું, વિકી. એ નામ વાંચીને તેને દરરોજ એક વિચાર આવતો કે આ વિકી કોણ હશે? કયાં હશે? તેને ઘણી વખત થતું કે મારે શું? જે હોય તે! પણ દરરોજ નામ વાંચીને તેને એ વિચાર આવી જ જતો કે આ વિકી કોણ હશે? એ પછી એક દિવસ તેને થયું કે ટીચરને તો ખબર જ હશે કે આ વિકી કોણ હતો! એક દિવસ તેણે ટીચરને પૂછી લીધું. સર, અહીં જે નામ કોતરાયેલું છે એ વિકી કોણ હતો? આ પ્રશ્ન સાંભળી ટીચરની આંખો ભીની થઈ ગઈ. ટીચરે કહ્યું કે એનું નામ વિક્રમ હતું. બધા તેને વિકી કહેતા. બહુ જ તોફાની હતો. જે દિવસે તેણે આ નામ કોતર્યું એ દિવસે મારું ધ્યાન પડી ગયું. મેં તેને મારવા ફૂટપટ્ટી ઉગામી. ફૂટપટ્ટી હાથમાં વાગવાના બદલે તેના લમણામાં વાગી. ઘા પડી ગયો. લોહી પણ નીકળ્યું. એ પછી વિકી એટલું જ બોલ્યો કે સર હું હવે બેંચ ઉપર કોતરેલું મારું નામ ભૂંસી નહીં શકું અને તમે મારા લમણામાં લાગેલો આ ઘા ભૂંસી નહીં શકો. એ દિવસની ઘડી અને આજનો દિવસ. મેં ક્યારેય કોઈ વિદ્યાર્થીને માર માર્યો નથી. તેના લમણા પર ઘા વાગ્યો હતો તેનાથી ઊંડો ઘા મારા દિલમાં પડયો હતો. સ્કૂલ પૂરી કરીને એ જતો હતો ત્યારે મેં તેને બોલાવીને માફી માંગી. તેના ઘાના નિશાન પર હાથ મૂકીને સોરી કહ્યું. એ હસીને બોલ્યો કે સર, હવે હું આ નિશાન જોઈને તમે મને માર્યું હતું એ નહીં પણ તમે સોરી કહ્યું હતું એ વાત કરીશ. તમારો આ ઘા મને એ વાતની યાદ અપાવશે કે કંઈ ભૂલ થઈ જાય તો માફી માંગી લેવી. બેંચ પર આ નામ જોઉં છું ત્યારે મને વિકીની યાદ આવી જાય છે. ખરાબ યાદને એણે કેવી સરસ રીતે સારી યાદમાં પલટાવી નાખી હતી! 

જિંદગીની કેટલી ખરાબ યાદોને આપણે પલટાવી શકીએ છીએ? ક્યાંક આપણે સારી યાદોને તો ખરાબ યાદોમાં પલટાવી નથી નાખીને? જિંદગીને જરાક બ્રેક આપી પાછું વળીને નજર માંડજો, ઘણી યાદો તાજી થઈ જશે, ઘણાં સ્મરણો જીવતાં થઈ જશે. જિંદગીની વીતી ગયેલી કોઈ ક્ષણોને ફરીથી જીવવા મળે તો જીવી લેજો. એકાદ કરમાઇ ગયેલા સંબંધને તાજો તો કરી જુઓ, મજા આવશે. 
છેલ્લો સીન 

આપણે બધા પ્રેમ કરવા માટે જન્મ્યા છીએ. આ જ અસ્તિત્વનો સિદ્ધાંત છે અને એકમાત્ર અંત છે. જેને પ્રેમ કરતાં આવડે છે એને બીજું કંઈ શીખવાની જરૂર નથી. 

- ડિઝરાયલી 
kkantu@gmail.com

Categories:

Leave a Reply