=

બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી 

આપણે જે શ્રેણીબદ્ધ, એક પછી એક નિર્ણયો કરીએ છીએ, પસંદગીઓ કરીએ છીએ એમાંથી જ આપણાં જીવનનું ઘડતર થાય છે. તમે નિર્ણયો ન કરો અને ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને ‘નિર્ણય’ લેવા દો તો જીવનમાં પેરાલિસીસ આવી જાય છે. તમે બાહ્ય ઘટનાઓ, પરિસ્થિતિઓ કે તમારા વતી લેવાતા નિર્ણયોથી સ્વતંત્ર રહીને જીવન જીવવાનું નક્કી કરો તો જ તમે ખરેખર જીવતા છો તેમ કહી શકાય 

દીપક ચોપરા નામના મૂળ ભારતીય ડોક્ટર અમેરિકાના હોલિવૂડના અને પોપ સ્ટારના ‘સેલ્ફ-હેલ્પ’ ગુરુ છે. એમણે ક્યાંક લખ્યું હતું કે “તમે જો તમારી અંદરની નવી શક્યતાઓ પ્રત્યે સભાન હશો તો જ તમે એ શક્યતાને જોઈ શકશો.” જિંદગીમાં આપણે જે કરીએ છીએ એ આપણે લીધેલા (સારા કે ખોટા) નિર્ણયોનું પરિણામ છે. 

લગ્ન કરવાનો નિર્ણય સંપૂર્ણ સભાનતા સાથેનો નિર્ણય હોય છે. તમે આગળ-પાછળનું બધું જ વિચાર્યું હોય છે. આ જ લગ્નમાં ગાડી અધવચ્ચે ખોટકાઈ જાય ત્યારે એ પ્રવાસ ત્યાં જ ટૂંકાવી દેવાની નોબત આવે. બનતું એવું હોય છે કે આવા વખતે તમે સામેની વ્યક્તિને જવાબદાર ઠેરવો છો, પરંતુ શક્ય છે કે તમે તમારા અચેતન મનમાં જ આવું ઇચ્છતા હતા. આને પરોક્ષ નિર્ણય કહેવાય. 

ટૂંકમાં તમે જે કરો છો એ તમારો જ નિર્ણય હોય છે. બીજી વ્યક્તિ તમારા વતીથી નિર્ણય નથી કરતી. પોતાના નિર્ણય બદલ પોતે જવાબદારી સ્વીકારવી એનું નામ જીવનની પરિપકવતા. પરમહંસ નિત્યાનંદ એક જોક કહે છે : એક કર્મચારીએ એના સાહેબ પાસે જઈને કહ્યું, “સાહેબ, મારી પત્ની કહે છે કે મારે તમારી પાસે પગારવધારો માગવો જોઈએ.” સાહેબે જવાબમાં કહ્યું, “ઠીક છે, હું આજે રાત્રે મારી પત્નીને પૂછીને જોઈશ તે મારે પગારવધારો કરવો જોઈએ કે નહીં!” 

આ સમજવા જેવું છે. આપણે ઘણી બધી સ્થિતિમાં આપણા નિર્ણય માટે આપણી પત્ની કે પિતા કે પુત્ર કે મિત્રો કે સંબંધીઓને જવાબદાર ઠરાવતા હોઈએ છીએ. તમને આવું વિચારવાનું ગમતું પણ હોય છે, અનુકૂળ પણ હોય છે, કારણ કે પરોક્ષ રીતે લેવાયેલો નિર્ણય જો પ્રતિકૂળ સાબિત થાય તો તમે બહુ જ સરળતાથી પત્ની, પિતા, પુત્ર, મિત્ર કે સંબંધી પર જવાબદારી નાખીને છટકી જઈ શકો છો. પણ હકીકત એ છે કે જે નિર્ણય તમે નથી લઈ શકતા એ નિર્ણય બીજા લે એવી સ્થિતિનું નિર્માણ પણ તમે જ કરો છો. એટલે, અંતે તો એ નિર્ણય તમારો જ છે. મહેશ ભટ્ટ રજનીશના ચેલા હતા અને અઢી વર્ષ પછી નાસીપાસ થઈ ભગવાં ઉતારીને ફેંકી દીધા. ભટ્ટ કહે છે, “હું રજનીશ પાસે એટલા માટે ગયો હતો કારણ કે એ એ જ ભાષા બોલતા હતા જે ભાષા મારે સાંભળવી હતી. પ્રોબ્લેમ એમનો નહીં, મારો હતો. 

આ એક વાત. બીજી વાત થોડી સૂક્ષ્મ છે. આ જ મહેશ ભટ્ટે એક વાર કહ્યું હતું કે “મારાં વખાણ કરીને લોકો મને ભરમાવી શકે નહીં.” ઉદાહરણ તરીકે કોઈક તમારી ટીકા કરે, તમારા વિશે ઘસાતું બોલે અથવા પીઠ પાછળ કૂથલી કરે તો તમને પીડા થાય, ગુસ્સો આવે અને કોઈક તમારાં વખાણ કરે, વાહવાહ કરે, તાળીઓ પાડે તો તમને આનંદ થાય, હર્ષ ફૂલ્યો ન સમાય. આદતન તમને એવું લાગે કે કોઈક તમારા નિર્ણયોને અસર કરી રહ્યું છે, પરંતુ જેમ પૂજા ભટ્ટ કહે છે તેમ “ખુશ થવું કે દુઃખી થવું એ તમારો નિર્ણય છે, તમારી પસંદગી છે.” પૂજા કહે છે કે “મેં સારું કામ કર્યું છે એ તમારાં વખાણ પરથી નક્કી નથી થતું. એવી જ રીતે મેં બરાબર કામ નથી કર્યું એ તમારી ટીકાથી નક્કી થતું નથી. તમારાં વખાણ કે ટીકાની ગેરહાજરીમાં પણ મને કામની યોગ્યતા-અયોગ્યતાની સમજ હોવી જ જોઈએ.” 

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું સૂત્ર છે કે ‘આપણે એ જ છીએ જેવું આપણે વિચારીએ છીએ. આપણા વિચારોમાંથી જ આપણું સર્જન થાય છે. આ વિશ્વ પણ આપણા વિચારોની જ નીપજ છે.’ આપણે જે શ્રેણીબદ્ધ, એક પછી એક નિર્ણયો કરીએ છીએ, પસંદગીઓ કરીએ છીએ એમાંથી જ આપણાં જીવનનું ઘડતર થાય છે. તમે નિર્ણયો ન કરો અને ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને ‘નિર્ણય’ લેવા દો તો જીવનમાં પેરાલિસીસ આવી જાય છે. તમે બાહ્ય ઘટનાઓ, પરિસ્થિતિઓ કે તમારા વતી લેવાતા નિર્ણયોથી સ્વતંત્ર રહીને જીવન જીવવાનું નક્કી કરો તો જ તમે ખરેખર જીવતા છો તેમ કહી શકાય. બાકી, પેરાલિસીસ અવસ્થામાં ય તમારા વતી કોઈક તો બાથરૂમ જવું કે નહીં, ખાવું કે નહીં, પડખું ફેરવવું કે નહીં તેનો નિર્ણય લેવાનું જ છે. 

એક વિજ્ઞાનીના ઘરે મહેમાન આવ્યા. મહેમાને દીવાલ પર ઘોડાની નાળ લટકતી જોઈ જેને ઘણા લોકો શુકનવંતી માને છે. તેમણે આશ્ચર્યથી પૂછયું, “તમે તો સાહેબ વિજ્ઞાની છો તમે શુકન-અપશુકનમાં માનો છો?” પેલા વિજ્ઞાનીએ કહ્યું, “ના, ના! એવું નથી. હું એટલો બબુચક નથી પણ આ તો જે ભાઈ આ નાળ લઈને આવ્યા હતા તેમણે મને કહ્યું કે આમાં માનો કે માનો, પણ આને ઘરમાં રાખશો તો તમારું ભલું થવાનું જ છે.” તમે વિવિધ સ્થિતિઓમાં કેવી રીતે વર્તો છો, જે નિર્ણયો લો છો એ માત્ર ને માત્ર તમારી પસંદગી છે. 

આપણને હંમેશાં એવું થાય છે કે મારી સાથે અન્યાય થયો છે, પરંતુ આપણને ખબર જ નથી કે આપણે જાતે જ એ સ્થિતિમાં મુકાયા છીએ. પાકિસ્તાની જેલમાંથી છૂટેલા બે ભારતીય કેદીઓ વર્ષો પછી મળ્યા. એકબીજાને પૂછયું, “તેં પાકિસ્તાનીઓને માફ કરી દીધા?” બીજાએ કહ્યું, “ના, મારું રોમ રોમ હજુય સળગે છે.” પહેલાએ કહ્યું, “એનો મતલબ કે તું હજુય એમની કેદમાં છું.” 

goswami_raj@yahoo.co.in 

Categories:

Leave a Reply