સાચા પ્રેમ વિષે ફાધર વાલેસે 'જિંદગીનું અક્ષયપાત્ર' નામથી ટાંકેલો એક પ્રસંગ વાંચવા મળ્યો. પ્રસંગ સામાન્ય છે, પરંતુ જીવનના ઘણાં રહસ્યોને એ સમજાવી જાય છે. આવો એ પ્રસંગ આપણે ટૂંકમાં જોઈએ -

........."....એક પત્નીએ પોતાના પતિને કહ્યું હતું કે હું મારી અંગત રોજનીશી લખું છું એ તમારે વાંચવી નહિ. પતિએ એ વાત કબૂલ કરી હતી અને એ વિશ્વાસથી પત્ની રોજનીશીની નોટ ટેબલના ખાનામાં ચાવી માર્યા વગર મૂકી રાખતી.

........."પતિને પોતાની પત્ની પોતાની ખાનગી રોજનીશીમાં શું લખે છે એ જાણવાનું કુતૂહલ થયું. એક દિવસ ઘરમાં કોઈ નહોતું ત્યારે રોજનીશી કાઢી અને ફફડતા જીવે તે વાંચવા બેઠો; પરંતુ એ બહુ વાંચી શક્યો નહિ. એક પાનું વાંચીને રોજનીશી પાછી મૂકી દીધી. જે વાંચ્યું એની અસરથી એનું હ્રદય ભરાઈ આવ્યું.

.........પત્નીને હાથે લખેલાં જે થોડાં વાક્યો એણે વાંચ્યા એ વાક્યોમાં પ્રેમના સહજ ઉદ્ગારો હતા - પતિને માટે. પતિને માટે એને અત્યંત પ્રેમ હતો, પરંતુ સંકોચવશ શબ્દોમાં તેને વ્યકત કરી શકતી નહોતી. એ પ્રેમ કરતી, પણ પ્રેમની વાતો કરતી નહોતી. તેમનું દાંપત્યજીવન સારું ચાલતું હતું કારણ કે તેના દિલમાં સાચો પ્રેમ હતો.

........." મારી પત્ની મને ચાહે છે, આ જાણી પતિનો પ્રેમ પણ પત્ની પ્રત્યે વધી ગયો. એણે પણ શબ્દોમાં પોતાનો પ્રેમ વ્યકત કરવાની તસ્દી લીધી નહોતી, પરંતુ આજે જ્યારે એની પત્ની બહારથી પાછી આવી ત્યારે તેની સાથે ઉમળકાથી વાત કરી, ઉષ્માભર્યો પ્રેમ બતાવ્યો અને એ જોઈને પત્ની પણ ખીલી ઊઠી.

.........એક દિવસ બંને જણ અત્યંત પ્રેમથી એકલાં વાતો કરતાં હતાં ત્યારે પતિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પત્નીની રોજનીશીનું એક પાનું એણે વાંચ્યું હતું...ને એને લીધે પોતાનો સુષુપ્ત પ્રેમ ખીલ્યો હતો; આટલો એકરાર કરીને એ થોભ્યો અને પત્ની ઉપર શી અસર થાય છે એ જોઈ રહ્યો. પત્ની હસી, પછી કહ્યું: જો માત્ર એક જ પાનું વાંચવાથી આટલો બધો પ્રેમ વધ્યો તો આખી રોજનીશી વાંચો ને! - અને એટલું કહીને રોજનીશી એના હાથમાં મૂકી..."

.........આ અસ્તિત્વમાં કોઈને પણ પ્રેમ કરવામાં આવે તો પ્રેમના એ કૃત્યમાંથી જ આનંદનું પાવક ઝરણું સહજ રીતે તેમના જીવનમાં વહેવું શરૂ થઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. આ સત્યનું ઝળહળતું પ્રતિબિંબ ઉપરોક્ત બોધવચનોમાં જોવા મળે છે.

........."સ્ત્રી અને પુરુષ બન્ને એકલાં અધૂરાં છે. લગ્ન-સંબંધથી પ્રેમના તાંતણે બંધાઈને તેઓ પ્રભુતા - પૂર્ણતા તરફની એક પવિત્ર યાત્રા શરૂ કરે છે. પૂર્ણતા અર્થાત્ પરમાત્મા. ધર્મ પ્રેરિત કામના સંયમપૂર્વકના આચરણથી સ્ત્રી-પુરુષને, પરમાત્માની પ્રજાતંતુને જાળવી રાખવાની સર્જનપ્રક્રિયાના સહભાગી બનીને, જ્યારે સંતાન પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના જીવનમાં પ્રેમનું પ્રાગટ્ય થાય છે. બે શરીર વચ્ચેનું આકર્ષણ કામ - ધર્મના માર્ગે આગળ વધીને બે મન વચ્ચેનું આકર્ષણ પ્રેમ બને છે. શરીરથી મન સુધી પહોંચેલી પતિ પત્નીની જીવન યાત્રા જ્યારે આત્મા તરફ ગતિ કરે છે ત્યારે તેમના જીવનમાં ભક્તિ પ્રગટે છે. ભક્તિ અર્થાત્ બે આત્મા વચ્ચેનું આકર્ષણ. ભક્તિ અર્થાત્ જીવનમાં દિવ્યતાનો આવિર્ભાવ. ભક્તિ એ પરમાત્માના મંદિરનું આખરી સોપાન છે; ત્યાંથી આગળની યાત્રા એટલે નિર્દ્વન્દ્વતા. પરમાત્મા સાથેનું અનુસંધાન.

........."આમ જોઈએ તો સંસાર પરમાત્માની પ્રાપ્તિનું એક અનીવાર્ય સાધન છે. સંસારને પરમાત્માથી વિમુખ કરનાર માનીને તેનો અનાદર ક્યારેય કરશો નહીં. યાદ રાખજો કે સંસારના પૂર્ણ અનુભવ પછી જ મનુષ્ય પરમાત્માના દરબારમાં સ્વીકાર્ય બને છે.

.........અસ્તુ...

સુરેશ ગણાત્રા

Categories:

Leave a Reply