અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. ભગવદગીતાનો પણ ઊંડો અભ્યાસ નીખર્યા કરે. વાતો સહજપણે કરે. ક્યાંય આંજવાની વૃત્તિ નહીં. વચ્ચે વચ્ચે અંગ્રેજી વાક્યો આવ્યા કરે. ઉચ્ચાર પરથી ખ્યાલ આવે કે બહેન કદાચ વિદેશ વસતાં હશે અને એ અટકળ સાચી પડી. 

વર્ષોથી એ બૉસ્ટન રહે છે. આપમેળે વાતો ઊઘડતી આવી. વર્ષો પહેલાં મુંબઈ રહેતાં હતાં. પોતાનું મકાન હતું. મકાન વેચી નાખ્યું અને મુંબઈના શ્રીમંત વિસ્તારમાં ખાસ્સો મોટો ફલૅટ પણ લીધો. પણ પછી દુર્ઘટનાઓ બનવા માંડી. પતિનું મરણ. થોડાક સમય બાદ જુવાનજોધ દીકરાનું મરણ. હતાશાની ખીણમાં એ ઊંડે ને ઊંડે જતાં ગયાં. ન કોઈ સાથે બોલે. કોઈને પણ મળે નહીં. જીભ રહી ને સ્વાદ ગયો. હતાશાની વાત કરતાં કરતાં કહે કે ભાઈ, મારા અનુભવ પરથી કહું કે આ ડિપ્રેશનમાં ડૉક્ટર તો અમુક હદ સુધી મદદ કરે. આપણે જ આપણને મદદ કરવાની હોય છે. જીવનમાં કશું જ ગમતું નથી. અને એક દિવસ મારા બીજા દીકરાએ કહ્યું કે મા, તારો એક દીકરો ગયો. પણ હું તો છું ને ? આ વાક્યથી હું ચોંકી ઊઠી. મને થયું કે મારે મારા બીજા દીકરાની પ્રસન્નતા માટે, એના આનંદ માટે પણ આંસુ લૂછી નાખવાં જોઈએ. આંખનો અને આંસુનો સંબંધ કાપી નાખવો જોઈએ. હું ખીણમાંથી બહાર આવી. મારો બીજો દીકરો અમેરિકામાં બહુ મોટા હોદ્દા પર છે. અમેરિકાનું જીવન તો જાણો છો. માણસ પાસે બધું જ હોય, પણ ફુરસદ ન હોય. જેમ હોદ્દો મોટો તેમ જવાબદારી વધુ. એક જમાનામાં મારો દીકરો સિડનહામ કૉલેજમાં ભણતો હતો ત્યારે સરસ કવિતા લખતો હતો. એ કવિતા લખતો એ મને ગમતું. આજે પણ કવિતા વાંચવાની તક કે કવિતા સાંભળવાની તક હું ગુમાવતી નથી. હા, મારો દીકરો ક્યારેક ક્યારેક ચિત્રો દોરે છે. સરસ મજાનાં ચિત્રો દોરે છે. એની પીંછીમાંથી પ્રકૃતિના રંગો, મોસમના મિજાજો આબાદ નીખરી આવે છે. પણ મને તો કવિતાનો શબ્દ વધુ ગમે.

હું એમની વાતોને સાંભળતો રહ્યો. મારા મનમાં એક બીજો પ્રસંગ રમવા લાગ્યો. વર્ષો પહેલાં હું બૅંગલોર ગયો હતો. બૅંગલોરમાં એક શ્રીમંત – એમના ઘરે મારો ઉતારો હતો. એમનો દસ-બાર વર્ષનો દીકરો. દીકરાએ મને પોતાની લખેલી કવિતાઓ વંચાવી. કવિતા પરથી લાગતું હતું કે જો આનું લખવાનું સાતત્ય રહે તો કદાચ આપણને કોઈ સારો કવિ મળે. એ કવિતા વંચાવતો હતો ત્યારે બાપના ચહેરા પર એક પ્રકારની ચીડ હતી, સૂગ હતી. દીકરો સહેજ આઘોપાછો થયો ત્યારે દીકરાના બાપે મને કહ્યું કે તમે એને સહેજે ઉત્તેજન ન આપતા. એ કવિતા લખશે તો મારો ધંધો કોણ સંભાળશે ? મારો કારોબાર બહુ મોટો છે. મેં દલીલ ખાતર કહ્યું કે તમારે તો બીજા પણ ત્રણ દીકરા છે. એને જે કરવું હોય તે કરવા દો ને. એમણે જવાબ આપ્યો કે આપણે ગુજરાતી છીએ. આપણો છોકરો વેપારી કે ઉદ્યોગપતિ થાય. કલામાં કે કશામાં પડવા જેવું નથી. મને સતત એમ થયા કરે છે કે આ બંને પ્રસંગો કેવા છે ! એક વ્યક્તિને એનો દીકરો કવિતા લખતો નથી એનું દુઃખ છે અને બીજી વ્યક્તિને તેનો દીકરો કવિતામાં પડ્યો એનો ત્રાસ છે. પછી તો મેં સાંભળ્યું એ પ્રમાણે દીકરાની કવિતાની નોટબુક ફાડી નાખી. હવે એ દીકરો ધંધામાં જોડાઈ ગયો છે. કવિતામાં રસ લે છે કે નહીં તેની ખબર નથી. 

આના સંદર્ભમાં મને એક ત્રીજો પ્રસંગ યાદ આવે છે. દિલ્હીમાં એક તુંડમિજાજી બિનગુજરાતી બહેન મળ્યાં હતાં. એમણે મને કહ્યું કે ગુજરાતીઓ પાસે પૈસો છે, પણ સંસ્કાર કે સંસ્કૃતિ નથી. આ મહેણું મારાથી સહન ન થયું. મેં એનો વળતો જવાબ આપ્યો કે કોઈ પણ પ્રજા કે કોમ વિશે આવાં છીછરાં નિરીક્ષણો ન કરાય. દરેક ગુજરાતી અંબાણી નથી. દરેક પારસી ટાટા નથી કે દરેક મરાઠી કિર્લોસ્કર નથી. ગુજરાત પાસે ઉત્તમ કવિતા, નિબંધો, નવલકથા ઈત્યાદિ બધું જ છે. હા, ગુજરાત પાસે રંગભૂમિ છે, પણ મોટે ભાગે નાટકો દત્તક લેવાં પડે છે. એમનો સૂર એક અંતિમનો હતો. પણ આપણે જો આત્મનિરીક્ષણ કરીએ તો એમની પાસે સમગ્ર સત્ય નહોતું, પણ સત્યનો અંશ હતો. આપણી પાસે ટાગોર નથી કે નથી સત્યજિત રે. આપણી પાસે લતા મંગેશકર કે સચીન તેન્ડુલકર નથી. ગાંધીજી તો સમગ્ર વિશ્વના. એમને ગુજરાતી કહીને સીમિત ન કરી શકીએ, પણ એક હકીકત તો છે જ. ગાંધીજી ગુજરાતી, વિક્રમ સારાભાઈ ગુજરાતી, જ્યોતીન્દ્ર દવે કે પન્નાલાલ પટેલ ગુજરાતી. જોકે મને વ્યક્તિગત રીતે આવા હાંસિયા પાડીને વાત કરવી ગમતી નથી. પણ આ વાત તો આપણા સૌની વિચારણા માટે મૂકી છે. દરેક પ્રજા પાસે એની પોતાની લાક્ષણિકતા હોય છે. પ્રજાએ પોતે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ બધી વાતનો સાર એટલો છે કે મા-બાપ જો સંતાનના શૈશવમાં કશુંક અનન્ય પારખી લે તો એના ગુણવિશેષને વિકસાવવો જોઈએ. કોઈકની કન્યા સરસ ગાતી હોય તો કોઈ સારા સંગીતકાર પાસે મૂકો તો ભવિષ્યની ઉત્તમ કલાકાર થઈ શકે. કોઈનો છોકરો ક્રિકેટમાં ગળાબૂડ હોય અને તેને યોગ્ય માર્ગદર્શન મળે તો ભવિષ્યમાં સારો ક્રિકેટર થઈ શકે. બાળકમાં પડેલા પ્રતિભાબીજની માવજત કરવાની હોય છે. જો એ બીજની માવજત ન કરીએ તો એમાંથી કદી વૃક્ષ પાંગરશે નહીં. કોઈ ફૂલ પાસેથી એની ફોરમ છીનવી લેવાનો આપણને અધિકાર નથી. કોઈ પંખીના ટહુકાને ગૂંગળાવવાનો આપણને અધિકાર નથી. માણસને એની રીતે વિકસવા દેવો જોઈએ. ઝરણું વહે છે તો વહેવા દો. એને રૂંધવું શા માટે ? Categories:

Leave a Reply