ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે... 
એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ.ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ શબ્દ આવરી લે છે. દુનિયાના કોઈ પણ દેશમાં કે કોઈ પણ ધર્મમાં ઉપાસનાના જે બધા પ્રકારો તમે જુઓ છો, તેનું નિયામક બળ છે પ્રેમ. તેમાં કેટલુંક એવું છે કે જે માત્ર વિધિઓ છે, તેમ કેટલુંક એવું પણ છે કે જે વિધિ નથી; છતાં તે પ્રેમ પણ નથી, પરંતુ એથી ઉતરતી કોટિની સ્થિતિ છે. છતાંય આ બધી વિધિઓ આવશ્યક છે.

ભક્તિનું બાહ્ય સ્વરૂપ જીવને ઊંચે ચઢાવવા માટે તદન જરૂરી છે. માણસ કૂદકો મારીને પોતે એકદમ ઉચ્ચ કોટિએ ચઢી બેસવાની ભારે મોટી ભૂલ તે કરી બેસે છે; જો બાળક એમ માને કે એક દાહ્ડામાં પોતે મોટો થઇ જશે તો તે ભૂલ કરે છે. અને મને આશા છે કે તમે હંમેશાં ખ્યાલમાં રાખશો કે ધર્મ કોઈ ગ્રંથોમાં, બૌધિક સંમતિમાં કે તર્કમાં સમાયેલો નથી.

તર્ક, સિધાંતો, દસ્તાવેજો, મતવાદો, ગ્રંથો, ધાર્મિક ક્રિયાઓ, એ બધાં ધર્મના સહાયક છે; ધર્મ પોતે તો અનુભૂતિમાં છે. આ દિવાલના અસ્તિત્વનું પ્રમાણ એ છે કે આપણે તે જોઈએ છીએ.; તમે વર્ષો સુધી તેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિશે દલીલો કર્યા કરો, તો પણ તમે કોઈ નિર્ણય ઉપર નહી આવી શકો; પરંતુ તમે તેને પ્રત્યક્ષ જુઓ એટલે બસ. પછી દુનિયાના બધાય માણસો જો તમને કહે કે તેની હસ્તી નથી, તો પણ તમે તે નહી માનો, કારણ કે તમે જાણો છો કે દુનિયાના સઘળા મતવાદો કે દસ્તાવેજો કરતાં તમારી આંખોનું પ્રમાણ વધુ સબળ છે.

ધાર્મિક થવાં માટે પ્રથમ તો પુસ્તકો તમારે એક બાજુએ મૂકવા પડશે. એકી સાથે એક વસ્તુ કરો.

પાશ્ચત્ય દેશોમાં આધુનિક યુગમાં મગજમાં આ બાબતોનો ખીચડો કરવાની એક વૃતિ આવી ગઈ છે; બધી જાતના પચ્યા વગરના વિચારો મગજમાં તોફાન મચાવે છે, અને બધું અવ્યવસ્થિત કરી નાખે છે; એમને સ્થિર બનીને કોઈ ચોક્કસ સ્વરૂપ લેવાની તક સરખીય મળતી નથી. વળી કેટલાકને ઉત્તેજના જોઈએ છે. એવા લોકોને તેમ પ્રેતો અને ઉત્તર ધ્રુવથી કે કોઈના દૂરના પ્રદેશથી આવતાં માણસો વિશે કહો તો તેઓ ખુશ થશે; પણ પૂરા ચોવીસ કલાક નહીં થયા હોય ત્યાં વળી કોઈ બીજી ઉત્તેજનાભરી વાત માટે તેઓ તૈયાર હોય છે. કોઈ લોકો આને ધર્મ કહે છે.

આ ધર્મનો માર્ગ નથી પણ ગાંડાના દવાખાનામાં જવાનો માર્ગ છે. તમારે ધ્યાનમાં રાખવું કે ધર્મ એ કાંઈ વાતો, પુસ્તકો કે વાદોમાં સમાયેલો નથી, ધર્મ અનુભૂતિમાં રહેલો છે; ધર્મ એટલે શિખવું નહી પણ થવું.

હું તમને ઈશ્વર ભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સતાની અનુભૂતિ કરી શક્યા હશો. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ થઇ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે; પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા સારું તેમણે પુરુષાર્થ કરવો પડશે. ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સહુએ ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ. તેથી ધર્મનો પ્રથમ પ્રકાર વૈધીભક્તિ એટલે, કે નિમ્ન પ્રકારની ભક્તિ છે.

(સ્વા.વિ. ગ્ર.સં-પૃ.૨૦૩-૦૪)

પૂરક માહિતી ...

કાર્લ માકર્સની મૂડીવાદ અંગેની આગાહી ભલે સાચી પડી હોય. માકર્સના મત પ્રમાણે મૂડીવાદની ભારોભાર નિષ્ફળતા અને તેણે ઊભા કરેલાં કપટોનો ભોગ આજે આપણે બન્યા છીએ પણ રાષ્ટ્રવાદ અને ધર્મની બાબતમાં માકર્સ ખોટા પડ્યા છે. તેમણે ભાખેલું કે ‘ધર્મ નાશ પામશે’ પરંતુ ધર્મ નાશ પામ્યો નથી. ઊલટાનું રશિયામાં ધર્મ ફાલ્યો છે. પશ્ચિમમાં ભલે ધર્મ નાશ પામ્યો હોય પણ એરિક હોબ્સબાન નામના મહાન વિચારક કહે છે કે કાર્લ માકર્સે ગ્લોબલાઈઝેશનનો પ્રભાવ કલ્પ્યો નહોતો. માત્ર નાણાકીય કટોકટી આવી. આજે ભારતમાં કેમ ૨૦૦૭-૨૦૧૦ની નાણાકીય કટોકટી અમેરિકાને સતાવી ગઈ પણ ભારતને સતાવી નથી? આ કટોકટીને ભારતની ધાર્મિકતાએ જ તમારી જાણ વગર બળહીન બનાવી છે.

સ્વામી રાજર્ષિ મુનિએ ધર્મ અને સંસ્કૃતિ વિશે બહુ જ સરસ વાત કરી છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો આધાર ધર્મ છે અને તે ‘સનાતન’ ધર્મ છે. આજે અવૉચીન સમયમાં (આધુનિક) એ ધર્મને હિન્દુ ધર્મ કહે છે તે સર્વથા યોગ્ય નથી. નવી સૃષ્ટિનાં સર્જન સાથે આ સનાતન ધર્મ નવા રૂપે પ્રચલિત થાય છે. નારદ મુનિના કહેવા પ્રમાણે-‘ભારતીય ધર્મ ન કેવળ સનાતન છે પરંતુ ઈશ્વરીય છે. આ ધર્મ તમામેતમામ મનુષ્ય માટે છે. કોઈ દેશ કે કોઈ ખાસ જાતિ માટે જ સીમિત ન હોઈ શકે. ભારતમાં સમાજવ્યવસ્થા, વ્યક્તિગત જીવનશૈલી હંમેશાં ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત હતી-છે. રાજર્ષિ મુનિની વાતને આજનો મુંબઈ કે દિલ્હી જેવા શહેરનો સમાજ સાચો પાડે છે. તમે અખબારોમાં હિંસા, સેક્સાચાર કે બીજા બળાત્કારના સમાચાર કે છુટાછેડાના સમાચારો વાંચો છો તે તો હિન્દુસ્તાનના સવા અબજની વસતિવાળા ઈસ્લામ, જૈન કે હિન્દુ સમાજને માત્ર અડધા ટકાથી એક ટકો વસતિને લાગુ પડે છે. 

૯૯.૫ ટકા સમાજ હજી સિદ્ધાંતો પાળે છે. નૈતિકતા જાળવે છે. શ્રીકૃષ્ણે ખાતરી આપી છે કે જ્યારે પણ ધર્મનો હ્રાસ થતો હશે ત્યારે પુન: અવતાર લઈશ. તેથી જ જૈન કુટુંબમાં જન્મેલા અને જૈન સંસ્કાર પામેલા આચાર્ય રજનીશ સૌથી વધુ કૃષ્ણપ્રેમી હતી. તેમના જૈન ધર્મના સંસ્કાર થકી તે ગ્લોબલાઈઝડ થઈ શક્યા. 

જે કાનૂન છે તે કાંઈ ધર્મ મંજૂર નથી. ધર્મનો કાનૂન જુદો છે. પ્રો. આર્નોલ્ડ ટોયન્બી ૧૨૨ વર્ષ પહેલાં જન્મેલા મહાન સાંસ્કૃતિક-ઈતિહાસકાર હતા. કાર્લ માકર્સના વિચારોનું હિંમતપૂર્વક ખંડન કરીને કહેલું ‘હિસ્ટ્રી ઈઝ ગીવન શેપ બાય સ્પિરિચ્યુઅલ એન્ડ નોટ ઈકોનોમિક ફોર્સીઝ. ધર્મ અને આધ્યાત્મિકતા જ ઈતિહાસને ઘડે છે. માત્ર આર્થિક થિયરી પ્રમાણે જીવતી સંસ્કૃતિઓ નાશ પામશે. ડૉ.. રાધાકૃષ્ણજીએ પ્રો. ટોયન્બીને ટાંકીને કહેલું તેનું હિન્દી આવું છે ‘સહિષ્ણુ ભારતીય ધર્મભાવના હી એક માત્ર રાહ હૈ જિસ પર ચલકર સભી ધર્મો કે લોગ મોક્ષ પા સકતે હૈ.’ 

(સાભાર : કાંતિ ભટ્ટ -સંકલન દિવ્યભાસ્કર) 
Categories:

Leave a Reply