દિવ્ય ભાસ્કરની “રવિ પૂર્તિ” 9, ઓકટોબર,2011ને રવિવારમાં પ્રસિધ્ધ થયેલ શ્રી વિનોદ ભટ્ટ્ની “ ઈદમ તૃતિયમ” કોલમમાંથી તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે-

“સૂરજ પોતાના માટે ઊગે છે...”

લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળે છે? ક્યારે આવે છે પ્રેરણા? દિવસના કયા ભાગમાં તમે લેખનકાર્ય કરો છો? વહેલી સવારે કે મોડી રાતે નદીનાં નીર થંભી ગયાં હોય ત્યારે?

ઘણીવાર વાચકો દ્વારા મને પૂછવામાં આવે છે કે તમે ક્યારે લખો છો? પરંતુ મને એ વાતનો આનંદ છે કે હજી સુધી મને એકપણ વાચકે ગુસ્સાથી એવો પ્રશ્ન નથી કર્યો કે વિનોદ ભટ્ટ, તમે શા માટે લખો છો? પ્રેરણા બાબત પણ પૂછવામાં આવે છે કે લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળે છે! ક્યારે આવે છે પ્રેરણા? દિવસના ક્યા ભાગમાં તમે લેખનકાર્ય કરો છો? વહેલી સવારે કે મોડી રાતે નદીનાં નીર થંભી ગયાં હોય ત્યારે? લખવાની શરૂઆત કરવા અગાઉ કાગળ પર તમે ઓમ નમ: શિવાય કે એવું કંઇ લખો છો?

મા સરસ્વતીનું સ્મરણ કરો છો? સરસ્વતી દેવીના ફોટા પાસે ધૂપ-દીપ કરો છો? કઇ સોડમની અગરબત્તી પેટાવો છો? ભૂરા કે લીલા રંગનો કાગળ હોય તો જ લખવાની ચાનક ચડે એવું બને? સોનલ કે રૂપલ જેવી કોઇ પ્રેરણામૂર્તિને લખતી વખતે આંખ સામે રાખો છો? (હું માનું છું કે તમારી પત્નીનું નામ સોનલ યા રૂપલ તો નહીં જ હોય) વગેરે... વગેરે... વગેરે...

આ પ્રકારના સવાલો પૂછનારને મન પ્રેરણા એ દૂધ કે છાપાવાળા જેવી છે-અમુક ચોક્કસ સમયે જ આવે, અમુક પરિસ્થિતિમાં જ આવે, હાર્ટ એટેકની પેઠે ગમે ત્યારે ન જ આવે. ઘણા લેખક-કવિઓના કિસ્સામાં આવું બનતુંય હશે. હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લખવાની પ્રેરણા તેમને ગલોફામાં પાન જમાવીને હીંચકે ઝૂલતા હોય ત્યારે જ આવે છે. જ્યારે આ લખનારને પાન ખાધા પછી વધુમાં વધુ પ્રેરણા થૂંકવાની આવે છે. એનું કારણ એ જ કે જ્યોતીન્દ્ર દવે સાહિત્યકાર હતા.

જ્યારે હું એક કટારચી (અં. કોલમિસ્ટ) છું. મોટાભાગે હું છાપામાં, પસ્તીવાળાના લાભાર્થે લખતો હોઉં છું, કોલમ્સ લખું છું, શાકુંતલ કે મેકબેથ નથી લખતો. અને છાપાએ તો સૂરજની પેઠે દરરોજ તેમજ નિયમિતપણે પ્રગટ થવું પડે છે. જોકે સૂર્ય પોતાના માટે અને પોતાના સમયે જ કોઇની સાડાબારી રાખ્યા વગર પ્રકાશિત થાય છે, પણ છાપું વાંચનારાઓ માટે જ પ્રકાશિત થાય છે. આ કારણે છાપામાં લખનારને પ્રેરણા સાથે લાડ કરવાનું, પ્રેરણા માટે તરફડવાનું ક્યારેય ન પોષાય. પ્રેરણા એ છાપાની દાસી છે.

મારી અંગત વાત કરું તો વાંચવું અને લખવું આ બંને વચ્ચે પસંદગી કરવાની હોય તો મને લખવા કરતાં વાંચવામાં વિશેષ આનંદ આવે છે. મારી પાસે કશું સારું વાંચવાનું ન હોય ત્યારે હું ખરાબ લખતો હોઉં છું. મેં ચાર્લ્સ ડિકન્સ, માર્ક ટ્વેઇન, જેરામ કે જેરોમ, વુડહાઉસ, સ્ટીફન લીકોક અને રિચાર્ડ આર્મર જેવા મહાન હાસ્યલેખકોને ભરપેટ વાંચ્યા છે એટલે ઉત્તમ હાસ્ય વ્યંગની કઇ સપાટીએ હું ઊભો છું એની મને પાકી જાણ છે. પરંતુ ફોઇબાએ પાડેલા વિનોદ નામને યથાર્થ ઠેરવવા મરણિયો થઇને હવાતિયાં મારી રહ્યો છું- આ છે મારામાં પડેલું દુર્યોધનત્વ.

અને હું જે કંઇ લખું છું એને સાહિત્ય સેવા ગણતો નથી કેમ કે એ મોટો ને ખોટો દંભ કહેવાય. સાચું કહું તો મારા હાથમાં આવતી ખંજવાળ મટાડવા લખું છું. ઉપરાંત બીજું અગત્યનું કારણ એ પણ ખરું કે મને મારું છપાયેલું નામ વાંચવાનું લગભગ સાડા પાંચ દાયકાથી વ્યસન પડી ગયું છે, મારા જ નામનો હું એડિકટ થઇ ગયો છું. ગુજરાતીમાં આને આત્મપ્રીતિ કહે છે-આથી દારૂ-બારૂ જેવા કોઇ બહારના ટેકાની મને આ ક્ષણ સુધી જરૂર પડી નથી.

મને સવારના ભાગમાં સ્નાનવિધિ પતાવ્યા બાદ લખવાની ટેવ છે. લેખ તત્કાળ પૂરો કરવાની જીદ ક્યારેય કરતો નથી. જમ્યા પછી બપોરે બે કલાક ઘોંટી જવાનું. આ સમાધિ-કાળ દરમિયાન ફોનબંધી-ગ્રેહામબેલ કી ઐસી તૈસી... ચારેક વાગે ફરી પાછા તરો તાજા. ચા-પાણી પીએ એટલે બેટરી ચાર્જ થઇ જાય. પછી અનુસંધાન છઠ્ઠા પાને, લેખ આગળ વધે. ટોટલ છ-આઠ કલાકની લવ્ઝ લેબરને અંતે લેખ પૂરો થાય.

લેખ લખાઇ ગયા બાદ એ તેના પહેલા વાચક વિનોદ ભટ્ટના હાથમાં જાય. લેખ વાંચીને વિ. ભ. એવું બબડે કે વાચકો ઉદાર છે, નભી જશે, તો લેખ છપાવા જાય પણ જો ડોકું ધુણાવે તો તે ફાડીને કચરા ટોપલીને હવાલે કરી દેવાનો, ટોપલીને સાર્થક કરવાની.

એકવાર મારે ત્યાં એક મુરબ્બી હાસ્યકાર ધસી આવ્યા. બેઠા. મને પ્રશ્ન કર્યો ‘કેટલો સમય જાય છે એક લેખ પાછળ.’ ‘ઓછામાં ઓછા છ કલાક ને વધુમાં વધુ બાર કલાક થઇ જાય...’ મારો આ જવાબ સાંભળીને તે જરા ખેદથી બોલ્યા: ‘ધીસ ઇસ શિયર વેસ્ટ ઓફ ટાઇમ... આટલો બધો ટાઇમ એક લેખ પાછળ ના વેડફાય, હું તો ફક્ત વીસ જ મિનિટમાં લેખ લખીને ફેંકી દઉં, બોલો!’ ‘તમે સાહેબ, એક લેખ પાછળ વીસ મિનિટ લો છો, પણ તમારી અઢાર મિનિટ તો બાતલ જાય છે, કેમ કે વાચકો તો એ વાંચવા માટે બે મિનિટ પણ બરબાદ કરતા નથી...’ આવો ઉત્તર તેમને મેં ન આપ્યો, કેમ કે તે મારા મહેમાન હતા.’

‘‘‘

કારણ ખબર નથી પરંતુ હાસ્યરસ જેટલો જ મને કરુણરસ પણ પ્રિય છે. આથી મારા હાસ્ય સાથે કોઇવાર અનાયાસ કરુણભાવ પણ આવી જાય છે. ખળખળ વહેતા હાસ્યના ઝરણાની વચ્ચે છુપાયેલ-અન્ડરકરન્ટ કરુણાનો ભાવ મને વધારે ગમે છે.વહેલી સવારે કાંકરિયા તળાવ પર ચાલવા જવા ઘરેથી નીકળતો હોઉં ને છાપું આવી ગયું હોય તો હેડલાઇનો પર નજર ફેરવી લઉં છું.

એ દિવસે છાપામાં છેલ્લે પાને સમાચાર હતા કે એક નિર્દોષ નર્સને જુનિયર (શિખાઉં) ડોક્ટરે તમાચો મારી દીધો. આ હેડિઁગ વાંચીને કાંકરિયા ચાલવા ગયો. પણ મગજ જાણે ફાટફાટ થવા માંડ્યું. બ્લડ-પ્રેશરમાં કશીક ગરબડ જણાઇ, એ વિચારે કે આ દીકરી-નર્સ શક્ય છે કે પરણીને સાસરે ગઇ હશે, તેના અડબંગ પતિએ તેને, પોતે પતિ છે એ બતાવવા તમાચો ચોડી દીધો હશે ને પોતાના સ્વમાન કાજે આ માનુની પિયર આવી ગઇ હશે.

તેનાં મા-બાપે તેને પગભર થઇ સ્વમાનથી જીવવા માટે નર્સનું ભણાવી હશે. ભણ્યા બાદ તે આ હોસ્પિટલમાં નર્સ તરીકેની સેવાઓ આપવા જોડાઇ હશે- પતિનો તમાચો સહન નહીં થતાં તે નર્સ બની હશે ને જે તેનો કોઇ સગો કે વહાલો થતો નથી એવો એક બદમિજાજ જુનિયર ડોક્ટર નર્સને ગાલ પર થપ્પડ મારી દે!... કાંકરિયાનું ચક્કર અધૂરું છોડીને હું ઘેર આવી ગયો. ગુસ્સાથી મુઠ્ઠીઓ વળી જતી હતી. થતું હતું કે હમણાં જ મારાથી રડી પડાશે- લાચાર ગુસ્સાથી.

આ કિસ્સામાં આઘાતજનક વાત પાછી એ હતી કે તમાચો મારનાર એ જુનિયર ડોક્ટરને સત્તાવાળાઓએ સસ્પેન્ડ કરી નાખતાં એના વિરોધમાં ૩૦૪ ડોક્ટર એકાએક હડતાળ પર ઊતરી ગયા. એ લોકો કામ પર ચડવા અગાઉ કદાચ એવી એક શરત પણ મૂકશે કે અઠવાડિયામાં ગમે તે (ડોક્ટરને ગમે તે) એક નર્સે ફરજના એક ભાગરૂપે તમાચો ખાવા માટે પોતાનો ગાલ તૈયાર રાખવો પડશે-આ ભાવ સાથેનો વ્યંગલેખ લખી નાખ્યો ત્યારબાદ મારું બી.પી. નોર્મલ થવા માંડ્યું. એક પામર હાસ્ય-વ્યંગલેખક આનાથી વધારે બીજું કરી પણ શું શકે?!

ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ

Categories:

Leave a Reply