‘સગા દીકરાએ રૂમાલ નથી આપ્યો પણ આ દીકરા સાડી લાવ્યા’ ‘‘ભાઇ જિંદગીમાં તો ક્યારેય સગા દીકરાએ એક રૂમાલનો ટુકડો પણ નથી લઈ આપ્યો, પરંતુ આજે આ પારકા દીકરાઓ અમારા માટે દિવાળીની નવી સાડી લઈ આવ્યા છે ’’ - આટલું બોલતાં જ એ વૃદ્ધાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. અન્ય વૃદ્ધાઓ અને વૃદ્ધોની હાલત પણ કંઇક આવી જ હતી. નારણપુરા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ‘દિવાળી ગિફ્ટ’ આપવા માટે મનીષભાઇ શાહ પરિવાર તથા મિત્રો સાથે સાડીઓ અને શર્ટ લાવ્યા ત્યારે વડીલોની આંખો ખુશીના આંસુથી ભીંજાઈ ગઈ હતી.

સીજી રોડ પર રહેતા અને કેબલના ધંધા સાથે સંકળાયેલા મનીષભાઇ શાહ તથા તેમના મિત્રો સંજયભાઇ પટેલ, અનિલભાઇ જૈન તથા અમિતભાઇ શેઠ પોતાના સંતાનો સાથે રવિવારે વહેલી સવારે વૃદ્ધાશ્રમમાં દિવાળીની સાડીઓ અને નવા શર્ટ લઇને પહોંચી ગયા હતા. જ્યાં તેમના સંતાનો ‘દાદા તમને આ શર્ટ સારો લાગશે, દાદી આ સાડી તમારે માટે જ છે’ એવું બોલીને વડીલોને તેમની પસંદગીના કપડાં આપતા હતા ત્યારે દાદા અને દાદીઓ પણ ‘પોતરાઓ’ના લાગણીભર્યા શબ્દો અને પ્રેમભાવનાથી ભીંજાઈ ગયા હતા. આ વડીલોને એક દીકરાના પરિવારે તરછોડ્યા તો બીજા અનેક દીકરા અને‘પોતરાઓ’ અહીં તેમની ચિંતા કરતાં પહોંચી ગયા હતા.

મનીષભાઇ તથા તેમના મિત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીમાં પરિવારજનોની ખરીદી થઇ ગઇ પરંતુ આ વડીલો માટે કોણ કપડાં લાવશે? તે સવાલ સતાવતો હતો. બીજું કે અમારા સંતાનોને જો નાનપણથી જ વૃદ્ધાશ્રમની મુલાકાતે લાવીશું તો તેમના પણ સંસ્કારોનું સિંચન થાય માટે તેમને લઇને સાડીઓ અને શર્ટ ખરીધ્યા તથા તેમના હાથે જ દરેક દાદા-દાદીને તેમની પસંદગીની સાડી કે શર્ટ આપતાં અમારા બાળકો તેમને વંદન કરી રહ્યાં છે તે જોઇને ખરેખર આનંદ થાય છે.

સાડીની કિંમત નથી, પ્રેમની છે : હીરાબા

‘ભાઇ સાડીની કોઈ કિંમત નથી પરંતુ આ નવા દિવસોમાં પારકા દીકરા અમારા માટે આ કપડાં લઈ આવ્યા અને વંદન કરી પૂરા માન સાથે જે રીતે અમને સાડી આપી રહ્યા છે તે પ્રેમ જોઇ ખરેખર આંખો ભરાઇ આવે છે’ - એમ હીરાબાએ કહ્યું હતું. પોતાને સાડી આપનારા બાળક માટે તેમના મોઢામાંથી ‘જુગ જુગ જીવો’ના આશીર્વાદ સહેજે સરી પડ્યા હતા.

દાદા-દાદીને જેમણે હાંકી કાઢયાં તે ખૂબ ખોટું કર્યું

‘અમારા ઘરમાં તો દાદા-દાદી છે પરંતુ આ દાદા-દાદીને તેમના બાળકોએ હાંકી કાઢ્યાં છે તે ખૂબ જ ખોટું કર્યું છે. પરંતુ તેઓ અહીં સુખી છે તે જોઇને આનંદ થાય છે. - દીપ પટેલ, આઠમાં ધોરણનો વિદ્યાર્થી

માનવતા હજુ ધબકે છે

દિવાળી દરમિયાન આવા દીકરાઓ વડીલો માટે કપડાં, મીઠાઇ અને ફટાકડા લઇને વૃદ્ધાશ્રમમાં પહોંચી પૂરા માન સાથે વડીલોને કપડાં અને મીઠાઇ આપે ત્યારે ખરેખર એવું લાગે છે કે માનવતા હજુ લોકોના હૃદયમાં ધબકે છે. - ફરશુભાઈ કક્કડ, વૃદ્ધાશ્રમના સંચાલક

Categories:

Leave a Reply