તું સમજતો કેમ નથી, મંઝર? આપણું એક બાળક તો હોવું જોઇએ ને? બાળક એ પતિ અને પત્નીના પ્રેમસંબંધનું અંતિમ ફળ હોય છે. 

નેવું કિલોગ્રામ વજન ધરાવતો મંઝર ટૂંકો ચડ્ડો અને રંગીન જર્સી પહેરીને ટેલિવિઝન ઉપર ચાલતી ફીફા વર્લ્ડકપની ફૂટબોલ મેચ જોઇ રહ્યો હતો, ત્યાં એની પત્ની ચુનરીએ આવીને પૂછ્યું, ‘આજે ડિનરમાં શું ખાવું છે?’ખાલી ખોપરીનો માલિક મંઝર એને પડેલા વિક્ષેપથી ભયંકર હદે ઉશ્કેરાયો. જમણો હાથ હવામાં વીંઝીને એક જોરદાર તમાચો પત્નીના ગાલ ઉપર એણે ઠોકી દીધો. ચુનરીના કાનમાં તમરાં બોલવા માંડ્યાં. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં, ‘મંઝર! આપણે લવમેરેજ કરેલાં છે. મને સપનામાંયે આવી કલ્પના ન હતી કે તું ક્યારેય મારી ઉપર હાથ ઉપાડીશ. હું તો તને પૂછવા માટે આવી હતી કે ડિનરમાં...?’

મંઝરે બીજો એક લાફો જડી દીધો, ‘અક્કલ વગરની! જડભરત! ગમાર,! ડોબી! તું જોતી નથી કે હું અત્યારે ટી.વી. સામે બેઠો છું? એક તો સાલો અડધા કલાકથી એક પણ ગોલ થતો નથી અને ઉપરથી તું કચ-કચ કરવા આવી જાય છે. તારે જે રાંધવું હોય એ રાંધી નાખ ને! મારે ખાવું હશે તો ખાઇ લઇશ.’

ચુનરી રડતી-રડતી ઊભી થઇને રસોડામાં ચાલી ગઇ. એનો આઘાત એવરેસ્ટ જેટલો ઊંચો હતો અને અરબ-સાગર જેટલો ઊંડો. ચુનરીના દિલને પહોંચેલી ચોટનું કારણ એ ન હતું કે એના પતિએ એને બે લાફા માર્યા હતા, પણ ખરું કારણ એ હતું કે એ જેને પરણી હતી એ પ્રેમીએ એની ઉપર હાથ ઉપાડ્યો હતો.

લગ્ન પહેલાંના એમના પરિચયની ઉંમર છ વરસની હતી અને બંને વચ્ચે પાંગરેલા પરિણયની વય પાંચ વરસની હતી. આટલો સમય એકમેકના સ્વભાવની ખાસિયતો જાણવા માટે પર્યાપ્ત ગણાય, પણ ચુનરીને હવે લાગતું હતું કે પોતે આબાદ છેતરાઇ ગઇ હતી. મંઝર છળકપટનો શહેનશાહ અને અભિનયનો રાજવી સાબિત થયો હતો. એવું લાગતું હતું જાણે લગ્ન પહેલાંનો અને લગ્ન પછીનો મંઝર એ બંને કોઇ અલગ જ પુરુષો હતા!

મંઝરના આવા બેરૂખીભર્યા વર્તનની શરૂઆત ‘હનિમૂન’ના અંતની સાથે જ થઇ ચૂકી હતી. પંદર દિવસના ‘હનિમૂન’નો ઓડકાર ખાધા પછી મંઝરનું વર્તન ચુનરી તરફ બરાબર એવું થઇ ગયું હતું જેવું કોઇ પણ વ્યક્તિનું પાક્કી કેરી ચૂસી લીધા પછી બાકી વધેલાં છોતરાં તરફ રહેતું હોય! ઊટી અને કોડાઇકેનાલથી પરત આવ્યાં પછી મંઝર એના બિઝનેસમાં ગળા સુધી ખૂંપી ગયો. બે-પાંચ અઠવાડિયા વીત્યાં પછી એક દિવસ ચુનરીએ એને યાદ કરાવ્યું, ‘મંઝર, આપણાં લગ્નને પંદર-વીસ વરસ નથી થયાં, વી આર ન્યુલી મેરિડ! તું રોજ રાત્રે દસ વાગ્યા સુધી ઘરની બહાર ભટકે છે. તને ખબર હોવી જોઇએ કે કો’ક તારી રાહ જોઇ રહ્યું છે.’

મંઝરે મિજાજ ગુમાવ્યો, ‘એટલે? તું કહેવા શું માગે છે? મારે ધંધો બંધ કરીને ઘરની અંદર બેસી રહેવું અને ચોવીસે કલાક તારું ડાચું જોયા કરવું, એમ?’‘મારી પાસે મોં છે, ડાચું નહીં!’‘તો હું પણ ઘરની બહાર ફરતો હોઉં છું, ભટકતો નથી! હું પુરુષ છું અને પુરુષોએ કમાવા માટે ફરવું પડતું હોય છે.’‘કમાવા માટે?! તારી ઓફિસ તો સાંજે પાંચ વાગે બંધ થઇ જાય છે. તું રાતે દસ વાગે ઘરે આવે છે. વચ્ચેના પાંચ કલાક તું ફરવા જાય છે કે ચરવા એની મને શી ખબર?’

‘શટ અપ, ચુનરી! વન વર્ડ મોર એન્ડ આઇ વિલ...’ મંઝરે હવામાં હાથ ઉઠાવ્યો અને એ ક્ષણે ચુનરીને પહેલી વાર ખબર પડી કે મંઝર એને પ્રેમ નથી કરતો. એનો પુરુષ હવે ફક્ત પતિ હતો, પ્રેમી નહીં. સોળમી સદીનો જુનવાણી પતિ. પોતાની પત્નીને પગલૂછણિયું માનતો પતિ. એને આજીવન પોતાના આધિપત્યની એડી હેઠળ કચડીને રાખવા માગતો પતિ. ત્યારે તો ચુનરીએ હોઠોનાં દ્વાર ભીડીને એની ઉપર ખામોશીનું તાળું મારી દીધું, પણ મંઝરનો શતમુખ વિનિપાત ચાલુ જ રહ્યો.

રોજ રાતે મોડેથી જમી-પરવારીને મંઝર ટેલિવિઝનની સામે બેસી જાય. શયનખંડ ચુનરીના નિસાસાઓથી ઉભરાતો રહે. ક્યારેક એ બહાર આવીને પતિને યાદ અપાવે, ‘મંઝર, આપણે લવમેરેજ કર્યા છે, તને આટલા ઓછા સમયમાં મારામાંથી રસ ઊડી ગયો?!’

મંઝર જવાબ આપતો, ‘શટ અપ, ચુનરી! લગ્ન પ્રેમ કરીને કર્યા હોય કે મા-બાપની ગોઠવણ મુજબ, આખરે તો એ ફક્ત લગ્ન જ બની રહે છે. લવમેરેજ શબ્દમાં ‘લવ’ એ પ્રક્રિયા છે અને ‘મેરેજ’ એ પરિણામ છે. આપણે આંબા ઉપર લટકતી કેરી તોડવા માટે પથ્થર ફેંકીએ છીએ ને! પછી કેરી નીચે પડે ત્યારે શું કરીએ છીએ? પેલા પથ્થરને આપણે સૂંઘતા પણ નથી. પ્રક્રિયા પૂરી થઇ, પરિણામ આપણા હાથમાં હોય છે.’

લગ્નનાં ત્રણ વરસ પૂરાં થઇ ગયાં. ચોથા વરસે ચુનરીને જીદ કરી, ‘હવે મારે બાળક જોઇએ છે. આજથી આપણે સાવચેતી પાળવાનું બંધ કરીએ...’‘સોરી, ડાર્લિંગ! હું હજુ બાપ બનવા માટે માનસિક રીતે તૈયાર નથી. મારે હજુ ધંધો જમાવવો છે.’‘મંઝર, ધંધા માટે તો પૂરી જિંદગી પડી છે, બાળકને પેદા કરવા માટે એક ચોક્કસ ઉંમર હોય છે.’ ચુનરીએ દલીલ કરી.‘સો વ્હોટ? એ ઉંમર વીતી જશે તો બીજું શું થશે? આપણને બાળક નહીં થાય એ જ ને? તો શું થઇ ગયું? આપણે જીવી નહીં શકીએ?’‘તું સમજતો કેમ નથી, મંઝર? આપણું એક બાળક તો હોવું જોઇએ ને? બાળક એ પતિ અને પત્નીના પ્રેમસંબંધનું અંતિમ ફળ હોય છે અને આપણે તો પ્રેમલગ્ન કરેલાં છે...’

‘સોરી! આઇ ડોન્ટ એગ્રી વિથ યુ, ચુનરી! મને મારા ધંધા સિવાય બીજી એક પણ વાતમાં રસ નથી. તારામાં પણ નહીં. ડોન્ટ ફીલ હર્ટ... પણ મેં જે કહ્યું તે સત્ય છે. જા, હવે ઊંઘી જા, મને ક્રિકેટની હાઇલાઇટ્સ જોવા દે!’ આટલું કહીને મંઝરે હળવો ધક્કો માર્યો. ચુનરી મિસાઇલની જેમ બેડરૂમની દિશામાં ફંગોળાઇ ગઇ. મંઝરને મન એ હળવો ધક્કો હતો, પણ પદમણી જેવી ચુનરીની નાજુક કાયા માટે નેવું કિલો વજનવાળા ગેંડાના જંગલી, પાશવી બળથી મરાયેલો એ વસમો પ્રહાર હતો.

ચુનરી ઉપર હાથ ઉપાડવો એ હવે મંઝર માટે રોજિંદી વાત બની ગઇ હતી. એક રાતે સાવ નજીવી બાબત માટે એ હદ ઉપરાંત ઊકળી ઊઠ્યો. બેડરૂમનું બારણું બંધ કરીને પત્ની ઉપર તૂટી પડ્યો. એને પથારીમાં પટકીને એની ઉપર ચડી બેઠો. એના બંને હાથ પોતાના પગ નીચે દબાવીને એ બોક્સરની જેમ ચુનરીના મોગરાના ફૂલ જેવા ચહેરા પર મુક્કાઓ મારતો રહ્યો. 

ચુનરીએ ચીસ પાડવાની કોશિશ કરી તો એનું જડબું પહોળું કરીને મોંની અંદર બે હાથ નાખીને એણે ચુનરીના ગાલ ફાટી જાય એ હદે દબાણ વાપરી દીધું. બીજા દિવસે ચુનરી ચૂપચાપ પતિનું ઘર છોડીને ચાલી નીકળી. એની સાસુએ ખોળો પાથર્યો, પણ એ ન માની. એ હવે સમજી ચૂકી હતી કે પ્રેમ કરતી વખતે પાત્ર પસંદ કરવામાં એણે ભયંકર થાપ ખાધી હતી. મંઝર માણસ નહીં, પણ જંગલી, હિંસક પશુ હતો.

‘ ‘ ‘

સાસરીમાંથી સંદેશાઓ આવતા રહ્યા. માત્ર સાસુ જ નહીં, અન્ય સગાંવહાલાંઓ પણ ફોન ઉપર કરગરતા રહ્યાં, પણ ચુનરી ટસની મસ ન જ થઇ. એક દિવસ અચાનક સાસુનો ફોન આવ્યો, ‘ચુનરી, બેટા! મંઝરને અકસ્માત થયો છે. એના બેય પગમાં ફ્રેકચરો થયાં છે. મોં ઉપર પણ ખૂબ વાગ્યું છે. એ અત્યારે બોલી શકતો નથી, થૂંક પણ ગળા નીચે ઉતારી શકતો નથી. તને બહુ યાદ કરે છે. કાગળ ઉપર લખીને વંચાવે છે. તું પાછી આવી જા, વહુ બેટા... તું કેમ ભૂલી જાય છે કે તમે લવમેરેજ કરેલાં છે?’ 

ચુનરીએ છાતીમાં ઊંડો શ્વાસ ભરીને કહ્યું, ‘સોરી, મમ્મી! તમારા એ જાનવરને એટલું કહેજો કે એને નડેલો અકસ્માત એ મારા શાપનું પરિણામ છે. એ જ્યારે મને મારતો હતો ત્યારે મારી છાતીમાંથી નીકળેલી ચીસ કોઇક તો સાંભળતું હતું! સીતાને પામવી હોય તો રામ બનવું પડે, રાવણ બન્યે ન ચાલે! તમારા રાવણને હવે જ સમજાશે કે જડબું દુ:ખે તો કેવી પીડા થાય છે! એને કહેજો કે મને હવે ‘લવ’માં પણ વિશ્વાસ નથી રહ્યો અને ‘મેરેજ’ માં પણ નહીં. જય શ્રીકૃષ્ણ!’

Categories:

Leave a Reply