પ્રથમ નજરે તો ઓળખવામાં મુશ્કેલી પડી. મોં પરની માસૂમિયત દબાઇ ગઇ હતી. આંખો ફરતે કાળાં કુંડાળાં પડી ગયાં હતાં અને સમગ્ર ચહેરો પીઢ અને પરિપક્વતાની સાક્ષી પૂરતો હતો. હાથ જોડીને ઊભી રહી. આંખો શ્રાવણ-ભાદરવાની જેમ વરસવા લાગી. ‘કુસુમ!’ આમ કહી ડો. અખિલેશે તેના ખભા પર હાથ મૂક્યો. પછી કહ્યું, ‘રડવાનું ચાલુ રાખીશ તો પછી વાત ક્યારે કરીશ!’ છેલ્લું ડૂસકું ખાળીને કુસુમે દુપટ્ટા વડે આંખો લૂછી. કુસુમના હૈયામાં ઊભરતી આપદાને વ્યક્ત થતાં રોકીને કહ્યું: ‘તમને જોયા, મારાં સઘળાં સ્વજનનાં દર્શન થયાં હોય એમ લાગ્યું તેથી રડી પડાયું...’મારે કહેવું હતું કે જેમના પાસે તમે હૈયું હળવું કરી શકો, મન મૂકીને રડી શકો એ સાચા સ્વજન. મને ગર્વ અને આનંદની અનુભૂતિ થઇ.

‘અમારે રાતે જ અહીં આવી જવું હતું. જેથી રાતભર સાથે રહી નિરાંતે વાતો થઇ શકે!’ ડો. અખિલેશે કહ્યું: ‘બાઇકમાં પંકચર હતું, આટલું લાંબું ચાલીને આવવું મુશ્કેલ તેથી...’ ‘રાતે ઊંઘ આવી ગઇ’તી...?’ કુસુમનો સવાલ મર્મવેધી હતો. ‘ઊંઘ તો તં ઉડાડી દીધી હતી...’ આમ કહ્યું. ત્યાં બંને મમૉળુ અને શરમાળુ હસવા લાગ્યાં. લગભગ છ કે સાત વરસ પહેલાં ડો. અખિલેશ સૌરાષ્ટ્રના એક ગામમાં મેડિકલ ઓફિસર તરીકે નિમાયા હતા. ગામડામાં રહેવાની મુશ્કેલીઓને ગૌણ ગણી તેમણે તન-મનથી ફરજ અદા કરી હતી. ચોવીસ કલાકમાં ગમે ત્યારે તેમની સેવા મળી શકે. 

બહુ ઓછા સમયમાં ગ્રામજનોનાં દિલ જીતી લીધાં હતાં. પૃથ્વી પરના ભગવાનની જેમ તેમનો આદર-સત્કાર થવા લાગ્યો હતો. પણ કુસુમ સાથેના પ્રણય-સંબંધના લીધે તેમની છબી ખરડાઇ એટલું જ નહીં તેમનો જીવ લઇ લેવા સુધીનો સવાલ પેદા થઇને ઊભો રહ્યો. ડો. અખિલેશે કહ્યું હતું: ‘હું કુસુમ સાથે મેરેજ કરવા તૈયાર છું. અમે બંને કાયદેસરનાં પતિ-પત્ની બનીને સૌની સેવા કરવા તૈયાર છીએ પછી શું વાંધો છે!? પણ ના, આવું કોઇને મંજૂર નહોતું. 

રૂઢિવાદ અને જ્ઞાતિગત જડતા અજગરની જેમ ભરડો લઇ ગઇ હતી. ડો. અખિલેશ માટે કપરો કાળ હતો. શું કરવું તે સૂઝતું નહોતું. તેને તો પ્રેમસગાઇને ગર્વ અને ગરિમા બક્ષવી હતી. પણ વાતને સમજવા, સ્વીકારવા કોઇ તૈયાર નહોતું. એક કારણ એ પણ હતું કે ડોક્ટરની આદરપાત્ર મૂર્તિ ખંડિત થાય તે સ્વીકાર્ય નહોતું. એક જ બાબત હતી કે અહીંના લોકો આપવા બેસે તો જીવ આપી દે અને લેવા બેસે તો જીવ લઇ લે! વચ્ચેની વાત જ નહીં કાં આ પાર નહીંતર પેલે પાર.

‘ઘેર આવશોને! કુસુમે કહ્યું: ગુજરાતની બોર્ડર છોડો એટલે તરત જ મહારાષ્ટ્ર લાગે... ત્યાં જ અમારું ખેતરમાં ઘર છે!’ ‘વચ્ચે નિનાઇ ધોધ આવશે, તેનો નજારો જોવા જેવો છે.’ ડો. અખિલેશ વાતને વચ્ચેથી ગળી ગયા હોય એમ લાગ્યું તેથી કુસુમે કહ્યું: ‘ભાગીને ત્યાં આવ્યાં હતાં એ પણ કહોને!’કુસુમ સાથેનો પ્રેમ ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. માઠાં પરિણામ આવશે તેવી સાવચેતી પણ કોઇએ ડોક્ટરને આપી હતી! ‘ગામ છોડી દો તેમાં જ તમારી ભલાઇ છે...’ છેવટે ઘર સમેત સળગાવી દેવાનો પ્રયાસ થયો. પ્રેમની વેદી પર આહુતિ આપી દેવી હતી પણ ડોક્ટરને ભાગેડુ નહોતું થવું. 

છતાંય બંનેની સલામતી ખાતર પ્રદેશ નહીં રાજ્ય જ છોડી દીધું. ‘મોબાઇલ પર વાત કરવી હતી પણ હું તો કવરેજ ક્ષેત્રની બહાર...!’ મેં કહ્યું: ‘અહીં તો ટાવર જ ક્યાં છે!?’ અંધારી ને વરસાદી રાત હોય, રૂમમાં લાઇટ ન હોય, કોઇ જાતનો સંપર્ક થઇ ન શકે તેવી સ્થિતિ હોય... લાગે કે આપણે દુનિયાથી વિખૂટા પડી ગયાં છીએ. પણ અહીંના લોકોને આ અભાવ તેના સ્વભાવમાં ક્યાંય દેખાતો નથી. જે છે તેની પ્રકૃતિના પ્રાંગણમાં મઝા લૂંટવી નથી. તેનું દુ:ખ ગાવા કરતાં છે તેનું સુખ માણનારી પ્રજા છે. જેની જરૂરિયાત ઓછી તે સુખી માણસ. 

‘તું તો ગામડાગામમાં પણ સુખ-સાહ્યબી વચ્ચે ઊછરી છો ને અહીં તો...’ મેં વાતને છેડવા માટે જ આમ કહ્યું. તો કુસુમે કહ્યું: ‘હતું ત્યારે હતું. અત્યારે તો અમે વાંસના મકાનમાં રહીએ છીએ. આ વિસ્તારના લોકોની સેવા કરીએ છીએ અને લોકોની હાલાકી જોયા પછી લાગે છે કે અમને ખરેખર કોઇ જ જાતની મુશ્કેલી નથી.’ વાત તદ્દન સાચી હતી. 

બીજાના દુ:ખનો વિચાર કરીએ તો ઘણી મુશ્કેલીઓ આપોઆપ ટળી અને ઓગળી જાય. ‘પરજ્ઞાતિના લોકમાં હું પરણું તેનો જ વિરોધ હતો ને પરિવારનો!’ કુસુમે કહ્યું: ‘અમે પરણ્યાં જ નથી. પ્રકૃતિના પ્રાંગણમાં ઊભાં રહી, નિનાઇમાતાની સાક્ષીએ એકબીજાને સમર્પિત થયાં છીએ!’ ડો. અખિલેશે કહ્યું: ‘મારા શ્વાસ અને તેનો વિશ્વાસ... પ્રેમની આવી સાદી સમજ છે અમારી!’ પર્ણનો મર્મર અવાજ અને ઝરણાંનો ખળખળાટ જાણે વાતની સાક્ષી પૂરતા હતા!

Categories:

Leave a Reply