તમને ગમે એવું કંઈક કરો. દિવસ પૂરો થાય ત્યારે એવું ન થવું જોઈએ કે દિવસ વેડફાયો, એવું થવું જોઈએ કે દિવસ જિવાયો 

એક લમ્હા ભી મુસર્રત કા બહુત હોતા હૈ, 

લોગ જીને કા સલીકા હી કહાં રખતે હૈ. 
- સૈયદ ઝમીર જાફરી 

દરેક નવી શરૂઆતમાં કંઈક નવું હોવું જોઈએ. નવું વર્ષ શરૂ થયું છે, આ નવા વર્ષમાં નવું શું છે? નવું કંઈ હોતું નથી, નવું સર્જવું પડે છે. દિવસ એ જ છે, સવાર એ જ છે, રાત પણ એ જ છે, શ્વાસ પણ એ જ છે, ક્ષણ પણ એ જ છે. તારીખિયું બદલાય છે પણ તારીખની સાથે આપણે બદલાઈએ છીએ ખરાં? સમય માત્ર ઉંમરમાં જ વધારો કરતો ન હોવો જોઈએ, સમય જિંદગીમાં પણ થોડોક વધારો કરતો હોવો જોઈએ. જિંદગીમાં ઉમેરાતા દરેક શ્વાસ સાથે માણસ વિસ્તરવો જોઈએ. આપણી શ્રદ્ધામાં થોડો વધારો થવો જોઈએ, આપણી આશા વધુ ઉજ્જવળ થવી જોઈએ, આપણાં સપનાં વધુ સ્પષ્ટ થવાં જોઈએ અને આપણી જિંદગી થોડીક હળવી થવી જોઈએ. 

ગયું વર્ષ કેવું ગયું? ૩૬૫ દિવસમાં કેટલા દિવસ હળવા હતા અને કેટલા દિવસ ભારે હતા? ગયા વર્ષમાં કેટલો પ્રેમ કર્યો અને કેટલી નફરત કરી? કેટલું રડયા અને કેટલું હસ્યા? અને સૌથી મોટો સવાલ, તમે તમારી મરજી મુજબ કેટલું જીવ્યા? 

આપણે એવું કહીએ અને સાંભળીએ છીએ કે પોતાના માટે તો બધા જીવે, બીજાના માટે જીવે એ જ સાચો માણસ છે. વાત થોડીક સાચી પણ છે. જોકે, એ વાત વધુ સાચી છે કે જે પોતાના માટે નથી જીવી શકતો એ બીજા માટે શું જીવવાનો? ખાવામાં મજા આવતી હોય એને જ ખવડાવવાની મજા આવે છે. હસવામાં મજા આવતી હોય એ જ બીજાને હસાવી શકે છે. તમને જો તમારામાં રસ નહીં હોય તો કોઈનામાં રસ નહીં પડે. 

તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમારો કેવો ચહેરો લોકોને યાદ હશે? કેટલાક લોકો યાદ આવે કે તરત જ તેનો હસતો ચહેરો નજર સમક્ષ ઊપસી આવે. કેટલાક લોકો યાદ આવે ત્યારે થથરી જવાય. પહોળા થઈ ગયેલા ડોળા અને તંગ થઈ ગયેલી નસો નજર સામે આવી જાય એવા લોકોને યાદ કરવા આપણને ગમતાં નથી. તમને લોકો કેવી રીતે યાદ કરે છે? અરીસા સામે ઊભા રહીને એક પ્રયોગ કરો. ડોળા ફાડીને ઘૂરકિયાં કરતાં હોય એવો ચહેરો બનાવો અને પછી તમે તમારી જાતને ધ્યાનથી નીરખો. પાછા નોર્મલ થઈ જાવ. હવે તમારા ચહેરા ઉપર મધુર હાસ્ય રેલાવો. તમારો ચહેરો ધ્યાનથી અરીસામાં જુઓ. પછી યાદ કરો કે તમારો કયો ચહેરો તમને ગમ્યો? સ્વાભાવિક રીતે જ હસતો ચહેરો તમને ગમ્યો હશે. જો તમને જ તમારો ખરાબ ચહેરો ન ગમતો હોય તો બીજાને ક્યાંથી ગમવાનો? પહેલાં તો તમારો ચહેરો તમને ગમવો જોઈએ. જે તમને ગમશે એ બીજાને ગમશે. 

એક મિત્રે કરેલી વાત છે. તેણે કહ્યું કે જ્યારે પણ હું કોઈ ન ગમતાં માણસને મળું છું ત્યારે હું એવું શીખું છું અને એવું ધ્યાન રાખું છું કે હું એના જેવું નહીં કરું, કારણ કે એણે જેવું કર્યું છે એનાથી એ મને નથી ગમ્યો અને એના જેવું હું કરીશ તો હું પણ કોઈને નહીં ગમું. 

આ વર્ષે જો તમે નક્કી કરી શકો તો એવું નક્કી કરો કે આ વર્ષે હું હસવાનું પ્રમાણ થોડુંક વધારી દઈશ. નાનું બાળક વધુ હસતું હોય છે. માણસ જેમ મોટો થતો જાય તેમ હસવાનું ભૂલતો જાય છે. લગ્ન પછી માણસ પ્રેમ કરવાનું ભૂલતો જાય છે. ઉંમર વધવાની સાથે જે વધવું જોઈએ એ ઘટતું જાય છે અને એટલે જ જિંદગી ભારે લાગવા માંડે છે. નવા વર્ષમાં ભુલાઈ ગયેલું આવું કેટલું યાદ કરવાનું છે? 

તમારી મરજી મુજબની કેટલી મજા તમે કરો છો? માણસે પોતાના માટે પણ થોડીક જિંદગી જીવવી જોઈએ. તમને ખબર છે કે તમને શું ગમે છે? તમને શેમાં આનંદ આવે છે? જો તમને ગમે એવું નહીં કરો તો ધીમે ધીમે તમને શું ગમે છે એ પણ તમે ભૂલી જશો. નક્કી કરો કે હું હવેથી મારી સાથે જીવીશ. 

મોટા થયા પછી આપણે કેટલાંક ગીતો ગણગણીને અશ્વાસન મેળવતા હોઈએ છીએ. ‘વો કાગઝ કી કસ્તી, વો બારીશ કા પાની...’ આપણે વિચારીએ છીએ કે અહાહા, કેવા સરસ દિવસો હતા. તમને એવો વિચાર આવે છે કે દર વર્ષે બારીશ તો એ જ હોય છે અને કાગળ પણ એ જ હોય છે, આપણે હોડી બનાવવાનું બંધ કરી દીધું હોય છે. મોટા થયા પછી વરસાદમાં હોડી બનાવીને તરાવવાની કોઈ ના પાડે છે? આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી હોડી ન બનાવાય! હવે હું નાનો નથી. મને આ ન શોભે. તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણે ઘણું બધું આપણી રીતે જ સારું અને ખરાબ, સાચું અને ખોટું, યોગ્ય અને અયોગ્ય માની લેતા હોઈએ છીએ? 

આમ ન કરાય એવું વિચારીને તમે તમારી કેટલી મજાને દબાવી રાખો છો? આવું થોડુંક ખંખેરીને આ વર્ષે થોડુંક પોતાની રીતે જીવવાનું નક્કી કરો. જિંદગી તો સાવ હળવી છે. આપણે જ તેને નિયમો, ઉંમર અને યોગ્ય-અયોગ્યની સાંકળ પહેરાવીને ભારે કરી દઈએ છીએ. નાના હતા ત્યારે જે કરતાં હતા એ થોડુંક પાછું કરી જુઓ. તમે કયું ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા? કેટલો સમય મિત્રો સાથે વીતાવતા હતા? એ બધી મજા તો ત્યાંની ત્યાં જ છે, તમે દૂર ચાલ્યા ગયા છો. એક વ્યક્તિએ કહ્યું કે, નાનો હતો ત્યારે દરિયા કિનારે ભીની રેતીમાં ચાલીને મને અદ્ભુત ટાઢક મહેસૂસ થતી. હું રેતીમાં પડેલાં મારાં પગલાંને ધ્યાનથી જોતો અને બાજુમાં જ એવું પગલું ચીતરવાનો પ્રયાસ કરતો. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તો પછી હવે કેમ નથી જતો? એ જ દરિયો છે, એ જ રેતી છે, એ જ ભીનાશ છે અને એ જ ટાઢક છે. પગલું થોડુંક મોટું થઈ ગયું છે, બાકી બધું એનું એ જ છે. 

જે માણસ પોતાની મરજી મુજબની ક્ષણો જીવે છે એને જિંદગીનો અફસોસ નથી થતો. તમારે અફસોસ ન કરવો હોય તો જિંદગી જીવો. તમને ગમે એવું કંઈક કરો. દિવસ પૂરો થાય ત્યારે એવું ન થવું જોઈએ કે દિવસ વેડફાયો, એવું થવું જોઈએ કે દિવસ જિવાયો. જિંદગી તમે ધારો છે એવી અઘરી કે આકરી નથી, જિંદગીને જરાક મુક્ત તો કરો, જિંદગી જીવવા જેવી છે. બાય ધ વે, આજે તમને ગમે એવું તમે શું કરવાના છો? થોડુંક તમને ગમે એવું કંઈક તો કરો, અને હા પછી દરરોજ એ ક્રમ જાળવતાં રહેજો. રોજ સવારે બ્રશ કરતી વખતે ચહેરો અરીસામાં જુઓ ત્યારે કહેજો કે આજે મારે મારી મરજી મુજબનું થોડુંક જીવવાનું છે. નવું વર્ષ, નવી ક્ષણો અને મરજી મુજબની થોડી મજા મુબારક...

Categories:

Leave a Reply