મારું તો નામ જ ઉન્નત છે. ઉન્નતથી વધારે ઊંચું તો આસમાન પણ ન હોઇ શકે. હાર-જીતનાં પારખાં આવતી કાલે થઇ જશે. 

આવતી કાલે ચેસની ફાઇનલ ગેમ છે. આપણી બેયની વચ્ચે. હારવા માટે તૈયાર રહેજે.’ ઉન્નતે એની પ્રતસ્પિર્ધી તોરણને પડકાર ફેંક્યો. 

‘હું તો તૈયાર જ છું, પણ જીતવા માટે.’ તોરણે ગરદનને અક્કડ કરતાં જવાબ આપ્યો. બંને જણાં કોલેજના નોટિસ બોર્ડ આગળ ભેગાં થઇ ગયાં હતાં. આવતી કાલે ચેસની રમતની ફાઇનલ કોમ્પિટિશન હતી. આવતી કાલે માત્ર કોલેજનો નહીં, પણ યુનિવર્સિટીનો ચેમ્પિયન પ્લેયર નક્કી થવાનો હતો. તોરણ ટીલાવત છેલ્લાં બે વર્ષથી યુનિવર્સિટી ચેમ્પિયન બનતી આવી હતી, પણ આ વરસે એના માટે કપરાં ચડાણ હતાં. મુંબઇથી આવેલો ઉન્નત આચાર્ય એને પાંચમાંથી ચાર વાર ઘરેલુ સ્પર્ધામાં હરાવી ચૂક્યો હતો. બંને જણાં આવતી કાલે છેલ્લી વાર ટકરાવાનાં હતાં. પછી તો પરીક્ષાઓ નજીક આવતી હતી અને પછી કોલેજને કાયમ માટે ‘રામ-રામ’ કહી દેવાનું હતું. તોરણ કોઇપણ ભોગે આ સ્પર્ધા જીતીને ‘હેટ્રિક’ મેળવવા ઇચ્છતી હતી. 

ઉન્નત જાણતો હતો કે ચેસની રમત દિમાગની રમત છે. એમાં હાર-જીતનો આધાર હરીફોની માનસિકતા ઉપર રહેતો હોય છે. એટલે જ એણે ‘માઇન્ડ ગેમ’ રમવાની આ તક ઝડપી લીધી. તોરણની અક્કડતા જોઇને એ હસ્યો, ‘ચકલી થઇને ગરુડને પડકાર ફેંકે છે?’ 

‘ના, પાણીદાર તલવાર બનીને ધાર વિનાના ચપ્પા સાથે ટકરાઇ રહી છું!’ 

‘આ આત્મવિશ્વાસ નથી, પણ તારો અતિવિશ્વાસ છે.’ 

‘પણ એ સ્વાભાવિક છે, મારું નામ તોરણ છે અને તોરણનું સ્થાન દરેક ઘરના પ્રવેશદ્વારમાં સૌથી ઊંચું હોય છે.’ 

‘મારું તો નામ જ ઉન્નત છે. ઉન્નતથી વધારે ઊંચું તો આસમાન પણ ન હોઇ શકે. હાર-જીતનાં પારખાં આવતી કાલે થઇ જશે. મારી સલાહ માન તો કાલે છેક છેલ્લી ઘડીએ રમતમાંથી ‘વોક ઓવર’ કરી નાખ! તારી આબરૂ જળવાઇ જશે.’ 

‘એ સલાહ તો મારે તને આપવાની છે. કાલે તને એવી ધોબીપછાડ આપવાની છું કે છેલ્લા બે મહિના માટે તું યુનિવર્સિટી છોડીને મુંબઇ પાછો ચાલ્યો જઇશ.’ 

આ ચડસા-ચડસીમાં બેયને ખબર પણ ન રહી કે એમને ઝઘડતાં જોવા માટે કોલેજિયનોનું ટોળું જમા થઇ ગયું હતું. છોકરાઓ અને છોકરીઓનાં બે સ્પષ્ટ જૂથ રચાઇ ગયાં હતાં. ‘થ્રી ચીઅર્સ ફોર ઉન્નત’ અને ‘હીપ...હીપ..હુરર્રે... ફોર તોરણ’ની નારાબાજી શરૂ થઇ ગઇ. વાતાવરણમાં ગરમાટો આવી ગયો. જાણે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવાની હોય એવો માહોલ થઇ ગયો. 

એ રાત તોરણ ઊંઘી ન શકી. આ સ્પર્ધા માટે એ સતત ત્રણ મહિનાથી તૈયારી કરતી આવી હતી. શહેરના શ્રેષ્ઠ ખેલાડીઓ પાસેથી એણે ‘કોચિંગ ટિપ્સ’ મેળવી હતી. વિશ્વના ભૂતપૂર્વ ધૂરંધર ખેલાડીઓ બોબી ફશિર અને સ્પાસ્કી વચ્ચે રમાયેલી કેટલીયે રમતોના એક-એક ‘મૂવ’નો એ અભ્યાસ કરી ચૂકી હતી. કોલેજની આંતરિક રમતોમાં એ ઉન્નતની સામે હારી ગઇ હતી, તે વખતે ક્યાં-ક્યાં ભૂલ કરી બેઠી હતી એ પણ એણે તપાસી લીધું હતું. હવે એ પૂરેપૂરી આશ્વસ્ત હતી. 

સામે પક્ષે ઉન્નત પણ આત્મવિશ્વાસથી સભર હતો. એના જમાપક્ષે એક જ બાબત હતી. અહીં આવતાં પહેલાં પૂરાં દસ વર્ષ એણે મુંબઇમાં પસાર કર્યા હતાં. ત્યાં એની રમતને ધાર મળી હતી. મુંબઇ જેવા કોસ્મોપોલિટન સિટીમાં ઉન્નતને વધુ ‘પોલિશ્ડ’ ગેમ રમવાનો અવકાશ મળ્યો હતો. મહાસાગરની માછલીને અચાનક તળાવની માછલી સાથે હરીફાઇમાં ઊતરવાનું આવે તો એની જે માનસિક સ્થિતિ હોય તેવી જ ઉન્નતની હતી. 

સમયને વીતતાં ક્યાં વાર લાગે છે? બીજો દિવસ આવી ગયો. કોલેજના ઇનડોર સ્ટેડિયમમાં એક સુંદર જગ્યાએ ચેસબોર્ડ બિછાવી દેવામાં આવ્યું. સામ-સામે બે ખુરશીઓ હતી, બે મહારથીઓ હતા અને બે ભાગમાં વહેંચાયેલા ઝનૂની સમર્થકો હતા. લગભગ અડધો એક કલાક પસાર થઇ ગયો તે પછી રમતે નાજુક વળાંક લીધો. 

‘આ તને ચેકમેટ!’ કહીને તોરણે એનો વજીર છેક શત્રુની છાવણીના ઘર સુધી પહોંચાડી દીધો. છોકરીઓ હર્ષની ચિચિયારીઓ પાડી ઊઠી. ઉન્નત તણાવમાં આવી ગયો. બંને હાથ બે લમણાં ઉપર મૂકીને એ ચેસના પાટિયા ઉપર ઝૂકી ગયો. બંને પક્ષનાં તમામ રમકડાં ઉપર ત્રાટક કરતો હોય એમ જોઇ રહ્યો. 

ખાસ્સી એવી વાર પછી એણે પોતાનું ઊંટ ચલાવ્યું. સામેની છાવણીમાંથી પાછું ખેંચીને એણે ઊંટને પોતાના રાજા અને તોરણના વજીર વચ્ચે મૂકી દીધું. છોકરીઓ શાંત પડી ગઇ, છોકરાઓ ગર્જી ઊઠ્યા. 

‘ઓહ નો!’ તોરણ મનોમન વિચારી રહી, ‘જિનિયસ છે સાલો ઉન્નતિયો! પોતાનો રાજા બચાવી લીધો. મને એમ કે બાજી પૂરી થઇ જશે. કંઇ વાંધો નહીં, હવે હું મારા હાથીને રણમેદાનમાં ઉતારીશ.’ 

તોરણ આક્રમણના મિજાજમાં જ હતી. એણે પોતાનો હાથી ચલાવ્યો. ઉત્સાહના અતિરેકમાં એ થાપ ખાઇ ગઇ. ઉન્નતનો ઘોડો એના વજીરની આસપાસમાં ટાંપીને બેઠો હતો એ વાતનો એને ખ્યાલ જ ન રહ્યો. ઉન્નત કંઇ આવો મોકો ચૂકે? ચીલઝડપે પોતાના ઘોડાથી એણે તોરણનો વજીર મારી નાખ્યો. 

છોકરીઓમાં સન્નાટો પ્રસરી ગયો. તોરણની ગાઢ સખીઓ તો રીતસર રડવા માંડી. છોકરાઓએ ગગનભેદી પોકારો કર્યા. તોરણના ગુલાબી ગાલો પર શ્યામલતા છવાઇ ગઇ. એણે પોતાની આગલી ચાલ ચાલવા માટે સારો એવો સમય લીધો. 

ત્યાં જ કોણ જાણે ઉન્નતને શું સૂજ્યું કે એણે શર્ટના ખિસ્સામાંથી એક બંધ ‘કવર’ કાઢીને તોરણની સામે ધરી દીધું. તોરણે પૂછ્યું, ‘આ શું છે?’ 

‘ડોન્ટ વરી. એમાં ‘લેટર બોમ્બ’ નથી. એની અંદર માત્ર એક કાર્ડ છે. તારા માટે. હવે એક વાત તો નિશ્વિત છે કે તું હારી જવાની છે. તને દિલાસો આપવા માટે આ કોન્સોલેશન કાર્ડ અત્યારથી જ તને આપી રાખું છું. ઘરે જઇને વાંચજે. સારું લાગશે.’ ઉન્નતે કરપીણ વાર કર્યો. છોકરાઓ ઝૂમી ઊઠ્યા. 

તોરણ આવું ઘોર અપમાન સહન ન કરી શકી. એણે ઉન્નતના હાથમાંથી કાર્ડ ઝૂંટવી લીધું. પહેલો વિચાર તો એના મનમાં કાર્ડને ફાડીને એના ટુકડા ઉન્નતના મોં ઉપર ફેંકવાનો આવી ગયો, પણ પછી એને થયું કે એ હવે ઉન્નતને જબરદસ્ત લડત આપશે. રમતનું પાસું પલટાવી નાખશે. આ સ્પર્ધા જીતી બતાવશે અને પછી ઉન્નતનું જ કાર્ડ એના મોંઢા ઉપર મારશે. 

તોરણે કાર્ડને પોતાના પર્સમાં મૂકી દીધું. પછી આટલાં વર્ષોનો અનુભવ અને મહેનત ભેગાં કરીને રમતને આગળ ધપાવવાનું શરૂ કર્યું. એને ગુમાવેલા વજીરની ખોટ ખૂબ સાલતી હતી, પણ એ હવે જીવ પર આવી ગઇ હતી. સામા પક્ષે ઉન્નત હવે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને બેફિકરો બનીને રમતો હતો. પરિણામ જે આવવું જોઇએ તે જ આવ્યું. દસ જ મિનિટમાં બાજી પલટાઇ ગઇ. તોરણ જીતી ગઇ. ઓરડો છોકરીઓની કિલકારીઓથી ગુંજી ઊઠ્યો. છોકરાઓ સરકી ગયા. મેદાનમાં એક માત્ર પુરુષ હવે ઉન્નત બચ્યો હતો. તોરણે વિજેતાની ઘમંડભરી નજરથી એની સામે જોયું. પછી પર્સમાંથી કાર્ડ બહાર કાઢયું. ઉન્નતના મોં પર ફેંકર્યું, ‘માય કોન્સોલેશન્સ ટુ યુ! ઘરે જઇને નિરાંતે વાંચજે, સારું લાગશે!’ 

ઉન્નત ફિક્કું હસ્યો, ‘થેન્કસ, તોરણ, પણ આ કાર્ડ મારું હતું. એ તને અપાયેલું હતું. એકવાર વાંચી તો લેવું હતું...’ 

‘હજુ ક્યાં ખાટું-મોળું થઇ ગયું છે? લાવ, વાંચી લઉં!’ કહીને તોરણે તોફાની અદાથી કાર્ડ હાથમાં લીધું. પછી સહેલીઓ તરફ જોઇને એ હસી પડી, ‘લો, તમે પણ સાંભળો કે આ મહાન સકિંદરે આમાં શું લખ્યું છે! માય ડીયર તોરણ, તને ખબર નથી કે હું તને પ્રેમ કરું છું. મારે આ વાત તને સાદી રીતથી જણાવવી ન હતી. માટે આ માર્ગ પસંદ કરું છું. આ કાર્ડ તને એવા તબક્કે આપી રહ્યો છું જ્યારે રમતમાં મારી જીત પાક્કી થઇ ગઇ છે. પણ પ્રેમ એટલે માત્ર એટલું નહીં કે આપણને ગમતી વ્યક્તિને ‘આઇ લવ યુ’ કહેવું! પ્રેમ એટલે તો જિંદગીની હર એક રમતમાં પોતાની પ્રેમિકાને સામે ચાલીને જીતવા દેવી! અડધી બાજીએ જ તને અભિનંદન આપું છું. તોરલ, કોંગ્રેટ્સ ઇન એડવાન્સ’ તોરણે લખાણ વાંચવાનું પૂરું કર્યું, ત્યાં સુધીમાં ઉન્નત રવાના થઇ ગયો હતો. તોરણ મલકી રહી, ‘આઇ લવ યુ’ ઉન્નત! આજે તો તને જવા દીધો, પણ કાલે તારી વાત છે! 

-ડૉ. શરદ ઠાકર

Categories:

Leave a Reply