એક વખત હતો જ્યારે મારી ખુબજ બોલબાલા હતી. દરેકના ઘરના એક ખાનામાં હું હંમેશા માટે રહેતો હતો. હું એટ્લો બધો લોકપ્રિય હતો કે કેટલાય સમયેતો પોસ્ટ ઓફિસમાં મારી અછત થઈ જતી હતી, મારો રૂવાબ તે સમયે કાંઈ ઓર જ હતો. મારી સૌથી સારી બાબત તે હતી કે હું સૌથી સસ્તો હતો ગરીબ, તવંગર બધાનો હું પ્યારો હતો. હા કેટલીકવાર મને યોગ્ય સ્થળે પહોંચાળવામાં થોડી લાલિયાવાડી થતી હતી પણ એકંદરે હું બધાના દીલ ઉપર રાજ કરતો હતો. 

યાદ છે ને, તમારા ઘરમાં સારા-નરસા પ્રસંગે તમારા સ્વજનોને સંદેશો પહોંચાડવા હું હંમેશા તૈયાર રહેતો હતો. તમારી પૂત્રવધુના શ્રીમંતમાં અને તમારા લાડકવાયા દિકરાના દિકરાની બાધામાં તમે તમારા સ્વજનોને મારા માધ્યમથી જ જાણ કરી હતી. સાથે સાથે દૂ:ખદ પ્રસંગમાં પણ હું તમારી પડખે હતો તે પણ તમે કેમ ભૂલો છો…! પહેલા હું માત્ર પાંચ પૈસામાં તમારા માટે હાજર થઈ જતો હતો, સમય જતા જતા મારી કિંમત વધીને પંદર પૈસા થઈ ગઈ હતી અને હાલમાં જોરદાર મોંધવારીમાં હું માત્ર પચ્ચાસ પૈસામાં તમારા માટે હાજર થઈ જવું છે. એક વાતનો મને ખુબજ અફસોસ છે કે મારામાં તમે મર્યાદામાં રહીને લખાણ લખી શકો છો મારા આકાઓ ધ્વારા આ વીશે કોઈ ધરખમ ફેરફાર કર્યા હોત તો આજે મારો રૂવાબ કાંઈ ઓર જ હોત, પણ મારા આકાઓ ને કદાચ “અંતરદેશી પત્ર”માં વધારે રસ હતો કારણકે તેના પહેલા બે રૂપિયા ઉપજતા હતા અને હાલમાં પાંચ રૂપિયા ઉપજે છે. 

અત્યારે ભલે તમે બધા મને નજર અંદાજ કરો, પણ હજૂ પણ વિમા એજન્ટો સહિત કેટલાય વહેપારીઓનો હું ચહેતો છું. વિમા એજન્ટો તેમના ગ્રાહકોને વીમાના પ્રિમયમ ભરવાની તારીખ યાદ કરાવવા આજે પણ મારો જ ઉપયોગ કરે છે. કેટલાય મારા ચાહકો આજે પણ તેમના સારા-નરસા પ્રસંગોની જાણ તેમના સ્વજનને કરવા મારોજ ઉપયોગ કરે છે. હું તમારાથી દૂર થઈ ગયો છું પણ મારું અસ્તિત્વ આજે પણ કાયમ છે અને રહેશે. હાલમાં ઈન્ટરનેટ, એસ.એમ.એસ અને ઈ-મેલના યુગમાં મારે મારી લોકપ્રિયતા ટકાવવા મારે ખુબજ સંઘર્ષ કરવો પડે છે….ખેર હું , બધાને મર્યાદામાં રાખીને લખવા માટે જગ્યા આપું છું, એટલે હું પણ બહૂ નહી લખું, આટલું જ લખી હું વિરામ કરું છું સાથે સાથે અપેક્ષા રાખું છું કે, ભવિષ્યમાં તમે બહુ નહીતો ઓછામાં ઓછો વર્ષના વચલા દહાડે મને યાદ કરશો અને તમારા સારા નરસા પ્રસંગમાં મને સાથી બનાવશો

This Post From : આપણું ઉમરેઠ ચરોતરનો ઉંબરો

Categories:

Leave a Reply