પ્રાથમિક શિક્ષણનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર તથા રોજગાર મેળવવાનો અધિકાર-આ ત્રણ અધિકારો સમગ્ર એશિયામાં માત્ર ભારતમાં છે.

૧૯૪૫ પછી આઝાદ થયેલા જગતના તમામ દેશોમાં ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં લોકશાહી છેલ્લાં ૬૫ વર્ષથી સતતપણે ટકી રહી છે. આઝાદી સાથે ભારતના લોકોને પુખ્તવયે મતાધિકાર મળ્યો. મહિલાઓના મતાધિકાર માટે યુરોપના ઘણા દેશોમાં લોકોને લડત આપવી પડી હતી.

પાંસઠ વર્ષથી વધુ વયના લોકોએ રાજાશાહીના જુલમો જોયા હશે. ભારતના બીસ્માર્ક વલ્લભભાઇ પટેલે ગૃહમંત્રી તરીકે જરા પણ લોહી વહાવ્યા વિના ૫૬૩ દેશી રાજ્યોમાંથી રાજાશાહી ખતમ કરી આ વિસ્તારોને જનતંત્રના ભાગ બનાવ્યા.

સમુદ્ર મંથન, વિદ્યુત જોષી

કોઇ એક ચલચિત્રનો સંવાદ છે, ‘ સો મેંસે નીન્યાયનવે બેઇમાન, ફીર ભી મેરા ભારત મહાન.’ કવિ પ્રદીપે પણ પોતાની આજુબાજુની સ્થિતિ જોઇને ગાયું હતું, ‘આયા સમય બડા બેઢંગા, આજ આદમી બના લફંગા. કહીં પે ઝઘડા કહીં પે દંગા, નાચ રહા નર હોકર નંગા.’ ભારતમાં રસ્તા ખાડાવાળા, ગાય અને કૂતરાં રસ્તા પર હોય તેમની વચ્ચેથી વાહન ચલાવવાનું. વચ્ચે ટ્રાફિકવાળા રોકીને લાંચ માગે. એક બાજુ ‘રંગ મહેલોના ખૂની ભપકા’ તો બીજી બાજું ‘માકોરબાઇ રાંડેલી, કોડી કને ના દામ, લોકોનાં દળણાં દળતી રે, માગી ખાય રોટલો કરતી કામ.’ 

જગતના દેશોના વિકાસનો અભ્યાસ કરીને જે કોટીક્રમ બનાવ્યો તે માનવ વિકાસમાં બસો દેશોમાં ભારતનો ક્રમ ૧૩૭મો છે. ભારતમાંથી દર વર્ષે લાખો લોકો સ્વપ્નની દુનિયા (અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન) તરફ દોટ મૂકે છે. બીજી બાજુ છાપાઓમાં આવતા ભ્રષ્ટાચાર, લૂંટ, ખૂન, દાદાગીરી વગેરેના સમાચારોની વચ્ચે આપણને આ દેશની જિંદગી જીવવા જેવી નથી લાગતી. પરંતુ આપણે ભૂલી જઇએ છીએ કે માણસને કૂતરું કરડે તે વાત સમાચાર બનતી નથી, કૂતરાને માણસ કરડે તે સમાચાર બને છે. રોજબરોજ કરોડો લોકો સહકાર કરે છે, મદદ કરે છે, દયામાયા રાખે છે તે સ્વાભાવિક બાબત છે. તેથી સમાચાર બનતા નથી. આમ છતાં ‘છાપામાં આવ્યું તે સાચું’ માનીએ તો શું થાય તે જોઇએ.

એક જંગલમાં એક વાંદરાએ સૂતેલા સિંહને લાફો મારી દીધો. સિંહ જાગી જતાં ડરેલો વાંદરો નાસવા લાગ્યો. સિંહ પાછળ પડ્યો. ભાગતાં ભાગતાં વાંદરાને એક જૂનું છાપું મળ્યું. છાપું વાંચતો હોય તેમ છાપામાં મોઢું સંતાડીને બેસી ગયો. થોડી વારે ત્યાંથી પસાર થતાં સિંહે કહ્યું, ‘ભાઇ અહીંથી કોઇ વાંદરાને પસાર થતો જોયો?’ ગભરાયેલા વાંદરાએ સામું પૂછ્યું, ‘કોણ? પેલો સિંહને મારીને ભાગેલો તે?’ સાંભળીને સિંહ છોભીલો પડી ગયો. ‘એટલીવારમાં છાપામાં આવી ગયું?’ એમ કહેતાં એ પાછો ફરી ગયો.

પરંતુ આ બધી ખબરો, જાહેરખબરો, પ્રચારો અને કુપ્રચારોની વચ્ચે જરા શાંતિથી અને આપણા વાંકદેખા અભિગમને થોડીવાર બાજુ પર રાખીને જોઇશું તો ખ્યાલ આવશે કે બીજા ઘણા બધા દેશોની સરખામણીમાં આપણો દેશ જીવવા જેવો છે. કેટલીક હકીકતો જોઇએ.

‘ ૧૯૪૫ પછી આઝાદ થયેલા જગતના તમામ દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે અહિંસક રીતે સ્વાતંત્ર્ય હાંસલ કર્યું છે. બાકીના તમામ દેશોએ લોહિયાળ ક્રાંતિ કે આંદોલનથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું છે.

- ૧૯૪૫ પછી આઝાદ થયેલા જગતના તમામ દેશોમાં ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં લોકશાહી છેલ્લાં ૬૫ વર્ષથી સતતપણે ટકી રહી છે. આઝાદી સાથે ભારતના લોકોને પુખ્તવયે મતાધિકાર મળ્યો. મહિલાઓના મતાધિકાર માટે યુરોપના ઘણા દેશોમાં લોકોને લડત આપવી પડી હતી.

- પાંસઠ વર્ષથી વધુ વયના લોકોએ રાજાશાહીના જુલમો જોયા હશે. ભારતના બીસ્માર્ક વલ્લભભાઇ પટેલે ગૃહમંત્રી તરીકે જરા પણ લોહી વહાવ્યા વિના ૫૬૩ દેશી રાજ્યોમાંથી રાજાશાહી ખતમ કરી આ વિસ્તારોને જનતંત્રના ભાગ બનાવ્યા.

- ભારત જેટલી ભાષાઓ, કોમો, સંપ્રદાયો, સંસ્કૃતિઓ અને જ્ઞાતિ-વૈવિધ્ય ધરાવતો દેશ બીજો કોઇ નથી. આટલી બધી સંકુલતા ધરાવતો દેશ આંતરિક યુદ્ધોમાં ફસાયો નથી. (કેનેડા ભાષાયુદ્ધમાં અને અમેરિકામાં કાળા-ગુલામો અને ગોરા-માલિકોના પ્રશ્ને યુદ્ધમાં ફસાયા હતા, આપણા દેશમાં બંધારણમાન્ય ૨૯ ભાષાઓ, ૨૦૦૦ જેટલી બોલીઓ, ૩૦૦૦ ઉપર જ્ઞાતિઓ, ૧૦ મુખ્ય ધર્મો, ૧૦૦ ઉપર સંપ્રદાયો, અનેક સાંસ્કૃતિક વૈવિધ્ય હોવા છતાં એકબીજાને સહન કરી લેવાની પ્રજાની સમજણે સહઅસ્તિત્વ ટકાવી રાખ્યું છે.

- સ્વાતંત્ર્ય પહેલાં અંગ્રેજોના કાનૂન ઉપરાંત ૫૬૩ દેશી રાજ્યોના કાનૂન, દરેક જ્ઞાતિ અને સંપ્રદાયના નિયમો વગેરેને આપણી બંધારણસભાએ વિલીન કરી દઇને ભારતના દરેક નાગરિક માટે સમાન કાનૂન વ્યવસ્થા આપી. એ. રાજા અને કનિમોઝીને જેલ ભેગાં આ કાનૂન હેઠળ કરી શકાય છે. ઘણા સરમુખત્યારશાહી કે રાજાશાહી દેશોમાં આ શક્ય નથી.

- આ દેશે આપેલાં વ્યક્તિસ્વાતંત્રયો અસીમ છે. એક યુવાન જ્ઞાતિની બહાર અને જ્ઞાતિપંચોની વિરુદ્ધ જઇને લગ્ન કરે તો દેશનો કાયદો તેને રક્ષણ આપે છે. સ્ત્રીઓએ લાજ કાઢવી કે બુરખો પહેરવો તેવી ફરજ રાજ્ય પાડતું નથી. તમારાં બાળકને પ્રાથમિક શાળામાં ભણાવવું તે રાજ્યની ફરજ છે. રાજ્યને પોતાનો કોઇ ધર્મ નથી. નાગરિક ઇચ્છે તે ધર્મ પાળી શકે છે અને બદલી પણ શકે છે. આવું જ વ્યવસાય અપનાવવા બાબતમાં છે. એક રાજ્યની વ્યક્તિ બીજા રાજ્યમાં જઇ વ્યવસાય કરી શકે છે.

- ભારતમાં જીવનગુજારો પ્રમાણમાં સસ્તો છે. અહીં લોકપીણું ચા પાંચ રૂપિયે કટિંગ હજી મળે છે. લંડનના હીથરો એરપોર્ટ પર એક કપ ચાના ચારસો રૂપિયા છે. અલબત્ત મોન્ટેકસિંહે કહ્યું તેમ ૩૨ રૂપિયામાં એક વ્યક્તિને એક દિવસનું ભોજન મળતું નથી, પરંતુ લઘુતમ વેતન જે ૧૪૦ રૂપિયા છે તેમાં એક નાના કુટુંબનો ગુજારો થઇ શકે છે. સવાલ કેટલા રૂપિયા કમાવાય છે તેનો નથી. સવાલ કેટલા રૂપિયામાં પૂરું થાય છે તેનો છે. આ બાબતમાં ભારતની મોંઘવારી પ્રમાણમાં ઓછી છે.

- બીજા દેશોના પ્રમાણમાં ભારતમાં ચીજવસ્તુઓના ઉત્પાદનનો ખર્ચ ઘણો ઓછો છે. લોખંડ, સિમેન્ટ, ખાતર, એલ્યુમિનિયમ, ટપાલ, કમ્પ્યૂટર, મોબાઇલ, તબીબી સારવાર, શિક્ષણ વગેરે બાબતો ભારતમાં જેટલા સસ્તા દરે પ્રાપ્ત થાય છે, તેટલા પ્રમાણમાં જગતમાં બીજે ક્યાંય થતી નથી.

- પ્રાથમિક શિક્ષણનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર તથા રોજગાર મેળવવાનો અધિકાર-આ ત્રણ અધિકારો સમગ્ર એશિયામાં માત્ર ભારતમાં છે.

- ભારતમાં જમીન-વસ્તીનું પ્રમાણ સારું નથી. ગીચતા છે. કેનેડામાં પાંચ કરોડની વસ્તી અને આપણા કરતાં અઢી ગણી જમીન છે. ચીનમાં આપણા કરતાં થોડી વધુ વસ્તી અને લગભગ બમણી જમીન છે. ઓસ્ટ્રેલિયામાં બે કરોડ ઉપર વસ્તી અને આપણા કરતાં વધારે જમીન છે. પરંતુ ખેડાઉ જમીન અને ખનીજથી ભરપૂર જમીન આ બધા દેશો કરતાં ભારતમાં વધારે છે.

- ભારતમાં મુસલમાનોની વસ્તી ઇન્ડોનેશિયા પછી સૌથી વધુ ભારતમાં છે. અહીં લઘુમતીને જે સ્વાતંત્ર્ય મળે છે તે જે તે ધર્મ આધારિત દેશોમાં પણ મળતું નથી.

- ભારતની રેલવે જગતની સૌથી મોટી અને સસ્તી રેલવે છે. રોજ ૭૫૦૦ સ્ટેશનો ઉપર ગાડીઓ દોડે છે. રોજ એક કરોડથી વધુ લોકો પ્રવાસ કરે છે. આ સિદ્ધિથી આપણે હરખાતા નથી, પરંતુ વરસના વચલા દહાડે અકસ્માત થાય ત્યારે ‘તંત્ર બગડી ગયું છે’ કહી ગાળો દઇએ છીએ.

- જગતનું સૌથી મોટું ટપાલખાતું આપણું છે. દોઢ લાખ જેટલી પોસ્ટ ઓફિસો છે. માત્ર ૫૦ પૈસાના ટપાલખર્ચમાં આજે પણ પોસ્ટ કાર્ડ દ્વારા સમાચાર મોકલી શકાય છે. નાના માણસોની સૌથી વધુ બચતો (નાની બચત) આપણી પોસ્ટ ઓફિસોમાં સુરક્ષિત રીતે સચવાયેલી છે.

- તમે કોઇ અજાણ્યા ગામમાં જાઓ તો તમે લૂંટાઇ જતા નથી. સરનામું પૂછો તો લોકો મૂકવા આવે છે. અજાણ્યા હો તો તમારા રહેવા-જમવાની વ્યવસ્થા થઇ જાય છે. નાઇજિરિયા કે બ્રાઝિલ જેવા દેશોમાં બહારના લોકો સરેઆમ લૂંટાય છે. તેમને કોઇ મદદ મળતી નથી.

- અમેરિકામાં દર ત્રણ લગ્ને એક છુટાછેડામાં પરિણમે છે. કેટલાક ધર્મ આધારિત દેશોમાં સ્ત્રીઓ માટે લગ્નજીવન દોહ્યલું છે. ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ત્રણ ટકાથી ઓછું છે. આ બધું ક્યાંય સુધી ગણાવતાં રહી શકાય. પરંતુ મૂળ સવાલ આપણા વાંકદેખા મનને બદલવાનો છે. દેશે જે કાંઇ છે તે આપણે જેવા છીએ તેનું પ્રતિબિંબ છે. આપણે જ્યારે ‘આ દેશ રહેવા જેવો નથી’, અથવા ‘બધું બગડી ગયું છે’ તેમ કહીએ છીએ ત્યારે આપણે એ સ્થિતિનો એક ભાગ છીએ, અલગ નથી, તેમ સમજવું રહ્યું.

From : www.divyabhaskar.co.in

Categories:

Leave a Reply