નૂતનવર્ષાભિનંદન

(૧) સંસ્કારિક અખંડતાનું સંરક્ષણ ... 


(૧) સંસ્કારિક અખંડતાનું સંરક્ષણ ... 

આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માણો કે બીજાં રાષ્ટ્રોનાં બીબામાં આપણને બળજબરીથી ઢાળવાનું હંમેશાં અશક્ય જ રહ્યું છે. હું બીજી જાતિઓની સંસ્થાઓને તિરસ્કારતો નથી; એ સંસ્થાઓ તેમને માટે હિતકર છે, આપણે માટે નથી. આજની પાશ્ચાત્ય જીવનપ્રણાલી પાછળ ભિન્ન પ્રકારનાં વિજ્ઞાનો, સંસ્થાઓ, અને રૂઢિઓ રહેલાં છે. આપણી પાછળ પણ આપણી રૂઢીઓ અને હજારો વર્ષોનાં કર્મો છે. એટલે આપણું પણ એક આગાવું લક્ષણ છે, અનોખો ચીલો છે. આપણે તો તેને જ અનુસરવાનું છે અને એ આપણે કરવું જ પડશે. 

આપણે યુંરોપવાસીઓ બની શકવાના નથી ને તેથી પશ્ચિમનું અનુકરણ કરવું નકામું છે. યુરોપવાસીઓનું અનુકરણ કરવું શક્ય હોય એમ માણો તો પણ એ અનુકરણથી તમારામાં રહેલું જીવંત તત્વ તો ચાલ્યું જ જશે, તમે જાળવત જ બની રહેશો. સમયના પ્રારંભમાં દૂરસુદૂર જેનું મૂળ છે એવું નિર્ઝર માનવ ઇતિહાસના લાખો યુગોને આપ્લાવિત કરતું વહેતું આવે છે, તમે તેના પર કાબૂ મેળવી તેને પાછું તેના મૂળ તરફ – હિમાલયની ખીણમાં વહાવી દેવા ધારો છો ? એ શક્ય હોય તો પણ આચારવિચારમાં સંપૂર્ણ તથા યુરોપીય થઇ જવાનું તમારાથી બની શકવાનું નથી. થોડીક જ સદીઓથી પ્રાપ્ત થયેલી જે કાંઈ સંસ્કૃતિ પશ્ચિમમાં છે તેને ફગાવી દેવાનું જો યુરોપવાસીઓ માટે અશક્ય છે એમ તેમને લાગતું હોય તો કેટલીય ઉજ્જવલ શતાબ્દીઓથી પ્રાપ્ત થયેલી સંસ્કારિતાને ફગાવી દેવાનું શું તમારાથી બની શકશે ? તેમ થઇ શકે એમ નથી. તેથી ભારતવર્ષને યુરોપીય બનાવવાનો પ્રયત્ન અશક્ય અને મૂર્ખાઈભાર્યો છે. 


ભારતમાં આપણા માર્ગ આડે બે મોટામાં મોટા અંતરાયો છે – પુરાણમતવાદનો ભસ્માસુર અને આધુનિક યુરોપીય સંસ્કૃતિનો નરકાસુર. આ બેમાંથી જો કોઈને પસંદ કરવાનો હોય તો હું પુરાણમતવાદને પસંદ કરું, આધુનિક યુરોપીય સભ્યતા નહિ. કારણ કે, પુરાણમતવાદી રૂઢીચુસ્ત માણસ કદાચ અજ્ઞ હશે, રીતભાતમાં બહુ સભ્ય કદાચ ન પણ હોય, પરંતુ એ મનુષ્ય તો હશે જ. એનામાં શ્રધ્ધા હશે, શક્તિ હશે, એ પોતે પગભર રહી શકતો હશે; જ્યારે યુરોપીય સભ્યતાનું અનુકરણ કરનારને તો મેરુદંડ જેવું કશું જ નહિ હોય. ફાવે ત્યાંથી ગમે તેમ ભેગા કરેલા વિસંવાદી વિચારોના શંભુમેળા જેવો જ એ હશે – અને એ વિચારો પણ આત્મસાત કરેલા, પચાવેલા નહિ હોય. તે પોતે પગભર થઇ શકતો નથી; એનું મન પણ અસ્થિર સ્થિતિમાં જ હોય છે. એનાં કાર્યની પ્રેરકશક્તિ – ધ્યેય ક્યા છે ? પાશ્ચાત્ય લોકો વડીલની અદાથી ‘વાહવાહ’ કહીને પીઠ થાબડે એટલે થયું. એ જ એમનાં કાર્યોનું પ્રોત્સાહક ને પ્રેરક બળ. આપણી કેટલીક રૂઢિઓને અનિષ્ટ શા માટે ગણવામાં આવે છે ? કારણ એટલું જ કે, યુરોપવાસીઓને મન એ ખરાબ છે. હું એ સ્વીકારી લેવા તૈયાર નથી. તમે આપ કર્મી બની જીવતાં અને મારતાં શીખો. જગતમાં જો કોઈ પાપ હોય તો તે નિર્બળતા જ છે. સર્વ પ્રકારની નિર્બળતા દૂર કરો, કરણ કે એ જ પાપ છે. એમાં જ આપણું મૃત્યુ છે. આ અર્ધદગ્ધ લોકોનું વ્યક્તિત્વ હજુ ચોક્કસ સ્વરૂપ ધારણ કરી શક્યું નથી. આપણે એને કયે માને ઓળખીશું ? પુરુષ, સ્ત્રી કે જાનવર ? આપણા પુરાણમતવાદી ઘરડેરાઓ પોતે જે માનતા તેમાં અડગ હતાં ને માણસ તો હતાં જ .... 
(રા.જ. ૪-૦૮/૫ -‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ પૃ.૮૩-૮૫) 

(૨) બે માળી ... 

એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતાં હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઇ હાથ જોડીને કહેતો : ‘મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!’ અને એમ કહીને તેની સમક્ષ એ નાચવા લાગતો. બીજો માળી ઝાઝું બોલતો નહી પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ ને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાને માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો. આ બે માળીઓમાંથી ક્યોમાલી તેના માલિકને વધારે પ્રિય હશે ? 

ભગવાન એ માલિક છે અને આ જગત તેનો બગીચો છે. બે પ્રકારના માળી અહીં હોય છે: એક આળસુ અને કપટી માળી છે જે કંઈ કામ કરતો નથી, પરંતુ કેવળ ભગવાનનાં સુંદર નેત્રો, નાક અને બીજા અંગોના વર્ણન કાર્ય કરે છે; જ્યારે બીજો માળી દીનદુખિયાં અને દુર્બળ સંતાનો, સર્વજીવજંતુઓ, અરે, તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે. 

ભગવાનનો આ બેમાંથી વધારે વ્હાલો કોણ હશે? અવશ્ય, તે જ કે જે ભગવાનનાં સંતાનોની સેવા કરે છે. જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ, તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે એ તેના શ્રેષ્ઠ સેવકો-ભક્તો છે. 

(રા.જ. ૧૧-૦૮/૩૯૦/૭૨)

Posted By :  Ashokkumar Desai

Categories:

Leave a Reply