દસ લાખના હીરાની ડિલિવરી લઇને એક પાર્ટી આવતી કાલે સાંજના છની બાંદ્રા એક્સપ્રેસમાં સૌરાષ્ટ્ર તરફ જઇ રહી છે.’ 

પબમાં પૂરા જોરશોરથી પાર્ટી જામી હતી. ડાન્સ ફ્લોર પર યંગ કપલ્સ મસ્તીથી ઝૂમી રહ્યા હતા. વેસ્ટર્ન ધૂનના અસહ્ય ઘોંઘાટથી દૂર જઇને જેકબ ગાર્ડનમાં અલાયદા ટેબલ પર બેઠો.જેકબ પોકેટમારની દુનિયાનો બાદશાહ હતો. એની આંગળીઓમાં એવો જાદૂઇ કસબ હતો કે ગમે તેવા ઉસ્તાદનું ખિસ્સુ હળવું કરી નાખતો. ખૂબ જ સરળતાથી એ પાકીટ સેરવી લેતો. એની આ કાબેલિયતના કારણે એને ક્યારેય શિકાર શોધવાની જરૂર પડતી નહીં. એને સામેથી જ બીજી ગેંગના પોકેટમારો તરફથી તગડા શિકારના હવાલા મળી રહેતા હતા. જો કે મામૂલી માણસોનાં ખિસ્સે એ કદી હાથ નાખતો પણ નહીં. 

બાર કાઉન્ટર પર બિયરની ચુસ્કીઓ ભરતાં જેકબે રિસ્ટવોચમાં જોયું તો રાત્રિના નવ થવામાં હતા. બિયર પૂરો કરી એણે સિગાર સળગાવી. ત્યાં જ એના મોબાઇલમાં ફોન આવ્યો, ને ફિલ્મી ધૂન ગૂંજી રહી. સિગાર એશ ટ્રેમાં મૂકી જેકબે ડિસ્પલેમાં જોયું. કોઇ અજાણ્યો નંબર હતો. છતાં કોલ રિસીવ કરતાં એ બોલ્યો, ‘હલ્લો કોણ..?’ 

‘ટાઇગર ગેંગનો પુરી બોલું છું. લ્યો, ભાઇને આપું છું.’ ‘હલ્લો જેકબ! એક મોટો હવાલો તને આપવાનો છે. બોલ, છે વિચાર?’ ‘મોટો હવાલો? શું વાત છે?’‘હા... એન્ટવર્પથી આવેલા દસ લાખની કિંમતના ડાયમંડની ડિલિવરી લઇને એક પાર્ટી-નામ પરેશકુમાર આવતી કાલે સાંજના છની બાંદ્રા એક્સપ્રેસમાં સૌરાષ્ટ્ર તરફ જઇ રહી છે. એની પાસેથી ડાયમંડ સેરવી લેવાના છે. પાર્ટી બહુ એલર્ટ છે. તારા સિવાય બીજો કોઇ આ કરી શકે તેમ નથી.’ ‘એ કેવી રીતે..?’ 

‘જેકબ! એની માહિતી મેં મેળવી છે. ટ્રેનમાં એણે રિઝર્વેશન લીધું છે. એ.સી. કોચ સાતમાં બર્થ નંબર ચોવીસ અને પચ્ચીસ મેં બુક કરાવી છે. જેના પર તારે પુરીના નામે મુસાફરી કરવાની અને રાત્રિની સફરમાં સવાર પડતાં તારે કામ તાવી દેવું પડે, કારણ કે એ અમદાવાદ ઉતરી જવાનો છે.’ 

‘શિકારની ઇન્ફર્મેશન તો બરાબર સાચી છે ને?’ 

‘અરે, ટાઇગરના રિપોર્ટમાં કહેવું ન પડે.’ 

‘ઓ.કે. તો બોલો વહીવટનું કેમ કરવાનું છે?’ 

‘કેમ કરવાનું શું હોય? આપણો જે રેશિયો ચાલે છે એ જ. બોલ, રેલવેની ટિકિટ ક્યાં મોકલું?’ 

‘સવારે દસ પછી મારા ઘરે.’ 

કહીને જેકબે ફોન કટ કર્યો. જોયું તો એશ ટ્રે પર મૂકેલી સિગારેટ બૂઝાઇ ચૂકી હતી. એણે બીજી સિગારેટ સળગાવી... ને નીકળી પડ્યો. ઘર તરફ. 

*** 

સાંજના જેકબ સ્ટેશન પર આવ્યો. ઇન્કવાયરીમાં તપાસ કરતાં જાણ્યું તો બાંદ્રા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર બે પર ઉપડવાની તૈયારીમાં હતી. જેકબ તેની એરબેગ ખભે નાખતાં ઝડપથી પ્લેટફોર્મ નંબર બે પરની સીડી ઉતરી રહ્યો ત્યાં વ્હીસલ વાગી. એ ભીડ હોવા છતાં દોડીને ટ્રેનના એ.સી. કોચ સાતમાં ચડી ગયો. કોચનો ટી.સી. એને બર્થ બતાવી ગયો. બર્થ પચ્ચીસ પર બેગ નીચે મૂકીને એ હાશ કરતો બેઠો. સામેની બર્થ પર ટાઇગરના કહેવા પ્રમાણે એક ઘઉંવર્ણો યુવાન ઓશીકે એક બ્લેક કલરની એટેચી મૂકીને ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. 

એક હળવા આંચકા સાથે ટ્રેન શરૂ થઇ અને પેલા યુવાન પરેશકુમારે જેકબ સામે નજર કરી. જેકબે તુરત જ સ્મિત કરતાં કહ્યું, ‘ભાઇ, ગજબની ભીડ છે. પ્લેટફોર્મ પર દોડીને માંડ પહોંચાયું.’ 

‘વેકેશન અને લગ્નની મોસમ છે ને, એથી ભીડ તો રહેવાની.’ કહીને પરેશકુમારે પુન: ન્યૂઝપેપર વાંચવા માંડ્યું. જેકબે પુન: સવાલ કર્યો, ‘પરેશકુમાર, તમે અમદાવાદ સુધી જ જવાના છો?’ પેલો ચોંકીને ઊભો થઇ ગયો. 

‘તમે મારું નામ અને હું અમદાવાદ જવાનો છું એ કેમ જાણ્યું?’ 

જેકબે તુરત જ ભૂલ સુધારી લેતા કહ્યું, ‘રિઝર્વેશન ચાર્ટમાં મેં જોયું હતું.’ 

‘હા એ બરાબર’ કહીને પરેશકુમાર હસી રહ્યો. ટ્રેનની તેજ રફતાર સાથે થોડીવારમાં બંને વચ્ચે મૈત્રી જેવું જામી ગયું. બંનેએ પેન્ટ્રી કારમાંથી નાસ્તો મંગાવ્યો. નાસ્તો કરીને સિગારેટ પીતાં પીતાં વાતો કરીને થાક્યા ત્યારે ડીમ લાઇટ કરીને સૂતા. કમ્પાર્ટમેન્ટમાં એ બે જ જણા હતા. જેકબ સૂવાનો ડોળ કરતો બર્થ પર લંબાવીને જાગતો રહ્યો, પણ પરેશકુમાર થોડીવારમાં નસકોરાં બોલાવતો જામી ગયો. એ સાથે જ જેકબે એનું કામ ચાલુ કર્યું. 

પરેશકુમારના કહેવાતા સામાનમાં કેનવાસનો થેલો, એના ખિસ્સાં, પોકેટ, બૂટ બધે હાથ ફેરવ્યો પણ ટાઇગરે જણાવેલા ડાયમંડ્સ મળ્યા નહીં. એક એટેચી જ ચેક કરવાની બાકી હતી પણ એટેચી પરેશના ઓશીકે હતી.ત્યાં જ પરેશ ઊઠ્યો. ઊભો થઇને ટોઇલેટમાં ગયો. જેકબે તુરત જ એની માસ્ટર કી વડે એટેચી ખોલીને ચેક કરી લીધું પણ ડાયમન્ડ્સને બદલે એને નિરાશા જ મળી. હવે પરેશ પાસે ડાયમન્ડ્સ હશે કે કેમ એ શંકા કરતો સાથે સાથે ટાઇગરને મનોમન ભાંડતો, મોડી રાત્રે એય જામી ગયો. તે છેક વહેલી સવારે પરેશે એને જગાડ્યો,‘એઇ... જેકબ સાહેબ! ઊઠો અમદાવાદ આવ્યું.’જેકબ જાગી ગયો. એણે જોયું તો પરેશ સામાન ઠીક કરીને બેઠો હતો. 

શિકારમાં પહેલી વખત નિષ્ફળ થયેલા જેકબે સંપૂર્ણ સાચી હકીકત પરેશને જણાવીને અંતે પૂછ્યું,‘મિ. પરેશકુમાર! આજે જીવનમાં હું પહેલીવાર નિષ્ફળ ગયો છું. પણ હવે મને એટલું તો બતાવો કે ડાયમંડ તમે ક્યાં છુપાવ્યા છે. પ્લીઝ...’ 

ત્યારે પરેશ બોલ્યો, 

‘દોસ્ત, હું પણ પહેલાં તારા જેવો જ કસબી હતો. તે મારું નામ અને અમદાવાદની વાત મને પૂછી ત્યારથી જ હું જાણી ગયો હતો કે તારો ઇરાદો શું છે. તેથી રાત્રે સૂતા પહેલાં તું ટોઇલેટમાં ગયો ત્યારે ડાયમંડ્સનું પેકેટ મેં તારી બર્થ નીચે મૂક્યું હતું અને તું આખી રાત મારી બર્થ વીખતો રહ્યો અને અત્યારે તું સૂતો હતો ત્યાં પેકેટ લઇ લીધું. જો આ રહ્યું.’ 

પરેશે પેકેટ ખોલ્યું. ડાયમંડ્સના ચળકાટમાં જેકબ અંજાઇ રહ્યો. એક આંચકા સાથે ગાડી ઊભી રહી. ‘બાય’ કરતો પરેશ ઊતરી ગયો.‘ 

kalash@guj.bhaskarnet.com

Categories:

Leave a Reply